Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN MAKWANA

Romance Inspirational

4  

PRAVIN MAKWANA

Romance Inspirational

જિંદગીની કરવટ બદલાઈ

જિંદગીની કરવટ બદલાઈ

14 mins
682


અનિકેત એની રગશિયા ગાંડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના હવે જીવવું જ નથી !

સુરતની એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો ! ટોપ રેન્ક આવ્યો હતો એનો. આજે દસ દસ વર્ષ વીતી ગયા પછી પણ પંદર વીસ હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું.  ભણવામાં હોશિયાર હતો અને નોલેજ પણ ઘણું હતું છતાં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં એનું શોષણ જ થતું હતું. એનો વાંક એટલો જ હતો કે એ એક ગરીબ મધ્યમ પરિવારમાં જન્મ્યો હતો. એની પાસે જો પૈસા હોત તો એ પોતે જ મોટો બિલ્ડર બની ગયો હોત ! એક આર્કિટેક્ટ જેટલી સૂઝબૂઝ એનામાં હતી.  

સિવિલ એન્જિનિયર તરીકે નોકરી મળે તો પણ કેવી ? કોઈ કન્સ્ટ્રકશન કંપનીમાં સિમેન્ટની થેલીઓનો હિસાબ રાખવાનો, સળિયાનો સ્ટોક ગણવાનો અને સાઈટ ઉપર મજૂરોનું ધ્યાન રાખવાનું ! બસ આવી જ નોકરીઓ મળતી એને ! પોતે કહેવાય એન્જિનિયર પણ કામ સુપરવાઈઝરનું  કરવાનું !

૩૨ વર્ષની ઉંમર થઈ ગઈ હતી એની પણ કોઈ કન્યાવાળા એના ઘર સામે પણ જોતા નહોતા. માતા પિતાનુ અવસાન થઇ ગયું હતું એટલે ઘરમાં રસોઈ કરનાર પણ કોઈ નહોતું. નોકરી પણ કરવાની અને બે ટાઈમ જાતે રસોઈ પણ બનાવવાની ! કચરા-પોતાં  વાસણ કપડાં બધું જ પોતાને કરવાનું ! આ તે સાલી કંઈ જિંદગી છે ! ના હવે જીવવું જ નથી ! 

આત્મહત્યાના વિચારો તો રોજ આવતા હતા પણ પોતે પાછો ડરપોક હતો. બે વાર તો એણે ટ્રેન આગળ પડતું મૂકીને આત્મહત્યા કરવાનું નક્કી કરેલું. પહેલી વાર તો રાત્રે બાર વાગે નજીકના રેલવે સ્ટેશનથી દૂર પાટા ઉપર ચાલતો ચાલતો ગયો પણ ત્યાં સૂમસામ જગ્યામાં કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને ગભરાઈને પાછો ઘરે આવી ગયો.   બીજી વાર મન મક્કમ કરીને મધરાતે સ્ટેશનથી એકાદ કિલોમીટર દૂર પાટા ઉપર સુઈ ગયો. ટ્રેઈન આવવાનો સમય થયો એટલે પાટા ઉપર ધ્રુજારી ચાલુ થઈ અને દૂરથી એન્જિનની વ્હિસલ પણ સંભળાઇ. હિંમત કરીને એ થોડી વાર તો સુતો રહ્યો. શરીરના બે ટૂકડા થઈ જશે પછી કાયમ માટે શાંતિ ! પણ જેવી ટ્રેઈનની લાઈટ દેખાઈ કે તરત ઉભો થઈને ભાગ્યો. એન્જિનમાં તો હજારો ટન વજન હોય !  ના ના મારે આ રીતે મરવું નથી. બીજો કોઈ સહેલો રસ્તો વિચારવો પડશે. 

એક વાર તો એ રાત્રે હાઇવે ઉપર જઈને રોડની વચ્ચોવચ એક કલાક સુધી આંખો બંધ કરીને ઊભો રહ્યો. સેંકડો ગાડીઓ અને ટ્રકો એને ઓવરટેક કરીને પસાર થઈ ગઈ. જતાં જતાં કોઈએ તો એને ગાળો બોલી પણ કોઈએ એને ટક્કર મારવાની હિંમત ના કરી ! કંટાળીને ઘરે પાછો આવી ગયો. 

