તારીખ-વાર નામે
તારીખ-વાર નામે
અહીં પર્ણ પીળું પડતું તારીખ-વાર નામે,
નથી વૃક્ષ પણ તડપતું તારીખ-વાર નામે!
ન તો આ સમય સમજતો વાચાવિહીન ક્ષણને,
નથી કોઈપણ ઝઘડતું તારીખ-વાર નામે!
તમે આમ પણ બદલતાં બદલી ગયું છે સઘળું,
અને મન રહ્યું કકળતું તારીખ-વાર નામે!
કદી સ્વપ્ન જેવું લાગ્યું તો જાતને ખણીને,
મળ્યાં આંસુને અમસ્તું તારીખ- વાર નામે!
નથી આમ પણ કશું યે ને તેમ પણ કશું યે,
છે ન કોઈપણ નીરખતું તારીખ-વાર નામે!