યાદોની બહાર.
યાદોની બહાર.
યાદોની બહાર.
અમદાવાદમાં સાંહીઠ નંબર બસનું પુષ્પકુંજનું બસ સ્ટોપ. સવારના સાત વાગ્યાં હતા. સ્ટોપ પર થોડીક ચહલ પહલ આવતી . પાછળ લિજ્જત સ્ટોલ પર ચાની કીટલીમાંથી નીકળતી વરાળ,અને તવાડે ઉતરતી ગરમા ગરમ ફૂલવડી ની સરાહ, સાથે સ્કૂલે જતા બાળકની સાઇકલ નો સળવળાટ રહેતો .
પુષ્પા પણ રોજની જેમ સાત વાગે ત્યાં પુશકુંજ ના બસસ્ટોપ પર આવીને ઊભી રહેતી. ખભા પર બેગપેક , હાથમાં મોબાઈલ, કાનમાં બર્ડ્સ અને આંખોમાં ભવિષ્યના સપના. થોડીવારમાં 60 નંબર ની બસ આવતી અનેઅમદાવાદ ના ચોખ્ખા ચટાક રસ્તા પસાર કરી તે સાડા સાતે નવરંગ પુરા લીબર્ટી બસ સ્ટોપ પર ઊતરીને, એચ. એલ. કોલેજ તરફ ચાલી જતી.
છેલ્લા કેટલાક દિવસોથી તેની નજર એક અજાણ્યા યુવક પર જતી હતી.
તે પણ રોજ એ જ સમયે બસ સ્ટોપ પર આવતો. બસમાં ચઢતો નહીં. બસ આવતી, લોકો ચઢી જતા, પુષ્પા પણ જતી રહેતી અને તે યુવક બસ સ્ટોપ પર જ બેસી રહેતો.
પહેલા તો પુષ્પા એ ધ્યાન ન આપ્યું. અઠવાડિયું વીતી ગયું, મહિનો વીત્યો . રોજ એ જ દૃશ્ય.
એક દિવસ વરસાદ પડતો હતો. બસ મોડી હતી. સ્ટોપ પર માત્ર બે જ લોકો હતાં—પુષ્પા અને એ યુવક.અને હાથમા ગરમા ગરમ લિજ્જત ની ફૂલવડી.
અચાનક પવનના ઝાપટાથી પુષ્પાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો . પુષ્પા મુંઝઈ ગઈ .
યુવક ફૂલવડી તરત દોડી,નીચે પડેલ મોબાઈલ લઇ,સ્ક્રીન પર પડેલું પાણી સાફ કરી આવ્યો.
"લો આ તમારો મોબાઈલ ."
પુષ્પા એ પહેલીવાર તેનો અવાજ સાંભળ્યો.
"થેન્ક યુ," પુષ્પા એ કહ્યું.
"તમારા મોબાઈલ મા તો ઘણી વાર્તાઓ લખેલી લાગે છે."
પુષ્પા ચોંકી.
"તમને કેવી રીતે ખબર?"
"સ્ક્રીન લાઈવ હતો, અને શીર્ષક વાંચાઈ ગયું."
પુષ્પા હસી પડી.
"હા હું વાર્તાઓ લખું છું."
"સરસ. હું, તે વાંચી શકું?"
"એક દિવસ જરૂર."
એટલામાં બસ આવી ગઈ.
પુષ્પા બસમાં ચઢી ગઈ, પણ આ વખતે બસની બારીમાંથી તેણે પાછળ જોયું. યુવક હજુ પણ સ્ટોપ પર બેસેલો હતો.
બીજા દિવસે પુષ્પા એ,લિજ્જત ની ગરમા ગરમ ફૂલવડી નું પડીકું ખોલતા,જ વાત શરૂ કરી.
"તું રોજ અહીં આવે છો, પણ ક્યાંય જતો નથી?" કોઈ ની રાહ મા છે?
યુવકે થોડી મૌન રહ્યો.
પુષ્પાએ ફૂલવડી નું પડીકું લાંબાયું, તેણે બે ચાર ફૂલવાડી હાથમા લઇ જવાબ આપ્યો.
"જાઉં છું... યાદોમાં."
પુષ્પા હળવેથી હસી.
"એટલે?"
"મારી બહેન પણ એચ. એલ. કોલેજમાં જ ભણતી હતી. રોજ આ જ બસ પકડતી.અને હું તેને અહીં સુધી મુકવા આવતો.બે વર્ષ પહેલાં અકસ્માતમાં તે નથી રહી."
પુષ્પા ના ચહેરા પરનું હાસ્ય વિલાઈ ગયું .
"સોરી..."
"ના. દુઃખ તો છે. પણ હું રોજ અહીં આવું છું. બસ આવે ત્યારે લાગે છે કે કદાચ તે ફરી બસમાં બેસતા કહેશે—'ભાઈ, આજે પાછા આવતા મોડું નહીં થાય .'"
પુષ્પા પાસે શબ્દો નહોતા.