આત્મહત્યાના રસ્તાઓ વિશે એણે ગૂગલમાં સર્ચ કર્યું અને કાગળમાં નોંધ કરતો ગયો. માંકડની દવા પી લેવી. ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી લેવી. એસિડ પી જવો...પેટ્રોલ છાંટી ને બળી મરવું... હાથની નસ કાપી નાખવી. માથામાં પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી. દોરી બાંધીને પંખે લટકી જવું. નદી કે દરિયામાં તણાઈ જવું. અનેસ્થેશિયાનાં હાઈ ડોઝ ઇન્જેક્શન નસમાં લઇ લેવાં ! 

માંકડ તો હવે ગામડાંમાં પણ ખોવાઈ ગયા છે એટલે માંકડની દવા ભૂલી જવાની ! એવું સાંભળ્યું છે કે જંતુનાશક દવાથી સો ટકા મૃત્યુની ગેરંટી નથી. ડોક્ટરો બચાવી લે છે અને ઉપરથી આજીવન પેટની તકલીફો ચાલુ થઈ જાય છે એટલે એ વિકલ્પ પણ નકામો છે !  એસિડ તો ભૂલેચૂકે પણ ના પીવાય ! પોતાના એક સગાએ એકવાર એસિડ પી લીધેલો અને પછી વેદનામાં જે ચીસો પાડતા હતા અને જમીન ઉપર આળોટતા હતા એ પોતે નજરે જોયેલું ! લોકો હોસ્પિટલમાં લઈ ગયા એટલે બચી તો ગયા પણ આખી જિંદગી માત્ર દૂધ અને ખીચડી ખાવાનો વારો આવ્યો ! હાથની નસ કાપી નાખવી જ બરાબર છે. બધુ લોહી નીકળી જાય એટલે મૃત્યુ ! એક દિવસ એણે નિર્ણય લઈ લીધો. સવારે નાહીધોઈ પૂજાપાઠ કરી એ મરવા તૈયાર થઈ ગયો. હાથમાં ચપ્પુ લઇને ખુરશી ઉપર બેસી ગયો. ડાબા હાથની નસ કાપવી કે જમણા હાથની ? કારણ કે જોર દઈને નસ કાપવા જતાં કદાચ આખુ કાંડુ જ કપાઇ જાય તો ! જો બચી ગયા તો જમવું કઈ રીતે ? ના..ના.. ડાબા હાથની જ નસ કાપવી છે ! 

અને એને યાદ આવ્યું કે તે દિવસે આંગળી ઉપર બ્લેડ વાગી હતી ત્યારે કેટલી બળતરા થયેલી ? અને ડોક્ટર જ્યારે હાથની નસમાં ઇન્જેકશનની સોય ઘુસાડે છે ત્યાંરે પણ એક ક્ષણ માટે મનને કેટલું મજબુત કરવું પડે છે. જ્યારે આ તો કરવતની જેમ હાથની નસ કાપવાની. ના.. ના ! આ રીતે મરવું નથી. એ ઊભો થઈ ગયો.  સળગી જવાનો વિચાર તો ભૂલેચૂકે પણ ના થાય ! ક્યારેક દિવાસળીની સળીથી આંગળી દાઝી જાય છે ત્યારે પણ કેટલી બધી બળતરા બળે છે ? રસોઈ કરતાં કરતાં એકવાર તાવડીને હાથ અડી ગયો હતો ત્યારે પણ કેટલો મોટો ફોડલો પડેલો ! જ્યારે આ તો જીવતું શરીર સળગાવી દેવાનું ! આ આઇડિયા કેન્સલ ! 

માથામાં પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી એના કરતાં તો પંખે લટકી જવું વધુ સારું ! અને અત્યારે છાપામાં જેટલા પણ આત્મહત્યાના કેસ વાંચવા મળે છે તેમાં મોટાભાગે તો બધા પંખે લટકીને જ દુનિયા છોડી દેતા હોય છે. વધારે લોકો જે માર્ગે જતા હોય એ જ રાજમાર્ગ કહેવાય એમ સંતો કહી ગયા છે. બસ આ જ રસ્તો ફાઇનલ ! 

