શ્રાવણી સૂત્ર
શ્રાવણી સૂત્ર
શ્રાવણી સૂત્ર
માલવાના રાજા ભોજનો દરબાર માત્ર વૈભવ માટે જ નહીં, જ્ઞાન અને કલાના આદર માટે પણ પ્રખ્યાત હતો. ધારા નગરી ઉપર સોમનાથ દાદા ના રખોપા હતા. રાજમહેલમાં દેશભરના કવિઓ, વિદ્વાનો અને કલાકારો ભેગા થતા. તેમાં કવિ શારંગધરનું સ્થાન વિશેષ હતું. તેમના કંઠે શિવસ્તોત્ર રોજ દરબારમા ગુંજતાં અને સભા મંત્રમુગ્ધ થઈ જતી.
એક વરસની શિવરાત્રીની રાતે રાજમહેલ દીપમાળાઓથી ઝગમગી રહ્યો હતો. કવિ શારંગધર શિવમહિમ્ન સ્તોત્ર ગાઈ રહ્યા હતા અને રાજકુંવરી મૃણાલિની નૃત્ય કરી રહી હતી. શબ્દ અને લય, કાવ્ય અને ભાવ, જાણે એકરૂપ થઈ ગયા હતા.
એ રાત પછી દરબારમાં કાનાફૂસી શરૂ થઈ.
લોકોને લાગ્યું કે કવિ અને કુંવરી વચ્ચે પ્રેમ છે.
સમય જતાં અફવાઓ ચારેકોર આગની જેમ ફેલાઈ . પરંતુ ન તો કવિએ કંઈ કહ્યું, ન તો કુંવરીએ કોઈ ચોખવટ કરી . પરંતુ કવિ ગાય ત્યારે કુંવરી અચૂક ભાવવિભોર બંને, અને ભાન ભૂલી નૃત્ય કરે.
છ મહિના પછી કવિ શારંગધર અચાનક ગાયબ થઈ ગયા.
અને કુંવરીએ જાહેર સભાઓમાં આવવાનું બંધ કરી દીધું.
લોકોએ પોતાની રીતે કથાઓ ઘડી લીધી.સમય જતા વાત થાળે પડી વિસરાઈ ગઈ.
પંદર વર્ષ પછી...
એક શ્રાવણી રાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
રાજમહેલની ઝાલર પાવનના સુસવાટા માં ઊંચી નીચી થઈ, ગરજી. ઝાલર ના ઝરૂખે,રાજ મહેલના પહેરેદાર વીરભદ્રને એક પત્ર મળ્યો.
પત્રમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું:
"જે સત્યને રાજમહેલે દફનાવ્યું છે, તે શ્રાવણી પૂનમે પોતાની જાતે બોલશે."
નીચે એક અર્ધચંદ્રનું ચિહ્ન હતું.
આ ચિહ્ન જોઈ વીરભદ્ર ચોંકી ગયો.
તે ચિહ્ન તેણે વર્ષો પહેલાં કવિ શારંગધરના ગળે લટકી રહેલ હેમના તાવીજમાં જોયું હતું.
શ્રાવણી પૂનમના દિવસે આખો દરબાર ભેગો થયો.સૌ કોઈ બેચેન હતા.
ત્યાં વર્ષોથી મૌન રહેલી રાજકુંવરીની ધાયમાતા આગળ આવી.તેણે એક રહસ્ય જાહેર કર્યું.વર્ષો પહેલાં સરહદ પર સોમનાથ દાદાના રખોપા માટે ના થયેલા ધીંગાણામાં રાજપરિવારનો વિનાશ થયો હતો.
તેમના બે બાળકો જીવિત બચી ગયા હતા.
પરિસ્થિતિ એવી બની કે બંને જુદા પડી ગયા.
છોકરાને એક વિદ્વાન બ્રાહ્મણે ઉછેર્યો.
છોકરીને રાજમહેલમાં આશ્રય મળ્યો.
છોકરો મોટો થઈ કવિ શારંગધર બન્યો.
અને છોકરી રાજકુંવરી મૃણાલિની.
કોઈને ખબર નહોતી કે બંને સગા ભાઈ-બહેન હતા.
શિવરાત્રીની રાતે ગવાયેલ એક પ્રાચીન સોત્ર એ કુંવરીના મનમાં શંકા જગાવી . ગુપ્ત તપાસમાં સત્ય બહાર આવ્યું.
પણ આ સત્ય જાહેર કરવાથી રાજકીય વિવાદો ઊભા થઈ શકે તેમ હતા.
તેથી બંનેએ મૌન રાખ્યું.
કવિએ રાજ્ય છોડ્યું.
કુંવરીએ પોતાને એકાંતમાં સમેટી લીધાં.
તેઓ પ્રેમી નહોતા.
તેઓ તો વર્ષો પછી મળેલા ભાઈ અને બહેન હતા.
ધાયમાતાની વાત પૂરી થઈ.
દરબારમાં નિઃશબ્દતા છવાઈ ગઈ.
એ સમયે એક સાધુ સભામાં પ્રવેશ્યા.
સફેદ દાઢી, હાથમાં કમંડળ અને ગળામાં રુદ્રાક્ષ.
તેમણે રાજા ભોજને નમન કર્યું. તેના ગળે રુદ્રાક્ષ ની માલા વચ્ચે પછી ગળામાં અર્ધચંદ્રવાળું તાવીજ જોઈ .
રાજા પાસે ઉભેલો વીરભદ્ર આશ્ચર્યથી બોલી ઊઠ્યો:
"કવિ શારંગધર!"
સાધુ એ માત્ર સ્મિત કર્યું .
હા, એ જ શારંગધર હતા.
વર્ષોએ તેમના ચહેરાને સમયથી પહેલા વૃદ્ધ બનાવ્યો હતો, પણ આંખોમાં એ જ અનેરું તેજ હતું.
તેમણે, દરબાર માં ઝરૂખે બેસેલી કુંવરી તરફ જોયું.
મૃણાલિનીની આંખોમાંથી વર્ષોનું બંધાયેલું જળ વહેવા લાગ્યું.
શારંગધરે પોતાની ઝોળીમાંથી એક રેશમી દોરો કાઢ્યો.
"બહેન," તેમણે કહ્યું, "આજે શ્રાવણી પૂનમ છે. વર્ષો પહેલાં જે રક્ષાસૂત્ર બાંધવાનું રહી ગયું હતું, તે આજે પૂર્ણ કરીએ."
સમગ્ર દરબારની આંખો ભીની થઈ ગઈ.
મૃણાલિનીએ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી.
અને શારંગધરે બહેનના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો.
રાજા ભોજ ઊભા થયા.
તેમણે જાહેરાત કરી:
"આજથી ધારા નગરીમાં શ્રાવણી પૂનમનો ઉત્સવ ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક તરીકે, દરેક બહેન ને દરબાર તરફથી એક મહોર આપી ઉજવવામાં આવશે.
તે દીવસ અને તે ઘડી થી કવિ શારંગધર તથા રાજકુંવરી મૃણાલિનીનું નામ સન્માનથી લેવાનું શરુ થયું ."
દૂર સોમનાથ દાદા ના મંદિરે
ઘંટ વાગ્યો.શિવમહિમન સોત્ર ચાલુ થયાં હતા...
અને ઝરૂખે ઝાલર ફરીથી રણકી
ઢોંગ...
ઢોંગ...
ઢોંગ...
શ્રાવણી રાતનો ચંદ્ર આકાશમાં પૂર્ણ તેજ સાથે ઝળહળી રહ્યો હતો.
વરસાદ થંભી ગયો હતો.
વાદળો જાણે અસત્યને નહીં, પરંતુ અફવાઓના અંધકારને માર્ગ આપી દૂર સરકી ગયા હતા.
ધારા નગરીએ એ રાતે શીખ્યું કે—
અફવાઓને કાન હોય છે, પરંતુ સત્યને સમય હોય છે.
કેટલાક સંબંધો પ્રેમથી પણ ઊંચા હોય છે.
તેઓ રક્ષાસૂત્રના એક નાજુક દોરામાં બંધાયેલા હોય છે, જેને સમય, અંતર કે સંજોગો પણ તોડી શકતાં નથી.
અને અનાદીકાળથી કદાચ એ જ દોરાનું નામ છે. "શ્રાવણી સૂત્ર".
— કલ્પેશ પટેલ ©
“અનાદીકાળ” નો અર્થ
— જેનો કોઈ આરંભ નથી, એટલે કે શરૂઆત વગરનો સમય. આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે અતિ પ્રાચીન, અવિનાશી, અનંત સમય માટે થાય છે.
અને ધારા નગરીને એ રાતે શીખ્યું—
અફવાઓને કાન હોય છે, પરંતુ સત્યને સમય હોય છે.
કેટલાક સંબંધો પ્રેમથી પણ ઊંચા હોય છે.
તેઓ રક્ષાસૂત્રના એક નાજુક દોરામાં બંધાયેલા હોય છે, જેને સમય પણ તોડી શકતો નથી.
અનાદી: “આદી” એટલે શરૂઆત. “અનાદી” એટલે જેની શરૂઆત નથી.કાળ: સમય, યુગ, અવધિ.અનાદીકાળ: એવો સમય જેનો neither આરંભ છે nor અંત. એટલે કે શાશ્વત સમય.
ઉપયોગ
ધાર્મિક ગ્રંથોમાં: “અનાદીકાળથી આત્મા અવિનાશી છે” — આત્માની શાશ્વતતા દર્શાવવા.સાહિત્યમાં: “અનાદીકાળથી આ પરંપરા ચાલી આવી છે” — ખૂબ જૂની પરંપરા દર્શાવવા.તત્ત્વચિંતનમાં: સમયની અનંતતા, જે neither જન્મે છે nor મરે છે.
ડિસ્ક્લેમર~
આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ લેખકની કલ્પના પર આધારિત છે અથવા સાહિત્યિક અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયા છે. કોઈ પણ જીવિત કે અવસાન પામેલા વ્યક્તિ, વાસ્તવિક ઘટના અથવા સ્થળ સાથે કોઈપણ પ્રકારની સમાનતા માત્ર સંયોગ ગણાશે.
આ રચનાનો હેતુ માત્ર સાહિત્યિક અને સાંસ્કૃતિક રસાસ્વાદ છે. તેને ઐતિહાસિક સત્ય તરીકે માનવું નહીં.
---
કલ્પેશ પટેલ ©
