ચતુર કરો વિચાર -૪: વૃક્ષ વિચાર
ચતુર કરો વિચાર -૪: વૃક્ષ વિચાર
આજે સવારે છાપુ હાથમાં લીધું. રવિવારીય પૂર્તિમાં એક રસપ્રદ અને માહિતી સભર લેખ વાંચ્યો. આ લેખ મુજબ વૃક્ષોને પણ પોતાનું એક ' ઈન્ટરનેટ ' હોય છે. આ સંપર્ક સેતુ જમીનની અંદર ખાસ પ્રકારની ફૂગ મારફતે ચાલ્યા કરે છે. એક બીજાને મદદરૂપ થવા, મુશ્કેલી વખતે સાવચેત કરવા અને જરૂરિયાત વાળા વૃક્ષ બંધુઓને પોતાની પાસે રહેલ જરૂરી પોષક પદાર્થો મોકલવા સુદ્ધાં આ નેટવર્ક ઉપયોગમાં આવે છે... અહીં...આશ્ચર્યજનક વાત એવી પણ હતી કે, મૃત્યુની સમીપે રહેલ કે સૂકાઈ રહેલ વૃક્ષો પોતાની પાસેના પોષક અને ઉપયોગી પદાર્થો પાડોશીને આપતા જાય છે...કેવું અચરજ...!
ભગવાને પણ જાણે વૃક્ષોને એક જ ડીએનએ બક્ષ્યું છે...અને એ છે...' પરોપકાર '
હા, મે વાંચેલો આ લેખ વૈજ્ઞાનિક તથ્ય સ્વરૂપે હતો...કોરી કલ્પના નહિ.
વૃક્ષોની પોતાની સંવેદના, ચેતના અને જીવન હોય છે તેવું તો ભારતનાં ખ્યાતનામ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બાસુ એ પ્રતિપાદિત કરેલ છે જ.
આ વાંચન મારા મનમાં કુતૂહલ ની સાથે થોડા સ્પંદનો પણ જગાવી ગયું.
વૃક્ષોની પોતાની એક સંવેદના, દર્દ અને અનુભૂતિ હોય છે તે વાત નક્કી થયાને વર્ષો વીતી ગયા છે. આ વૃક્ષોની ઉપયોગિતા અને તેમનું માનવ જીવન તથા પૃથ્વીની વ્યવસ્થા જાળવવામાં કેટલું બધું મહત્વ છે તે નિષ્કર્ષ આવ્યે પણ દાયકાઓ વીત્યા છે. છતાં, દરેક ક્ષણે...દુનિયાના સેંકડો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષો ઉપર કુહાડી કે આધુનિક ક્ટર મશીન ચલાવી રહેલ મનુષ્યને હજુ સુધી એ જ્ઞાન કે સમજ કેમ નથી પહોંચી...કે જેને તે કાપી રહ્યો છે તેની એક હસ્તી છે..સંવેદના અને ઉપયોગિતા છે...!
મતલબ, સાફ છે કે... વૃક્ષો ની પોતાની આંતરિક કોમ્યુનિકેશન સિસ્ટમ કરતા મનુષ્યની કોમ્યુનિકેશન સિસ્ટમ વામણી છે. આટ આટલા ઉપગ્રહો થકી સંચાર વ્યવસ્થા, શિક્ષણ, જાગૃતિ, ઈન્ટરનેટ ના જમાનામાં પણ...વૃક્ષ કાપી રહેલ મનુષ્ય ...જાણે...તેના દુઃખ, પીડા અને પૃથ્વી ગ્રહની જીવન લીલા ને ટકાવવામાં ઉપયોગિતાની જાણથી તદ્દન અલિપ્ત છે..!
રહી વાત આ વૃક્ષોની પોતાની આંતરિક સંચાર વ્યવસ્થાની તો...મુશ્કેલીના સમયમાં બિજા વૃક્ષને સંદેશો પહોંચાડવા ની તેમની બાબત હ્રદય સ્પર્શી છે...ખરેખર...!
વિચારો, ...
વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, સામુહિક મુશ્કેલી ના અપવાદ રૂપ સંજોગો સિવાય આજનો મનુષ્ય એકલપંડે અને રહસ્ય રાખી સહન કરે છે...જો એવું ના હોત તો આત્મહત્યાના બનાવો બનતા ના હોત.
મૃત્યુ પામી રહેલ એક વૃક્ષ પોતાના શરીરમાં રહેલ પોષક તત્વો અને ઉપયોગી પદાર્થો પાડોશી વૃક્ષને આપતું જાય છે. આ વ્યવહાર જમીનની અંદરની વૃક્ષો વચ્ચેની સ્થપાયેલ આ ખાસ પ્રકારની ઈન્ટરનેટ વ્યવસ્થાથી શક્ય બને છે. આ પરોપકારી ફરજ નિભાવવા આ વૃક્ષોને કોઈ જાતના મોટીવેશન કે ઉપદેશની જરૂર પડતી નથી. આ તેમના જીવનમાં જાણે વણાયેલ છે. આપણે અહી રક્તદાન કે અંગદાન જેવી ઉમદા માનવીય પ્રવૃત્તિઓ ને સરખાવીએ.
ડબ્લ્યુ એચ ઓ હોય કે દેશ વિદેશની સામાજિક કે આરોગ્ય સંસ્થાઓ અને સરકારો... સતત રક્તદાન કે અંગદાનની પ્રવૃત્તિ માટે નાગરિકોને અપીલ પાઠવ્યા કરે છે. અહીં પણ વૃક્ષો પાસેથી મનુષ્યે શીખવા જેવું છે.
ઈર્ષા, રાગદ્વેષ અને બીજાનું પડાવી લેવાની અમાનવીય ભાવનાઓ વળી માનવ જ આચરે છે ને...!
જ્યારે, વૃક્ષો જુઓ...પોતાની પાસે રહેલ ઉપયોગી તત્વો જરૂરિયાતવાળા પાડોશી ને મોકલે છે. તદ્દન નિર્મળ ' વાટકી વ્યવહાર '... !
અહીં જીવો અને જીવવા દો ની ભાવના તો વૃક્ષો જ નિભાવતા જોવા મળે છે જાણે !
આ વિચાર યાત્રાનો સાર અહીં એટલો જ છે કે.....
પૃથ્વી પરના શ્રેષ્ઠ પ્રાણી તરીકેનો સ્વઘોષિત એવોર્ડ લઈને ફર્યા કરતા આપણે મનુષ્યોએ હજુ અન્ય જીવો અને પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે.