હવે બજારમાંથી સારી દોરી લાવવી પડશે. પ્લાસ્ટિકની દોરી તો ગળામાં વાગશે. કાથીની દોરી તો એનાથી પણ વધારે ખરાબ. રેશમની દોરી સૌથી વધારે સારી પણ રેશમની જાડી દોરી મળતી નથી. જે મળે છે એ રાખડી બાંધવામાં કામ આવે એટલી પાતળી દોરી જ હોય છે. એટલે સુતરની જાડી દોરી ઉત્તમ રહેશે. એ ચાર મીટર જેટલી લાંબી સુતરની વણેલી દોરી બજારમાં જઈને લઈ આવ્યો. આ દોરીને પહેલાં પંખા સાથે બાંધવાની કે પહેલાં ગળામાં વીંટી દેવાની ? એણે થોડીવાર તો માથું ખંજવાળ્યું. એને સમજણ નહોતી પડતી કે કઈ રીતે લટકવાનું હોય ! ચાલો એ બધું તો પછી થશે પહેલાં ગૂંગળામણનો થોડો અનુભવ કરી લઉં કારણ કે પાંચ-સાત મિનિટ સુધી શ્વાસ વિના દેહ તરફડતો રહેશે. એણે નાક દબાવીને શ્વાસ લેવાનું બંધ કર્યું અને ઘડિયાળમાં સેકન્ડ કાંટા ઉપર નજર સ્થિર કરી.  

૩૦ સેકન્ડ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પણ પછી એ આકળ વિકળ થવા લાગ્યો. એક મિનિટ સુધી તો માંડ માંડ એ ટકી શક્યો પણ પછી જોરથી શ્વાસ ખેંચવો પડ્યો. એક મિનિટમાં જ આવું થાય છે તો પાંચ-સાત મિનિટ સુધીમાં તો શું નું શું થશે ? એવું સાંભળ્યું છે કે અંદર ફેફસાં પણ ફાટી જાય છે અને આંખોના ડોળા પણ ઊંચા ચડી જાય છે. આ તો સાલું બહુ ભયંકર મૃત્યુ કહેવાય ! હજુ બીજું કંઇક વિચારવું પડશે. અને એણે દોરી કબાટમાં મૂકી દીધી.  

સૌથી શ્રેષ્ઠ મૃત્યુ તો બેભાન થઈ જવામાં છે. શરીર ભલે ને મરી જાય પણ આપણને કંઇ ખબર ન પડે ! પણ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે કોણ ? કોઈ ડોક્ટર ઓળખીતો નથી. અને ઓળખીતો હોય તો પણ કોઈને મારી નાખવા માટે તૈયાર ના જ થાય ! નસમાં ઇન્જેક્શન લેવાની પ્રેક્ટિસ કરું તો પણ આ ઇંજેક્શન લાવી આપે કોણ ? કારણ કે મેડિકલ સ્ટોરમાં તો મળતાં નથી ! આ મૃત્યુ સહુથી સહેલું છે પણ ઇન્જેક્શન મેળવવું એટલું જ અઘરું છે. 

હવે છેલ્લો રસ્તો નદીમાં કૂદી પડવાનો છે. એક વાર હિંમત કરીને કૂદી પડવાનું પછી જે થવું હોય તે થાય. પોતે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખેલો છે એટલે કૂવા તળાવનુંના વિચારાય પણ નદીના વહેતા પાણીની કોઈ પ્રેક્ટિસ નથી. ધસમસતી નદી જ પસંદ કરવાની એટલે સીધા તણાઈ જ જવાય અને કોઈ બચાવી ન શકે.  હા આ જ રસ્તો બરાબર છે. નદી તો માતા ગણાય એટલે માતાની ગોદમાં સમાઈ જવાનું. નર્મદા અને ગંગા આ બે દેશની પવિત્ર નદીઓ છે. જો નર્મદામાં ડૂબી જવું હોય તો સરદાર સરોવર ડેમ ઉપર જઈને કૂદકો મારી દેવાનો ! બચવાના કોઈ જ ચાન્સ નહીં.  

