ભરતી કે ઓટ ?
ભરતી કે ઓટ ?
ભરતી કે ઓટ ?
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું ચોરવાડ.
સવારના ખારા પવનની સુગંધ, સાંજના લાલચટ્ટા સૂર્યાસ્ત અને સતત ઘુંઘવતો દરિયો, જેમ કે કિનારો પોતે જ કંઈક કહાની કહી રહ્યો હોય.
આ જ કિનારે કરિશ્મા અને કિશોર મોટા થયા હતા.
એક જ શાળા, એક જ ગલી, એક જ છીપલાં અને ચોરવાડનો દરિયાકિનારો, જે તેમને બાળપણથી જ અદૃશ્ય દોરીથી જોડતો હતો.
સમય સાથે બંનેના રસ્તા ધીમે ધીમે અલગ થતા ગયા.
કિશોર સાદગીમાં જીવતો, આસ્થાવાન સ્વભાવનો હતો.
કરિશ્મા હવે શહેરના સપનાઓ તરફ વળી ગઈ હતી. સફળતા, દેખાવ અને જીવનની ચમક અને ઝડપ તેની પહેલી પસંદ બની ગઈ.
સ્વભાવ અલગ હોવા છતાં તેમના વચ્ચેનો અદૃશ્ય સંબંધ ક્યાંક જીવતો રહ્યો.
દસમા ધોરણ પછી બંનેનું મળવાનું ઓછું થઈ ગયું, પરંતુ સ્મૃતિઓમાં તેઓ હજી પણ જોડાયેલા હતા.
---
એક સાંજે ઉનાળા ના વેકેશનમા કરિશ્મા ચોરવાડ પાછી આવી.
થોડે દૂર તેણે કિશોરને એક સુંદર યુવતી સાથે હસતાં જોયો.
તે અટકી ગઈ.
મનમાં શંકા ઊભી થઈ.
“આ કોણ છે? તેણે ક્યારેય કહ્યું કેમ નહીં?”
પણ તેણે પૂછ્યું નહીં.
મૌન રહીને તે પાછી ફરી ગઈ.
અને એ જ મૌન ધીમે ધીમે અંતર બની ગયું.
સમય પસાર થતો રહ્યો.
કરિશ્મા શહેરમાં જઈ સફળતા મેળવી, પરંતુ અંદર ક્યાંક એક ખાલી જગ્યા રહી ગઈ.
---
એક દિવસ તેણે કિશોરને ફરી મળવાનું નક્કી કર્યું — પરંતુ આ વખતે એક હેતુ સાથે.
તે ઉનાળામા ચોરવાડ પાછી આવી.
સાથે તેનો મંગેતર મનોજ પણ સાથે હતો. મનોજ મુંબઈનો મોટો અને જાણીતા વેપારીનો દીકરો હત.
ચમકતી કાળી લક્ઝરી કાર, ચોરવાડ ના દરિયા કિનારે આવી અટકી.
દરવાજો ખુલતાં જ રેતી પર બેસેલા સૌની નજર સ્થિર થઈ ગઈ.
દૂર ઉભેલો કિશોર પણ ત્યાં હતો.
કરિશ્માની નજર તેના પર પડી.
અને તેના મનમાં અહંકારની એક ચિંગારી સળગી ઊઠી.
તે ધીમેથી મનોજને, કિશોર પાસે આગળ લાવી બોલી,
“આ છે મનોજ… મારા મંગેતર.”
તેની નજર સીધી કિશોર તરફ હતી. જાણે કહેતી હોય કે હવે હું તારાથી ઘણી આગળ નીકળી ગઈ છું.
કિશોર શાંત રહ્યો.
પણ એ શાંતિમાં એક અજાણ્યું દુઃખ છુપાયેલુ હતું .
---
થોડી જ ક્ષણોમાં કિનારે એક યુવતી નાની બાળકી સાથે રમતી દેખાઈ. તે યુવતી જોઈ કરિશ્માને, કિશોરને છોડવાનો પોતાનો નિર્ણય સાચો લાગ્યો.
એ જ યુવતી હતી જેને કરિશ્માએ વર્ષો પહેલાં કિશોર સાથે દરિયા કિનારે રમતી જોઈ હતી.
તે યુવતી પાસેથી બાળકી દોડતી દોડતી મનોજ પાસે આવી અને રમવા લાગી.હસતી, કૂદતી અને હાથ પકડીને કંઈક પૂછતી.
કિશોરે હળવેથી સ્મિત કર્યું અને કહ્યું —
કરિશ્મા,“આ છે મારી ભાણી મેઘા , મારાં મામાની દીકરીની દીકરી છે… અહીં કેરી ની સીઝનમા દરેક વર્ષે આવે મારી બહેન આવે છે.”
આ સામાન્ય શબ્દો હતા.
પણ કરિશ્માના મનમાં અનેક ખોટા અર્થો સુધારી ગયા.
---
તે તો ઈર્ષ્યા અને અહંકારની આગમાં સળગતી કરિશ્મા કિશોરને જલાવા આવી હતી.
તેના મનમાં માત્ર એક વિચાર હતો —
“હું તેને બતાવી દઈશ કે હું ક્યાં પહોંચી ગઈ છું.” પણ એ બતાવવાની ઇચ્છામાં, આજે આખરે તે પોતે જ ભ્રમમાં ખોવાઈ ગઈ.
અને એ જ ક્ષણે સત્ય સામે આવ્યું હતું તે તેને અકળાવતું હતું.
કિશોર તો એક સરળ માણસ હતો — કોઈ બનાવટ નહીં, કોઈ અહંકાર નહીં.
અને જે યુવતી તેને તેણે જોયેલી હતી, તે તેની મામાની દીકરી હતી.
એ ક્ષણે બધું તૂટી પડ્યું.
અહંકાર પણ.
ઈર્ષ્યા પણ.
અને પોતે બનાવેલ ભ્રમ પણ.
---
બીજા દિવસે કરિશ્મા ચોરવાડના કિનારે એકલી આવી.
દરિયો એ જ હતો.
લહેરો એ જ હતી.પણ અંદર કંઈક બળતું હતું. પસ્તાવાની આગ.
તે ધીમેથી રેતી ઉપર બેસી ગઈ.
દરિયા ની લહેરો તેના પગ ભીંજવતી રહી.
અને તે પોતાને જ પૂછતી રહી.
રે મન,“હું કોને જલાવા આવી હતી… અને ખુદ ને જલાવી બેઠી?”
થોડી ક્ષણોમાં કિશોર પણ ત્યાં આવી પહોંચ્યો.
તે શાંતિથી કરિશ્મા સાથે બેસી ગયો.
કોઈ આરોપ નહીં.
કોઈ ફરિયાદ નહીં.
માત્ર દરિયાનો અવાજ.
અને બંને વચ્ચે મૌન પણ લાગણીની ભરતી અને ઓટ .
થોડી ક્ષણો પછી તે ધીમેથી બોલ્યો.
કરિશ્મા...
“ભરતી હોય કે ઓટ… દરિયો ક્યારેય સીમા બદલતો નથી. આપણે જ ક્યારેક ખોટી દિશામાં જોઈ લઈએ છીએ.”
કરિશ્માની આંખોમાં આંસુ આવી ગયા.
આ વખતે તે ખરેખર ચૂપ રહી.
---
એ દિવસે તેને સમજાયું —
ઈર્ષ્યા કોઈની સગી નથી, તે કોઈ ને
સળગાવતા … પહેલાં ઈર્ષા કરનારને તેની આગમાંખાઈ જાય છે.
સંબંધોની દોરીમાં કદી ગાંઠ પાડવા કરતાં પહેલાં એક વાર પૂછવું વધુ સારું રહેતું હોય છે .
માનવ જીવનમાં સૌથી મોટું નુકસાન કોઈ વ્યક્તિથી નહીં…
પણ તેના પોતાના ખોટા અનુમાનોથી થાય છે.
---
ભરતી કે ઓટ — બંનેમાં લાગણી નો દરિયો એ જ રહે છે.
ફરક માત્ર એટલો છે કે આપણે એને કઈ નજરથી જોઈએ છીએ.
કલ્પેશ પટેલ.
