Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Sharad Trivedi

Drama Inspirational Children


4.0  

Sharad Trivedi

Drama Inspirational Children


વૃક્ષ દેવો ભવ: (બાળ નાટક)

વૃક્ષ દેવો ભવ: (બાળ નાટક)

9 mins 406 9 mins 406

(પરખો અને પદ્મો શાળાનું બેનર લઈને આવે છે, અને બેનર સાથે રંગમંચ પર આંટો મારીને જતા રહે છે.આ દરમિયાન ધીમું સંગીત અને શ્લોક નેપથ્યમાં સંભળાય છે.)


દ્શ્ય 1


(ઘર નું દ્રશ્ય ગામડાનું નળિયા કે ઘાસના છાપરા વાળું ઘર, ગ્રામ્ય પરિવેશના દર્શન,સવારનો સમય દર્શાવતું સંગીત નેપથ્યમાંથી સંભળાય છે. એક સ્ત્રી કચરો વાળી રહી છે અને પાણીનું માટલું લઈ ગોઠવે છે.એ દરમિયાન તેના પતિનો પ્રવેશ થાય છે. જેના હાથમાં લાકડી અને ચાર્જિંગ બેટરી છે. તે થાકેલો જણાય છે.)

પદ્મા ભાઈ:( શાક સમારતી પત્નીને સંબોધીને) અરે ભેમાંની મા,થોડુંક પોણી લાવ એટલે હાથ-પગ ધોઈ લવું, કહું છું સાંભળે છે પોણી લાવ ને !

લાધીબેન: એ લાવી (પાણી લઈને આવે છે. પાણી આપે છે. પદ્મા ભાઈ હાથ પગ ધુવે છે લોટો લાધીબેનને આપી અને ખાટલી પર બેસે છે લાધી બેન પાણીનો લોટો હાથમાં લઈને ઊભા રહે છે) તમે તો ખૂબ કાઠા છો હોં, આકળશિયો ભરીને પોણી આપ્યું તોય અડધો અડધ પાછું આપ્યું. સરખે હાથ-પગ પણ ધોતાં નથી. હું ઘણુંય પોણી ઉપાડીને લાવું છું. તમ તમારે વાપરો.શું આમ કંજુસાઈ કરો છો ?

પદ્મા ભાઈ: અરે ભેમાંની મા, આ જળ છે તો જીવન છે એને ખપ પૂરતું જ વપરાય, વેડફાય નહીં. તને ખબર છે મા'ત્મા ગાંધી સાબરમતી નદીમાંથી દાતણ કરવા એક લોટી જ પોણી લેતાં પોણી એકલા આપણું નથી, ઢોર-ઢાંખર અને પશુ-પક્ષી બધાનુંય છે. અરે ! સાંભળ ! રાતે માસ્તર સાહેબને ત્યાં વૃક્ષ નારાયણની કથા હતી.આહા ! શું મજા આવી છે ! આહા ! શું મજા આવી છે !

લાધી બેન: તમને તો ભઈ સા'બ શું થઈ જ્યું છે ? સવારેય ઝાડખાં અને રાતેય આ ઝાડખાંની કથાઓ ! શી ખર ઝાડખાંમાં શું ભાળી જ્યાં છો ? ખેતરમાંય ચારેકોર ઝાડખાં-ઝાડખાં અને ઝાડખાં,હજી ચેડ મેલતાં નથી. આ કાળ વરહમાં ખેતરે કોઇ જાતું નથી ને તમે તો ? સવાર-સાંજ ઝાડખાં જોતો આવું એમ કહીને ખેતરે જાતાં રો છો.

પદ્મા ભાઈ: અરે ગાંડી ! આ વૃક્ષો છે તો આપણે છીએ. આ વૃક્ષો ન હોય તો આપણેય ના હોઈએ. વૃક્ષો તો પ્રભુનું સ્વરૂપ છે, પ્રભુનુ !