પરંતુ નદીમાં જ જો ડૂબી જવું હોય તો ગંગા નદી જેવી પવિત્ર કોઈ નદી નથી. સ્વામી રામતીર્થે પણ ગંગા નદીમાં જીવતા સમાધિ લીધેલી એવું સાંભળ્યું છે. મારે પણ જો ગંગા નદીમાં જ કૂદી પડવું હોય તો પછી વારાણસી અથવા તો હરિદ્વાર જવું પડે. કાશીમાં મરણ અને સુરતમાં જમણ એ કહેવત તો વર્ષોથી સાંભળતો આવ્યો છું. વારાણસી એટલે કે કાશી જ શ્રેષ્ઠ રહેશે.  એણે ગૂગલમાં સર્ચ કરીને વારાણસીનાં ત્રણ ગેસ્ટ હાઉસ ફાઇનલ કર્યાં. ત્રણે-ત્રણ ગેસ્ટ હાઉસમાં ફોન કરીને એણે માહિતી મેળવી લીધી અને છેવટે ગંગા ગેસ્ટ હાઉસમાં ઉતરવાનું નક્કી કર્યું. હવે મૃત્યુ માટે ઉત્તમ દિવસ પસંદ કરવો પડશે.  

મકરસંક્રાંતિ પછીના છ મહિના ઉત્તરાયણના ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણમાં મૃત્યુ શ્રેષ્ઠ છે અને મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ મૃત્યુ માટે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી !  મારે પણ ક્યાં ઉતાવળ છે ? વીસ દિવસ પછી ઉત્તરાયણ શરૂ થશે ! એકાદશી નું મૃત્યુ શાસ્ત્રોમાં સારું ગણાતું હોય છે. 

પોષ મહિનાની એકાદશી સારુ મૂહુર્ત હતું પણ કહે છે કે ઉત્તર ભારતમાં પોષ મહિનામાં તો હાડ થિજવી દેતી કડકડતી ઠંડી પડે છે. ઘણીવાર તો ઝીરો ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે એટલે ગંગાનું પાણી પણ કેટલું બધું ઠંડુ હશે ! મરી જઈએ એનો વાંધો નહીં પણ બરફ જેવા ઠંડા પાણીમાં ! ના.. ના... મહા મહિનાની એકાદશી ઉત્તમ દિવસ રહેશે. અને એણે એકાદશીના બે દિવસ પહેલાની તારીખ જોઈ ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો ! 

વારાણસી જતાં પહેલાં પૈસાની પણ સગવડ કરવાની હતી. બેંક ના ખાતામાં લગભગ ૮૦ હજાર જેવી રકમ જમા હતી. એણે એ તમામ રકમ ઉપાડી લીધી. દૂધવાળાથી માંડીને કરિયાણા વાળા સુધીનાં જે પણ બિલ બાકી હતાં એ તમામ એણે જતાં પહેલાં ચૂકવી દીધાં.  છેલ્લાં બે વર્ષથી અનિકેત સાવ સાદગીથી જીવતો હતો. ત્રણ શર્ટ અને બે પેન્ટ એ બે વર્ષથી ચલાવતો હતો. એણે ભારે કિંમતનાં પેન્ટ, શર્ટ અને એક ટીશર્ટ ખરીદ્યાં. બુટ પણ નવા લીધા. હવે મરવું જ છે તો ઠાઠથી ચાર દિન કી ચાંદની જેવું જીવન જીવી લેવું. 

સવારની મુંબઈની ટ્રેન હતી અને ત્યાંથી સાંજે ચાર વાગ્યાનું ફ્લાઈટ પકડવાનું હતું એટલે આગલા દિવસે સાંજે આખા શહેરનું ચક્કર માર્યું. મરતાં પહેલાં શહેરને છેલ્લે છેલ્લે જોઈ લીધું અને એક હોટેલમાં ડિનર પણ લીધું.  સાંજે વારાણસી પહોંચીને એણે ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈ લીધો. બીજા દિવસે સવારે ભગવાન કાશી વિશ્વનાથના અદભુત દર્શન કર્યાં. એક પંડિતને પૈસા આપીને અભિષેક પણ કરાવી દીધો. હજુ એકાદશી કાલે હતી. એણે વારાણસીમાં એક ચક્કર માર્યું. સાંકડી ગલીઓનું આ શહેર ખૂબસૂરત હતું.  એને આશ્ચર્ય એ વાતનું થયું કે ઘણા બધા લોકો અહી મોક્ષ મેળવવા માટે આવતા હતા ! કાશીમાં જે મરે એને મોક્ષ મળે એવી માન્યતા હતી. કાશીમાં જઈને મરે એણે કાશીની કરવત મુકાવી એમ કહેવાતું.  

