વૃક્ષારોપણ
વૃક્ષારોપણ
રામભાઈ સો વિઘાની જમીનના માલિક છે. ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે. રામભાઈ ખેતરમાં ત્રણ વિઘામાં આંબા, જામફળી, બોરડી, લીમડો, ચીકુડી, દાડમી, પપૈયા, બદામ, વડ વગેરેનાં બીજ તથા કલમ કરી વાવી જતનથી ઉછેરે છે. રામભાઈનું માનવું એવું છે કે હું આજે છુ્ં, પણ હંમેશા નહીં રહું. હું જયારે જીવિત નહીં હોઉં ત્યારે પણ વૃક્ષો છાંયડો તથા ફળ આપવાનું અને ઑક્સિજન આપવાનું કાર્ય કરશે જ. આ કાર્ય માનવતાનું કાર્ય કહી શકાય. રામભાઈ જન્મદિવસ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં વૃક્ષો વાવવાનું અને પછી કાયમ એની માવજત કરવાનું ચુકતા ન હતા. વૃક્ષોને ખાતર, પાણી, દવા, વગેરે નિયમિત આપતા હતા.
ચાલીસ વર્ષ પછી....
એંસી વરસના રામભાઈના બેસણામાં સૌ કોઈ વાતો કરે છે, રામભાઈના વખાણ કરે છે, ગૌરવ અનુભવે છે કે આપણાં ગામનાં રામભાઈ એટલે રામભાઈ. મંદિરમાં પણ એ જ વાત થાય કે આ પીપળો, ગુલમહોર વડ વગેરે રામભાઈના વાવેલાં વૃક્ષો છે. આ બાળકો અત્યારે હિંચકા ખાય છે, એ પણ એમને જ આભારી છે.
રામભાઈના ઘરે બાળકોનાં બાળકો ઋતુ મુજબ ચીકુ, જામફળ પપૈયા, કેરી, બોર, દાડમ તથા બદામ ખાય છે અને રામભાઈને યાદ કરે છે. રામભાઈએ "કુમળાં છોડને વાળીએ એમ વળે" એ કહેવત અનુસાર પોતાના બાળકોને સારા સંસ્કાર અને વૃક્ષારોપણ વારસામાં આપી ગયા છે.
રામભાઈના પુત્રો પિતાજીના આત્માની શાંતિ અને શ્રધ્ધાંજલિ રૂપે એકસો ને આઠ વૃક્ષો વાવવાનો સંકલ્પ લે છે.