લાધી બેન: હવે બડાશો મારવાનું રે'વા દો. બેય છોકરાઓ મોટા થ્યાં છે.આ કાળ વરહનો ટેમ છે. છોકરાના સગપણ-સાંતરા માટે પણ થોડા ફરો.આ ડોબા તો હું ઘણાય સંભાળીશ.તમે તો ભઈ સા'બ માથે પડ્યાં માથે !  પેલા પરખા એ જો એના છોકરા નું સગપણ કરી નાખ્યું ને આપણે ભેમો અને રગો જુવાનજોધ ઊભા છે. એ ઝાડ કાંઈ કામ નહિ આવે.

પદ્માભાઈ: ઈ મેલ માથાકૂટ,લે હવે તારે હું ખેતરે આંટો મારી આવું.

( લાકડી સાથે રંગમંચ પરથી નેપથ્યમાં જાય છે) લાઘી બેન :(સ્વગત) હેડ તાર, હુંય સવલીને ત્યાં જાતી આવું ને છેંકણી તોંણતી આવું.

( શાક નો વાટકો ઘરમાં મુકીને ચાલી જાય છે)

દ્શ્ય 2

(નેપથ્યમાં ભવાઈનું સંગીત અને ભલા મોરીરામા સંભળાય છે. રંગલા અને રંગલીનો પ્રવેશ થાય છે. નાચતાં-નાચતાં રંગલો રંગલી પ્રવેશે છે.)

રંગલો-રંગલી:તા થૈયા થૈયા તા થૈઈ.....

રંગલો: અલી, રંગલી જોયું ?

રંગલી: શું.... જોયું રંગલા ?

રંગલો:આ પદમાંની બૈરી ?

રંગીલી:અરે, હા ! રંગલા આ પદ્મો વૃક્ષો વાવે છે, એની કાળજી લે છે, પણ ઓલી પદ્માની બૈરીને પેટમાં દુ:ખે છે.

રંગલો: પણ લાધીને ક્યાં ખબર છે કે વૃક્ષો હશે તો વરસાદ આવશે. કાળ વરહ નહી જોવા પડે અને ખેતર હશે લીલા છમ !

રંગલી:હા,રંગલા પણ એ બિચારીને શી ખબર પડે કે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. ખેતરની ફળદ્રુપતા ટકાવી રાખે છે. માટીના કણોને વૃક્ષના મૂળ મજબૂત રીતે જકડી રાખે છે.

રંગલો: એટલે જ તો રંગલી, હું કહું છું કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો.

રંગલી:હા, મારા રંગલા હો વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો, જીવન બચાવો.

(રંગલો-રંગલી નાચતાં- નાચતાં નેપથ્યમાં જાય છે. એક બાળક 'વૃક્ષોમાં વાસુદેવ' બેનર લઈને આવે છે. રંગમંચ પર આંટો મારીને નેપથ્યમાં જાય છે અને નેપથ્યમાં સંગીત સંભળાય છે)

દ્શ્ય 3

પરખાભાઈ: અલી, એય,હોંભળે છે. હેંડ પદ્માને ઘેર જઈ આઈએ.

રેવાબેન:ચમ ? કાંય કામ છે ?

પરખાભાઇ:ના,ના, ઘણાદા'ડા થયા છે ને એટલે ? રેવાબેન:હેંડો ત્યારે

(બંને બહાર નીકળી જાય છે.પદ્મો અને પદ્માની પત્ની લાધીનો પ્રવેશ,પછી થોડી વાર બાદ પરખો અને પર રેવા પ્રવેશે છે.

પરખાભાઈ: અરે ઓ પદ્મા

પદ્માભાઈ:આવ,આવ, ઘણા દા'ડે ! (હાથ મિલાવીને રામ રામ કરે છે)

લાધીબેન: આવોને, રેવાબેન આવો

(લાધી અને રેવા નીચે બેસે છે.પરખો અને પદ્મો ખાટલી પર બેસે છે

પદ્માભાઈ: પરખા ચમ ચાલે છે ?મજામાં છે ને ?

પરખાભાઈ:કાંય હધરું નથી. હવે છોકરાના લગ્ન લેવાના છે પણ આ કાળવરહમાં ચમ લેવા ?

(બંને વાતો કરતાં કરતાં બહાર નીકળે છે)

રેવાબેન:આ કાળ વરહમાં અમે તો તોબા પોકારી ગયા, તમે શી ખબર કેમ હેંડાડો છો ?

