The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

BINAL PATEL

Others

5.0  

BINAL PATEL

Others

ઑસ્ટ્રેલિયાની સફરે-ભાગ-૨

ઑસ્ટ્રેલિયાની સફરે-ભાગ-૨

3 mins
548


ઑસ્ટ્રેલિયાનો વિસ્તાર અને એની બધી જ સિટીની વાત આપણે પહેલા ભાગમાં કરી. પ્રથમ ભાગમાં આપણે જોયું કે ઑસ્ટ્રેલિયામાં ઘણી બધી જોવા લાયક કુદરતી નજાકતો છે. આ આ ભાગમાં આપણે મેલબર્નમાં ખાસ જોવા લાયક શું છે અને ઓસ્ટ્રેલિયામાં આવીને આપણે એટલું તો જોવું જ રહ્યું.

હવે સમજાતું નથી ને શરુ ક્યાંથી કરું ? પહેલા મેલબર્નમાં સૌથી વધારે ફૅમસ હોય એવી જગ્યા અને વસ્તુઓના નામની ચર્ચા કરી લઈએ પછી એ દરેક જગ્યા વિશેની માહિતી આપું.

૧)ફેડરેશન સ્કવેર: 

કલચરલ પ્રોગ્રામ હોય કે કોઈ ફેસ્ટિવલ હોય, મોટા ભાગની કેન્દ્રીય કક્ષાની ઈવેન્ટ્સ અને દેશભરનું આકર્ષણનું એક માત્ર કેન્દ્ર. નિખાલસ જગ્યા છે જ્યાં દરેક દેશના લોકો પોતાના દેશની સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરે અને ૩૧મી ડિસેમ્બર એટલે તો અહીંયા મેળા જેવુંજ સમજી લો. એક મોટી સ્ક્રીન દીવાલમાં જ લગાવવામાં આવી છે, જેમાં પ્રસારણ થાય. ખુબ અદભુત લાગે. એક ઓડિટોરિયમ જ સમજી લો પરંતુ આ એક ખુલ્લા અસમાન નીચે બેસીને માણવાની જગ્યા. 

કેટલીક ઇમારતોનું નામ આપવામાં આવ્યું છે. ફ્લિંડર્સ સ્ટ્રીટની બાજુમાં આવેલી ઇમારત કે જેમાં એસીએમઆઈ અને એસબીએસ છે તેને આલ્ફ્રેડ ડેકિન બિલ્ડિંગ નામ આપવામાં આવ્યું છે, પ્લાઝાની જગ્યા અને નદીની વચ્ચેની ઇમારતને યારા બિલ્ડિંગ કહેવામાં આવે છે, જ્યારે એનજીવી ઑસ્ટ્રેલિયામાં આવેલી ઇમારતને એનજીવી પોટર સેન્ટર પણ કહેવામાં આવે છે.

ચાલુ દિવસે પણ ત્યાં એટલી જ ચહેલ પહેલ જોવા મળે. સ્ટેડિયમમાં પગથિયાં હોય એમ અહીંયા પણ સરસ જગ્યા બનાવાઈ છે, જ્યાં પગથિયાં પર બેસીને એકાંત માણવાની પણ બહુ મઝા છે, મિત્રો અને પરિવાર સાથે તો તમને મોજ પડે જ પરંતુ શાંતિ અને સુકૂનની અનુભૂતિ, એકાંતને અનુભવવાની એક અનોખી જગ્યા, જ્યાં મેં ઘણા કલાકાર જોયા છે જે એકલા બેસી પોતાની અદભુત કૃતિઓનું સર્જન કરે છે અને એ કૃતિ કે સર્જનાત્મક વસ્તુ એમના જીવનમાં ખુબ યાદગાર બની રહે છે.

એક લેખક છું એટલે એકાંતમાં મઝા આવે એવી વાત નથી. દરકે માણસના અસ્તિત્વની વાત છે, માણસ છે તો એની લાગણીઓ પણ છે અને એના પોતાના અસ્તિત્વની એક અલગ ઓળખ પણ છે અને એ જ ઓળખ શોધતા ઘણા લોકો મેં ત્યાં જોયા છે. એ પગથિયાં પર બેસીને આગળ-પાછળ, ઉપર-નીચે જોયા કરવાની અને ખુદની સાથે વાર્તાલાપ કરવાની મઝા એવી હોય કે તમે એકલા પણ હસી શકો અને એકલો હસતો માણસ ગાંડો જ હોય એ જરૂરી નથી. ક્યારેક પોતાની જાત સાથેની વાર્તાલાપમાં ખુદની સાથે હસતો માણસ પણ મેં જોયો છે અને એ જોતા એવું લાગે કે આ જગ્યા છે જ્યાં દરેક કલાકારને પોતાની કૃતિ કંડારવાનું મન થતું હશે. આવી જગ્યા પણ એવું નથી કે ખાલી કલાકાર જ આવે, ખાણીપીણી સ્ટૉલ પણ એટલા જ સારા મળી રહે એટલે આખો દિવસ પસાર કરવા માટે સરસ જગ્યા ગણી શકાય. ત્યાં ફલીન્ડર સ્ટ્રીટ રેઇલવે સ્ટેશન છે ત્યાંથી તમને મુસાફરી માટે વાહનની વ્યવસ્થા મળી રહે.

આપણે જેમ ઈન્ડિયામાં ગામમાં ચોરો હોય અને સવાર-સાંજ બધા ભેગા થાય, અલક-મલકની વાતો કરે, જિંદગીની ફિલોસોફી સોલ્વ થાય એમ આ ફેડરેશન સ્ક્વેરના પગથિયાં પણ એવા જ મજબૂત છે, દોસ્તારોની ગોઠડી મળે, અલક-મલકની વાતો ને ખાણી-પીણીની દુકાનો, એમ જોવા જઈએ તો આ એક અમારા મેલબર્નનો ચોરો જ કહેવાય. હા, ઘરથી થોડો દૂર પડે; આમ ચોરે બેસવા જવું હોય તો ૧ કલાકનું અંતર કાપવું પડે પરંતુ ત્યાં જઈને જિંદગી સાથેનું અંતર સાવ ઘટી જાય. મન પ્રફુલ્લિત થઇ જાય.

ઘણો ઓછો સમય અહીંયા વિતાવ્યો છે છતાં એક પોતીકાપણું લાગે છે. શરૂઆતમાં આવીને ખુદને આ ઢાંચામાં ઢાળવાનો ખુબ પ્રયત્ન કર્યો, નિઃસાસા અને નકારાત્મકતાએ ઘેરો લીધો પછી જાતેજ ખુદના સાથી બનીને ચાલવાનું શરુ કર્યું અને એ દિવસથી આજનો દિવસ, ક્યારેય એકલવાયું નથી લાગ્યું.

અરે! હા, મારી ફિલોસોફી અહીંયા નહિ શરુ કરું. આગળ વધીએ. હવે વિચારું છું કે આગળનું નવી જગ્યા નવા ભાગમાં જ જોઈશું. વધારે મઝા આવશે. ત્યાં સુધી મોજ કરો ને અભિપ્રાય આપશો કે કેવો ચાલે છે તમારો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ?


Rate this content
Log in