વેલેન્ટાઈન્સ
વેલેન્ટાઈન્સ


ખાસ નોંધ:- અહીં પ્રસ્તુત વિચારોને કોઈ દેશ, ધર્મ, જાતિ-જ્ઞાતિ કે વ્યક્તિ સાથે સીધો કે આડકતરી રીતે કોઈ સંબંધ નથી. આ લેખને કોઈ પણ વાદ-વિવાદથી વંચિત રાખવા વિનંતી.
‘વેલેન્ટાઈન્સ,
પશ્ચિમી પ્રેમ દિન,
ઉજવે જગ.’
‘પ્રેમ એટલે ?
પ્રેમી-પંખીડાં કરે,
કુટુંબ પ્રેમ ?’
‘મન મેળાપ,
સ્નેહ સુવાસ રહે,
સુખ સદાય.’
‘ભારતીય ભાતીગળ સંસ્કૃતિ એ આપણા માટે એક આશીર્વાદ સમાન છે પરંતુ બધા વ્યક્તિઓ આ વાતને પચાવી શકતાં નથી. દરેક દેશની પોતાની અલગ સંસ્કૃતિ અને પદ્ધતિ હોય છે અને એમાં કંઈ જ ખોટું નથી. આપણે આખું વિશ્વ એક મોટો પરિવાર જ છીએ. દરેક વ્યક્તિએ પોતાની ભાષા, ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જ જોઈએ.
આજે ‘વેલેન્ટાઈન્સ દિવસ’ની ટૂંકમાં ચર્ચા કરીશું. આ દિવસ હવે લગભગ આખું વિશ્વ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે અને પ્રેમને તો વહેતો રાખવો જ જોઈએ. કાલે આપણે બધા જ આ દિવસ બહુ ઉત્સાહથી ઉજવવાના જ છીએ. આપણા સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવીશું જ પરંતુ આ દિવસ ખાલી પ્રેમી-પંખીડાઓ
માટે જ છે ? કેમ એક પરિવાર ભેગા મળીને આ દિવસ ન મનાવે ? એક દીકરી કે દીકરો એના માતા-પિતાને, ભાઈ એની બહેનને પ્રેમ કરે છે એ કેમ ન જણાવી શકે ? અને હા, આ જરાક ધ્યાનથી વાંચજો. (સિરિયલ અને ચલચિત્રોમાં દેખાડવામાં આવેલો સૌથી અઘરો એવો સંબંધ એટલે ‘સાસુ-વહુ’, જે ખરેખરમાં કોઈ અઘરો કે ન નિભાવી શકાય એવો સંબંધ નથી. શરૂઆતથી જ આ સંબંધને એક આડકતરી રીતે જોવામાં આવ્યો છે) શું કોઈ ‘સાસુ-વહુ’ એક બીજાને પ્રેમ ન કરી શકે ? પ્રેમ કરીએ છીએ એ કહેવા માટે શબ્દો જ જોઈએ ?
પ્રેમ કરવા કે પ્રેમને જણાવવા કરતાં, એ પ્રેમ તમારા વર્તનમાં દેખાય ત્યારે એ પ્રેમનું મહત્વ ઘણું જ વધી જાય છે. જીવનભર કોઈને કેટલો પ્રેમ કરીએ છીએ ન કહીએ તો કંઈ વાંધો નહિ પરંતુ આજીવન એની દેખભાળ રાખીએ, એનું માન-સમ્માન જાળવીએ, એની દરેક સાચી વાતને સમર્થન આપીએ, એના સારા-નરસા સમયમાં સાથે રહીએ અને નિઃસ્વાર્થ વ્હાલ વારસાવ્યાં કરીએ ત્યારે એ પ્રેમના સંબંધો આજીવન એક સુગંધિત ફૂલના બગીચા સમાન મહેકતાં રહે છે.
આજે સ્નેહથી સિંચાયેલા સંબંધોમાં ફરી એકવાર પ્રેમનો મીઠડો વાયરો વહેવડાવીએ.’