લાધીબેન:અમેય ઠીક,આ તમારા ભાઈ તો આખો દા'ડો ખેતરમાં પડ્યા રહે છે.છોકરા જે થોડું ઘણું કમાય ઈ ખાઈએ છીએ. છોકરાં મોટા થયા તોય અમારે ઈ કંઈ વિચારતા નથી. ઝાડખાં,ઝાડખાં ને ઝાડખાં !

રેવાબેન:એ તો સારું છે બુન,અમારે તો તમારા ભાઈએ બધા ઝાડખાં કાપી કાપીને આખા છેતરની દશા બગાડી નાખી છે. ક્યાંય ઝાડખું રહેવા દીધું નથી.

લાધીબેન: તમારે તો છોકરાનું સગુ તો કર્યું.પણ શી ખર ચારે છોકરા પૈણશે ને ઘરે વહુ આવશે ?

રેવાબેન:લો, હવે મોડું થાય છે.જાઉં હજુ તો ડોબાય દોવાના છે.(રેવા જાય છે.)

લાધીબેન:આવજો રેવાબુન

રેવાબેન: હે,આવજો હે આવજો

(લાધી પણ જાય છે.દ્શ્ય બદલાય છે)

દ્શ્ય 4

(બધા નેપથ્યમાં ચાલ્યા જાય છે.નેપથ્યમાં ભવાઈ નું સંગીત અને ભલા મોરી રામા સંભળાય છે. રંગલો અને રંગલીનો પ્રવેશ થાય છે. નાચતાં- નાચતાં રંગલો-રંગલી પ્રવેશે છે.)

રંગલો- રંગીલી:તા..થૈયા...થૈયા..તા... થૈઈ...

રંગલી:જોયું રંગલા

રંગલો: હા,લાધીને કાંય ખબર જ પડતી નથી એને વૃક્ષોની શી ખબર પડે !

રંગલી:વૃક્ષો તો ઓઝોનના પડમાં ગાબડાં પડતાં અટકાવે છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે.વૃક્ષો આપણને ખૂબ ઉપયોગી છે.

રંગલો:(પ્રેક્ષકો તરફ જોઈને) સાંભળ્યુંને વૃક્ષો વાવો તો જીવશો નહીં તો મરશો

રંગલી: હા,હા,મરશો-મરશો

(રંગલો રંગલી નાચતાં-નાચતાં નેપથ્યમાં જાય છે એક બાળક એક 'વૃક્ષ દેવ સમાન છે' બેનર લઈને આવે છે. રંગમંચ પર આંટો મારી ચાલી જાય છે. નેપથ્યમાં સંગીત સંભળાય છે)

દ્શ્ય 5

(લાધીબેન અને પદ્માભાઈ પ્રવેશે છે.બંને કોઈ કારણસર ચિંતાતુર લાગે છે)

લાધી બેન: કોણ જાણે તેને શું થ્યું હશે.તે હજુ કેમ ના આવ્યા ?

પદ્માભાઈ:ચિંતા મત કર,ભેમો તેનું નિદાન કરાવીને જ આવશે.

લાધીબેન:પણ હજી ચમ ના આયો ?

પદ્માભાઈ: (રગો ઉધરસ ખાતો-ખાતો અને ભીમો ઉદાસ ચહેરે પ્રવેશે છે, એ જોઈને) જો... એ.. આયા...

લાધીબેન: આવ,દીચરા આવ, તને સારું છે ને ?

ભેમો:(રડતાં-રડતાં) બાપા નિદાનમાં આવ્યું છે કે રગાને ટી.બી. થઈ છે, ટી.બી. (વધુ રડે છે)

પદ્માભાઈ:હેં.... ! શું ?ટી.બી. ?

લાધીબેન:અરર, શું થૈ ગયું ? મારા દીચરાને શું થૈ જયું ? ભોપીમાને બોલાવો એટલે બધું સારું થૈ જાહે. મારા રગલાને કાંક વળજ્યું લાગે છે.

પદ્માભાઈ: આવી અંધશ્રદ્ધા ના રખાય ગાંડી, હું માસ્તર સાહેબ ને બોલાવતો આવું અને એમની સલાહ લઇ રગલાની દવા કરાઈએ.

