Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Tragedy Classics Inspirational

5.0  

Dilip Ghaswala

Tragedy Classics Inspirational

પથરો

પથરો

4 mins
610


એક સ્ત્રી તરીકે મેં જ્યારે જન્મ લીધો ત્યારે...મારું કુટુંબ ખુશ ન હતું..સિવાય કે મારી બા..હા મારી મા ને હું બા કહેતી. મમ્મી કે મોમ કહેવાની ત્યારે ફેશન ન્હોતી આવી..કોઈ "બા" કહેતું તો કોઈ "ભાભી" કે "મોટી બેન" પણ મા ને કહેતું.


મારો જન્મ કોઈ મોટી હોસ્પિટલમાં નહિ પણ ગામના આરોગ્ય કેન્દ્રમાં થયેલો..મારી દાદી ને બા ચાલતાં જ જઈને હોસ્પિટલ માં દાખલ થઈ ગયેલા..અને મારી પ્રસૂતિ પણ કોઈ ગાયનેક ડોકટરે નહિ પણ એક સામાન્ય જેવી કોઈ નર્સ એ કરાવેલી. જેવો મારો જન્મ થયો એટલે નર્સ બોલી ઉઠી ; "અભિનંદન લક્ષ્મીજી પધાર્યા છે.." એમ કહી મને બા ના ખોળામાં માં મૂકી ચાલી ગઈ...દાદી મોં બગાડીને બોલ્યાં, " મૂઈ રાંડ !! પથરો આવ્યો..!"

કહી હોસ્પિટલમાંથી નીકળી ગયા..બાપુજી એ જેવું સાંભળ્યું કે પથરો આવ્યો છે તો એ પણ મને જોવા નહિ આવ્યાં. એક મારી બા મને છાતી સરસી ચાંપી પ્રથમ વાર પય પાન કરાવ્યું. બા ને હું ત્રીજી દીકરી એક દીકરો..દાદી ને બે દિકરી બે દીકરા જોઈતા હતાં...પણ કુદરતને તે મંજૂર નહોતું ને હું જન્મી.."પથરો" બની.


અને હું મારા ઘરમાં દાદી બાપુની અનિચ્છાએ પણ ઘરે આવી. અને મારો ઉછેર શરૂ થયો..એમાં પણ સ્ત્રી જાતિ હોવાને લીધે અન્યાય સહન કરવાનો આવ્યો..હું સૌથી નાની એટલે મારું નામ જ નાની પડી ગયું હતું..દાદી એ કહ્યું હતું કે એને સરકારી શાળામાં જ ભણવા મૂકવી. કારણ કે સ્ત્રીઓએ ભણી ને શું કામ છે? આખરે તો ચૂલો પાણી જ કરવાનું છે ને..વાંચતા લખતા આવડે તો બહુ છે...આવી વિચારધારા હતી મારા કુટુંબની. મારા ભાઈએ મોટા સાહેબ બનવાનું એટલે એણે અંગ્રેજી શાળામાં ભણવાનું..અમારે ફરજિયાત નાનપણથી જ રસોઈમાં મદદ કરવાની..કચરો પોતા પણ હું નાના નાના હાથે કરતી.


નીસા પર ચટણી વાટવા મૂકેલો પથરો માંડ મારા હાથમાં આવતો ને...કોથમીરના કૂણાં પાન હું પથ્થર વડે કચરતી..અને હું વિચારતી કે "હું ? પથરો ? કોથમીર ધોયેલા પાણી નીચે માટી રહી જતી.

ધીરે ધીરે મારી ઉમર વધતા દાદીના પ્રેમમાં પરિવર્તન થયું..દાદીનો પ્રેમ એટલે એમણે વાળેલી ઘુઘરાની ઝીણી કોર..હું ક્યારેક અમારા ઘરના ગોખલાના પથરાને પારિજાતથી ઢાંકી દેતી..કોઈપણ પથરા ને જોઈ મને એમાં મારું પ્રતિબિંબ દેખાતું.


શિયાળાની રાત હોય ત્યારે દાદીની કમર બહુ જ જકડાઈ જતી ત્યારે હું ગરમ ગરમ કાકડાથી એમને શેક કરી આપતી હતી. અને બદલામાં હું એમની પાસે વાર્તા સાંભળતી.

દાદી જીવન લક્ષી વાતો એમની અનુભવ વાણીમાંથી કહેતા મને..મને માથામાં તેલ નાખતાં જાય અને પછી વાતો નો ખજાનો ખોલે... એ કહેતા ; " સ્ત્રીનું રિસાઈ જવું બે મુદ્રા ધારણ કરે છે કુંપળ મુદ્રા ને કંટક મુદ્રા...કુંપળ મુદ્રાનો સંબંધ રાધા સાથે છે..કંટક મુદ્રાનો સંબંધ કૈકેયી સાથે છે.. રાધાનું રિસાઈ જવું નિર્દોષ અને કુમળી કુંપળ જેવું હોય છે..જ્યારે કૈકઈ નું રિસાઈ જવું એટલે ક્રોધ ભવનનું નિર્માણ..એમાં દશરથ રાજા ને નમાવવાની ગણતરી હોય છે..જિંદગીમાં કેમ ખીલી ઉઠવું તે વૃક્ષ પાસેથી શિખજે..કેમ ટહુકી ઉઠવું તે કોયલ પાસેથી શીખજે..કેવી રીતે થનગની ઉઠવું તે મોર પાસે શિખજે..કેમ જીવી જવું તે પતંગિયા પાસેથી શીખી લેવાનું.."

વાર્તા પૂરી થાય એટલે દાદી એમના બોખા દાંત વગરના મોં થી હસતાં હસતાં કહેતા ," મૂઈ રાંડ....!!! કેટલી ડાહી છે તું...પથરો થઈ કેમ જન્મી..!!!?


દોરડાના એક એક કૂદકે હું ઊંચી થતી ગઈ અને દાદી વાંકા અને નીચા વળતા ગયાં. એક દિવસ રમતા રમતા મને લોહી વહેવા માંડ્યું...હું દોડી અને દાદીને કહ્યું ," લોહી લોહી દાદી લોહી નીકળે છે..." અને દાદી એ જ મને સમજાવ્યું કે હવે હું રજસ્વલા બની છું..સ્ત્રીનો એક મહત્વનો મુકામ.


હવે હું સાડી પહેરવા માંડી હતી...પહેલીવાર સાડી પહેરી દાદી ને બતાવવા ગઈ તો દાદી ખાંસતા ખાંસતા બોલ્યાં ," નાની !!! તને સાડી શોભે છે હોં..!!" અને મેં જોયું એમની તરફ તો પથારી માં સૂતેલા હાડકાં ના માળા જેવા શરીરને અડી ને તો પહેલીવાર જાતે પહેરેલી સાડીનો પાલવ ફરફર હસતો હતો દાદી તરફ.

બા મને કાયમ કહેતી કે; " તું દાદી જેવી જ લાગે છે...બેઠી તું દાદી પર જ ગુણમાં ને દેખાવમાં પડી છે..દાદીની ખુબ સેવા કરજે..હું પણ શરમ રાખ્યા વગર દાદી ને રોજ નવડાવી...એમના સફેદ વાળમાં તેલ નાખી આપતી, જેમ એ મને કરતા હતા તેમ જ..સ્પંજ કરતા ખ્યાલ આવ્યો કે એમનું શરીર હવે ગળતું જાય છે..ધોળા વાળમાંથી હું જુ કાઢતી અને માર્યા વગર જ બારીમાંથી બહાર ફેંકી દેતી હતી... એ પણ દાદી એ જ શીખવેલું..બા મને કહેતી ," કે તારા દાદી જૂના જમાનાના છે.. એ સ્ત્રી વિરોધી નથી..પણ એ જ્યારે જુવાન હતાં ત્યારે એમને પહેલી દીકરી જ જન્મેલી પણ એકવીસ દિવસ જીવેલી અને એને મીઠું નાખી ને દાટી દીધી હતી..ત્યારથી મગજમાં દીકરીનો અવતાર સારો નહિ એવું ઘૂસી ગયેલું હતું..અને તારી જગ્યા એ દીકરો ઇચ્છતા હતાં...પણ તું આવી એટલે જરા દુઃખ થયેલું.."


અને હું દાદીનું મળ ભરેલું ટબ લઈ દાદર ઉતરતી હતી ને દાદીમાની આંખમાં અપરાધ ભાવ મેં વાંચ્યો..હું કંઇક કહું એ પહેલાં જ બા બોલ્યા ;"પથરો પથરો કહેતા હતાં ને??! તો એ જ કામ લાગે છે ને ?" 


ટબમાં નું મળ ઠાલવતી વખતે મારે શ્વાસ રોકવાની જરૂર નહોતી પડતી.. મેં ટબ ખાલી કર્યું ને ફ્લશ ચાલુ કર્યું ને અવાજ આવ્યો ખળ ખળળ...પાણીમાં ફ્લશ...!

હવે તો આજના જમાનામાં પથરા જન્મી પણ નથી શકતાં.... જન્મે એ પહેલાં જ.. ખળ ખળળ... ફ્લશ..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy