યાદો ૨૧ દિવસની : ૪
યાદો ૨૧ દિવસની : ૪


૨૮ માર્ચ ૨૦૨૦
પ્રિય ડાયરી,
આજે પણ સવારે વહેલા ઉઠી ઘરને સેનીટેશન કરવાની પ્રક્રિયા હાથ ધરી.
આ સાથે આજે બપોરે એક ગુજરાતી નાટક જોયું મને તે નાટક ખૂબ ગમ્યું બસ એ નાટક વિષે હું એટલું જ કહીશ કે...
જે નાટક આપણને ગુજરાતી હોવાનો ગર્વ અપાવે છે. જે નાટક ગુજરાતી સાહિત્ય જગતનું શ્રેષ્ઠ સાહિત્યિક નાટક છે. જે નાટક શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. જે નાટક ઉત્તમ સંદેશ રસપ્રદ રીતે લોકો સુધી પહોંચાડવા કોઈ બાલીશ હરકત કરતું નથી. જે નાટક જોતાં જોતાં ખબર જ પડતી નથી કે ક્યારે આપણી આંખમાંથી અશ્રુઓ સરી પડ્યા. જે નાટક કોઈક બીજી જ દિશામાં આપણને વિચાર કરવા મજબૂર કરે છે. જે નાટક મારા દિલોદિમાગ પર છવાઈને એવું તો અડી ગયું છે કે તેના વિષે લખવા માટે હું મારી જાતને રોકી શક્યો નહીં. એ નાટકનું નામ છે “સુખને સેવ કરો, દુઃખને ડીલીટ કરો.”
દર્શન જરીવાલા અભિનીત ચોટદાર સંવાદો અને હ્રદયભીંસી નાખે તેવા દ્રશ્યોથી ભરપૂર આ નાટક જો કોઈએ હજુ સુધી જોયું ન હોય તો તાત્કાલિક તેની વી.સી.ડી. મેળવી તેને એકવાર જોઈ લેવા હું વિનંતી કરૂ છું.
નાટકની કથા તરફ નજર કરીએ તો... અમૃત સાંડેસરાની પત્ની જ્યોત્સના ચાર ચાર સંતાનોને જન્મ આપી લગ્નના બારમાં વર્ષે જ કેન્સરની બીમારીથી મૃત્યુ પામે છે. બાળકોને અન્યાય ન થાય એ માટે સારા સારા માંગા આવતા હોવા છતાંયે સાંડેસરાએ બીજું લગ્ન કર્યું નહીં અને બાળકોના પિતા અને માતા બંને બનીને તેમનો ઉછેર કરવાની જવાબદારી નિભાવી. પરંતુ તેમના બાળકો સફળ બને એ ઘેલછામાં તેમણે પોતાના આગવા અને કડક નિયમો બનાવી રાખ્યા હતા. “સફળતા જ સુખની ચાવી છે અને સફળ થવા કમર તોડીને મહેનત કરવી પડે” એવું તેમનું દ્રઢપણે માનવું હતું. સાંડેસરા પોતે પણ પોતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેમની મોટી દીકરી ભણીગણીને મોટી એન્જીનીયર બને એ માટે તેઓ ઘરકામની જવાબદારી દીકરીને ન સોંપતા પોતે જ તે કરી લેતા. દુકાનમાં પણ તેઓ દરેક કામ પોતે જ કરતા. બાળકો પોતાના ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ધગશમાં ધીમે ધીમે તેઓ બાળકોને માતાનું વાત્સલ્ય આપવાનું ભૂલી ગયા.
તેઓ ભૂલી ગયા કે બાળકોને સજા આપીને કે ઠપકારીને નહીં પરંતુ વહાલથી ભૂલો સુધારવાનું કહેવું જોઈએ. પોતાના વાણી-વર્તન બાળકોના કુમળા હૃદયને પીંખી રહ્યા છે અને હવે તેઓ તેમનાથી ડરીને તેમને પોતાના મનની કોઈ વાત સુદ્ધાં કહેતા નથી આ વાત તેમના ધ્યાનમાં આવી જ નહીં. આખરે તેમના ચારેય સંતાનો પોતપોતાના સ્વપ્ન પૂર્ણ કરવા તેમને છોડીને જતા રહ્યા... આમ, સાંડેસરા એકલા પડી જાય છે. સંતાનોની ખુશાલીના અને કારકિર્દીમાં સફળતા મેળવ્યાના સમાચાર તેઓને મળતા રહે છે. પરંતુ તેમના સંતાનો એકવાર પણ તેઓની ખબરઅંતર પૂછવા આવ્યા નથી એ વિચારીને તેઓ ખૂબ વ્યથિત થાય છે.