લાધીબેન:મેં કીધુંને ભેમાં, હટ જઈને તું ભોપીમાને બોલાવી આય એટલે સઉ સારા વાના થાહે.હટ જા ભેમલા.

( ભેમો ભોપીમાને બોલાવવા જાય છે અને પદ્મો માસ્તરસાહેબને બોલાવવા જાય છે.ભોપા ધુણવાનું સંગીત વાગે છે મોમાઈ મા ને બોલાવો જાય છે અન સંગીત વાગે છે અને થોડીવાર પછી ભોપીમાનો પ્રવેશ થાય છે.)

ભેમો:(ભોપીમાની કફનીનો છેડો પકડી વાંકો વળી ખમ્મા માડીને ! ખમ્મા માડીને ! કરતો આવતો દેખાય છે.)

ભેમો: ખમ્મા માડીને ! ખમ્મા માડીને !

(ભોપીમાં પ્રવેશે છે.રગો સૂતો છે ત્યાં આવીને બેસે છે. લાધી અને ભેમો આવકારે છે)

લાધીબેન: આવો મારી પેપળાવાળી મા, આ મારા રગાને સાજો કરો એને જે ભૂત,પલીત,લપ વળજ્યું હોય એ કાઢો મારી મા,મારા દેવ,માડી તમે જેમ કો એમ કરશું.

ભોપીમા: લાધી,ચિંતા મત કર. હમણાં તારા રગાને ઘોડતો કરી દઉં. (ભોપીમાં ધુણે છે.લાધી અને ભેમો ભાવ વિભોર થઈને ભોપીમાના પગમાં પડતા અને ભોપીમાના સૂરમાં સૂર પુરાવતાં જણાય છે.ત્યાં માસ્તરસાહેબ અને પદ્મોભાઈ પ્રવેશે છે)

માસ્તર સાહેબ: આ બધું શું છે ? આ ધતિંગ શેના છે ? આમ ભોપી ધૂણે રગો સાજો ન થાય.

ભોપીમા:(અચાનક ધુણવાનું બંધ કરી) લાધી તે માસ્તરને ઘેર બોલાવી મારું અપમાન કર્યું છે. જા તારો રગો સાજો નહીં થાય

( એમ કહી ભોપીમાં જવાનું કરે છે લાધી ના,માડી ના કહી રોકવાની કોશિશ કરે છે)

લાધીબેન: ના માડી ના,માડીને ઘણી ખમ્મા !

(ભોપીમા ચાલ્યા જાય છે લાધી રડે છે)

માસ્તર સાહેબ: લાધીબેન આમ રડવાથી કશો ફેર ન પડે.તેને તરત તુલસીનો ઉકાળો પીવડાવો ને પછી શહેરમાં જઈ એની દવા કરાવો. હવે ટીબીનો રોગ અસાધ્ય રહ્યો નથી. મટી શકે છે.

લાધીબેન:પણ માસ્તર સાહેબ આ કાળ વરહમાં પૈસા ચ્યાંથી લાવવા ? આ ભોપીમા એને સાજો કરત પરો,પણ તમે ચ્યાંથી આવી જ્યાં ?

ભેમો:ચિંતા મત કર મા, ખેતરમાં ઉભેલા વૃક્ષોના ડાળી-ડાળખાં વેચ્યા એના જે પૈસા આવ્યા છે એમાંથી રગાની દવા થઈ જશે.

(ભેમો પદ્માને રૂપિયા આપે છે. પદ્મો રૂપિયા બતાવીને)

પદ્માભાઈ:આ જો, ઘણાય પૈસા આવ્યા છે. વૃક્ષો જ ખરા સમયે કામ આવ્યા. તું તો વૃક્ષો વાવવાની ના પાડતી હતી. પણ જોયું કાળવરહમાં માં વૃક્ષો જ કામ આવ્યા. તે જ આપણા રગાને સાજો કરશે. આ વૃક્ષો તો જીવતા જાગતા દેવ છે દેવ !

(બધા શહેરમાં દવા કરાવવા રગાને લઈ જાય છે માસ્તર સાહેબ સલાહ આપે છે.)

