ખુશી
ખુશી
કેટલીક ક્ષણો આંખના કેમેરામાં કાયમ સચવાઈ જતી હોય છે. એવી કેટલીય સારી-નરસી ક્ષણો હોય છે,જે સીધી આપણા જીવન સાથે નિસ્બત ધરાવતી ન પણ હોય તેમ છતાં કાયમ યાદ રહી જાય છે. એવી જ એક ક્ષણની મારે તમને વાત કરવી છે. ઉનાળાનો બળબળતો બપોર. હું અને મારો મિત્ર અમારું કામકાજ પતાવીને પરત ફરી રહ્યા હતાં. ગરમી કહે મારૂં કામ ! એ. સી. ગાડીમાં ભલે એની અસર ઓછી વર્તાતી હતી પણ ડામરની સડક પર ઊઠતી વરાળો ગરમીની અસર બયાન કરતી હતી. રસ્તા પરની એક હોટલ પર અમે ગાડી ઊભી રાખી. કારમાંથી બહાર નીકળ્યાં ત્યારે કારમાં બેસીને કરેલો ગરમીનો અંદાજ બિલકુલ સાચો હતો. અમે તરત જ હોટેલના કાચના દરવાજા ખોલીને એ. સી. હૉલમાં પ્રવેશ્યા અને કાચના દરવાજા પાસેના ટેબલ પર ગોઠવાયા. તરત જ પાણી અને મેનુ સાથે વેઈટર હાજર થયો. મારો મિત્ર મેનુમાંથી ઓર્ડર આપવામાં પડ્યો અને હું એ. સી. હોટેલના કાચના દરવાજામાંથી બહાર સૂર્યના રૌદ્ર રૂપને જોઈ રહ્યો હતો. બરાબર આ જ સમયે કાચના દરવાજા બહાર બે ઘટના બની.
એક બાજુથી એક મોંઘીદાટ કાર આવી. જેમાંથી પતિ-પત્નિ અને એમનું બાળક ઉતર્યું. બરાબર એ જ સમયે બીજી બાજુએથી એક સાઈકલ આવી. એમાં આગળ સાઈકલની દાંડી પર બાળક બેઠું હતું. પાછળ કેરિયર પર પત્નિ અને કોઈ ગરીબ મજૂર જેવો લાગતો માણસ સાઈકલ ચલાવીને હોટેલ તરફ આવતો હતો. મને આશ્ચર્ય થયું કે સાઈકલ પર આ એ. સી. હોટેલમાં આવ્યો છે ? પણ થોડી વારમાં મારી શંકાનું સમાધાન થઈ ગયું. સાઈકલ પર આવેલો પરિવાર હોટેલની બહાર આવેલ શેરડીના કોલા પર ગોઠવાયો. પેલી મોંઘીદાટ કારમાં આવેલ પરિવાર હોટેલમાં અમે જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો. એ. સી. હોલમાં. મારા મિત્રે પણ આ બંને પરિવારની ગતિવિધિ માર્ક કરી. વેઈટર ઓર્ડર પ્રમાણેની ફૂડ સર્વ કરી ગયો. જમતાં જમતાં પણ એ બેય પરિવાર પર અમારી નજર હતી. બંને પરિવાર પર નજર હોવાનું કારણ એ બંને પરિવારની અસામાન્ય વર્તુણક હતી. આમ અસામાન્ય કશું ન હતું અને આમ જુઓ તો સામાન્ય
પણ ન હતું.
પેલા શ્રમજીવી પરિવારના પતિ-પત્નિના ચહેરા પર મેકઅપ ન હતો. કાળઝાળ ગરમીમાં મા એના દીકરાને એના પાલવથી વારેઘડીએ હવા નાંખી રહી હતી. પતિ-પત્ની એકમેક સાથે બહુ સરસ રીતે વાત કરી રહ્યાં હતાં, વચ્ચે વચ્ચે બંનેના ચહેરા પર સ્મિત પણ આવતું હતું. કોલાવાળાએ શેરડી રસના બે ગ્લાસ બંનેના હાથમાં મૂક્યાં. બંને પોતાના ગ્લાસમાંથી બાળકને એક એક ઘૂંટડો રસ પાતાં હતા અને પોતે પણ પીતા હતાં. ત્રણેયના આનંદની કોઈ સીમા ન હતી. બીજી બાજુ હોટેલના એ. સી. હોલમાં અમારી સાથે થોડે દૂર બેઠેલો પેલો મોંઘીદાટ કારમાંથી ઉતરેલ પરિવારના ચહેરા પર તણાવનો ભાવ હતો. ઓર્ડર તો મોટો આપવામાં આવ્યો હતો પરંતુ જમવાના બદલે એ પતિ પત્નિ એકબીજા સામે ઘૂરકિયા કરતાં હતાં. એમની વચ્ચે કોઈ વાતનો ઝધડો હતો. આટલી મોંધી ગાડી,આટલી મોટી હોટલમાં એક એકથી ચડિયાતી વાનગી, સરસ લાઈફ સ્ટાઈલ તે છતાં તેઓ ખુશ ન હતાં. થોડી વારમાં પત્ની જમવા રોકાયાં વગર ગુસ્સે થઈ રડતાં રડતાં ગાડીમાં જઈ બેસી ગઈ. બાળક પણ બિચારું ખાધા વગર 'મોમ, મોમ'કરતું ઘસડાતું ગાડી તરફ દોડ્યું. મોંઘીદાટ કારનો માલિક પણ કાઉન્ટર પર બિલ ચૂકવી બધું જમવાનું પડતું મૂકી ગાડી તરફ ગયો. કાચની બહાર દેખાતો પેલો શ્રમજીવી પરિવાર દસ રૂપિયાના વેફરના પડીકામાંથી આરામથી સાથે મળીને ટેસથી વેફર ખાતો હતો. ક્યાં લક્ઝરિયસ લાઈફ અને ક્યાં માંડ માંડ પેટિયું રળતો આ શ્રમજીવી પરિવાર ! ખુશ કોણ હતું ? શું પૈસો સુખ આપી શકે છે ? જો હા તો કાચના દરવાજાની અંદર બેઠલો પરિવાર ખુશ કેમ ન હતો ? ખુશ થવા માટે આખર શું જોઈએ ? શું અભાવો વચ્ચે પણ ખુશ રહી શકાય ? વગેરે કેટલાય પ્રશ્નો મારા મસ્તિષ્કને ઘેરી વળ્યા. મનના ખૂણેથી ઊઠેલું વિચારોનું વમળ છેવટે ક્યાંય સુધી સમગ્ર ચેતાતંત્ર પર કબજો જમાવી બેઠું. ડાયરીનું આ પાનું જ્યારે જ્યારે ખૂલે છે ત્યારે ત્યારે મન પાછું ખુશીની વ્યાખ્યા કરવા બેસી જાય છે. હા,એની ચોક્ક્સ વ્યાખ્યા નથી મળી એ પણ એટલું જ સાચું છે.