જે લોકોનું મૃત્યુ ખૂબ નજીક હોય એવા લોકોને લઈને એમના સ્વજનો અહી કાશીમાં આવતા હતા. એવા લોકોને રહેવાની પણ મુક્તિધામમાં વ્યવસ્થા હતી. જે લોકોનું મૃત્યુ બીજા કોઈ ગામ કે શહેરમાં થયું હોય એવા લોકોને પણ અંતિમ સંસ્કાર કરવા માટે અહીં મણિકર્ણિકા ઘાટ ઉપર લઈ આવતા હતા. 

અનિકેતને પણ લાગ્યું કે એ પોતે યોગ્ય જગ્યાએ આવ્યો છે. એક તો ગંગા જેવી પવિત્ર નદીની ગોદમાં મૃત્યુ થશે અને મૃત્યુ પછી મોક્ષ પણ મળશે ! એ પોતાની રૂમ પર ગયો. હજુ જમવાને વાર હતી. એ થોડી વાર આડો પડ્યો. ત્યાં એના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો એટલે એ વાત કરતો કરતો રૂમની બહાર આવ્યો અને ગેલેરીમાં ઉભો રહીને વાત કરવા લાગ્યો.  બાજુનો રૂમ ખુલ્લો જ હતો અને એમાં પણ એક ગુજરાતી પરિવાર ઉતર્યો હતો. અનિકેત ની ગુજરાતીમાં થતી વાતચીત સાંભળીને એક બહેન બહાર આવ્યાં. 

"ભાઈ તમે ગુજરાતી લાગો છો" 

"હા માસી હું વલસાડથી આવું છું. અનિકેત જોષી મારું નામ છે. 

"ચાલો એક સારા પાડોશી મળ્યા. અમે લોકો બે દિવસથી આવ્યાં છીએ. આખા દેશમાંથી લોકો અહીં આવે છે પણ ગુજરાતી મળે એટલે પોતીકું વાતાવરણ લાગે. જમવાનું અમારી સાથે જ રાખજો. અહીં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી સારી મળે છે." 

"ભલે માસી તમે લોકો નીકળો એટલે મને બોલાવજો."કહીને અનિકેત રૂમમાં ગયો. ચાલો જમવાનો પ્રશ્ન તો હલ થઈ ગયો. 

રામ કટોરા રોડ ઉપર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ ખરેખર સારી હતી. ગુજરાતી પરિવાર હિંમતનગરનો હતો અને એ લોકો વૈષ્ણવ વાણિયા હતા. અનિકેત સાથે બધાનો પરિચય થયો. એ ફેમિલીમાં ધીરુભાઇ પરીખ, પત્ની પુષ્પાબેન અને એમની દીકરી અન્વી હતાં. 

"થોડો આરામ કરીને તમે પણ અમારા રૂમમાં જ આવો ને ! કંપની રહેશે. ચા જોડે પીશું" રૂમનું તાળું ખોલતાં ધીરુભાઈએ અનિકેતને આગ્રહ કર્યો. 

"ભલે વડીલ ત્રણ વાગ્યા પછી આવી જઈશ." 

લગભગ સાડા ત્રણ વાગ્યે અનિકેત ધીરુભાઇ ના રૂમમાં પહોંચી ગયો અને ખુરશી ઉપર બેઠો. 

"અહીં કોઈ ધંધા અર્થે આવ્યા છો કે માત્ર દર્શન કરવા ?" 

"ટૂંકમાં કહું તો માત્ર ફરવા. કાલે રાત્રે તો નીકળી જવાનો લાંબી સફર ઉપર ! હવે તમારી વાત કહો વડીલ ! આ અન્વી મેડમ તો સવારથી જ એકદમ ચૂપ છે. જમતી વખતે પણ એક શબ્દ બોલ્યાં નથી. આટલું સુંદર વાતાવરણ અહીંનું છે તોપણ એ ઉદાસ છે ! હું કારણ જાણી શકું ? જો તમને વાંધો ના હોય તો !"

"અન્વી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે ભાઈ" પુષ્પામાસીએ જ વાતની શરૂઆત કરી." અઠ્ઠાવીસ વર્ષની એની ઉંમર છે. બે વર્ષથી જયેશ નામના એક યુવાન સાથે રિલેશનશિપમાં હતી પણ એને માણસ ઓળખતાં ના આવડ્યું. આજની પેઢીનું શું કહેવું ? બે મહિના પહેલા એને ખબર પડી કે એ પ્રેગનન્ટ થઈ ચૂકી છે. એ જયેશને મળી. જયેશનો બાઈકનો શો રૂમ છે. અન્વીએ ઘણી કાકલૂદી કરી પણ એ માણસે લગ્ન કરવાની ધરાર ના પાડી. બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો." 

"અમે તરત જ એનું એબોર્શન તો કરાવી નાખ્યું પણ એને એટલો બધો આઘાત લાગ્યો છે કે એણે પંખે લટકીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો. એ તો સારું થયું કે સમયસર અમે રૂમમાં પહોંચી ગયા અને એને બચાવી લીધી. એ ડિપ્રેશનમાં ચાલી ગઈ છે."

"બે વર્ષથી એ જયેશ સાથે રિલેશનશિપમાં હતી. બે વર્ષથી એ જયેશ સાથે ફરતી હતી એ અમારો આખો સમાજ જાણે છે. એટલે હવે એનો હાથ પણ કોણ પકડે ? એ ડિપ્રેશનમાંથી બહાર આવે અને એનું મન ફ્રેશ થાય એટલા માટે અમે દસ દિવસની ટુર ઉપર નીકળ્યા છીએ. શ્રીનાથજી બાવાનાં દર્શન કરી સીધાં અહીં આવ્યાં." 

"જુઓ માસી, દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લખાવીને જ લાવી હોય છે. ઘણીવાર આપણે ખોટી ચિંતા કરતા હોઈએ છીએ. એ આટલાં સુંદર છે, યુવાન છે તો કોઈને કોઈ તો મળી જ રહેશે. લગ્નની આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી !" 

"અને અન્વી, હું તમને પણ કહું છું કે કોઈએ તમારો વિશ્વાસઘાત કર્યો એની સજા તમે તમારી જાતને કેમ આપો છો ? એ માણસ તો આજે પણ જલસા કરે છે અને તમે જીવ ગુમાવવા તૈયાર થઈ ગયાં છો ! તમારા મનની સ્થિતિ હું જાણી શકું છું. પણ દુનિયામાં એ એક જ પાત્ર નથી. દુનિયા ઘણી વિશાળ છે. તમારા માટે પણ કોઈનું સર્જન ઈશ્વરે કર્યું જ હશે. ડોન્ટ બી ધિસ મચ અપસેટ ! " 

અન્વીને અનિકેતની વાતોથી સારું લાગ્યું. આ માણસ કેટલી સરસ વાતો કરતો હતો ! એ કંઈ બોલી નહીં. 

"તમે ખુબ જ સમજદાર લાગો છો ભાઈ. તમે સાવ સાચી વાત કરી. કોઈના માટે થઈને આપણે શા માટે આપણી જિંદગી નિરાશ કરી દેવી ?"ધીરુભાઇ બોલ્યા. 

"તમે શું કરો છો અનિકેતભાઈ ?" 

"હું સિવિલ એન્જિનિયર છું વડીલ, પણ આજકાલ સિવિલ એન્જિનિયરોને સારી નોકરી ક્યાં મળે છે ? કોઈ સાઇટ ઉપર માત્ર સુપરવાઇઝર બની જવાનું અને સિમેન્ટની થેલીઓના હિસાબ રાખવાના ! સારી નોકરી નથી એટલે સારી છોકરી પણ નથી મળતી. ! સૌ સૌને પોતપોતાના પ્રોબ્લેમ હોય છે" અનિકેત બોલ્યો. અને ધીરુભાઈએ પુષ્પાબેનની સામે જોયું. 

"તમારા કુટુંબમાં કોણ કોણ છે ભાઈ ?" પુષ્પાબેને પરિચય વધારવા પૂછ્યું. 

"પિતા નાનપણમાં ગુજરી ગયા. માતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું. બસ અત્યારે તો ફક્કડરામ છું." અનિકેતે હસીને કહ્યું. 