માસ્તર સાહેબ: સાંભળો, શહેરમાં જઈ ટી.બી.ના સારા ડોક્ટરને બતાવી આવો.આ રહ્યું સરનામું(સરનામાનો કાગળ પદ્માને આપે છે) અને કંઈક જરૂર પડે તો કહેજો.

(બધા જાય છે)

દ્શ્ય 6

(રંગલા-રંગલીનો પ્રવેશ,ભવાઈ સંગીત ભલા મોરી રામા નેપથ્યમાં સંભળાય છે)

રંગલો-રંગલી:તા થૈયા થૈયા તા થઈ....

રંગલી: ઓ હો, મારા રંગલા,આ લાધીએ રુપિયા લાવ્યા ક્યાંથી ?

રંગલો:અલી, રંગલી પેલા પદ્માની મહેનતનું ફળ અત્યારે મળ્યું છે !

રંગલી:કયું ફળ ?

રંગલો: પદ્માએ વૃક્ષો વાવ્યાં હતાં એ ખરા સમયે કામ આવ્યા. એના ડાળી-ડાળખાએ પદ્માને રુપિયા આપ્યા.

રંગલી: શું વાત છે ! રંગલા ! તો તો રગો સાજો થઈ જશે ?

રંગલો:હા, રંગલી એટલે જ કહ્યું છે 'છોડમાં રણછોડ'

( રંગલો- રંગલી નાચતાં નાચતા નેપથ્યમાં જાય છે. એક બાળક 'છોડમાં રણછોડ' બેનર લઈને આવે છે. રંગમંચ પર ગોળ આંટો મારી પાછું જાય છે.)

દ્શ્ય 7

પદ્માભાઈ,લાધીબેન, ભેમો,રગો શહેરમાંથી દવા કરાવીને ઘરે પાછા ફરે છે. બધા ખુશખુશાલ છે.) પદ્માભાઈ:ભેમા,રગાને સારી રીતે સમયસર દવા આપજે, જેથી હટ સાજો થાય.

ભેમો: (દવા-ગોળી પદ્માભાઈના હાથમાંથી લઈને) હા, બાપા

(માસ્તર સાહેબ નો પ્રવેશ)

માસ્તર સાહેબ:શું કહો પદ્માભાઈ, રગાનેને સારું છે ને ?

પદ્માભાઈ: હા,માસ્તર સાહેબ, તમારી સલાહ અને વૃક્ષ દેવની કૃપાથી મારો રગો સાજો થઈ જશે. માસ્તર સાહેબ: ક્પા વૃક્ષ દેવની ! રગા સારું છે ને ?

રગો: હા, સાહેબ બિલકુલ સારું છે. હવે મને ટી.બી. મટી જશે.

માસ્તર સાહેબ: જુઓ લાધીબેન,પદ્માભાઈનો વૃક્ષ પ્રેમ, મહેનત અને વૃક્ષ દેવની કૃપાથી તમારા રગા ને સારું થઇ જશે. વૃક્ષો પૃથ્વી પર ન હોત તો આપણે ન હોત.

લાધી બેન:હા, માસ્તર સાહેબ રગલાના બાપાની મહેનત, આપની સલાહ અને ઝાડખાં દેવની કૃપાથી મારો રગલો સાજો થઈ ગયો. (રગા પર હાથ ફેરવે છે.)હવે મને ઝાડાખાંની કેંમત સમજાણી.

માસ્તર સાહેબ: લાધીબેન, પદ્મા ભાઈ સાચું કહેતાં હતાં. તમે કાયમ વૃક્ષો પર બળાપો કાઢતા,પણ આ આ કાળ વરહમાં વૃક્ષો સગા-સંબંધીની જેમ કામ આવ્યાં.વૃક્ષો તો જીવતા જાગતા દેવ છે. આપણા ધર્મમાં પણ વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. વરસાદ લાવે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષ નારાયણને નમન. ચાલો, પદ્માભાઈ હવે હું જાઉં.

પદ્માભાઈ: હેંડો,માસ્તર સાહેબ ને મૂકતો આવું, તમે બધા ખેતરે જઈ વૃક્ષ દેવતાને પાણી પાતાં આવો.

લાદીબેન:હેંડો, તાર હુંય આવું,ઝાડખાંને પાણી પાવા.

