વૉચમેન
વૉચમેન


'ઢળતી સાંજે ભૂરી વર્ધી પહેરીને, ટિફિનમાં રોટલો-છાશ ને મરચાં-ડુંગળી લઈને, ટિફિનને આમ સાઈકલના હેન્ડલમાં ભરાવીને, ૧૦ વર્ષની બેબલીને બારીમાંથી હાથ હલાવી આવજો કહીને, ગિરધારીલાલ ચાલી નીકળ્યા. રાતની ચાંદનીમાં સપનાઓને તારલાઓ સંગ જોડી, હોસ્પિટલના ગેટ પાસે આવી, ડ્યૂટીની શરૂઆત કરી. ચાંદ પોતાની પુરી ચાંદની પાથરે એવા પ્રહરમાં, ગોળીઓના ધમાકેદાર અવાજ અને ગભરાહટની ચીસો સાથે હોસ્પિટલ ધ્રુજી ઉઠ્યું. સૂરજના અજવાસમાં, કાળી અંધારી રાતનાં કાળને;'કઈ જ ખબર નથી સાહેબ; શું અને કેવી રીતે આ બધું બની ગયું' બોલતા બોલાઈ ગયું. એ રાત ને આજની રાત સાહેબ; ગિરધરલાલને શાંતિની ઊંઘ પ્રદાન થઇ નથી.
૭૫વર્ષના સમયગાળામાં અંતસમયે જૂઠના બોજ તળેથી જીવ જવું-જવું કરે છે પણ પ્રાણ-પંખેરું ઉડી નથી શકતું. મધ્યમવર્ગીય, મજબૂર અને સમયની સાંકળમાં સ્નેહ અને લાગણીથી બંધાયેલ કાળામાથાનો માનવી બીજું કરે તો કરે શું??