પરિણીતા
પરિણીતા


મનમાં કેટલાય તરંગો અને વિચાર વમળ લઈ રહ્યા હતા. હું એનું દુઃખ અને તકલીફ સમજી રહી હતી એના મનમાં છલકાય રહેલા લાલ આગના ફૂંફાડા જાણે, હું અનુભવી રહી હતી. સાત વરસના સંબંધ ! કેટલીય વાર છૂટા થવાના અણી પર આવીને, સમજૂતિના અને સંસ્કારોને નામે તૂટતા બચી જતા હતા. તેણી તેના હૃદયમાં કેટલાય ડૂમા ભરી સમી જતી હતી. તેનાથી પણ વિશેષ કારણ હોય તો, તેના નિર્દોષ સંતાનો જોઈ સમી જતી હતી. પણ ના છુટકે આજે ફરી બાળકો જોડે તેના આત્મસન્માન માટે લડવા તૈયાર થઈ છે. બાળકોને સાથે લઈને પોતાના જીવનનો નિર્ણય લેવા નીકળી જેમાં તેને સમાજ કે પરિવાર કેટલો સાથ આપશે તે ખબર નથી. તે શું કરશે તેનું પણ ભાન નથી. પણ પોતાના આત્માસન્માન પર વારંવાર થયેલા ઘા જેમાંથી આજે પ્રેમ કે દુઃખના આંસુ નથી ! પણ એક સ્ત્રી તરીકે તેને પણ જીવવાનો હક છે. મનમાં કેટલાય ઝંઝાવાત સાથે ઘેરાયેલા તેનું દુઃખને અનુભવતી હું તેના ભીતરના અશ્રુ જોઈ રહી હતી.
તેના સાસરીવાળા અને અવિશ્વાસુ પતિ જે વારંવાર શંકા કુશંકાથી ખુશી દામ્પત્ય જીવનમાં આગ ફેલાવી રહ્યો છે. પરણીને ગઈ ત્યારથી આ નહીં પહેરવાનું, વાળ આમ નહીં રાખવાના, બ્યુટી પાર્લરમાં નહીં જવાનું. મારી મમ્મી કે એ જ કરવાનું. હું કહું એટલા જ સગાવ્હાલા સાથે સંબંધ બાંધવો, આવી કેટલીય નાની વાતો લઈને રોજ ઝઘડા, આટલું ઓછુ હોય એમ શયનખંડની થયેલી વાતોની સલાહ પણ મમ્મી પાસેથી લેવી અને કહેવાની. પોતે બહારગામ જોબ કરે શનિ, રવિ માંડ સાથે રહેવા મળે તેમાંય રાતના બાર વાગે. હું પણ એક સ્ત્રી છું. મારુ પણ અસ્તિત્વ છે. જેને તોડતા બે મિનિટ નથી લાગતી. અરે ઓછું હોય તેમ સામાજિક પ્રસંગમાં પણ મારા કે એમના સગામાં એ કહે એટલો જ વહેવાર અને ઉપરથી એ કહે એટલી વાર રોકાવાનું. મારે પણ જીવવું છે માનવું છે. પતિપત્ની સંબંધથી જોડાય છું. એનો અર્થ એ નથી કે મને મારી રીતે જીવવાનો હક નથી. આ બધી દ્વિધા તેને અચકાતા અચકાતા બોલાતા શબ્દોમાં સમજાઈ રહી હતી.
પતિ સાથે જીવનનાં નિર્ણયમાં મારુ પણ સ્થાન હોય..કયારેક હું કહું: તેમ પણ થાય..જીવનસંગીની છું. હું કોઈ બાઈક કે સ્કુટર નથી કે તમે જેમ ચલાવો તેમ ચાલું. મારે સહભાગી,સંગિની બનવું છે. હું આત્મસન્માનથી કહી શકું કે હું તમારી પરિણિતા છું." આ સ્થાન તો મને જીવનમાં મળવું રહ્યું !? આજે તો હદ કરી. વાળ ખેંચીને મારા ઉપર હાથ ઉપાડીને ધક્કો મારીને કહ્યું કે તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. તો આજે આપણું ઘર ક્યાં ગયું ? તમારા સંતાનોની માતા અને તમારી ધર્મપત્નિ ક્યાં ખોવાઈ ગઈ. આ સાંભળી મારુ મન આજે બહુ જ દુઃખી થયું અને તેને જોઈ ખૂબ વ્યાકુળ થયું હતું. હું શું કરી શકું તેના માટે..
હું લડીને તેને છૂટાછેડા અપાવી દઉં. બાળકો માટે સ્કૂલની અને ભણવાની વ્યવસ્થા કરી દઉં. તેને તેના પગ પર ઊભા રહેવાને કાબિલ બનાવી દઉં. તેને જોઈએ, તેટલી મદદ કરવા હું તૈયાર થઈ છું. પણ મારી આ ડાયરી તોય ખુશ નથી અંદરથી ખૂબ દુઃખી અને દર્દમાં છે. કેમકે હું તેને બાહ્ય દુ:ખમાં સાથ આપીશ. પણ તેણીનાં હૃદયમાં પડેલા ઘા, તેના પ્રેમની કોઈ જ દવા કે ઉકેલ નથી લાવી શકતી. તેના હસતા મુખ પર છલકાતા અંદરના આંસુ જોઈ શકું છું. આજે મારી કલમ પણ ધ્રુજી ઊઠી છે. તે પીડા, તે દર્દ તેને આપેલા તેના જીવન સાત વર્ષ જેનું કોઈ જ ફળ ન મળ્યું. મારી ડાયરી ન્યાય માગે છે. તેણીએ શું કરવું જોઈએ ? તેને છૂટા થવું જોઈએ ? કે પછી હજુ એક મોકો કે પોતાના આત્મસન્માન એક બાજુ મૂકી પાછું એ જ જીવન જીવવું જોઈએ ?