PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

બચૂકડાંઓની પ્યારી પ્યારી વાતો

બચૂકડાંઓની પ્યારી પ્યારી વાતો

2 mins
10


“મમ્મી... મમ્મી સાંભળો ને !”

ટી.વી.માં મશગૂલ મમ્મીની પાસે આવીને કેતકી કહે છે “મમ્મી સાંભળોને... આજે અમારી સ્કૂલમાં જાદુગર આવેલો.. એણે જાદુના એવા સરસ ખેલ બતાવ્યા કે પછી... છે ને... હેં ને....”

“બસ... બસ હવે, આ ટી.વી.ની વાત સાંભળવા દે ને ! આખો દિવસ કચકચ કર્યા કરે છે. કાન પડ્યું સાંભળવા દેતી નથી. બહુ બોલે છે તું તો. તારી જીભ થાકતી જ નથી!” મમ્મીનો આ છણકો નહતો; ચૂપ થવાની ચેતવણી હતી.

છઠ્ઠા ધોરણમાં ભણતી કેતકી ઘરે આવી. તેનાં મમ્મીને વાત કરે છે. મમ્મી અધવચ્ચે જ વાત રોકીને બોલવાનું બંધ કરાવી દે છે. આ તો થઈ માત્ર એક ઘરની વાત. એવા સેંકડો ઘર છે કે જ્યાં કાન નથી ! બાળકોની વાતો ન સાંભળે એવાં પરિવાર બહુમતીમાં છે. બાળકોની વાતો સાંભળી શકે તેવા કાનની જરૂર છે. વાલીઓ પાસે કાન તો છે; કિન્તુ બાળકો તેની વાત સંભળાવે કે તરત જ - જેમ કોઈ દુકાનદાર શટર પાડી દે તેમ વાલી કાનનું શટર પાડી દે છે. સંતાનો વાત કરે કે સામે તાડુકશે... “પછી વાત. પહેલા લેસન કરી નાખ. અમેય નિશાળે જાતા પણ કાંઇ તમારી જેમ ઘરે આવીને બકબક નહોતા કરતાં.”

એક શાળામાં પ્રયોગ સ્વરૂપે - 10 વર્ગખંડમાં (પ્રાથમિક શાળાનાં) વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું. તમારી વાતો ઘરે કોણ કોણ સાંભળે છે ? બાળકોના ઉત્તરમાંથી એક તારણ ચોંકાવી દે તેવું હતું. પ્રત્યેક વર્ગખંડમાંથી 22 થી 25 બાળકોના ઘરે કોઈ પૂછતું જ નહોતું ! વાત કરે તો પણ કોઈ સાંભળતું નહોતું. તમે વિચારો કે એ બાળક તેની અભિવ્યક્તિ ક્યાં કરતું હશે ? પ્રત્યેક બાળકને તેની વાત તેનાં ઘરમાં કહેવાનો અબાધિત અધિકાર મળવો જોઈએ. સાતેય કામ પડતા મૂકીને સંતાનોની વાત કાન માંડીને સાંભળવી જોઈએ. સાંભળીને પ્રતિસાદ - પ્રતિભાવ પણ આપવો જોઈએ. બાળકોને સાંભળે તેવા કાન બજારમાં વેચાતા નહીં મળે. વાલીઓ સ્વવિવેકથી સંતાનોને સમય આપો. યાદ રાખો વાલીઓ....

બાળકોની કાલીઘેલી વાતો સાંભળવાની ઋતુ વારંવાર નથી આવતી ! જેમ પ્રકૃતિ અત્યારે કેસૂડાંના પુષ્પો દ્વારા પોતાની વાત કહી રહી છે; તેમ ઈશ્વરના આ પ્રેમપત્ર સ્વરૂપ ભટુરિયાંઓની વાતો કેસૂડાંના પુષ્પો જેવી છે. બચૂકડાંઓની પ્યારી પ્યારી વાતો તમને રંગીન બનાવી દેશે. અરે ઓ વાલીઓ! ખરી મજા તો રંગાઈ જવામાં છે. ‘તો હવે ખોલી દો તમારો કાન; તમારાં સંતાનોને દઈ કાન !’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational