યાદોની એ સફર
યાદોની એ સફર
વહેલી સવારના ટીફીન બનાવતી હતી. ત્યાં એ પાછળથી આવી ને ભેટી ને બોલ્યો આજે સુગંધી ફેલાવી દીધી ..હેપ્પી એનિવર્સરી ડિયર..આજે પણ રજા ના મળી દર વખતની જેમ સોરી ડાર્લિંગ. .ઓકે ન મળે તો શું કરીએ ....સાંજે સાથે જોડે બેસીને જમીશું. ઓકે જલદી કર હમણા 5.15ના બસ આવી જાય છે. હા લો ટીફીન તૈયાર છે. ...એકબીજાને ભેટી ને તે ગયા. આજે લગ્નનું સોળમું વરસ બેસી ગયું. અને દિકરો પણ અગિયાર વર્ષનો થઈ ગયો છે. તેને આજે રજા હોવાથી હું પણ પાછી જઇને આડી પડી. મોબાઈલમાં બધાએ સગાવહાલા ના મેસેજ આવી ગયા હતા. બધાને આભાર લખ્યો અને ભાઇબહેનો એ લગ્નના દિવસ ના ફોટા મૂક્યા હતા તે જોતા એ દિવસોમાં ચાલી ગઈ. ઘરમાંથી બે દિવસ પહેલા જ હોલમાં રહેવા જવાનું હતું. લગ્ન સાથે જનોઈ નો પ્રસંગ પણ હતો. એટલે ઘરના બધા તૈયારી માં હતા. મારે કંઇ જ કામ ન હતું. મહેદીથી હાથ મહેકતો હતો. ધડકન થોડી જલદી ધડકતી હતી. નવા ઘરે નવી જગ્યા એ...પણ દિલ તો મમ્મી અને પપ્પા ને જોઈ રહ્યું હતું, કેટલી ખુશીથી તૈયારી કરતા હતા. પાંચ ભાઇબહેનોમાં સૌથી નાની લાડકીની વિદાય આપવાની હતી. આંખોમાં આસું ને છુપાવી મારી તરફ જોઈને હસતા હતા. હવે ગાડી અને ટેમ્પો આવી ગયો હતો. બધા બુમાબુમ કરીને આ મૂક્યું ફલાનું મૂક્યું ચાલતું હતું અને મારુ બધુ છૂટી રહ્યું હતું .....મારુ કબાટ, બુકસ મારો પલંગ ઓશીકુ બધી વસ્તુઓ આવજો જાણે કહી રહી હતી. બાજુમાં ઊભેલા ભાઇબહેનો , માતા પિતા અંદરથી જાણે કહેતા હતા આ દુનિયાની રીત છે દિકરી તો પરાયુ ધન ....બાકી તું તો અમારુ અનમોલ રતન છે. આજે ઘર નું એ આંગણ પણ સુગંધ ફેલાવી મને જતા જોઇ રહ્યુ હતું. મોગરો જૂઈ ને અલગ અલગ જાતના એ ફુલ ને લાંબો ઘટાદાર લીમડો જ્યાં હું ઢીંગલી અને સહેલીઓ સાથે ઘર ઘર રમતી હતી. બહાર રાહ જોઈ ને ઊભેલી સહેલીઓ જાણે બુમો પાડતી હોય સ્કૂલ ટાઇમ થઈ ગયો કેટલી વાર એવી બુમો સંભળાતી રહી... . ..બહાર ગામના લોકો જે મને ઓળખતા હતા એ આવી ને ઊભા હતા. બેટા સુખી થાય ના આશીર્વાદ સાથે અમને યાદ કરજે, સમય મળે તો ફોન પણ કરજે. જતા જતા દર્શન કરવા જતા માતાજીની મૂર્તિ ને મહાદેવ પણ જાણે આજે બોલ્યા સુખી થા...બહાર નીકળી ને ગાડીમાં બેસી તો જિંદગી તો આગળ ચાલી પણ એ ચોવીસ વરસની યાદો બુમો પાડતી પાછળ દોડી રહી છે...આંખો માં અશ્રુધારા પણ ગાડીના અવાજે રોકી લીધી એ યાદોને......આંખો નીચે કિનારેથી બે પાંચ ટપકા ઓશીકા પર પડી જ ગયા ને ફોન આવ્યો. જૂનાં ફોટો જોવાનું બંધ કર ...સાંજે આપણે બહાર જમવા જઇશું એટલે મને અને તને ગમતા કપડા તૈયાર રાખજે, લવ યુ ડાર્લિંગ. મારે થોડુંક કામ છે. હું ફોન મૂકું. તું શાંતિથી સૂઇ જા હવે.