તે દિવસે બસમાં બેઠી બેઠી તેણે પહેલીવાર અનુભવ્યું કે દરેક અજાણ્યા ચહેરા પાછળ એક વાર્તા હોય છે.
અને કદાચ કેટલીક વાર્તાઓ પુસ્તકમાં નહીં, બસ સ્ટોપ પર પણ લખાતી હોય છે...
આગળ...
થોડા દિવસોમાં પુષ્પા અને તે યુવક—પરેશ મિત્ર બની ગયા. પુષ્પા પોતાની નવી વાર્તાઓ તેને સંભળાવતી અને પરેશ પોતાની બહેનની યાદો. બંનેને ખબર નહોતી કે પુષ્પકુંજ નું એ બસ સ્ટોપ, ધીમે ધીમે તેમની જિંદગીના એક નવા અધ્યાયનું પ્રસ્તાવના પાનું બની ગયું હતું...।
સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો.
પુષ્પા માટે એ બસ સ્ટોપ હવે માત્ર બસ પકડવાની જગ્યા ન રહ્યો હતો. સવારે સાત વાગ્યાની રાહમાં હવે 60 નંબરની બસ ઉપરાંત પરેશ સાથેની થોડી વાતો પણ સામેલ થઈ ગઈ હતી.
એક દિવસ પુષ્પા બસ આવવાની રાહ જોતી હતી ત્યારે તેણે જોયું કે પરેશના હાથમાં એક જૂનું કવર હતું.
"શું છે આ?" પુષ્પાએ પૂછ્યું.
પરેશે કવર ખોલ્યું. અંદર કેટલીક તસવીરો હતી.
"મારી બહેનની."
પુષ્પાએ તસવીરો જોઈ. એક તસવીરમાં પરેશ અને તેની બહેન એચ. એલ. કોલેજના કેમ્પસમાં હસતાં ઊભા હતા.
"ખૂબ ખુશ લાગે છે."
પરેશે હળવું સ્મિત કર્યું.
"હા. એ કહેતી હતી કે જીવનમાં જે થાય તે થાય, પણ અટકી જવું નહીં."
થોડી ક્ષણ મૌન રહ્યું.
પુષ્પાએ ધીમેથી પૂછ્યું, "તો પછી તું કેમ અટકી ગયો છે?"
પરેશ પાસે જવાબ ન હતો.
તે રાત્રે કદાચ ઘણા મહિનાઓ પછી પરેશને ઊંઘ મોડે આવી.
પુષ્પાનો પ્રશ્ન તેના મનમાં વારંવાર ગુંજતો રહ્યો.
તો પછી તું કેમ અટકી ગયો છે?
બીજા દિવસે સવારે પુષ્પકુંજના બસ સ્ટોપ પર પરેશ આવ્યો ત્યારે તેના હાથમાં એક ફોર્મ હતું.
"આ શું?" પુષ્પાએ પૂછ્યું.
"જોબ એપ્લિકેશન."
પુષ્પા ચમકી ઊઠી.
"વાહ! આખરે યાદોની બહાર?"
પરેશે હસીને કહ્યું,
"યાદોની બહાર નહીં... યાદોને સાથે લઈને આગળ."
તે દિવસે પહેલીવાર બસ આવી એ પહેલા પરેશ ઊભો થયો.
પુષ્પાએ આશ્ચર્યથી પૂછ્યું,
ક્યાં જાય છે ?"
"ઇન્ટરવ્યૂ છે."
બીજે દિવસે પુષ્પા બસ સ્ટોપ પર પહોંચી ત્યારે પરેશ ત્યાં નહોતો.
મહિનાઓથી જે બેન્ચ પર તે બેઠો રહેતો હતો, એ બેન્ચ આજે પણ ત્યાં જ હતી, પરંતુ પહેલીવાર ખાલી હતી.
પુષ્પાએ આસપાસ નજર ફેરવી. લિજ્જત સ્ટોલ પરથી ચાની વરાળ ઊઠતી હતી, ફૂલવડી તવેથી ઉતરી રહી હતી, બાળકોની સાઇકલનો સળવળાટ પણ હતો. બધું જ પહેલાની જેમ હતું.
ફરક માત્ર એટલો હતો કે પરેશ હવે ત્યાં નહોતો.
થોડીવારમાં 60 નંબરની બસ આવી.
પુષ્પા બસમાં ચઢી ગઈ.
બારી પાસે બેઠી બેઠી તેણે બસ સ્ટોપ તરફ જોયું.
ખાલી બેન્ચ જોઈને તેના હોઠ પર એક નાનું સ્મિત આવી ગયું.
પરેશ આખરે આગળ વધી ગયો હતો.
બસ આગળ વધી.
પુષ્પકુંજનું બસ સ્ટોપ પાછળ રહી ગયું.
યાદો પણ.
પણ કેટલીક યાદો પાછળ રહી જવા માટે નથી હોતી; તે તો માણસને ફરી જીવતા શીખવવા માટે આવે છે.
અને એ જ યાદોને સાથે લઈને શરૂ થઈ હતી એક નવી સફર—
યાદોની બહાર.
