પ્રેમ એટલે ?
પ્રેમ એટલે ?


અમે ઘણા સમય પહેલા એકવાર રાજસ્થાન ફરવાં ગયા હતા. રસ્તામાં ચ્હા-પાણી માટે કોઈક ગામડાંના પાદરે અમે રોકાયાં. ત્યાં બાજુમાં એક ખેતર જેમાં ખેડૂતભાઈઓ કામે લાગેલાં. બપોરનો સમય અને સૂરજ બરાબર માથે આવેલો. ત્યાં મારી નજર એક અદ્દભુત નજારો જોવા લાગી. બન્યું એવું કે ખેડૂતભાઈની પત્ની ભાથું (ખેડૂતને ખેતરે પહોંચાડવામાં આવતું ભોજન) લઈને આવી. બંને સાથે જમ્યાં ને થોડી વાર પોરો ખાવા બેઠા. દેખાવ પરથી એવું લાગ્યું કે બંને એકબીજાને આશ્વાસન આપી રહ્યાં હતા અને અઢળક પ્રેમનો રસથાળ પીરસી રહ્યાં હતા. આ દ્રશ્ય જોતાં ઘણા ખરા વિચારોમાં મારુ મન પરોવાઈ ગયું.
બદલાતાં સમય સાથે આપણે બધા જ શિક્ષિત બન્યાં, ટેક્નોલોજીના યુગમાં આગળ વધતાં રહ્યાં પરંતુ બીજી બાજુ આપણે લાગણી, સ્નેહ ને પ્રેમની પરિભાષાને બદલતાં ગયા. આજના ૨૧મી સદીમાં ધન-દોલત ને સમૃદ્ધિ હોય ત્યાં સંબંધો પ્રેમાળ રહે. પદ-પ્રતિષ્ઠા ને વૈભવ હોય ત્યાં પ્રેમનું મહત્વ વધી જાય. આવા ઘણા દાખલા આપણે આપણી આસપાસ જોયા જ હશે. પ્રેમનો દેખાડો કરવામાં દુનિયા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સાચા પ્રેમની પરિભાષા શું છે એ જ જાણે વિસરાઈ ગયું છે.
સમય અવશ્ય બદલાશે, સાથે પ્રેમ ન બદલાય એનું ધ્યાન આપણે પોતે જ રાખવું રહ્યું. આજીવન સ્નેહનાં તાંતણે બંધાયેલ સંબંધોમાં પ્રેમનો મીઠો છંટકાવ અવશ્ય કરતાં રહેવું. પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને ઢાળી દેવી એમાં જ સાચા સુખની ગુરુચાવી છે. અપેક્ષાઓ વગરના પ્રેમને કદીય ઓછું આવતું નથી. પ્રેમના સંબંધોની માવજત આજીવન એક સુમધુર બગીચાના માળીની જેમ કરવી જેથી આખાય જીવનમાં પ્રેમની સુવાસ ફેલાય કરે.
'સાંઠા-સળકડાં ભેગા થાય ત્યાં ચૂલો ફૂંકાય,
પ્રેમની અગ્નિમાં તન ને મન બંને ભેળા શેકાય.
સૂકાં રોટલાં ને છાશમાં પણ અઢળક પ્રેમ દેખાય,
તારલિયાંના ઝગમગાટ નીચે નીંદરની રાહ જોવાય.
સ્નેહના તાંતણે બંધાયેલ નવયુગલ પ્રેમે સોહાય,
નિઃસ્વાર્થ પ્રેમ જ્યાં સુખ-સાહિબી ને પૈસે ન તોલાય.
ઉત્સાહભેર ફરજ નિભાવી દાંપત્ય જીવન સુખે જીવાય,
જીવનપર્યંત સાથે રહી પ્રેમના દિવસો રોજ ઉજવાય.