ઓનલાઇન લવ
ઓનલાઇન લવ
વિધિને સતત મોબાઈલમાં વ્યસ્ત જોઈ નેહાબેનને ચિંતા થતી.ઓનલાઈન લવ અને તેના કરૂણ અંજામના કિસ્સા નેહાબેન છાપામાં વાંચતા.એમને ચિંતા થતી. એક તો એ ઓછું ભણેલાં એટલે લાંબી કાંઈ સમજ ન પડે. બીજુ વિધિ ત્રણ વર્ષની હતી અને એના પપ્પા ગુજરી ગયેલાં ત્યારથી એને ભણાવીને મોટી કરેલી. હાલ એ કોલેજના ત્રીજા વર્ષમાં હતી.
વિધિને મોબાઈલ પર ચેટીગ કરતી જ્યારે વિધિને નેહાબેન જોતાં ત્યારે એમના મનમાં એક જ વિચાર આવતો. આ છોકરીને ભોળવીને ઓનલાઇન લવ કરી કોઈ છેતરી ન જાય. કોઈ એના મેસેજ કે ફોટોનો સ્ક્રિન શોટ લઈ વાયરલ કરી ન દે. મારી છોકરી છેતરાઈ ન જાય.
એમાંય એક દિવસ નેહાબેને એને વીડિયો કોલ કરતી જોઈ. એણે કોલ મૂકતી વખતે 'આઈ લવ યુ' કહ્યું.ત્યારે તો નેહાબેન ધબકારો ચૂકી ગયાં. આ છોકરી મારો એકનો એક સહારો છે. રંડાપો વેઠીને મોટી કરી છે અને ઓનલાઇન લફરાંમાં ફસાઈ ગઈ તો મારે રોવાનો વારો આવશે. એ પણ આખી જિંદગી દુઃખી થશે.કેટલાય વિચારો કરી નાખ્યાં.
સાંજે જમતાં સમયે નેહા બેનને વિધિએ પૂછ્યું કે 'મમ્મી શું ચિંતામાં ડૂબી છે ? આજ સવારની હું જોઉં છું તું કોઈ ચિંતામાં છે.'
નેહાબેને કહ્યું 'આ તું સતત મોબાઈલ જોતી હોય છે તો ક્યાંય ખોટા રસ્તે જતી ન રહે એની ચિંતા થાય છે.'
વિધિએ કહ્યું 'તને તારી દિકરી પર વિશ્વાસ નથી?'
'છે પણ, આજે મેં તને આઈ લવ યુ કહેતા સાંભળી એનું શું ?'
'અરે મમ્મી કોને કહ્યું એ ખબર છે? '
'ના'
'અરે એક અંકલ છે જેમનો પરિચય મને સાહિત્ય અ
ંગેની એક એપ પર થયો. એમને મને વાર્તા લખતાં શીખવાડ્યું. પરીક્ષા અંગે માર્ગદર્શન પણ આપે છે. એ પિતા તુલ્ય છે દીકરીની જેમ મને ગણે છે તો શું દિકરી બાપને આઈ લાવ યુ ન કહી શકે?' 'કહી શકે પણ બેટા ઓનલાઇન આવી ઘણી છેતરામણી થતી હોય છે સામેના વ્યક્તિનો શો ઈરાદો છે શું ખબર ? એટલે આવી ઝંઝટમાં તો પડવું જ નહીં.'
'મમ્મી એ બહુ સારા છે. એમને એક દીકરો પણ છે. પણ એમના વાઈફ થોડા સમય પહેલાં ગુજરી ગયા છે. દીકરો નાનો છે. એક વાત કહું મમ્મી મારા સાસરે ગયા પછી તું એકલી પડી જઈશ એનાં કરતાં મારી એક વાત માન. તું આ અંકલ સાથે લગ્ન કરી લે, તો મને પપ્પા અને ભાઈ બંન્ને મળી જાય. આટલા વર્ષ તો તે મારા માટે થઈને એકલા કાઢ્યાં, પણ હવે નહીં મમ્મી. તારી ઉંમર કંઈ મોટી નથી. તું અને એ અંકલ લગભગ સરખી ઉંમરના જ છો. તું હા પાડે દે. અંકલને તો મેં મનાવી લીધા છે. ઘણાં સમયથી પ્રયત્ન કરતી હતી તે છેક હમણાં મનાવ્યા. એ માન્યા એ જ દિવસે મેં એમને આઈ લવ યુ કહયું હતું જે તે સાંભળ્યું'
વિધિની આ વાત સાંભળીને નેહાબેન તો અવાચક થઈ ગયાં એમને આ માટે સાફ નન્નો ભણ્યો.સમાજ, કુટુંબ, પરિવારોનો હવાલો આપ્યો.લોકો મારા પર થૂથૂ કરે એમ પણ કહ્યું પણ વિધિએ એની કોશિશ ચાલુ રાખી. અંકલ અને નેહાબેનને પણ બે-ત્રણ વખત મળાવ્યા. છેવટે નેહાબેન વિધિના અંકલ સાથે પુનઃ લગ્ન માટે સહમત થઈ ગયા.
ઓનલાઈન લવ બધાને ફળ્યો. વિધિને પિતા અને ભાઈ મળ્યાં. અંકલને વિધિ દીકરી મળી અને છોકરાને મા અને બેન મળી. નેહાબેનને પુરો પરિવાર મળ્યો.