આ વગડાનો છોડ
આ વગડાનો છોડ
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર
પ્રસન્ન ચિત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું,
જોડાયા તારને થયો ઝણઝણાટ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમ કરી ખીલવ્યાં ફૂલો ?
ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
બહું ઠંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપ્યા ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ,
બોલ હવે મોટો તું છે કે !
આ વગડાનો છોડ ?
ને હાથ જોડી હું શરમાયો,
સુણી પ્રભુનો તોડ,
જય જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી,
જઈશ પ્રભુની પાસ,
દીધી દાતાએ શક્તિ તનમને,
ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ,
થાશું પ્રભુ ચરણે યશભાગી.