કંપારી
કંપારી
કંપારી
માર્ચ ૨૦૨૬.
દેશભરમાં એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા ચાલી રહી હતી.
ભુજ શહેરની સૌથી જૂની સરકારી લાલન કોલેજને દર વરસ ની જેમ. આ વર્ષે પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.
ઉમેદવાર ની બેઠક વ્યવસ્થા ના નકશા મુજબ અહીં માત્ર બાર રૂમ હતા—રૂમ ૧ થી ૧૨.
સવારે સાત વાગ્યાથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા હતા. ચેકિંગ, બાયોમેટ્રિક અને ઓળખપત્રની પ્રક્રિયા ચાલી રહી હતી.
ત્યારે એક ઉમેદવાર, કેતકી શાહ, પોતાના એડમિટ કાર્ડ પર નજર કરે છે.
તેમાં સ્પષ્ટ લખેલું હતું:
રૂમ નં. ૧૩
તે હળવું સ્મિત કરે છે.
“પ્રિન્ટિંગ ભૂલ હશે…”
પણ સામે ઊભેલો કર્મચારી એક ક્ષણ માટે અટકી જાય છે. તેનો ચહેરો ફિક્કો પડી જાય છે.
“અહીં તો રૂમ ૧૩ મો તો છે જ નહીં.”
થોડી જ વારમાં ખબર પડે છે કે બીજા ત્રણ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડમાં પણ એ જ લખેલું છે—રૂમ ૧૩.
પ્રિન્સિપાલને બોલાવવામાં આવે છે.
સર્વર ચેક થાય છે.
બધું સામાન્ય.
પણ જૂના રેકોર્ડમાં એક ચોંકાવનારી નોંધ મળે છે.
પચ્ચીસ વર્ષ પહેલાં કોલેજની ડાબી વિંગમાં એક રૂમ હતો—રૂમ ૧૩.
ભૂકંપ પછી તે ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
અને ત્યારથી તે નંબર ક્યારેય ફરી આપવામાં આવ્યો નહોતો.
---
અચાનક વાતાવરણ બદલાઈ જાય છે.
ચારેય વિદ્યાર્થીઓ એકાએક ગાયબ થઈ જાય છે.
કોઈ કોલેજના દરવાજેથી બહાર નીકળતા દેખાતા નથી.
CCTV ફૂટેજમાં તેઓ છેલ્લે એક બંધ કોરિડોર તરફ જતા દેખાય છે…
અને પછી—
ખાલી કોરિડોર.
ફ્રેમ પછી ફ્રેમ.
શૂન્ય.
---
પોલીસ આવી પહોંચે છે.
તપાસ અધિકારી સુમન સોલંકીને દીવાલ પર ચોકથી લખેલા ચાર શબ્દો મળે છે:
“અમે હજુ કોલેજ ની અંદર જ છીએ.”
આ વાંચીને સમગ્ર બિલ્ડિંગમાં ઠંડો સન્નાટો છવાઈ જાય છે.પ્રિન્સિપાલ ધ્રુજી ઉઠે છે.
સુમન જૂના નકશા મંગાવે છે.
અને ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગે છે.
તોડી પાડવામાં આવેલી વિંગની નીચે હજી પણ એક છુપાયેલો માર્ગ હતો.નવી દિવાલ પાછળ એક ગુપ્ત આર્કાઇવ.
---
જ્યારે દીવાલ તોડવામાં આવે છે…
અંદરનું દૃશ્ય બધાને હચમચાવી દે છે.
ચારેય વિદ્યાર્થીઓ શાંતિથી ટેબલ સામે બેસીને પેપર લખી રહ્યા છે.
જાણે કંઈ બન્યું જ ન હોય.
અખંડિત.
તેમની સામે પ્રશ્નપત્ર છે.
અને ઉપર લખેલું છે:
“આ તમારી જીવનની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા છે. અહીં ગુણ નહીં, સત્ય તપાસવામાં આવશે .”
ટેબલ પાછળ એક ખુરશી ખાલી છે.
અને સામે ટેબલ પર એક કાગળ છે. ઉપર પેપેર વેઇટ છે
“આગામી ટોપર ઉમેદવારનું નામ પહેલેથી નક્કી થઈ ચૂક્યું છે…”
અને નીચે લખેલું છે.
ટોપર ઉમેદવાર કેતકી શાહ.
---
કેતકીના શરીરમાંથી ઠંડી કંપારી પસાર થઈ જાય છે.
તે જ ક્ષણે દીવાલ પર એક જૂનો પ્રોજેક્ટર ચાલુ થાય છે.
લાલ અક્ષરો ઝબકે છે:
PROJECT ROOM 13
પચ્ચીસ વર્ષ પહેલાં સરકારનો એક ગુપ્ત પ્રયોગ શરૂ થયો હતો
“માઇન્ડ પોટેન્શિયલ ટેસ્ટિંગ પ્રોગ્રામ.”
હેતુ હતો—ઉચ્ચ બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓને દબાણ હેઠળ પરીક્ષણ કરવું.
પણ પ્રયોગ નિયંત્રણ બહાર જઈ માફિયા ના હાથમા ગયો . સફળતા ની બોલી ચાલુ થઇ.
અને આમ અરજકતા રોકવા રૂમ ૧૩ને “અધિકૃત રીતે તોડી પાડવામાં આવ્યો”પ્રોગ્રામ બંધ જાહેર કરી દેવામાં આવ્યો.
પણ હકીકતમાં…પ્રોગ્રામ બંધ નહતો થયો..
તેને છુપાવી દેવામાં આવ્યો હતો.
---
ચારેય વિદ્યાર્થીઓ ધીમે બોલે છે:
“અમે ગાયબ નહોતા થયા…”
“અમને પસંદ કરવામાં આવ્યા હતા .”
અને અચાનક એક અવાજ આવે છે:
“FINAL PHASE STARTED.”
દરવાજા લોક થઈ જાય છે.
દીવાલો ખાસવા લાગે છે.
સુમન ચીસ પાડે છે:
“આને રોકો!”
પણ જવાબ માત્ર એટલો જ આવે છે:
“તમે પહેલેથી અંદર છો.”
---
દીવાલ પાછળ એક નવી જગ્યા ખુલ્લી પડે છે.
અને અંદર—
ડઝનેક સ્ક્રીન્સ.
દેશભરના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો.
અને દરેક સેન્ટરમાં—
રૂમ ૧૩.
---
કેતકી ધીમે કહે છે:
“રૂમ ૧૩ એક રૂમ નથી લાગતો …”
"આ તો એક સિસ્ટમ છે.”
“દર વર્ષે નવા ઉમેદવારો… નવી પરીક્ષાઓ… અને એક નવું સત્ય.”
---
છેલ્લી લાલ લાઇટ ઝબકે છે.
સ્ક્રીન પર લખાય છે:
“EXAM NEVER ENDS.”
અને નીચે એક નવું નામ ફ્લેશ થાય છે—
SU-MAN SOLANKI
---
સમાપ્તિ… કે શરૂઆત?
ડિસ્કલેમર ~પ્રસ્તુત વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે.
તેમાં દર્શાવાયેલા પાત્રો, સ્થળો, સંસ્થાઓ અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ, સંગઠન અથવા ઘટનાથી કોઈ સંબંધ નથી.
કોઈપણ સમાનતા માત્ર સંયોગ ગણાશે.
લેખકનો હેતુ માત્ર કલ્પનાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
~~~~~~
© 2026 કલ્પેશ પટેલ.
