વરસાદની બુંદો
વરસાદની બુંદો
આકાશમાં ઘેરાયેલા કાળા ભમ્મર વાદળ પોતાની વેદનાને વરસાદની બુંદ રૂપે વરસાવે છે. પોતાના આંસુઓને વહાવીને સૃષ્ટિને તરબોળ કરી દે છે. કુદરત પણ તેનો આભાર માને છે અને લીલુ પાનેતર પહેરી નવોઢા બને છે. લોકો વરસાદ ને આવકારે છે અને ધરતીને લીલી ચુંદડી ઓઢાડે છે. વરસાદની એ નાની બુંદોમાં બાળકો છબછબીયા કરે છે. કાગળની હોડીઓ બનાવીને તરતી મૂકે છે. હરખાતા,કિલકિલાટ કરતા નજરે પડે છે.
પ્રકૃતિ પણ જાણે નવા રંગરૂપ સાથે ખીલી ઊઠે છે. વરસાદની બુંદો ધરતીને મેક ઓવર કરી આપે છે. મોરલાઓ ટહુકા કરીને કળાઓ કરવા લાગે છે. ડ્રાઉં .....ડ્રાઉં.... કરતી દેડકીઓ રસ્તા પર લટાર મારવા નિકળી પડે છે. રસ્તે આવતા જતા ને પ્રથમ વરસાદના અભિનંદન પાઠવવામાં વ્યસ્ત બની જાય છે. ઝરમર વરસાદમાં રસ્તાઓ પણ નાહીને વર્ષનો મેલ ધોવે છે. અને રસ્તાઓ દૂરથી જોતા જાણે સર્પ સરકતો હોય એવું લાગે છે. કબાટના ખૂણેખાચરે પડેલી છત્રીઓને પ્રથમ વરસાદ આવતા ઓક્સિજન મળવાનું ચાલુ થાય છે. જીવમાં જીવ આવતાની સાથે જ છત્રી ખુલ્લા વાતાવરણમાંથી ઓક્સિજન ભેગો કરવા લાગે છે. ભજીયાની લારીઓ પર ભીડ જમા થવા લાગે છે. અને મકાઈની લારીઓ પર પણ જાણેકે હુક્કો પીય ને ધુમાડાના ગોટા છૂટતા હોય એમ લારીઓમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા. પ્રેમી યુગલો વરસાદને માણવા લોંગ ડ્રાઈવ પર નીકળી જાય છે.

