એક ભૂલ
એક ભૂલ
સુખ અને દુઃખથી ભરેલી છે આ જિંદગી. સમજ અને સમજણ વડે આ જીવન નૌકા પાર ઉતારવાની છે. એક નાનામાં નાની ભૂલ પણ માણસની જિંદગી બગાડી નાખે છે.
આ એક કહાની છે એવા પરિવારની જેમાં એક જ નાની એવી ભૂલ કહો કે ગેરસમજણ જે આખા પરિવારને વેરવિખેર કરી નાખે છે. જામનગર પાસે એક નાનકડું ગામ, જેનું નામ છે રીબડા. આ ગામમાં આર્થિક રીતે નબળો એવો એક પરિવાર રહે. પરિવારમાં દાદા, પતિ- પત્ની, બે દીકરીઓ અને એક દીકરો. મનુભાઈ કારખાનામાં કામ કરે અને રીટાબેન નાનુ- મોટું મજુરીકામ કરે. પતિપત્ની બંને ખુબ મહેનતું હતા. તેઓએ બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવ્યો. બંને બહેનો વચ્ચે બે વર્ષનો ફેર હતો. બંને બહેનો એકબીજાની ખાસ સહેલી હતી. શાળાએ સાથે જાય, કામકાજ પણ સાથે મળીને કરે. કયારેય કામકાજને લઈને ઝગડતા નહીં. નાનપણથી જ બધુ ઘરનું કામ કરે.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બંને બહેનો મોટી થવા લાગી. બંનેમાં થોડા થોડા પરિવર્તન આવવા લાગ્યા. મમતા અને નીલા દેખાવડી અને નમણી હતી. બહુ રૂપવાન ન હતી પણ એક નજરે ગમી જાય એવી હતી. મમતા સ્વભાવે માયાળુ હતી, ઓછા બોલી હતી. તેનું સ્વાસ્થ્ય જરાક ઋતું પ્રમાણે નરમ ગરમ થયા કરતું. સાદુ જીવન જીવવા માં માનનારી મમતાને કોઈ પણ પ્રકારના શોખ ન હતા. પોતાને અને પોતાના ભાઈ બહેનોને સંભાળવામાં વ્યસ્ત રહેતી.
નીલા પણ નમણી અને સાધારણ દેખાવે હતી. તે મમતાની સાવ વિરૂદ્ધ જ હતી. તે ખુબ જ શોખીન હતી. તેણે કોલેજની સાથે સાથે સિવણ ક્લાસ શીખ્યા. જેથી તે તેના મમ્મી પપ્પાની મદદ કરી શકે. તેને નવી નવી ફેશનના કપડા પહેરવાનો ખૂબ જ શોખ હતો. તેથી તે સિવણકામ ખૂબ જ ઝડપથી શીખી ગઈ. હવે તો આજુબાજુના વિસ્તારમાંથી લોકો તેણી પાસે કપડાં સિવડાવવા માટે આવતા. નિલા બહેનપણીઓ પણ વધારે હતી. કેમકે તેને નવા નવા કપડા પહેરવાનો શોખ હતો, બહેનપણીઓ સાથે બહાર ફરવા જવું, હોટેલમાં જમવા જવું, વગેરે જેવા ઘણા શોખ હતા. તે કમાણી કરતી એટલે મનુભાઈ પણ કાંઈ ન કહેતા.
નીલા હવે સાવ બદલાઈ ગઈ હતી. મિત્રોના સંગે તેને થોડી અલ્લડ બનાવી દીધી હતી. ઘરમાં વસ્તુઓની જરુર પડે તો નીલા પોતાના પૈસે લઈ આવતી. જેથી મનુભાઈ તેના પૈસાના ખર્ચ વિષે કયારેય કશું પૂછતા નહીં. તેથી તે થોડી બગાડવા પણ માંડી હતી. પૈસા કમાતી એટલે બધા આંખ આડા કાન કરતા.
સમય ધીરે ધીરે વહી રહ્યો હતો. મમતાનું વેવિશાળ પૈસાદાર કુંટુંબમાં થયુ. મનન પણ સ્વભાવે માયાળુ હતો. બંને કુંટુંબો ખુશખુશાલ હતા. મનનથી નાનો એક ભાઈ હતો જેનું નામ હતુંં કેનીલ. કેનીલ બોલકણો અને સમજુ હતો.તે તેના પપ્પાની સાથે બિઝનેસમાં હતો. તેણે ધંધામાં ઘણા ચડાવ ઉતાર જોયા હતા. તે પૈસાની કિંમત સારી રીતે જાણતો હતો. મનન અને કેનીલ વાર તહેવારે રીબડા જતા. કેનીલ મમતા અને નીલાની સાથે મજાક મસ્તી કરતો.
બંને કુંટુંબના વડીલો એ કેનીલ અને નીલાના સગપણ બાબતે વિચાર કર્યો. આ બાબતે કેનીલ અને નીલાને પણ પૂછવામાં આવ્યું. ત્યારે કેનીલ અને નીલા એ હા માં જવાબ આપ્યો. બંને કુંટુંબોએ આ નિર્ણયને વધાવી લીધો. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ બંનેની ધામધૂમથી સગાઈ કરવા આવી. બંને પરિવારમાં ખુશીઓ પુરબહારમાં ખીલી રહી હતી.
મનન અને કેનીલના લગ્ન એક દિવસે કરવા એવુ નક્કી કરવામાં આવ્યું. કપડા અને દાગીનાની ખરીદી કરવા માટે મમતા અને નીલાની બોલાવવામાં આવી. બે દિવસ માટે મિત્રો સાથે બધા એક રિસોર્ટમાં ફરવા જવાનું નક્કી કર્યું. બધા ચાંપાનેર હેરીટેજ રિસોર્ટમાં પહોંચે છે. આખો દિવસ બધા ખુબજ આનંદથી પસાર કરે છે. સાંજે નાની એવી બાબતે કેનીલ અને નીલા વચ્ચે ઝગડો થાય છે. નીલા થોડા અલ્લડ સ્વભાવને કારણે બાંધછોડ નથી કરતી અને કેનીલને મનફાવે તેમ ગુસ્સે થઈને ખખડાવવા લાગે છે. નીલા ગુસ્સામાં કેનીલના મમ્મી પપ્પા સુધી પહોંચી જાય છે. કેનીલની ધીરજ ખૂટી જાય છે અને ગુસ્સામાં નીલાને એક થપ્પડ મારી દે છે. પછી તેને અહેસાસ થાય છે કે તેણે જે કર્યુ એ ખોટું થયું છે, એ નિલાની માફી માંગે છે અને કહે છે કે હવે કયારેય આવું નહીં થાય. પણ નીલા ઘમંડમાં ને ઘમંડમાં કંઈ સાંભળવા તૈયાર નથી થતી અને આ સંબંધને પૂર્ણવિરામ લગાવી દે છે.
બધાના ખૂબ સમજાવા છતાં પણ તે સમજતી નથી. અને અંતે નીલાની સાથે સાથે મમતાની પણ સગાઈ ટૂટી જાય છે. સમજણ શક્તિ અને સહનશક્તિના અભાવને લીધે મમતાને પણ માઠું પરિણામ ભોગવવું પડ્યું. જીવનમાં હંમેશાં એક વાત ચોક્કસ યાદ રાખવી કે કોઈ પણ બાબતને એક પહેલુથી કદી પણ જજ ના કરી શકાય. સારા અને નરસા બંને પાસાંનો વિચાર કરવો જોઈએ.