અનિકેતની વાતોથી એટલો ફેરફાર થયો કે બીજા દિવસે સવારે ચા આપવા માટે અન્વી પોતે અનિકેતના રૂમમાં આવી. 

"ગુડ મોર્નિંગ, મમ્મીએ તમારા માટે ચા મોકલી છે." 

"અરે વાહ વારાણસીમાં પણ મારું ધ્યાન રાખનાર કોઈક તો છે જ !" અનિકેતે હસીને કહ્યું. 

"બસ આમ બોલતાં ચાલતાં રહો તો સૌને સારું લાગે" અનિકેતે અન્વી સામે જોઈને કહ્યું. 

"તમારી શિખામણનો અમલ આજથી જ શરૂ કર્યો છે. જયેશને ભૂલી જવાનો પ્રયત્ન કરું છું." 

"ધેટ્સ લાઈક આ ગુડ ગર્લ ! તમારી સામે લાંબી જિંદગી પડી છે. તમારા લગ્ન કોઈ સારા યુવાન સાથે જ થશે. મારી આગાહી નોંધી લેજો. મારી સરનેમ જોષી છે." 

"હા જોષી મહારાજ. બસ આશીર્વાદ આપજો." કહીને અન્વી હસી પડી. 

એકાદશીનો દિવસ તો ચાલુ થઈ ગયો હતો. બસ રાત પડે એની રાહ જોવાની હતી. એ સવારે જઈને ફરી કાશી વિશ્વનાથનાં દર્શન કરી આવ્યો. આત્મહત્યા કરવા માટે કયો ઘાટ શ્રેષ્ઠ છે એની તપાસ કરવા તમામ ઘાટ ઉપર એક ચક્કર મારી આવ્યો. મણિકર્ણિકા ઘાટ તો માત્ર અગ્નિદાહ આપવા માટે હતો. અસ્સી ઘાટ સારો લાગ્યો. મનમંદિર ઘાટ પણ રાત્રે સૂમસામ હોય છે. એણે નિર્ણય લઈ લીધો અને ગેસ્ટ હાઉસ પાછો આવ્યો. 

"આજે જમવાનું મારા તરફથી." ગેસ્ટ હાઉસ આવીને એ સીધો ધીરુભાઇના રૂમમાં ગયો. 

"પૈસા તમે આપો કે હું આપું, શું ફરક પડે છે અનિકેતભાઈ ! તમે તો હવે ઘરના વ્યક્તિ જેવા થઈ ગયા છો." ધીરુભાઇ બોલ્યા. 

એ બપોરે જમતી વખતે પહેલીવાર અન્વીએ પણ વાતચીતમાં હસીને  ભાગ લીધો. ધીરુભાઇ અને પુષ્પાબેન પણ અન્વીમાં આવેલા આ ફેરફારથી ખુબ જ ખુશ હતાં. મનોમન એમણે અનિકેતનો આભાર માન્યો. 

રાત્રે દસ વાગ્યા સુધીમાં તો વારાણસીના ઘાટ સુમસામ જેવા થઈ ગયા હતા. તેમ છતાં અગિયાર વાગ્યા સુધી અનિકેતે રાહ જોઈ. વાતાવરણમાં સારી એવી ઠંડક હતી. ધાર્યા કરતા વધુ ઠંડી હતી. અનિકેતે એક ચિઠ્ઠી લખીને બેડ ઉપર મૂકી દીધી. રૂમનો દરવાજો બંધ કર્યો પણ એણે તાળું ન માર્યું. 

દરવાજાનો અવાજ સાંભળીને અન્વી બહાર આવી. એને એમ કે અનિકેત જઈ રહ્યો છે. 

"ક્યાંય બહાર જઇ રહ્યા છો ?" 

"હા બસ.જરા આંટો મારી આવું."

"પણ તમે તો આજે રાત્રે લાંબી સફર ઉપર નીકળી જવાના હતા ને ?" અન્વીએ પૂછ્યું

"કાલે સવારે જઈશ. આજની રાત અહીં છેલ્લી છે." અનિકેતે હસીને કહ્યું. 

