વરરાજાની મોજડી
વરરાજાની મોજડી
રમેશની નાની સરખી દુનિયા હતી, મા-બાપ કોઈ હતું નહીં, અને સંબંધીઓએ એકલો માની," લેવાનું નહીં ને ખોટી એની જફા વહોરવી" એમ વિચારીને કોઈ સંબંધ રાખ્યો નહીં. બસ પાસ પડોશીઓએ તેને સાચવ્યો ને મોટો કર્યો.
ફળિયાના બધાએ મળીને તેના લગ્ન કરવાનું નક્કી કર્યું, રમેશ પણ પાસ પડોશમાં બધાનાં કામ કરતો, હળી-મળીને રહેતો, સહુને માનથી બોલાવતો, અને એમને જ પોતાના પરિવાર માનતો. એટલે રમેશે કહ્યું "તમે બધા મારા મા બાપ જેવા છો, તમને જે યોગ્ય લાગે તેવી છોકરી શોધજો ". રમેશ જાત મહેનતથી ભણીને, બધા કામ કરીને, સારી નોકરી કરતો થઈ ગયો હતો. મા-બાપનું વસાવેલું ઘર પણ હતું,એટલે બધાએ તેના માટે એક કન્યા શોધી, અને આજે તેના લગ્ન લીધા.
રમેશને વરરાજાની જેમ શણગારી તૈયાર કર્યો, ત્યાં યાદ આવ્યું. એક દાદા બોલ્યાં-" અલ્યા ! રમેશનાં પગરખાં ક્યાં ? બધું લીધું,પણ તમે એના પગરખાં લાવ્યાં? ત્યાં એની સાળીઓ,બધી ભેગી મળી એની મોજડી, બુટ, જૂતાં જે હોય તે ચોરવાં આવશે, ત્યારે શું કરશો? અલા! આ તો રીવાજ છે ". વરરાજાને શું ખુલ્લા પગે એમ જ લઈ જશો ? બધાં ભેગા મળીને, રમેશને પરણાવતાં હતાં, એટલે જેની પાસે જે વસ્તુ હતી, તે બધાએ લાવીને, ભેગી કરીને, રમેશને તૈયાર કર્યો હતો, પણ પગરખાં થોડા કોઈના આવી રહે, લોકો પગરખાંને પનોતી પણ માને, એટલે પોતાના આપે ના કે લે પણ ના. જાન નીકળવાનો સમય થવા આવ્યો, રમેશને લઈને,તાત્કાલિક પગમાં મોજડી અપાવવામાં આવી. આજે અનાથ બાળક એવા રમેશને,પરણાવવામાં ફળિયાવાળાને જે આનંદ આવ્યો, તે તો પોતાના દીકરા-દીકરીને પરણાવવામાં પણ નહોતો આવ્યો, એમ બધાને લાગ્યું.
જ્યારે જાન માંડવે પહોંચી, અને સાળીઓએ જ્યારે વરરાજાની મોજડી, ચોરવાની કોશિશ કરવા લાગી, ત્યારે રમેશ બાજુના લોકો તેને સંતાડતા હતા, તે મસ્તી ભર્યો પ્રસંગતો અનેરી યાદગીરી બની ગયો. જો સાચે જ પગરખાં તરફ ધ્યાન ન કર્યું હોત તો ? પ્રસંગ તો પતી જાત,પણ વરરાજાની મોજડી સાથે જોડાયેલ, રિવાજનો આનંદ ના મળત,સાવ સાદાઈથી, પણ અનેરી લાગણી, પ્રેમ અને આત્મીયતાથી રમેશનાં લગ્ન થયાં.
ફળિયાનાં બધાનો આનંદ રમેશ માટે ઢોલ, નગારા, ડીજે અને જાહોજલાલીનાં મંડપ જેવો હતો. ફળિયાનાં લોકોનો ઉત્સાહ તેની નવી જિંદગીની મૂડી હતી, લગ્નનો ચાંદલો હતો, તે મનમાં તેના સદગત માતા-પિતાને આવાં સરસ પડોશી વચ્ચે મૂકી જવા માટે આભાર માનવા લાગ્યો. માનવતાના આ સર્વે કુટુંબીજનોનો, તે કૃતઘ્ન બની ગયો.
રમેશે તેની પત્ની પાસે પણ પહેલી રાતે, સર્વ ફળિયાનાં લોકો પ્રત્યે પ્રેમ, આદર અને સહુને માન આપી, તેમના કાર્ય કરવાં જણાવ્યું. આ ફળિયાના તમામ લોકોમાં જ તારી સાસરીનાં તમામ સંબંધોને ગણી લેવાના છે રમેશની પત્ની પણ ખૂબ સમજુ હતી,તે પણ એક એકલા અને માતા-પિતા ભાઈ-બહેન કે કુટુંબ વગરનાં, રમેશનાં જીવનમાં,નવા પ્રેમનો અનોખો સંબંધ બાંધવા મનથી તૈયાર થઈ ગઈ. હવે રમેશને જિંદગી જીવવા જેવી, માણવા જેવી લાગી રહી હતી.
