Dr Sharad Trivedi

Tragedy

4.5  

Dr Sharad Trivedi

Tragedy

એક ગોઝારી રાત

એક ગોઝારી રાત

5 mins
408


એક ચાની લારીવાળાની દીકરીએ મેરીટના આધારે રાજ્યની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આજના અખબારની આ હેડલાઇન સવાર સવારમાં ચા પીતાં-પીતાં એક વ્યક્તિએ તમારી લારી પર જ મોટેથી તેની સાથે ચા પીતાં અન્ય લોકોને વાંચી સંભળાવી સુરેશ. એણે અંદરની વિગતો ન વાંચી, પણ પછી એના પર તમારી ચાની લારી પર ચર્ચા ચાલી.'ગરીબના દીકરા-દીકરી જ આવો કમાલ કરી શકે છે.' એકે કહ્યું. બીજાએ કહ્યું 'આ ચાની લારીવાળાઓ તો અભણ, બહુ બહુ તો થોડાં ભણેલાં હોય તોય એમના છોકરાં આગળ વધે છે, જ્યારે મા-બાપ બંને શિક્ષિત હોય તો પણ એમના છોકરાં ઘણી વખત કશું ઉકાળતા નથી.' ત્રીજાએ કહ્યું', કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત જ ખોટી છે.' ચોથાએ અભદ્ર કોમેન્ટ કરી 'કહેવત ખોટી ન હોય, કોઈ બીજો મોર કળા કરી ગયો હોય, લારીવાળાને પણ એની ખબર ન હોય'

તમારા માટે તો રોજ થતી આવી ચર્ચાઓ સામાન્ય હતી. ચાની લારી પર બેઠા-બેઠા ગામ આખાના ગપાટા મારવા,અનેક સાબિત થયેલી થિયેરીઓને ખોટી પાડવી,ભારતના ક્રિકેટ ટીમના કેપ્ટનના ક્યા નિર્ણયો ખોટાં હતાં,અને એ સમયે એણે કયો નિર્ણય લેવો, જેથી જીત મેળવી શકાત. નાણા મંત્રીએ દેશની ઈકોનોમીક કેવી રીતે ઉંચી લાવવી ? સરકારે મોંઘવારી કેવી રીતે  કાબુમાં રાખવી ? જેવા ભારેખમ વિષયો પર પોતાના ઘરના પ્રશ્નો સોલ્વ ન કરી શકનાર ધણાં લોકોને ચર્ચા કરતાં તમે જોયાં છે સુરેશ. તમારા માટે આ ચર્ચાઓ નવીન નથી પણ આજની આ ચર્ચા તમારા માટે નવીન હતી. પેલા ચોથા વ્યક્તિની અભદ્ર કોમેન્ટ ખૂંચી પણ તમે ચૂપ રહ્યાં. હા,સુરેશ આ ચર્ચાનો ઉદભવ જે સમાચારથી થયો હતો એ સમાચારના કેન્દ્રમાં તમે હતાં. આ સમાચારની વિગતો કંઈ આવી હતી.

'શહેરની જિલ્લા પંચાયત નજીક ચાની લારી ચલાવતા સુરેશભાઈ પરમારની દીકરી અંજલિએ પતરાવાળા ઘરમાં રહીને, દિવસનાં ચૌદ-પંદર કલાક મહેનત કરીને, સખત પરિશ્રમના પરિણામે રાજ્યની પ્રખ્યાત બી. જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. કોઈ પણ કોચિંગ ક્લાસમાં ગયા વગર,પોતાના ઘરથી ત્રણ કીમી દૂર આવેલી શાળાએ ચાલતા અભ્યાસ કરવા જઈને પણ પોતે નક્કી કરેલ ધ્યેયને પ્રાપ્ત કર્યું. અંજલિએ આ માટે ચાની લારી ચલાવતા પોતાના પિતા સુરેશભાઈને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યાં. વગેરે. . વગેરે. આ સમાચાર છે અંજલિના નામે છપાયાં હતા એ આમ તો ત્રીસ વર્ષ પહેલાં તમારાં નામે છપાવવા જોઈતાં હતાં, સુરેશ. જે આજે ત્રીસ વર્ષ પછી છપાયાં છે. સમય કેટલો ક્રુર હોય છે એ તમે જોયો છે. આપણુ ધારેલું નહીં પણ સમયનું ધાર્યું થાય છે. નહી તો આ સમાચાર ત્રીસ વર્ષ પહેલાં છપાયાં હોત. હા એ ત્રીસ વર્ષમાં ચાની લારીવાળા શબ્દ ભલે બદલાયો ન હોત પણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિમાં તમારી દીકરી અંજલિના બદલે તમારૂ નામ હોત.

આ માટે ભૂતકાળમાં જવું પડશે સુરેશ,એ વખતે તમે બારમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. તમે પણ સાયન્સના વિધાર્થી હતાં. તમારા પિતાજી આ જ ચાની લારી ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તમને ભણાવવા અને પરિવારનાં પોષણ માટે દિવસે એ ચાની લારી ચલાવતા અને પછી રાત્રે મોડા સુધી રીક્ષા ચલાવતાં. તમને એ ગોઝારી રાત બરાબર યાદ છે. રાત્રિના અગીયાર થયાં હશે. તમે તમારાં છાપરાં નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે બાર સાયન્સની છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા હતાં. આ સમય તમારાં પપ્પાનો રીક્ષા ચલાવીને ઘરે આવવાનો સમય હતો. શહેરની બરાબર મધ્યમાંથી પસાર થતા રોડથી આશરે ચારસો મીટર જેવી અંદર તમારી ગલી હતી. તમે વાંચવામાં તલ્લીન હતાં. શહેરની મધ્યમાંથી પસાર થતી એ સડક પર અચાનક મોટો ઘડાકો સંભળાયો. ધ્યાનભંગ થતાં તમે એ ધડાકાની દિશા તરફ તમારી નજર દોડાવી. એક રીક્ષાને ધડાકાભેર એક કાળમુખા ટ્રકે કચડી નાંખેલી તમારા શેરીના નાકા આગળ જ તમે ‌જોઈ. તમારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તમે સીધી એ તરફ દોટ મૂકી. ત્યા સુધી તો બીજા લોકો પણ આવી ચૂક્યાં હતાં, સુરેશ.

અને. . . . એ રીક્ષા બીજા કોઈની નહીં પણ તમારા પિતાની હતી. તમારા પિતાનો ક્ષત વિક્ષત દેહ પણ. . . . ઓહ,તમારા પિતા  જ એ અકસ્માતનો ભોગ‌ બન્યાં હતાં. એ ગોઝારી રાતે તમે તમારા પિતાને ગુમાવ્યા હતા. તમે પોક મૂકી પપ્પા-પપ્પા, ત્યાં તો તમારી આસપાસના લોકો સાથે તમારા ઘરના લોકો પણ દોડી આવ્યાં, તમારી મમ્મી પણ સાથે હતાં. એમણે તમારાં પપ્પાનો એ ક્ષત વિક્ષત દેહ જોયો અને ત્યાંને ત્યાં જ એ ઢળી પડ્યાં, ને ફરી ઉભા ન થયાં. એ ગોઝારી રાતે તમારા પરથી માતા-પિતા બંનેની છત્ર છાયા બસ થોડી મિનિટોમાં જ ઉઠાવી લીધી. એ દ્શ્ય આજે પણ તમને ધ્રુજાવી મૂકે છે. આ કાળમૂખી રાતે તમારા જીવનની દિશા બદલી નાંખી. એ આખી રાત તમે હીબકાં ભરી- ભરીને વિતાવી. તમને સાંત્વના આપનાર પણ કોણ હતું ? એક આઠમા ધોરણમાં ભણતી તમારી નાની‌ બહેન અને એક વૃદ્ધ દાદી. એમને પણ તમારે જ સંભાળવાના હતાં. એક સાથે માતા-પિતા છીનવી લીધાં,ઉપરથી બહેન અને દાદીની જવાબદારી. બહુ અઘરૂં હતું સુરેશ. એ રાત આજે પણ તમારી નજર સમક્ષ આવે છે ત્યારે તમારાં માટે રડવું સહજ થઈ જાય છે.  

