Dr Sharad Trivedi

Inspirational

4  

Dr Sharad Trivedi

Inspirational

નલિની

નલિની

7 mins
351


સુસવાટા મારતો શિશિરનો પવન. ઠંડી કહે મારું કામ. તમારો એકનો એક દીકરો આશુતોષ હજી હોસ્પિટલથી આવ્યો ન હતો. પુત્રવધુ વૈશાલી અને પૌત્ર દિવ્ય એમના રુમમાં હતાં. આલિશાન બંગલાના મુખ્ય ગેટની પાસે વૉચમેન પણ એના રૂમમાં ભરાઈ રહ્યો હતો. સાહેબ આવવાના બાકી હતાં એટલે એના કાન સતર્ક હતાં. તમારા રુમના તમામ બારી-બારણા બંધ હતા. રુમની બરાબર વચ્ચે એક સગડી સળગતી હતી. તમે એક ખુરશી પર બેઠા-બેઠા શિયાળાની આ કડકડતી ઠંડીને ખાળવા સગડીએ તાપી રહ્યાં હતા, અનુરાગ. તમારી બરાબર પાસેની ખુરશી ખાલી હતી. અલબત્ત હવે એ કાયમ માટે ખાલી જ રહેવાની હતી. જો કે એ જોનારને ખાલી લાગતી હતી. તમારા માટે તો એના પર તમારી‌ નલિની હજીય બેઠી છે. જો કે ગયા શિયાળા સુધી તમારી અર્ધાંગિની નલિની સદેહે એ ખુરશી પર બેસતી, ઉનાળામાં એનું અવસાન થતાં આ શિયાળે એ ખુરશી ખાલી છે. તમે એકલા બેઠા છો અનુરાગ, પણ એકલા નથી. નલિનીનું સ્મરણ તમને ઘેરી વળ્યું છે. નલિનીના ગયા પછી તમે નલિનીને એક ક્ષણ માટે પણ‌ ભૂલી શકયા નથી. નલિની વગરનું જીવન તમને જીવન નથી લાગતું અનુરાગ અને એટલે તમે નલિનીના ગયા પછી નલિની પાસે જવા અનેક વખત આ દુનિયાને છોડી દેવા,આપધાત કરવાનો વિચાર કરી ચૂક્યા છો પણ એ માટે કોઈએ તમને રોક્યાં છે,નહીં તો નલિનીની સાથે-સાથે તમારી ખુરશી પણ ખાલી‌ હોત.

 અનુરાગ,તમે પણ ડોક્ટર છો અને નલિની હતી ત્યાં સુધી તમે પણ હોસ્પિટલ પર જતાં હતા. નલિનીના ગયા પછી તમે નિવૃતિ લઈ લીધી છે,એટલે ગયાં ઉનાળાથી તમે હોસ્પિટલ જતાં નથી. તમારો દીકરો આશુતોષ હવે એકલો હોસ્પિટલ ચલાવે‌ છે. નલિની વગરનું જીવન તમને કોરી ખાય છે. નલિની જ જાણે તમારું જીવન હતી, અને એ વાત સાવ સાચી છે.

નલિની ન હોત તો તમે પણ ન હોત,અનુરાગ.

હા,અનુરાગ એ માટે ભૂતકાળમાં જવું પડશે. ઠકકર પિતા અને બ્રાહ્મણ માતાનાં એકમાત્ર સંતાન તરીકે તમને તમામ પ્રકારની સુવિધાઓ મળેલી એ સાચું, પણ એ બંને શિક્ષક હતાં એના કારણે એમનું મગજ પણ તમને‌ વારસામાં મળેલું. એમણે બંને એ તમારી પાછળ મન મૂકીને મહેનત કરેલી. એના પરિપાક રૂપે તમે એમ. બી. બી. એસ.માં એડમીશન મેળવી શકેલા.

જેવા મેડિકલ કોલેજમાં આવ્યા એવા જ તમે છવાઈ ગયેલા અનુરાગ. વાંકડિયા વાળ, ગૌર વર્ણ, સુંદર ચહેરો અને સુમધુર અવાજે ઘણીઓને ઘેલી કરી નાખી હતી. એમાંય કોલેજના એન્યુઅલ ફંકશન વખતે 'દિલ,નજર,જીગર ક્યા હૈ, મૈં તો તેરે લિયે જાન ભી દે દુ' ગીત પર તો ઘણી ડોકટરાણીઓ ફિદા થઈ ગયેલી. કોલેજના તમને પ્રથમ વર્ષે ઘણા ઓપ્શન મળી ગયેલાં અનુરાગ. જુવાનિયા એક માટે તરસતાં હોય છે, ત્યાં તમારા માટે માનુનીઓની લાઈન લાગેલી હતી. એમાં તમને આયુષી ગમી ગયેલી. એની નીલી આંખો,પાતળી કમર અને કાળા રેશમી વાળના તમે ઘાયલ થઈ બેઠેલા. પછી તો બંને એકબીજાના થઈ જીવન જીવવાના સપનાં જોવા લાગેલા. તમને લાગવા માંડ્યું હતું કે એમ. બી. બી. એસ. માટે કરેલી મહેનત ખરેખર લેખે લાગી છે. હું એમ. બી. બી. એસ. માં આવ્યો ન હોત તો આયુષી મને મળી ન હોત. સાથે જમવું,સાથે ફરવું,સાથે વાંચવું,સાથે ભવિષ્યના સપના જોવા બધું તમે એક સાથે કરતાં. સાથે ક્લિનિક પર જવાનું,ઘરને કેવી રીતે મેનેજ કરવાનું વગેરે વગેરે તમારી વાતો ખૂટતી ન હતી. કોલેજમાં તમને બધા'મેઇડ ફોર ઇચ અધર' ગણવા લાગેલા. આયુષી પણ તમને દિલોજાનથી ચાહતી હતી. તમે બંને જણે એકબીજાના થવા સર્જાયા હતાં. સમય પસાર થયે જતો હતો. આયુષી અને તમે ગળાડૂબ પ્રેમમાં હતાં. આયુષીના ગાલ પરના ખંજનને તમે કેટલીય વાર ચૂમ્યા હતાં. અલબત્ત આયુષીને પણ‌ તમારા ભીના હોઠોનો ઈંતેજાર રહેતો જ. કોલેજનું છેલ્લું વર્ષ હતું. એક દિવસ આયુષી એ તમને આવીને કહ્યું.

'ચાલ, અનુરાગ આજે એક થઈ જઈએ'

હા,અનુરાગ હજુ તમે મર્યાદા ઓળંગી ન હતી. અચાનક આયુષીનું આ ઈજન તમને ‌તરત ન સમજાયું અને એ મદમસ્ત માદક સાંજે તમે એકબીજામાં ઓગળી ગયાં. તમે આયુષી ને આજે આખે આખી પામી લીધી અને આયુષીએ તમને. અલબત્ત તમારા માટે આયુષી સાથે જીવનભર જોડાવું અધરું ન હતું,આયુષી તમને આખી જિંદગી માટે મળવાની હતી અને એટલે જ આજદિન સુધી તમે એના શરીરની અપેક્ષા નહોતી‌ રાખી,પણ આયુષી સામેથી આવી ઓગળી ગઈ.

તમે તો તમારા ઘરે પણ આયુષી સાથેના તમારા પ્રેમની વાત કરેલી. આયુષી તમારા મમ્મી-પપ્પાને પણ મળેલી. તમારા મમ્મી -પપ્પાના પણ ઈન્ટરકાસ્ટ મેરેજ હતાં એટલે એમને તમારા મેરેજ બાબતે પણ ‌વાંધો ન હતો. અને હોવો પણ ન જોઈએ.

આયુષી સારા ઘરની, દેખાવડી અને ડૉકટર હતી. એની બીજી બાજુ આયુષીના મમ્મી-પપ્પા ન હોતાં. એના મામાએ ઉછેરીને મોટી કરી આટલા સુધી ભણાવેલી. તમે‌ આયુષીના મામાને ક્યારેય મળેલાં નહીં. આયુષી એ પણ તમારા પ્રેમ બાબતે મામાને વાત કરેલી નહીં. એને એમ હતું કે સમય આવે વાત કરીશ,પણ સમય આવ્યો ત્યારે મોડું થઈ ગયું હતું. એના મામાએ પહેલેથી જ વિદેશમાં રહેતાં પોતાનાં દોસ્તનાં ડોક્ટર દીકરા સાથે આયુષીની વાત કરી રાખી હતી. એમણે‌ જ્યારે આયુષી ને ઉપરની હકીકત જણાવી ત્યારે મામાના અહેસાન નીચે દબાયેલી આયુષી તમારા નામને ‌હૈયેથી હોઠે ન લાવી શકી.

એની જાણ તમને‌ એ મદમસ્ત સાંજના બીજા દિવસે જ ખુદ આયુષીએ કરી. આયુષીએ આંખમાં આંસુ સાથે તમને એ વાત જણાવી. તમે તો હતપ્રભ થઈ ગયાં.

તમે કહ્યું 'આયુષી આ શું વાત કરે છે. હું તો મારી જિંદગી તારા નામે કરી ચૂક્યો છું. અને તું ? તારા મામાને વાત તો કરી જો. તું ન કરી શકે એમ હોય તો હું આવું. મારા મમ્મી - પપ્પાને મોકલું પણ તું આવું ન કર. '

આયુષી એ તમને એમ કરવાની ના પાડી અને કહ્યું ' પ્લીઝ, અનુરાગ, તું એવું ન કરીશ. મને ચાહતો હોય તો મને ભૂલી જા બસ, જે મારું હતું એટલું મેં તને કાલે આપી દીધું. હવે મારું કશું નથી '

ખબર નહિ કેમ પણ એ એટલી લાચાર થઈને વાત કરતી હતી કે તમે કશું ન કરી શક્યાં. એ વખતે તમારા પર શી વીતી એ આયુષી જાણતી ન હતી. એ વખતે તમારા શ્વાસ ન રોકાઈ ગયા એટલું જ બાકી હતું. આયુષી તમારા હાથમાંથી હાથ છોડીને ચાલી ગઈ કાયમ માટે. તમે પેલા શાયરની માફક ' તુમ ચલે જાઓગે તો હમ યે સોચેંગે હમને ક્યા ખોયા હમને કયા પાયા' એમ વિચારતા રહી ગયા. આ આઘાત તમારા માટે અસહ્ય બની રહ્યો. જીવનમાં પહેલી વખત તમે નાસીપાસ થયા. સતત વિજયને વરતી રહેલી તમારી જિંદગી પ્રેમમાં પરાજય પામી, અનુરાગ.

તમે ઘરે જઈ તમારી મમ્મીના ખોળામાં બહુ રડયા. તમારી મમ્મી એ તમને ખૂબ જ સાંત્વના આપી. કેટલીય રીતે દિલાસો આપ્યો. પડી ભાંગેલા અનુરાગને બેઠો કરવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આયુષી વગર બધું નિરર્થક લાગતું હતું તમને. એ તમને છોડી ગઈ એ તમે કેમેય કરીને ભૂલી શકો એમ ન હતા.

અને એક દિવસ તમે આયુષી વગરના આ જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો અને પહોંચી ‌ગયા કાંકરિયા તળાવની પાળે. સાંજનો સમય હતો. તમે પાળ પર બેસીને બસ આયુષીને યાદ કરી રહ્યા હતા,કદાચ જીવનને સમાપ્ત કરવા માટેની આ છેલ્લી પળો હતી. અને અચાનક પાછળથી એક સુંદર અવાજ આવ્યો 'એકસક્યુઝ મી, જેંટલ મેન, મારા આ ભત્રિજાને ક્રિકેટ રમવું છે. થોડી હેલ્પ કરશો ? ' એક નાના બાળક સાથે પાતળી, લાંબા વાળવાળી એક સુંદર છોકરી તમને ‌વિનંતી કરી રહી હતી. ક્ષિતિજને મળવા પહોંચેલા સૂર્યના કિરણોથી તેનો ચહેરો વધુ સુંદર દેખાઈ રહ્યો‌ હતો. એના અવાજે તમને તળાવની પાળ પરથી ઊઠવા મજબૂર કર્યા. તમે તેને‌ અનુસર્યા. એ તમને એના ભત્રિજા સાથે‌ તળાવની પાળની પાસેથી દૂર લઈ આવી. તમે બોલર, ભત્રીજો બેટ્સમેન અને એ વિકેટકીપર બની.

આ દરમિયાન એ બોલી 'માફ કરશો પણ‌ હું તમે અહીં આવ્યાં ત્યારની જોઈ રહી ‌હતી, તમે મેન્ટલી ડીસ્ટર્બ લાગો છો અને અહીં આવવાનો તમારો ઈરાદો ખોટું પગલું ભરવાનો હોય એવું લાગે છે. હું સાયકોલોજીની વિદ્યાર્થિની છું.  મને તમારું વર્તન અજુગતું લાગ્યું તો મેં તમને અહીં બોલાવી લીધા. રમત તો એક બહાનું છે. '

તમે એ સાંભળી અવાચક થઈ ગયા. એ વખતે તમે આયુષીના ખ્યાલોમાં હતા એટલે આ સુંદરીની સુંદરતા તમને નજરે ચડેલી નહિ પણ આ ભત્રીજાની ફઈ પણ ઓછી ખૂબસૂરત ન હતી. તમે એને તમારી આપવીતી સંભળાવી. એણે તમારી સાથે સાયકોલોજીસ્ટ તરીકે વાત શરુ કરી અને પુરી કરી. તમને થોડી રાહત લાગી. પછી એ તમને તમારા ધર સુધી તમારા બાઈક પર એના ભત્રિજા સાથે મૂકવા આવી. એણે કોઈ પણ ‌સંજોગોમાં તમે ખોટું પગલું નહિ ભરો એવું તમારી પાસેથી પ્રોમિસ લીધું અને હમણાં રોજ એ જ જગ્યાએ મળવું એવું કહ્યું. થોડા સમયમાં એનાં સંગાથે તમને ખાસી રાહત આપી એટલે તમે પણ એની બેય વાત સ્વીકારી લીધી. પછી રોજ સાંજે તમે મળવા લાગ્યાં. આમ તો તમે પરિપક્વ હતા અને આ સાયકોલોજીના વિદ્યાર્થીએ તમને લાગણીના એકતરફી પ્રવાહમાં વહી જતાં સિફતપૂર્વક રોકી લીધા. તમે ધીમે ધીમે આયુષી મુક્ત થવા લાગ્યા જેની તમને પણ ખબર ન પડી. જીવનની એ ખરાબ ક્ષણ કે જે તમારા જીવનને સમાપ્ત કરી દેત એ જ ક્ષણે દેવદૂત થઈને આવનાર એ બીજું કોઈ નહિ પણ નલિની હતી અનુરાગ. જે પાછળથી તમારી ધર્મપત્ની બની. એણે આખી જિંદગી તમારો સાથ નિભાવ્યો. કોઈ એવી ક્ષણ આવવા દીધી નહીં કે જ્યાં તમે હારી જાવ. હા ૬૮ વર્ષની વયે એ પોતે જિંદગી હારી ગઈ અને મૃત્યુ પામી. ૭૦ ની વયે તમને નલિની વગરનું જીવન નિરર્થક લાગે છે, જેવું ૨૪ વર્ષની વયે આયુષી વગર લાગતું હતું. અને એટલે તમે બે થી ત્રણ વખત આપઘાતનો વિચાર કરી ચૂક્યાં છો.

બસ એ જ વખતે નલીનીનો કાંકરિયાની પાળે પહેલી વખત તમે સાંભળેલ અવાજ તમને રોકે છે. ' નહી અનુરાગ, જીવન કિંમતી છે એનો અંત આ રીતે ન હોય '

અને તમે રોકાઈ જાવ છો, અનુરાગ સાચા અર્થમાં નલિની આજે પણ તમારી જિંદગી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational