આજની નારી
આજની નારી
" નારી તું નારાયણી કહે છે ગીતા પુરાણ "
"નારીને અબળા ન સમજો નારી પ્રબળા છે,
નારીને અબળા સમજે તે માનવ નબળા છે "
આજની નારી પુરુષ સમોવડી બની રહી છે. સમાજ અને દેશને દુનિયાના નકશામાં જળહળીત કરી રહી છે. ગમે તે ક્ષેત્ર હોય આજની નારી નવા શિખરો સર કરી રહી છે. ઈતિહાસ પણ ગવાહ છે કે જેણે જેણે નારી સાથે હામ ભીડી છે તેનું પતન નિશ્ચિત થયું છે. હિમાલય હોય કે હોય અવકાશ, દરિયાઇ માર્ગ હોય કે દેશની સીમાઓ, ઘર હોય કે ઓફિસ, ઘરસંસાર હોય કે બિઝનેસ, રમતગમત હોય કે કુસ્તી બધે જ નારી આજે જીત હાંસલ કરી રહી છે.
જે સમાજ દીકરીને સાપનો ભારો સમજવા માંડયો હતો તે સમાજને આજે નારી એ એક નવો આયામ બતાવ્યો છે.
એટલે જ કહેવાયું છે કે "જયાં નારીઓનું સન્માન થાય છે ત્યાં સદા દેવતાઓનો વાસ થાય છે. "
મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ જેવી સ્પર્ધામાં આજની નારી દેશનું ગૌરવ બની છે.
પલક એક મધ્યમવર્ગમાંથી આવતી હોશિયાર દીકરી છે. તે ચલાલા નામના ગામમાં રહેતી હોય છે. નાનું એવુ ગામ, માંડ દસ બાર હજારની વસ્તી હશે. ગામમાં એક સરકારી શાળા દસ ધોરણ સુધીની હતી. પ્રિન્સિપાલ મેડમ તેમજ શિક્ષકગણ મહેનતું હતું. તેઓ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરતા. તેમજ આગળ અભ્યાસ માટે નું યોગ્ય માર્ગદર્શન પણ આપતા. પલક દસ ધોરણ સુધી ગામની શાળામાં જ ભણે છે, તેમજ સારા માર્કસ સાથે પાસ પણ થાય છે. પલકને મોટી થઈ ને IAS ઓફિસર્સ બનવુ હોય છે .ખૂબ જ મહેનત અને હકારાત્મક અભિગમ સાથે પલક એક પછી એક શિખરો સર કરતી જાય છે. કહેવાય છે કે "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. " તેમ પલક ખૂબ તનતોડ મહેનત કરે છે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ આજ તેણે તેનું સપનું સાકાર કર્યુ છે. તે આજ કલેક્ટર બની ચૂકી છે. નારી જો મનમાં એકવાર ઠાની લે તો તે લક્ષ્ય હાંસલ કરીને જ જંપે છે.