"ચાલો તો પછી હું પણ તમારી સાથે આવું. સવારે તો તમે નીકળી જવાના છો. બે મિનિટ ઉભા રહો હું શાલ ઓઢી લઉં " 

આ એક નવી મુસીબત ઉભી થઇ. હવે અન્વીને કઈ રીતે કહેવું કે પોતે નદીમાં કૂદી પડવા જઈ રહ્યો છે ! ના તો પાડી શકે એમ છે નહીં. થોડીવાર ચક્કર મારીને એકવાર પાછા આવવું પડશે અને પછી ફરી જવું પડશે. એણે વિચાર્યું.

"ચાલો આપણે અસ્સી ઘાટ ઉપર જઈએ. તમે કાલે જવાના છો એટલે મારે થોડી વાત કરવી છે." અન્વી બોલી. 

બંને ઘાટ ઉપર જઈને એક પગથિયા ઉપર બેઠાં. 


"એક વાત પૂછું ?" થોડા મૌન પછી અન્વીએ કહ્યું. 

"ગઈકાલે રાત્રે મમ્મી અને પપ્પા વચ્ચે તમારા વિશે વાત થયેલી. તમે સિવિલ એન્જિનિયર છો. પપ્પા હિંમતનગરમાં મોટા બિલ્ડર છે. પપ્પાની ઈચ્છા છે કે તમારા જેવી કાબેલ અને સમજદાર વ્યક્તિ પપ્પાનો બિઝનેસ સંભાળે. પપ્પાએ ત્રણ ચાર મોટા પ્લોટ ખરીદેલા છે પણ નવી સ્કીમો શરૂ કરવા માટે કોઈ બાહોશ વ્યક્તિની જરૂર છે. તમે પગારની ચિંતા નહીં કરો. પપ્પા તમને પાર્ટનર બનાવવા માગે છે. પપ્પાની આ ઓફર તમે સ્વીકાર કરશો ?" 

અનિકેત માટે આ સમાચાર એની કલ્પનાની બહાર હતા. આજે સામે ચાલીને કોઈ એની કદર કરી રહ્યું હતું. જેની તમન્ના વર્ષોથી હતી એ તક એને મળી રહી હતી. નોકરીની હતાશામાં તો એ મરવા માટે અહીં સુધી આવ્યો હતો.  

"મારી પાસે કોઈ શબ્દો નથી તમારા લોકોનો આભાર માનવાના ! ના પાડવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી ! ઈટ વિલ બી માય પ્લેઝર !" 

"અને બીજી એક અંગત વાત મારા તરફથી. જુઓ હું વર્જીન નથી. અને એકવાર એબોર્શન પણ કરાવી ચૂકી છું. તમે તો જાણો જ છો. શું તમે મારો હાથ પકડી શકશો ? પપ્પાની ઓફરને અને મારી વાતને કોઈ કનેક્શન નથી. એટલે તમે એને કોઈ કન્ડિશન ના સમજતા. તમારી સાથે માત્ર બે દિવસ ગાળ્યા પછી મને એમ લાગે છે કે તમે જ મારા માટે એક યોગ્ય પુરુષ છો. મારું કોઈ જ દબાણ નથી. બસ મેં મારા મનની વાત તમને કહી દીધી." 

"તમે તો મને રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો. નિયતિ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે ! ઈશ્વરની કરુણા અપાર છે. અન્વી બંને પ્રપોઝલ આંખ માથે ચડાવું છું. તમારો હાથ પકડવો એ હું મારું સૌભાગ્ય સમજુ છું. તમે તો જાણે કે સાક્ષાત્ લક્ષ્મી બનીને મારી આગળ ને આગળ કાશીમાં આવીને મારી રાહ જોતાં બેઠાં છો."અને અનિકેતે આવેશમાં અન્વીનો હાથ પકડીને ચૂમી લીધો. 

"એક વાત કહું અન્વી ?" 

અને અનિકેતે અન્વીની સામે જોયું તો એ અનિકેતના જવાબથી લાગણીવશ થઈને રડી રહી હતી. અનિકેત કંઈ પણ બોલ્યો નહીં. ના, આત્મહત્યાની કોઈ વાત હવે મારે અન્વીને કરવી નથી. અન્વી તો મારી જિંદગી બનીને આવી છે. 

અનિકેત આવ્યો હતો તો કાશીની કરવત મુકાવવા માટે પણ આજે તો કાશીએ જ એની જિંદગીની કરવટ બદલી નાખી હતી ! એ અન્વીને લાગણીથી ભેટી પડ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance