ક્રેડીટ ગોઝ ટુ પાપા
ક્રેડીટ ગોઝ ટુ પાપા
એ જ્યારે જન્મેલી, ત્યારે એના શ્યામ વર્ણને કારણે એનું નામ કૃષ્ણા પાડેલું. એની મમ્મી ગોરી હતી પણ એના પપ્પા રંગે શ્યામ હતાં, એ એના પપ્પા પર પડેલી એટલે શ્યામ વર્ણની હતી. એના પપ્પાના પરિવારમાં સામાન્યતઃ બધા ઘઉંવર્ણના હતા પણ, એના પપ્પા થોડા વધારે શ્યામ હતા એટલે કૃષ્ણા પણ શ્યામ હતી. તેનાં કાકા અને ફોઈની દીકરી ગોરી, સફેદ રૂની પૂણી જેવી અને કૃષ્ણા એમનાથી સાવ અલગ શ્યામવર્ણા. એની મમ્મી કયારેક કહેતી કૃષ્ણાને છોકરો જોવા આવે ત્યારે એની બહેનોને સંતાડવી પડશે નહીં તો કૃષ્ણાને પસંદ કરવા આવેલો છોકરા, આ છોકરીઓને જોઈ કૃષ્ણાને પસંદ નહીં કરે. કૃષ્ણાના નાના-નાની ગોરા હતા એટલે એની મમ્મી પણ ગોરી હતી. કૃષ્ણાનો શ્યામ રંગ જોઈ એના નાના એને કાળુભાઈ કહેતાં.
કૃષ્ણા આ સરખામણીથી નારાજગી અનુભવતી ક્યારેય ગુસ્સે પણ થઈ જતી, કયારેક રડતી. એણે એક વખત એના પપ્પાને પૂછ્યું 'પપ્પા બીજા બધા ધોળા છે, હું કાળી કેમ ? એના પપ્પાએ કૃષ્ણાને હસીને જવાબ આપેલો 'તું મારા પર પડી છે એટલે, બેટા. પણ કોઈ તને ચીડવે તો તારે કહેવાનું કે કાળા તો ભગવાન શ્રીકૃષ્ણ હતા, ધોળા તો ગધેડાં પણ હોય છે. જો, બેટા માણસ માત્ર રૂપથી નથી ઓળખતો એના ગુણથી પણ ઓળખાય છે. કાગડો અને કોયલ બંને કાળા છે પરંતુ કોયલ એની વાણીથી બધાને પ્રિય છે. બગલો ધોળો છે, તેનું શરીર સફેદ છે પણ તે લુચ્ચો છે. સ્થિર થઈ એ પાણીમાં ઉભો રહે છે. માછલીઓ છેતરાઈને એની નજીકથી પસાર થાય અને પછી જેવી નજીક આવે એવી એને પોતાનો ખોરાક બનાવી લે છે. એવો ગોરો વર્ણ પણ શું કામનો ? એટલે આપણા ગુણ, સ્વભાવ, અભ્યાસ સારા હશે તો લોકો આપણા રંગને નહીં જોવે. કૃષ્ણ કાળા હતાં પણ એમના ગુણોએ એમને ભગવાન બનાવી દીધા.
નાની કૃષ્ણાના મનમાં એના પપ્પાને એ વાત ઠસી ગઈ એના શ્યામ રંગ પરના કટાક્ષનો જવાબ પોતાના સંસ્કાર અને બુદ્ધિના સહારે એણે આપવાનું શરૂ કર્યું. છઠ્ઠા ધોરણમાં ભણતી એ નાની છોકરીએ શાળામાં અપાતો 'હેલ્પિંગ હેન્ડ' નો એવોર્ડ મેળવ્યો. બીજા વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમજ બીમારીના સમયમાં અથવા યેનકેન પ્રકારે મદદ કરવા માટે એ પ્રથમ નંબરે આવી. શાળાના આચાર્યાએ એના ભરપેટ વખાણ કર્યા.
ઘરે આવીને એણે એની ગોરી મમ્મીને કહ્યું 'મમ્મી, લે આ તારી કૃષ્ણના સારા ગુણોનું પ્રમાણપત્ર. 'મમ્મી રાજી થયેલી. પપ્પાના હાથમાં કૃષ્ણાએ પ્રમાણપત્ર મૂકી એના પપ્પાને 'આઇ લવ યુ' કહી અને કહેલું' ક્રેડિટ ગોઝ ટુ પાપા' એના પપ્પાએ પણ એને એમના હાથોમાં ઊંચકી લઈ ચૂમી લીધેલી.
પછી તો કૃષ્ણાએ પાછુ વળીને જોયું જ નહીં. એક પછી એક પ્રગતિના સોપાનો સર કરતી ગઈ. ભણવામાં અને સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબરે જ હોય. કેટલાકે તો તેની સામે સ્પર્ધામાં ઉતરવાનું જ બંધ કરી દીધેલું. શ્યામ રંગની કૃષ્ણા શાળા અને સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. એની સિદ્ધિઓથી શાળાનું શ્યામફલક ભરાઈ ગયું હતું. એના પપ્પાએ પણ બેઠકમાં એનો પોસ્ટરસાઈઝનો સરસ ફોટો લગાવી એની યશોગાથા વર્ણવતાં મેડલ્સ અને એવોર્ડસ્ મૂકેલાં. કૃષ્ણાના મમ્મી અને એના નાના પણ કૃષ્ણા આ સિદ્ધિઓનું ગૌરવ લેવાનું ચૂકતા ન હતાં. કારણ કે લોકો હવે એમને કૃષ્ણના મમ્મી અને કૃષ્ણના ના હોવાના કારણે બહુ જ ઈજ્જત આપતાં હતાં. ગોરા રંગના હોવા છતાં તેઓ કૃષ્ણાના જેટલું નામ અને ઈજ્જત કમાયાં નહોતા.
આવી શ્યામરંગી કૃષ્ણા કોમર્સ ગ્રેજ્યુએટ થઈ સી. એ. નો અભ્યાસ કરવા લાગેલી. એની ખંત અને ધગશને કારણે સી. એ. માં પ્રથમ પાંચમાં આવેલી. એણે જાણીતી સીએ ફર્મમાં સી. એ. તરીકે પ્રેકટિસ શરુ કરેલી. એની કામ કરવાની નિષ્ઠા અને કાર્યદક્ષતાથી પ્રભાવિત થઈને એ ફર્મના માલિક ઈશ્વરાઈ શાહ એમના પત્ની અને સી. એ. થયેલાં દીકરાને લઈને સીધા કૃષ્ણાના ઘરે પહોંચી ગયેલાં.
એ દિવસે ઉત્તરાયણનો દિવસ હતો. કૃષ્ણા કાકા અને ફોઈના છોકરા-છોકરીઓ સાથે પતંગ ચગાવતી હતી. પોતે જે કંપનીમાં નોકરી કરે છે એ કંપનીના માલિક, એમના ધર્મપત્ની અને એમના દિકરા સાથે જોઈ એ અચંબિત થઈ ગયેલી. આવડા મોટા માણસો મારે ત્યાં ! ઈશ્વર શાહ કૃષ્ણાના પિતા સાથે તેમજ તેમની ધર્મપત્ની કૃષ્ણાના મમ્મી સાથે વાતે વળગ્યા. કૃષ્ણા સાથે તેના કાકા અને ફોઈની દીકરીઓ હાજર હતી પણ ઈશ્વર શાહની સાથે આવેલા એમના દેખાવે સુંદર, સંસ્કારી, સારી ઊંચાઈ અને સપ્રમાણ શરીર ધરાવતા રૂપકડા યુવાન દીકરા મનમિતની નજર તો માત્ર કૃષ્ણા પર હતી. ઔપચારિક વાતો પછી ઇશ્વરભાઇએ કૃષ્ણાના પપ્પાને જણાવ્યું કે અમે અમારા દીકરા મનમિત માટે તમારી દીકરી કૃષ્ણાનો હાથ માગવા આવ્યા છીએ. આપની દીકરીને અમારા ઘરની પૂત્રવધુ બનાવવાનું સૌભાગ્ય અમને આપવા વિનંતી છે. એમ કહી ઇશ્વરભાઇએ કૃષ્ણના પપ્પાને બે હાથ જોડેલાં. કૃષ્ણાના પપ્પાએ બધાની હાજરીમાં જ કૃષ્ણાને કહેલું 'બેટા તારી મરજી એ અમારી ઇચ્છા' કૃષ્ણાના શ્યામ રંગ પર લજ્જાની લાલાશે એને ઓર સુંદર બનાવી દીધેલી. કૃષ્ણા રંગે રૂપાળા, સોહામણા યુવાન મનમિતની જીવનસંગિની બની ગયેલી. કૃષ્ણાએ શાહ પરિવારની પુત્રવધુ બની પરિવારના બધા સભ્યોના દિલ જીતી લીધેલા. શાહ પરિવાર એનો પડયો બોલ ઝીલતો. શ્યામ રંગની કૃષ્ણાના રંગીન લગ્નજીવનને જોઈને ઘણી ગોરી કન્યાઓને ઈર્ષા થતી. કૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરીને એણે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી ચારેતરફ નામના મેળવેલી. એના નામની બધે બોલબાલા હતી. કૃષ્ણાએ પોતાના રંગના કારણે નાનમ અનુભવવાને બદલે એ રંગને જ પોતાનું ગૌરવ બનાવી દીધો.
છઠ્ઠા ધોરણમાં ભણતી કૃષ્ણા પર એના પપ્પાએ એને કરેલી નાનકડી વાત મોટી અસર કરી ગઇ હતી. એ હંમેશા કહેતી કે હું જે પણ કંઈ કરી શકી છું એ મારા પપ્પાના કારણે છે 'ક્રેડિટ ગોઝ ટુ પાપા' એના પપ્પા પણ શ્યામ જ હતાને !