STORYMIRROR

Kalpesh Patel

Classics Inspirational Others

4  

Kalpesh Patel

Classics Inspirational Others

રુદન

રુદન

2 mins
6

રુદન.

નોંધ: આ વાર્તા રામકથાના એક પ્રસંગથી પ્રેરિત કલ્પિત લોકકથા છે. તેમાં દર્શાવાયેલા પ્રસંગો, સંવાદો અને વર્ણનો લેખકની સર્જનાત્મક કલ્પના છે.
રુદન 
કાળમીંઢ અંધારી રાત.

ચોપાસ પથરાયેલો સન્નાટો.

સરયૂના કિનારે આવેલી એક જૂની ઝુંપડીમાં ધોબી કિસન અને તેની બીજી નવી પત્ની હમણાં જ રહેવા આવ્યા હતા. આસપાસ દૂર દૂર સુધી બીજું કોઈ ઘર નહોતું. રાત પડતાં જ આખું નગર જાણે શ્વાસ રોકીને ઊભું રહી જતું.

પણ બરાબર મધરાતે...

એ સન્નાટો એક હૃદય ધ્રૂજાવી દે એવા કરુણ રુદનથી ચીરી નાખાતો આવતો હતો .

સાતત્યપૂર્ણ...

કરૂણ...

હાડકાં સુધી ઉતરી જતો એ અવાજ ! થી કિસન અને તેની વહુ પરેશાન હતા.

શરૂઆતમાં કિસનને લાગ્યું કે આ માત્ર ભ્રમ હશે. કદાચ સરયૂના પવનનો ખેલ હશે, અથવા જૂની ઝુંપડીના સળિયાંમાંથી નીકળતો કોઈ અજાણ્યો સૂર.

પરંતુ દિવસો પસાર થતાં રુદન વધુ સ્પષ્ટ બનતું ગયું.

એમાં માત્ર આંસુ નહોતાં...

વર્ષોનું દબાયેલું દુઃખ હતું.

અયોધ્યાના લોકોએ કિસનને પહેલેથી જ ચેતવ્યો હતો.

"કિસન... બીજી પત્ની લાવવી અયોધ્યાવાસીને શોભતું નથી. કુદરતની લાઠી ક્યારેય દેખાતી નથી... પણ વાગશે ત્યારે, કોઈ થી સહન થતી નથી."

પણ કિસન તર્કવાદી હતો. અંધશ્રદ્ધામાં તેને વિશ્વાસ નહોતો. તે નક્કી કરી ચૂક્યો હતો કે આ રુદન પાછળનું સત્ય શોધીને જ રહેશે.

---

ગાજવીજની રાત

ચોમાસાની કાળી રાત.

આકાશમાં વીજળીનાં ચમકારા.

સરયૂના ધસમસતા પ્રવાહનો ગર્જનભર્યો અવાજ.

એ જ ક્ષણે રુદન પહેલાં કરતાં અનેક ગણું ભયાનક બની ઊઠ્યું.

જાણે કોઈ આત્મા સદીઓનું દુઃખ એક જ રાતમાં રડી રહી હોય.

કિસને ફાનસ હાથમાં લીધુ .

ધીમે દરવાજો ખોલ્યો.

અને ઝુંપડીની પાછળ ઊભેલા પ્રાચીન પીપળા તરફ આગળ વધ્યો.

દરેક પગલે હૃદયના ધબકારા તેજ થતા ગયા.

વરસાદની બુંદો...

પવનના સુસવાટા...

અને વચ્ચે એ રુદન...

જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પોતાની તરફ ખેંચી રહી હોય.

ફાનસનો પ્રકાશ પીપળાના મૂળ સુધી પહોંચ્યો...

અને કિસનના પગ ત્યાં જ થીજી ગયા.

---

સત્ય

ત્યાં એક સ્ત્રી બેઠી હતી.

માથું ઝુકાવેલું.

હાથથી ચહેરો ઢાંકેલો.

દર્દથી કણસતી.

એનું રુદન પીપળાના બખોલ અને જૂની દીવાલો સાથે અથડાઈને અનેકગણું ભયાનક બની ગુંજી રહ્યું હતું.

કિસને ધીમેથી ફાનસની વાટ ઊંચી કરી.

પ્રકાશ તેના ચહેરા પર પડ્યો.

એ ચહેરા પર અપરંપાર કરુણા હતી...

પણ તેની આંખોમાંથી આંસુ નહીં—

ક્રોધ વહેતો હતો.

કિસન ધ્રૂજતા અવાજે બોલ્યો,

"તમે... કોણ છો?"

સ્ત્રીએ ધીમેથી માથું ઊંચું કર્યું.

એના ચહેરા પર અલૌકિક તેજ ઝળહળ્યું.

તે ગર્જના સમા શાંત સ્વરે બોલી—

"હું અયોધ્યાની નગર દેવી છું.

જે નગરમાં શંકા, અપવાદ અને અવિશ્વાસ ધર્મ કરતાં મોટા બની જાય...

ત્યાં મારી શાંતિ કેવી રીતે રહે?"

આ શબ્દો સાંભળતાં જ કિસનના શરીરમાંથી જાણે પ્રાણ જ નીકળી ગયા.

એક પળમાં તેને પોતાની ભૂલ, પોતાનો અહંકાર અને આખી ઘટના સમજાઈ ગઈ.

પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

રામનું બાણ એક વાર છૂટી જાય...

પછી પાછું ફરતું નથી.

---

બીજે દિવસે કિસન શ્રીરામના ચરણોમાં ઢળી પડ્યો.

કરગર્યો.

માફી માંગી.

પરંતુ શંકાનું પાપ એકવાર થઈ જાય...

તો તેનો ભાર આખું જીવન વહન કરવો પડે.

કિસન પણ અંતે વનના માર્ગે નીકળી ગયો.

સમય બદલાયો... યુગ બદલાયા...

" અયોધ્યા જેવી નગરીઓ આજે પણ ઠેરઠેર વસેલી છે...
અને ત્યાં દરેક નગર દેવીનું મૌન રુદન આજે પણ દરરોજ રાતના અંધકારમાં ગુંજે છે.
પરંતુ 
" તેને સાંભળે કોણ?
શ્રીરામ તો અંતર્ધ્યાન થઈ ગયા...
અને 
કળિયુગના માનવીને તો હવે
પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું સંભળાતું કે દેખાતું જ નથી."

કલ્પેશ પટેલ ©2026



Rate this content
Log in

Similar gujarati story from Classics