વેરાન રણની કાજુડીની સંઘર્ષગાથા
વેરાન રણની કાજુડીની સંઘર્ષગાથા
વેરાન રણમાં મજૂરી કરતી કાજુડી આજ છાપરામાં બેસીને વિચારતી હતી, "સ્ત્રીની સાચી ઓળખ શું ? પોતે કોલેજ પૂરી કરેલ રણનાં અગરિયા પરિવારની એકમાત્ર છોકરી હોવાં છતાંય મજબૂરીમાં રોટલો રળવાં રણમાં પિતા સાથે મજૂરી કરવી પડે છે."
રણકાંઠે વસતાં અગરિયા પરિવારો આદિવાસી કરતાં પણ વિકટ પરિસ્થિતિમાં જીવન પસાર કરતાં હોય છે. માત્ર ચોમાસામાં તેઓ ગામ જુએ છે અને તેમનો લગ્નપ્રસંગ પણ ચોમાસામાં જ ઉજવાય છે બાકી તો આઠ મહિના વેરાન રણમાં જ્યાં ચકલુંય નજરે ન પડે તેવી રણની ઊડતી ધૂળ વચ્ચે નાનકડું છાપરું બાંધીને રહેતા હોય છે અને બળબળતાં બપોરે પણ મીઠાનાં અગરમાં પરસેવે નીતરતાં પગલી દેતા હોય છે. આ અગરિયાની ગણનાં પણ ટ્રાયબલ જાતિમાં જ થાય છે.
કાજુડી પોતાની ગરીબીને કોસતી બેઠી હતી તેવામાં દૂરથી એક ગાડી ધૂળ ઉડાડતી આવી અને તેમાંથી ઉતરેલા મોટા સાહેબ કાજુડીને જોઈને ખુશ થતાં બોલ્યાં,
"બેટા તને જ શોધતાં આવ્યાં છીએ. રણમાં સ્કૂલ શરૂ કરવી છે તું શિક્ષિકા બનીને સ્કૂલ સંભાળશેને ?"
કાજુડી તો ખૂબ જ ખુશ થઈ ગઈ તે ગામની હોસ્ટેલમાં તેમનાં અગરનાં માલિક મધુભા બાપુનાં કહેવાથી ભણી હતી. આજે તેનાં ભણતરનો ઉપયોગ કરવાનો તેને મોકો મળી રહ્યો હતો.
એટલામાં તેનાં પિતા મોહનભાઈ આવ્યાં એટલે સાહેબ બોલ્યાં,
"તમારી દીકરીને અમે રણમાં એક સ્કૂલ બનાવવાનાં છીએ તેમાં શિક્ષક તરીકે રાખવાં માંગીએ છીએ. આ તમારાં દૂર દૂર આવેલાં છાપરામાં જે બાળકો વસવાટ કરે છે તેમણે બધાને આ સ્કૂલમાં બેસાડીને ભણાવવાનાં છે સરકાર તરફથી ખૂબ જ સારો પગાર મળશે."
પિતા મોહન તો ખૂબ હરખાઈ ગયો. તેમની પેઢીમાં કોઈ જ નોકરી કરેલા ન હતી અને તેની દીકરી માસ્તર બનશે ઈ વિચારથી રાજીનો રેડ થઈ ગયો.
કાજુડીએ પિતા સામું જોતાં મંજૂરી મળતાં કાજુડીએ હરખાઈને હા પાડી સંસ્થાની રણમાં ટેન્ટ બનાવીને રણમાં સ્કૂલ ખોલી. આજુબાજુનાં છાપરામાં વસતાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યુ. સવાર પડતાં જ રણમાં સંદેશાવાહક તરીકે અરીસાનો ઉપીયોગ થાય તે અરીસો લઈને સામેના દૂરનાં છાપરા તરફ પ્રકાશ ફેંકતી છાપરામાં પણ ગોઠવેલ અરીસામાં આ પ્રકાશ પડતાં જ બાળકો સમજી જાય કે માસ્તર નિશાળમાં બોલાવે છે. બધાં જ પોતપોતાની સાઈકલો લઈને પહોંચી જતાં સ્કૂલમાં.