“બાળકો જ મળવા આવે તેવી શરત કેમ? કોણ કોને મળવા ગયું તે મહત્વનું નથી પરંતુ એ બે વચ્ચે અંતર કેટલું ઘટ્યું તે મહત્વનું છે.” નાના પુત્ર સૌરભની આ ચોટદાર વાત સાંભળી આખરે સાંડેસરા પોતે તેમના સંતાનોને મળવા ઉપડે છે. નાટકની ખરી મજા અહીંથી શરૂ થાય છે. સાંડેસરા તેમની તર્કશક્તિ વડે તેમના સંતાનોની પોલ ખોલી તેઓને કેવી રીતે સીધા રસ્તા પર લાવે છે તે જોવાની ખરેખર ખૂબ મજા આવે છે...
જેમ પતંગને એમ લાગે છે કે જો પતંગબાજ તેને દોરીના બંધનમાંથી મુક્ત કરે તો તે આસમાનને આંબી લેશે પરંતુ એ જેવી કપાય છે એવી કોઈ ઝાડ પર કે વીજળીના થાંભલા પર અટવાઈ જાય છે. બસ એમ જ સંતાનોને લાગે છે કે જો તેમના માતાપિતા તેઓ પર નિયંત્રણ ન રાખે તો તેઓ દુનિયા જીતી લેશે પરંતુ જયારે વાસ્તિવક જીવન સાથે તેમનો પરિચય થાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. પતંગને ખૂબ ઉંચે ચડાવવાની લાહ્યમાં ક્યારેક કયારેક પતંગબાજ પોતાના જ આંગળા કાપી નાખે છે અથવા પતંગને ખોઈ બેસતો હોય છે તેવી જ રીતે સંતાનોને સફળતાના શિખરે જોવાની ઘેલછામાં કયારેક ક્યારેક માતાપિતા તેમના પોતાના જ સંતાનોને ગુમાવી બેસતા હોય છે. આ નાટકમાં આ વાતને અદ્ભૂત રીતે રજુ કરવામાં આવી છે. તે જોવા અને માણવા તમારે એકવાર આખું નાટક જોવું જ પડશે.
આ નાટકમાં મને સહુથી વધુ જો કોઈ બાબત ગમી હોય તો એ છે અસરકારક સંગીત સાથે ફરતા રંગમંચનો કરેલો શાનદાર પ્રયોગ... સહુ કલાકારોએ આપેલો કમાલનો અભિનય. અભિનયમાં જાણે દરેક કલાકારે પોતાનો જીવ રેડી દીધો હોય એવી અનુભૂતિ થાય છે. દર્શન જરીવાલા તો પોતાનું પાત્ર ખરેખર જીવી ગયા છે. દર્શન જરીવાલા તો ગજબના કલાકાર છે. લાગણી સભર દ્રશ્યોમાં દર્શકોને ડુબાડીને જે ધારદાર રીતે સંવાદો આપવાની અનોખી શૈલી આ નાટકમાં જોવા મળી છે તે ખરેખર લાજવાબ છે.
દરેક સારી બાબતનું કોઈકને કોઈક નબળું પાસું હોય છે. વળી ઉત્તમ કૃતિમાં જો કોઈ ખામી હોય તો એ તરત નજરે ચઢે છે. જોકે આ ચિત્રપટ હોત તો મેં તેમાં રહેલી ખામીઓનો જરાયે ઉલ્લેખ કર્યો ન હોત પરંતુ આ નાટક છે ! સ્ટોરીમિરરના આ વિશાળ પ્લેટફોર્મ થકી હું આ નાટકની કેટલીક ગંભીર ભૂલો તરફ એ આશાએ ધ્યાન દોરું છું કે કદાચ આગળ જતા આ નાટકના બીજા પ્રયોગો થાય તો તેમાં આ ભૂલો દોહરાવાય નહીં. આ નાટકના મધ્યાંતર પહેલા બતાવવામાં આવ્યું છે કે સાંડેસરાના નાના પુત્ર સૌરભનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું છે અને રંગમંચ પર જે દેખાઈ રહ્યો છે તે કાં’તો સાંડેસરાનો વહેમ છે. કાં’તો સૌરભનો આત્મા છે. જોકે આત્મા કરતાં હું તેને સાંડેસરાનો ભ્રમ જ કહીશ કારણ સૌરભ માત્ર સાંડેસરાને જ દેખાતો હોય છે.
હવે શરૂઆતના એક દ્રશ્યમાં જયારે સાંડેસરા તેમની મોટી દીકરી સાથે ફોન પર વાત કરતા હોય છે ત્યારે તેમની પાસે સૌરભ એક કાગળ હાથમાં પકડીને ઉભો હોય છે. હવે સૌરભના હાથમાંના કાગળને વાંચવા માટે સાંડેસરા તેને એક હાથ વડે સ્પર્શે છે. હવે જો રંગમંચ પર દેખાતો સૌરભ સાંડેસરાના મનનો વહેમ હોય તો તેના હાથમાંનો કાગળ સાંડેસરા કોઇ કાળે પકડી ન શકે! સૌરભ કાગળ પકડીને માત્ર ઉભો રહ્યો હોત તો કોઈ વાંધો નહોતો કારણ ભ્રમમાં સાંડેસરા તેને ત્રિશૂલ પકડીને પણ ઉભેલો જોઈ શકે છે!!! પરંતુ તેની કોઈ વસ્તુને સ્પર્શ કરવો એ અશક્ય બાબત છે. આ એક સેકન્ડની થતી ભૂલને કારણે મધ્યાંતર સમયે દર્શકોને જીવિત લાગતા સૌરભને મારી મચડીને આત્મા બનાવી તેમની સામે રંગમંચ પર રજુ કરવામાં આવ્યો હોય એમ લાગે છે!
બીજું કે સૌરભ જો મૃત્યુ પામ્યો છે અને નાટકમાં તેની જાણ કરી દીધા બાદ પણ તેના દ્વારા બોલાતા અમુક સંવાદો એવા અધૂરા છે કે જાણે દર્શકોથી તેના મૃત્યુનું રહસ્ય હજુ છુપાવી રાખવાનું ન હોય! આના લીધે કેટલાક ધારદાર સંવાદોની મજા મારી જાય છે. જેમકે “મારી આંગળીના ટેરવા હું કાપી નહીં શક્યો એટલે જ પોતાની જાતને હું...”
મારા મતે દર્શકો સામે સૌરભના મૃત્યુનો ઘટસ્ફોટ કરવામાં પટકથાકારે ખૂબ ઉતાવળ કરી દીધી છે. આના લીધે એ વાતનું મહત્વ એટલું ઘટી ગયું છે કે મારી સમીક્ષામાં તેને અગાઉથી જાણી લીધા બાદ પણ દર્શકને નાટક જોતી વખતે કોઈ ઝાઝો ફેર નહીં પડે!!! આખા નાટકમાં પટકથાકાર પાસે “સૌરભના મૃત્યુનો ઘટસ્ફોટ” એ હુકમનું પાનું હતું જે તેણે અંત સુધી છુપાવી રાખવું જોઈતું હતું. નાટકના અંતિમ ભાગમાં જયારે દર્શકોને અચાનક જ સૌરભ તો ક્યારનોય મૃત્યુ પામ્યો છે તે વાતની જાણ થઇ હોત તો જબરદસ્ત આઘાત લાગ્યો હોત અને આ નાટકે સફળતાના શિખરો સર કર્યા હોત. ઉદાહરણ તરીકે થ્રી ઇડીયટસમાં અંતે જયારે દર્શકોને જાણ થઇ કે ફૂંગસુક વાનગ્ડું એ બીજો કોઈ નહીં પરંતુ રેંચો પોતે જ છે ત્યારે સહુને કેવો ઝાટકો લાગ્યો હતો?
જોકે, આવી નાની નાની ભૂલો બાદ કરતાં આ નાટકે આપેલા સંદેશ તરફ જો ધ્યાન આપવામાં આવે તો તે ખરેખર ખૂબ અદ્ભૂત છે. માતાપિતા અને સંતાનો આ બંનેના પક્ષમાં રહીને આટલી સચોટ અને ઉમદા સંદેશ આપતી કૃતિનું કદાચ બીજી કોઈ ભાષામાં સર્જન થયું જ નહીં હોય. એટલે જ કહું છું કે બધું ભૂલો અને વહેલામાં વહેલી તકે આ નાટક જોઈ તમારા જીવનમાં સુખને સેવ કરો, દુઃખને ડીલીટ કરો.