STORYMIRROR

Kalpesh Patel

Comedy Drama

4.5  

Kalpesh Patel

Comedy Drama

પાંચમો નંબર

પાંચમો નંબર

3 mins
20

પાંચમો નંબર 

સુરતના વરાછામાં રહેતો ચતુર. અને તેનો એવો મોબાઇલ કે પાંચથી વધારે નંબર સેવ રાખે તો ફોન હેંગ થઈ જાય. ફોન ગળે લબડાવી રાખે, ખોવાઈ જશે એવી તેને બીક!

એક સાંજે તે ઊંધિયું ખાઈને આરામથી યુટ્યુબ જોતો હતો. અચાનક ફોન રણક્યો.

"હેલો... જાનુ, શું કરે છે?"

છોકરીનો અવાજ સાંભળી ભાઈ ભોળવાઈને ચમકી ગયા.

"બેન, હું તો રીલ જોઉં છું, પણ તમે કોણ?"

સામેથી મીઠો અવાજ આવ્યો.

"અરે વાહ! હવે હું બહેન? આજે તો તું બહુ મજાકના મૂડમાં છે!"

ચતુરે વિચાર્યું, "કોઈ ઓળખીતું હશે."

"હા હા... છું ટેસ્ટમાં, તે કયો ગુનો કર્યો!"

બસ, ત્યાંથી વાતો શરૂ થઈ ગઈ.

દરરોજ રાત્રે ફોન આવવા લાગ્યો.

"ખાધું?"

"હા."

"મને યાદ કરી?"

"હા."

"કેટલું?"

"બે પ્લેટ ખમણ જેટલું!"

સામેની છોકરી ખડખડાટ હસે.

બે અઠવાડિયામાં તો બંનેની એવી મિત્રતા થઈ ગઈ કે ફોન વગર ઊંઘ ન આવે.

એક દિવસ છોકરીએ કહ્યું,

"જાનુ, ફોનથી જી ભરાતો નથી, હવે તો મળવું છે."

ચતુરના પેટમાં પતંગિયાં નહીં, આખો કાઇટ ફેસ્ટિવલ ઊડવા લાગ્યો.

ગોપી તળાવની પાળે, સાંજે સાત વાગે મુલાકાત નક્કી થઈ.

ચતુરે ધોબી પાસેથી ભાડે શર્ટ-પેન્ટ લીધાં, વાળમાં જેલ લગાવી અને સુગંધ એટલી છાંટી કે રસ્તાના મચ્છર પણ રૂમાલ બાંધીને ભાગી જાય.

સાત વાગ્યા પહેલાં જ ચતુર ગોપી તળાવે નાસ્તાના પડીકા લઈને પહોંચી ગયો.

પાળે બેસીને આસન જમાવે ત્યાં એક યુવતી આવી અને ચતુરને વાંસે ધબ્બો મારી બોલી,

"બેટમજી! હા તો અહીં તમારો ઓવરટાઈમ ચાલે છે?"

ચતુર ચમકી ગયો.

"હા... જાનુ?"

"ઓહ સોરી! આવું જ શર્ટ-પેન્ટ મારા વર પાસે પણ છે. હું તો સવિતા! મારા લટકું પતિને શોધું છું."

"પણ તમે અહીં આમ મહેકતા કેમ?"

"સવિતા બહેન, હું મારી પ્રેમિકાની રાહ જોઉં છું."

ચતુરે એક સમોસો આપતા કહ્યું,

"ભગવાન આપણી બન્નેની તમન્ના પૂરી કરે."

એટલામાં પાછળથી એક જાડો પોલીસ સીટી વગાડતો આવ્યો.

"અહીં કેમ બેઠા છો? અને તમે કોણ?"

ચતુર ગભરાઈ ગયો.

"હું...? હું તો આ ગોપી તળાવના વિકાસનું નિરીક્ષણ કરવા આવ્યો છું!"

એટલામાં ફોન વાગ્યો.

"અરે! તું ક્યાં છે? ટેક્સીવાળાને પેમેન્ટ કરવાનું છે!"

ચતુર ખુલ્લા નાસ્તાના પડીકા સામે જોઈ થોડીવાર ચૂપ રહ્યો.

"યાર, પ્રેમમાં પડવું સરળ નથી..."

"જાનુ, તું ક્યાં ઊભી છે?"

"હું ગોપી તળાવના મુખ્ય દરવાજા પાસે છું. ગુલાબી ડ્રેસમાં."

અંધારું થઈ ગયું હતું. હવે દરેક ત્રીજી છોકરી ચતુરને ગુલાબી જ દેખાતી હતી.

સવિતા બહેન બોલ્યાં,

"ચતુરભાઈ, પ્રેમનો ચક્કર ખતરનાક હોય છે. મારા વરને પણ આવો જ જલદ મોબાલીયો રોગ લાગ્યો છે ."

ફરી ફોન આવ્યો.

"જાનુ મેં..ટેક્સીવાળાને પેમેન્ટ કરી દીધું. હવે તું ક્યાં છે?"

"હું ગેટ સામે ની પાળે જ બેઠો છું. બંને હાથમાં સમોસા છે."

"સમોસા? અરે વાહ! મને પણ બહુ ભાવે."

ચતુર ખુશ થઈ ગયો.

"બસ, તું આવ. બે નહીં, બાર સમોસા ખવડાવીશ."

પાંચ મિનિટ પછી દૂરથી એક આકૃતિ દેખાઈ.

ચતુરનું હૃદય ઢોલની જેમ ધડકવા લાગ્યું.

"આવી ગઈ... આવી ગઈ..."

પણ નજીક આવતાં જ ચહેરો ફિક્કો પડી ગયો.

આ તો છોકરી નહોતી!

આશરે પચાસ વર્ષની એક કાકી, ગુલાબી ટી-શર્ટમાં, હાથમાં મોબાઇલ લઈને ઊભી હતી.

"ચતુર?"

"હા..."

"હું ચંદ્રકાંતા. મારી દીકરીનો ફોન મારી પાસે હતો. એના નંબર પરથી હું વાત કરતી હતી."

ચતુરની આંખો ફાટી ગઈ.

"એટલે... જાનુ?"

"હું જ!"

સવિતા બહેનનો સમોસો ગળામાં અટકી ગયો.

પોલીસવાળો પણ સીટી વગાડવાનું ભૂલી ગયો.

ચંદ્રકાંતા કાકી બોલ્યાં,

"શરૂઆતમાં ખોટો નંબર લાગ્યો હતો. પછી તું એટલો મજેદાર લાગ્યો કે મેં પણ મજાક ચાલુ રાખી. રોજ હું અને મારી દીકરી સ્પીકર પર તારી વાતો સાંભળીને હસતા."

ચતુરને લાગ્યું કે ગોપી તળાવમાં કૂદી જાય.

ત્યાં પાછળથી એક મીઠો અવાજ આવ્યો,

"મમ્મી, હવે બહુ થયું!"

ચતુરે પાછળ જોયું.

ગુલાબી ડ્રેસમાં એક સુંદર યુવતી ઊભી હતી.

"હું શ્રુતિ. ખરેખર શરૂઆતમાં મમ્મીથી ખોટો નંબર જોડાઈ ગયો હતો. પણ તારી નિર્દોષ વાતો સાંભળીને અમને મજા આવતી હતી."

ચતુર હજુ આઘાતમાં.

"એટલે હવે ઇલુ ઇલુ સાચું હતું કે ખોટું?"

શ્રુતિ હસી પડી.

"એ તો મમ્મી જાણે. તારી વાતની ખબર નથી. પણ મમ્મીને સમોસા બહુ ગમે છે!"

ચંદ્રકાંતા કાકી સમોસો ખાતાં બોલ્યાં,

"ખોટા નંબરથી શરૂઆત થઈ હતી... પણ હવે નંબર સેવ કરી લીધો છે."

સવિતા બહેને તાળી પાડી.

પોલીસવાળાએ સ્મિત કર્યું.

અને ચતુરે જીવનમાં પહેલી વાર સમજ્યું કે—

"ખોટો નંબર ક્યારેક ફોનમાં લાગે છે, પણ નસીબમાં સાચો નીકળી જાય છે!"

પણ આજે પણ ચતુરનો મોબાઇલ પાંચથી વધારે નંબર સેવ કરે તો હેંગ થઈ જાય છે.

એટલે તેણે ધોબીનો નંબર કાઢી નાખ્યો.

કારણ કે પાંચમા નંબર પર હવે લખેલું છે—

"જાનુ ❤️ (ચંદ્રકાંતા)"



અને ત્યારથી ચતુરે મોબાઇલમાં એક નવો નિયમ બનાવી દીધો—

અજાણ્યા નંબરનો ફોન ઉપાડવાનો જ નહીં!

પણ...

ચંદ્રકાંતા કાકીનો ફોન આવે એટલે આજે પણ પૂછે છે,

"કાકી, સમોસા લઈને આવું... પણ શ્રુતિને સાથે ન લાવતા!"

અને સામેથી તરત જવાબ આવે—

"લાવજે... પણ સમોસા ગરમ હોવા જોઈએ!"



Rate this content
Log in

Similar gujarati story from Comedy