( બધા રંગમંચ છોડી દે છે.)

દ્શ્ય 8

(રેવાનું પ્રવેશ થાય છે. રેવા રંગમંચ પર ગોળ આંટો મારે છે. ત્યારબાદ બરાબર વચ્ચે આવી જાય છે.)

રેવા: (સ્વગત)આ પદ્માભાઈને વૃક્ષ દેવતા ફળ્યા. એમનો રગલો સાજો થઈ જાહે,લે આજ તો હુંય મારા આંગણામાં વૃક્ષ વાવું.

(વૃક્ષ વાવવા ખાડો ખોદેવાનો અભિનય કરે છે. વૃક્ષ વાવે છે.વૃક્ષની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે.) રેવા: (વૃક્ષને નમન કરીને) એ વૃક્ષ દેવતા તમે જેવા પદ્માભાઈ અને લાધીબેનને ફળ્યા એવા સૌને ફળજો.

(રેવા નેપથ્યમાં ચાલી જાય છે. એક બાળક વૃક્ષ વાવો જીવન બચાવો બેનર લઈને આવે છે.રંગમંચ પર ફરીને ચાલ્યો જાય છે.રંગલા-રંગલીનો પ્રવેશ થાય છે.નેપથ્યમાં ભવાઈ સંગીત ભલા મોરી રામા સંભળાય છે.)

રંગલો-રંગલી: તા થૈયા.... તા થૈયા....તા થૈ... રંગલી: ઓ હો ! મારા રંગલા ! આ મોટા પાંદડાવાળુ શાનું વૃક્ષ છે.

રંગલો: ઓ, મારી રંગલી, આ તો પીપળાનું વૃક્ષ છે. રંગલી:અરે હા, રંગલા હા, કૃષ્ણ ભગવાને જે વૃક્ષની નીચે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો એ પીપળાનું વૃક્ષ !

રંગલો: હા, રંગલી હા,એ જ પીપળાનું વૃક્ષ !

રંગલી:ઓ મારા રંગલા,પણ આ પીપળાની કેમ પૂજા થાય છે.

રંગલો:કારણકે પીપળો ઓક્સિજન વધારે આપે છે.

રંગલી: હા,તો પીપળાની પૂજા કરવી જ જોઈએ. રંગલો: હા, પીપળો જ નહીં, દરેક વૃક્ષની પૂજા કરવી જોઈએ. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવવા જોઇએ.

રંગીલી:અલ્યા રંગલા, પાંચ નહીં દસ વૃક્ષો વાવવા જોઇએ. દસ વૃક્ષો ! વૃક્ષો તો પૃથ્વી પરના જીવતા જાગતા દેવ છે, દેવ.

( એક બાજુ માસ્તર સાહેબ લોકજાગૃતિ માટેની રેલી તૈયાર કરતાં દેખાય છે)

રંગલો:અલી રંગલી, આ માસ્તર સાહેબ શાની તૈયારી કરે છે ?

રંગીલી: અરે મારા રંગલા ! માસ્તર સાહેબ લોકજાગૃતિની રેલીની તૈયારી કરે છે.

રંગલો: તો ચાલો,આપણે બધા રેલીમાં જોડાઈએ.

(માસ્તર સાહેબ અને પદ્મો બધાની આગળ ચાલે છે.દરેકના એક હાથમાં બેનર હોય છે. સૂત્રો પોકારે છે.બધા પાત્રો રેલીમાં જોડાય છે.વૃક્ષ પાસે આવી પ્રદક્ષિણા કરી વૃક્ષને નમન કરે છે. બેનરો નીચે મૂકી દે છે. પ્રેક્ષકો તરફ નમન કરી 'વૃક્ષ દેવો ભવ' બોલે છે.બધા ને નેપથ્યમાં ચાલ્યા જાય છે. એક વિદ્યાર્થી 'એ આવજો, એક વૃક્ષ વાવજો'બેનર લઈને ફરે છે. સંગીત સાથે 'વૃક્ષ દેવો ભવ'ના નારા સંભળાય છે જે ધીમે ધીમે બંધ થઈ જાય છે.)

સમાપ્ત


Rate this content
Log in

More gujarati story from Sharad Trivedi

Similar gujarati story from Drama