પાડોશીઓ અને સગાંવહાલાંના સહકારથી માતા-પિતાના અગ્નિ સંસ્કાર તો થઈ ગયાં, મરણ પ્રસંગ પણ પાર પડ્યો પણ હવે આખું જીવન પડકાર બની ગયુ. જીંદગીની દિશા બદલાઈ ગઈ. ઇશ્વર દયાળું છે એ શબ્દો તો ખોખલા લાગ્યા હતાં એ વખતે સુરેશ. તમને એણે હોનહાર ડોકટરમાંથી ચાનો લારીવાળો શુરિયો બનાવી દીધો. કારણ કે ઘરની જવાબદારી તમારે વેંઢારવાની હતી. ભણવાનુ છોડી દેવું પડ્યું તમારે. એ રાત તમારા માટે કાળમુખી બની રહી હતી. તમારા માં બાપ ને તો ભરખી ગઈ,પણ તમારા સપના ચકનાચૂર થઈ ગયા. બાર સાયન્સ છોડી તમારે તમારા પિતાની ચાની લારી સંભાળી લેવી પડી. ખેર નિયતિ કયાં કોઈને બક્ષે છે. તમને પણ એણે ન બક્ષ્યા. તમારી પાસે કાળને આધીન થવા સિવાય છૂટકો નહોતો. તમે તેનો સ્વિકાર કર્યો. સમયનો પ્રવાહ વહેતો રહ્યો. સંઘર્ષ અને તમારું જીવન એકમેકના પર્યાય બની ગયા. દાદીનું મોત, બહેનના લગ્ન,તમારા લગ્ન, દીકરી અંજલિનો જન્મ અને બીજુ ઘણું બધું. પણ તમે હિંમત હારો એ પૈકીનાં ન હતાં. તમે જીવનને એક પડકાર તરીકે લીધું. સાંસારિક જવાબદારીઓને નિભાવતા નિભાવતા તમે દીકરી અંજલિના ભણતર પાછળ બહુ ધ્યાન આપ્યું. એ ગોઝારી રાતે તમારા પાસેથી ભલે ડોક્ટર બનવાનું સપનું છીનવી લીધુ હતું પણ એ સપનાને તમે અંજલિના સ્વરુપે સાકાર કરી દીધું છે. ભલે એ કાળી રાતે તમને ડોક્ટર થતાં રોકી લીધા હતાં પણ ‌હવે અંજલિને રોકી શકશે નહીં.

કિસ્મત કેવાં ખેલ કરે છે,એ તમે જોયું પણ એ કિસ્મતને પણ તમે તમારી ખુમારી,તમારી લડી લેવાની હિંમત,કોઈ પણ ભોગે સપનાને સાકાર કરવાની તમારી જીદ છેવટે રંગ લાવી. આ સમાચાર તમારી ચાની લારી જ્યાં છે તે જિલ્લા પંચાયત ના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ વાંચ્યા. એમણે‌ જિલ્લા પંચાયત દ્વારા તમારૂ અને દીકરી અંજલિનુ સન્માન કરવાનું નક્કી કર્યું છે. તમે એ સન્માનના હકદાર પણ છો સુરેશ. હા,એ કાળી રાત તમારા જીવનમાં આવી ન હોત તો કદાચ તમારી બાકીની રાતો વધારે સુખમય પસાર થઈ હોત. ખેર,દેર આયે,દુરસ્ત આયે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy