STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Classics

5.0  

Kalpesh Patel

Drama Romance Classics

મીણિયું.

મીણિયું.

4 mins
20

મીણિયું.

ગામમાં પહેલી વરસાદની રાત

ગોમતી, રઘુવીર પીંજારાની દીકરી. ચોમાસાને અને રઘુવીરને આડવેર. ચોમાસામાં તેનો ધંધો ચોપાટ રહેતો. ગામેગામ ફરીને ગાદલાં, રજાઈઓ અને ઓશીકાં પીંજવાનું કામ વરસાદમાં ઠપ્પ થઈ જતું. પણ ગોમતીની વાત અલગ. પંદર વર્ષની અલ્લડ ભલે હતી, પરંતુ જવાબદાર પણ એટલી જ. રઘુવીર તેના માટે સર્વસ્વ હતો.

તે સાંજથી જ આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા હતા. ગામના લોકો ખુશ હતા. ખેડૂતોએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા હતા. સૂકી ધરતી વરસાદની રાહ જોઈ રહી હતી.

બાપુ, આજે તો જરૂર વરસશે! ગોમતીએ આંગણામાં ઊભી રહીને કહ્યું.

રઘુવીરે આકાશ તરફ જોયું અને નિસાસો નાખ્યો.

તારા માટે વરસશે દીકરી, મારા માટે તો કમાણી ધોવાઈ જશે.

ગોમતી હસી પડી.

રાત પડતાં જ વીજળીના ચમકારા શરૂ થયા. થોડી જ વારમાં ટપ... ટપ... ટપ... કરીને વરસાદની પહેલી બૂંદો છાપરાં પર પડવા લાગી. પછી તો જાણે આકાશનું બંધ તૂટી ગયું.

વરસાદના અવાજે આખું ગામ ગુંજી ઊઠ્યું. કાચા રસ્તાઓ ભીંજાઈ ગયા. ભીની માટીની સોંધી સુગંધ હવામાં તરવા લાગી. દેડકાં ટરટરવા લાગ્યા. ક્યાંક બાળકો વરસાદમાં નાચતા હતા, તો ક્યાંક વૃદ્ધો ઓસરીમાં બેઠા ચોમાસાની જૂની વાતો કરતા હતા.

પણ રઘુવીરના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી.

છાપરાના એક ખૂણેથી પાણી ટપકી રહ્યું હતું. ઘરમાં પડેલા રૂ અને પીંજવાના સાધનો ભીના થઈ જાય તો મોટું નુકસાન થવાનું હતું.

ગોમતીએ બાપુના ચહેરા પરની ચિંતા વાંચી લીધી.

તમે ચિંતા ન કરો બાપુ ;

એટલું કહીને તેણે જૂનું મીણિયું ખેંચી લાવી . વરસાદના ગડગડાટ વચ્ચે તેણે રૂ, કપાસ ના કાલાના કોથળા ખસેડ્યા,નેવા ટપકે ત્યાં વાસણો મૂકી પાણી ખોરડે ફેલાતું રોક્યું અને છત નીચે વરસાદ થી ભીનો થતો સામાન સાચવવા લાગી.

રઘુવીર આશ્ચર્યથી તેને જોતો રહ્યો.

અરે, ગગી, તું એકલી આ બધું કેમ કરે છે?

ગોમતીએ સ્મિત કર્યું.

કારણ કે હું એકલી નથી.તમારા આશિષ મારી સાથે છે.

આ શબ્દો સાંભળતાં જ રઘુવીરનું મન ક્યાંક વર્ષો પાછળ સરકી ગયું.

ઓસરીની દીવાલ પર લટકતા જૂના ફોટા પર તેની નજર પડી. ફોટામાં તેની પત્ની રમા હસતી હતી.

એક સમય હતો જ્યારે તેને પણ વરસાદ ગમતો હતો.

લગ્નના પહેલા ચોમાસામાં રમા વરસાદ પડતાં જ આંગણામાં દોડી જતી. ભીંજાતા ભીંજાતા રઘુવીર ને ખેંચી લાવી , વરસતા વરસાદે હસતી અને કહેતી,

રઘુ, વરસાદને દુશ્મન ના માનતા. આ તો ભગવાનના  જગત ને આશીર્વાદ છે.

અને રઘુવીર હંમેશાં જવાબ આપતો,
રમલી 
આશીર્વાદ તારા માટે હશે, મારા માટે તો નુકસાન છે.

રમા ખડખડાટ હસી પડતી, અને કહેતી, અજી વરસાદ નહિ આવે તો કપાસ ક્યાંથી પાકશે?

પછી ઉત્તરાયણ ઉપર ગોમતીનો જન્મ થયો. દર પહેલી વરસાદની રાતે રાધા ગોમતીને ખોળામાં લઈને ઓસરીમાં બેસતી. વરસાદના ટીપાં ગણાવતી અને ચાંદ, તારા,વાદળોની વાર્તાઓ સંભળાવતી.

પણ પાંચ વર્ષ પહેલાં આવેલા તાવએ રમા ને છીનવી લીધી.

ત્યારથી રઘુવીર માટે ચોમાસું માત્ર વરસાદ નહોતું રહ્યું. દરેક વરસાદી રાત વેરી બની તેની યાદો ભીંજવી રડાવી જતી.

આજે પહેલા વરસાદ ની બુંદે તેની આંખમાં પણ એક આંસુ આવી ગયું.

એટલામાં ગોમતી તેની બાજુમાં આવીને બેસી.

બાપુ, ફરી માની યાદ આવી ને?

રઘુવીર ચોંકી ગયો.

તને કેવી રીતે ખબર પડી?

ગોમતીએ ધીમેથી તેનો હાથ પકડી લીધો.

કારણ કે જ્યારે પણ પહેલી વરસાદની રાત આવે છે, ત્યારે તમારી આંખો વરસાદ કરતાં વધારે ભીની થઈ જાય છે.

બહાર વાદળો ગર્જી રહ્યા હતા. અંદર યાદો.

થોડી ક્ષણ બંને મૌન રહ્યા.

પછી ગોમતીએ માથું તેના ખભા પર ટેકવ્યું.

મા કહેતી હતી ને, વરસાદ ભગવાનનો આશીર્વાદ છે?

રઘુવીરે ધીમેથી માથું હલાવ્યું.

હા..
તો આજે માનો આશીર્વાદ પણ આપણી સાથે જ છે.

રઘુવીરે ગોમતી તરફ જોયું.

એ જ આંખો, એ જ સ્મિત, એ જ હૂંફ...

જાણે રમા નો જ એક અંશ તેની સામે બેઠો હોય.

બહાર વરસાદ હજુ ધોધમાર વરસી રહ્યો હતો. છાપરાં પર પડતા ટીપાંનો અવાજ હવે તેને કંટાળાજનક લાગતો નહોતો.

વર્ષો પછી પહેલી વાર તેને સમજાયું કે વરસાદ માત્ર ધંધો બંધ કરતો નથી. ક્યારેક વરસાદ માણસને એ પણ બતાવે છે કે તેની સાચી કમાણી શું છે.

રઘુવીરે ગોમતીના માથા પર હાથ ફેરવ્યો.

બહાર આખું ગામ વરસાદની ખુશીમાં ભીંજાઈ રહ્યું હતું.

રઘુવીએ પાંચ વરસથી મન પર ઓઢેલું મીણિયું ખેંચી ફગાવી નાખ્યું અને વરસતા વરસાદમા  ખોબલે આંસુ એ ભરપેટ ભીંજાયો.
એક પ્રેમી, એક પિતાનું હૃદય આજે યાદો,  સંતોષથી હિલોરા લેતું હતું..

ગામમાં કદાચ આ વરસ ની પહેલી વરસાદની રાત હતી, પણ રઘુવીર ની તો જીવન ની રાહ બદલતી રાત હતી...

વાંચન વિશેષ 

મીણિયું એ ગ્રામ્ય ગુજરાતમાં પ્રચલિત શબ્દ છે.
તેનો સામાન્ય અર્થ:
વરસાદ, તડકો કે ઠંડીથી બચવા માટે માથા અથવા ખભા પર ઓઢવામાં આવતું જાડું કાપડ, ચાદર કે આવરણ.
કે 
વોટરપ્રૂફ કાપડ અથવા તાળપત્રી: જે કાપડ પર પાણી ન શોષાય તે માટે મીણ કે પ્લાસ્ટિક જેવો પદાર્થ ચડાવવામાં આવ્યો હોય તેને "મીણિયું કાપડ" કહે છે. ચોમાસામાં માલ-સામાન ઢાંકવા વપરાતી તાડપત્રી  કહે છે.

પ્રસ્તુત વાર્તામાં "મીણિયું" નો અર્થ માત્ર કાપડ પૂરતો સીમિત નથી. અહીં એક પ્રતીક (Symbol) બની જાય છે.

આપણી વાર્તામાં "મીણિયું" નો ગૂઢ અર્થ રમાના મૃત્યુ પછી રઘુવીરે પોતાના મન પર દુઃખનું મીણિયું ઓઢી લીધું હતું.તેણે પોતાની લાગણીઓ, આંસુઓ અને યાદોને ઢાંકી રાખી હતી.

આમ વાર્તા નું શીર્ષક "મીણિયું" બે સ્તરે કામ કરે છે:
વાસ્તવિક અર્થ – વરસાદથી બચવાનું આવરણ.
પ્રતીકાત્મક અર્થ – મન પર ઓઢાયેલું દુઃખ અને સ્મૃતિઓનું આવરણ.
આ જ કારણથી "મીણિયું" શીર્ષક ખૂબ જ સાહિત્યિક અને અર્થસભર રહેશે તેવી મારી આશા છે .

મને ખાત્રી છે કે,વાંચક ગણ વાર્તા પૂરી વાંચશે ત્યારે તેને સમજાશે,કે અહીં વાત માત્ર પહેલા વરસાદની નહોતી, પરંતુ મન પર ઓઢાયેલા મીણિયા ને પણ પહેલી વખત ઉતારવાની વાત હતી. 🌧️✨



Rate this content
Log in

Similar gujarati story from Drama