યાદો ૨૧ દિવસની : ૩
યાદો ૨૧ દિવસની : ૩


આજે રાતે પોણા એકની આસપાસ વરસાદનું આગમન થયું. હવે સંક્રમણના આ સમયમાં વરસાદનું આવવું કેટલું યોગ્ય છે તે તો નિષ્ણાંતોનો વિષય છે પરંતુ અમે બંને દંપતી ઈશ્વર જે કરે તે ફાયદા માટે જ કરે એવો દિલાસો એકમેકને આપી સુઈ ગયા.
આજે સવારે અમે પાછુ અમારા ઘરમાં કાલના જેવું જ સેનિટેશન કર્યું. લોકડાઉનના આ પ્રત્યેક દિવસે અમે અમારા ઘરમાં સેનીટેશનની પ્રક્રિયા કરવાના છીએ. નિત્યક્રમ પતાવી આજે મેં મારી ભત્રીજી વેદશ્રીનું લગભગ એક કલાક ગૃહકાર્ય લીધું. હવે સ્કૂલો જૂનમાં ચાલુ થવાની છે ત્યારે તેની અભ્યાસ કરવાની આદત છૂટી ન જાય એ માટે આ કરવું જરૂરી છે. બાકી લોકડાઉનના આ તણાવભર્યા માહોલમાં બાળક કંટાળી ન જાય તેની પણ વિશેષ કાળજી લેવી પડે.
આજે અમે પરિવારજનો એ રામાનંદ સાગરના રામાયણના એપિસોડ જોવાનું નક્કી કર્યું. ઘરેબેઠા બીજું કરવું પણ શું? રામાયણના કુલ ૭૮ એપિસોડ છે. સવારે બે અને સાંજે ત્રણ એમ પાંચ એપિસોડ જોવાનું અમે નક્કી કર્યું છે. આમ કરવા પાછળનો આશય એ જ છે કે લોક ડાઉન દરમ્યાન ઘરમાં ભક્તિમય વાતાવરણ બની રહે. બીજું કે બાળકોને પણ આપણા ધાર્મિક ગ્રંથ બાબતે જ્ઞાન વધે. આમ જોવા જતા આજે અમે પાંચ એપિસોડ જોવામાં સફળ થયા એ આનંદનો વિષય હતો. જોકે એમાં પહેલો ભાગ ઈન્ટરવ્યું અને પાત્રોની ઓળખ બતાવતો હતો એટલે એ એપિસોડ જોવાનો ટાળ્યો હતો.
લોકડાઉનના મળેલા આ સમયગાળાને લીધે જ અમે આજે સહપરિવાર રામાયણ જોઈ શક્યા છીએ બાકી ચાલુ સમયમાં આ જોવાનું ક્યારેય શક્ય બન્યું ન હોત. નાનપણમાં જોએલી આ સીરીયલને ફરી એકવાર નિહાળવામાં ખૂબ મજા આવી. કાલે બીજા એપિસોડ જોવાની ઈંતેજારીમાં આજની યાદોને અહીં જ પૂર્ણવિરામ લગાવું છું.