વિભા
વિભા


એ સ્ત્રીની તમારા પ્રત્યેની લાગણીને તમે આજદિન સુધી સમજી શક્યા નથી અખિલેશ, પણ એ સ્ત્રીને તમારા પ્રત્યે લાગણી ચોક્કસ હતી તેમાં કોઈ શક નથી. તમે એ વખતે શાળામાં નવા દાખલ થયેલાં. ખાનગી શાળા હતી તમને પંદરસો રૂપિયા પગાર આપતી પણ તમારી આર્થિક પરિસ્થિતિ જોતાં તમારા માટે એના સિવાય કોઈ વિકલ્પ ન હતો. તમે શાળામાં દાખલ થયાના બે ત્રણ દિવસમાં જ તમારી કાબેલિયત આચાર્યશ્રીએ પારખી લીધી અને ખાનગી શાળાના આવન-જાવન કરતા શિક્ષકોમાં એમણે તમને પ્રથમ મદદનિશ બનાવી દીધાં. શહેરના નજીકના ગામડામાં આવેલી આ શાળામાં વિભા નામની તમારાથી બે વર્ષ મોટી એક શિક્ષિકા પણ નોકરી કરતી હતી. શાળાની સામેની બાજુમાં આવેલી સોસાયટીમાં એનું ઘર હતું એ ટ્રસ્ટીની સગી પણ હતી એટલે શાળાના આચાર્ય સહિત અન્ય શિક્ષકો પણ એનું માન રાખતાં. તમે ધોરણ ૬ થી ૮ માં ભણાવતા હતાં. શાળા 1 થી 12 ધોરણ સુધીની હતી. તમારો વિષય ગણિત હોવાથી તેમજ તમે સારું ભણાવતાં એની સુવાસ ગામમાં પ્રસરી હતી. ધોરણ 9 અને 10 ના ગણિતના ટ્યુશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તમારી પાસે માંગ કરવા લાગ્યા. તાજા લગ્ન અને ઘરની આર્થિક પરિસ્થિતિને સુદૃઢ કરવા તમારે માટેની આ તક તમે ઝડપી લીધેલી. વિભાના ઘરની પાછળના ભાગમાં જ ધાબા પરનાએક રૂમમાં ટ્યુશન ચાલુ કરેલાં. એ વખતે શહેરથી ૭ કિમી દૂર આવેલા ગામડામાં તમે સ્કુટી લઈને જતાં, અખિલેશ.
સવારે 6:30 એ તમારી ટ્યુશનની બેચ શરૂ થતી વિભા બરાબર ૭ વાગ્યે તેના ધાબા પરથી તમને સરસ મજાનો ચાનો કપ આપી જતી. તમે ટ્યુશન ભણાવતા ભણાવતા ચાની મજા માણતાં. આ તો નિત્યક્રમ જેવું થઈ ગયું હતું. અઠવાડિયા બાદ તમે વિભાને પૂછેલું' તમે સવારે રોજ આખી સોસાયટી જુવે એમ ધાબા પરથી મને ચા આપો છો. તમને નથી લાગતું કે તમારે આવું ન કરવું જોઈએ ? લોકો ગમે તે વિચારી શકે છે.' વિભાએ તરત જ કહેલું, 'હું લોકોની પરવા નથી કરતી, મારી રીતે જીવું છું, તમને વાંધો હોય તો હવે નહીં આપું' એની લાગણી નહી સમજી શકેલાં તમે કહ્યું 'ના ના મને કોઈ વાંધો નથી' તમને ચા આપવાનો એ સિલસિલો જ્યાં સુધી તમે ત્યાં ટ્યુશન કરાવતા ત્યાં સુધી ચાલુ રહેલો.
એક વખત વિભાના ઘરે મહેમાન આવેલા. એ દિવસે એના પતિએ કહ્યું, 'આજે મહેમાન છે એટલે અખિલેશનને હાલ ચા ના મોકલીશ, દૂધ ન ખૂટે કારણ કે અઢીસો ચા તો એને એકલાને મૂકે છે' પછી હું દૂધ લઈને આવું એટલે મોકલજે. ' એણે કહયું 'મહેમાન ભલે રહ્યાં, અખિલેશને બરાબર ૭ વાગ્યે ચા મળશે' એના પતિથી હસી પડાયેલું. ખુદ એના પતિએ તમને આ વાત જણાવેલી.
શાળાના એક શિક્ષક એક દિવસ ભૂલથી કંઈક વસ્તુ મૂકતી વખતે એના ભરાવદાર ચોટલાને અડકી ગયેલાં. એણે શિક્ષકનો ઉધડો લઈ લીધેલો. તમે એને માંડ શાંત કરી. એ પછી એના વર્ગમાં ગઈ ત્યારે શિક્ષક એના તરફ જોઈને તમને કંઈક કરી રહ્યા હતાં તમે વિભાના વર્ગ પાસેથી નીકળ્યાં તો એણે તમને એના સોગંદ આપી તે શિક્ષક શું વાત કરી એ કહેવા જણાવેલું. એણે આપેલા સોગંદના લીધે એ શિક્ષકે જે કહ્યું તે તમે એને જણાવેલું. શિક્ષકે કહેલું 'મારાથી ભૂલથી અડી જવાયું તો એ આટલી ભડકી, તમે જાણી જોઈને અડ્યા હોત તોય એ તમને કશું ના કહેત. ' એણે જવાબ આપેલો 'એને કહેવું હતું ને તમારે એના માટે લાયકાત કેળવવી પડે' તમે એ વખતે પણ એની લાગણીને શું નામ આપવું એ સમજી નહીં શકેલાં, અખિલેશ.
એક વખત વરસાદ વરસી રહ્યો હતો. રિસેસનો સમય હતો. તમે કહ્યું 'વિભા વરસતા વરસાદમાં તારા હાથની ચા પીવા મળી જાય તો મજા પડે' એ તરત જ છત્રી લઈને નીકળી પડેલી અને ઘરેથી તમારા માટે ચા બનાવીને લાવેલી. ચા બનાવીને આવતાં મોડું થયું. રિસેસ પૂરી થઈ ગઈ. આચાર્ય સાહેબે એને ઠપકો આપ્યો. પરંતુ એણે ચૂપચાપ સાંભળી લીધું. તમે વિભાની લાગણીને નામ આપવામાં નિષ્ફળ નીવડેલાં.
શાળાના એક કાર્યક્રમમાં એની ભૂલના કારણે તમે જાહેરમાં એને ખખડાવેલી. એ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર વર્ગમાં જતી રહેલી. એના વર્ગ પાસેથી તમે નીકળ્યાં,તમારી નજર એના પર પડી ત્યારે એ રડી રહી હતી. તમે એની પાસે ગયાં. એણે કહ્યું તમે મને આમ જાહેરમાં બોલો એટલે મને દુઃખ થાય, અંગત રીતે બોલાવીને તમારે જે કહેવું હોય એ કહો. તમે એની લાગણી ન સમજવા બદલ દુઃખી થઈ ગયેલાં. એ પછી તમે સરકારી નોકરી મળતા તમે એ ખાનગી શાળા છોડી દીધેલી. એ પછી વિભાએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નથી પણ વિભાની એ નામ વગરની લાગણી તમે ભૂલી શક્યા નથી અખિલેશ.