કાજુડી બધાને ખૂબ જ વ્હાલથી સાચવતી અને બધાં બાળકોને સરકાર તરફથી મળતો નાસ્તો વ્હેંચતી. ઘણીવાર તો તેમનાં ગરીબ મા બાપને પણ આપતી. વેરાન રણમાં જાણે મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું. કાજુડીની સ્કૂલ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર આવી સરકારી સર્વેમાં.
કાજુડીને સન્માનવાં માટે જિલ્લામાં પણ બોલાવી. જયારે મિટિંગ માટે કાજુડી સાઈકલ લઈને ગામડે જઈને બસમાં બેસીને શહેરમાં ગઈ તો તેનું ખૂબ સન્માન થયું. બધાં શિક્ષકોએ અને અધિકારીઓએ કાજુડીની કામગીરીને ખૂબ જ વખાણીને તેને પાંચ હજાર ઈનામ આપવામાં આવ્યું. કાજુડીના હરખનો પાર ન રહ્યો. બાજુનાં ગામની સ્કૂલમાં ભણાવતાં શિક્ષક નયન સાથે તેની મુલાકાત થઈ. તે ખૂબ જ સારો હોશિયાર યુવાન શિક્ષક હતો. તે કાજુડીને ખૂબ જ મદદ કરતો હતો. પોતે બાઈક લઈને નાસ્તો સમાન વગેરે કાજુડીને રણમાં પહોંચાડતો હતો અને શિક્ષણમાં પણ ખૂબ જ મદદ કરતો હતો.
આગળ જતાં કાજુડી અને નયનની મુલાકાત પ્રેમમાં પરિણમી. હવે લગ્નની વાત આવતાં કાજુડીનાં પિતાએ ગોળ બહાર લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી.
કાજુએ તેની માને કહ્યું,
"આપણા ગોળમાં કોઈ ભણેલો વઘુ છોકરો તો છે નહીં તો પછી બીજા ગોળનો આપણી જ નાતનો આ શિક્ષક શું ખોટો છે ?"
માનું હૃદય પીગળ્યું પણ પિતાને સમજાવે કોણ ? આખરે મીઠાનાં અગરનાં માલિક મધુભા બાપુ આવતાં કાજુડીની માએ માંડીને વાત કરી.
મધુભા તેનાં પિતા મોહનને સમજાવતાં બોલ્યાં,
"ભાઈ તું દીકરીનો બાપ છે. ગોળ ગયો ખાડામાં દીકરીનું ભવિષ્ય વિચારને..! શું કામ દીકરીની હાય લે છે ?"
મોહન બોલ્યો, "બાપુ અમારે તો સાટાપેટાનો રિવાજ છે. કાજુડીને બહાર દઉં તો નાનકો ઝેણિયો કુંવારો રહે."
મધુભા બોલ્યાં, "અરે ઝેણિયો હજી નાનો અને હોશિયાર છે. તેને પણ કાજુડીની જેમ ભણાવીને મસ્ત કન્યા લાવીશું અને ખર્ચની ચિંતા ન કર. લગ્નનું બધું ખર્ચ મારું."
પિતા મોહન દીકરીનાં ભવિષ્ય માટે માની જતાં કાજુડી છાપરેથી આવી દેવસમાં દરબાર મધુભાને પગે પડી. તેની મા હરખાઈ અને કાજુડીનાં ધામધૂમથી સાટાપેટાનો રિવાજ તોડીને ગોળ બહાર લગ્ન થયાં. લગ્ન બાદ પણ બાળકો ભણાવવાનું ચાલુ જ રાખ્યું તો સુખી થઈ. સ્ત્રીની સાચી ઓળખ હવે તેને સમજાઈ. હિમંત કરી તો જીતી નહીંતર છાપરામાં જ રહેતી હોત.
આજે અગરિયા પરિવારની ( ટ્રાઈબલ ઓફ ઈન્ડિયા) ની કાજુડીનું નામ કાજલ મેડમ જે શહેરમાં ઘર રાખીને સરસ જિંદગી જીવે છે.
નોંધ :- સરકારનાં જાહેરઃ કરવાં મુજબ રણમાં હજારો સાલથી વસતાં અગરિયા પણ આદિવાસી સમકક્ષ ટ્રાઈબલ જાતી જ ગણાય છે. એટલે તેમની વણઉકલી વેદના લખવા માહિતી પ્રદાન કરતી આ વારતા લખી છે. એક પ્રકારે આ પણ આદિવાસી જ મનાય છે.
