BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

સમયની સાધના

સમયની સાધના

3 mins
402


જાણે-અજાણે કેટલાય લોકો સામા મળી જાય ને પછી આમ વાતમાંથી વાત નીકળે. નિરાલીને પણ એવું જ થયું. પરદેશની ધરતીમાં એક પોતીકો માણસ કહી શકાય એવી વ્યક્તિ મળી ગઈ અને બહેનપણી સાથે એ વ્યક્તિ ઘણી જ અંગત બની ગઈ. નિરાલી અને દિપાલી બંને સફરના સાથી હતાં; ટ્રેનમાં સાથે જતાં ને સાથે નોકરીએથી પાછા આવતાં. આમ તો ધરતી પણ અજાણી ને લોકો પણ અજાણ્યા પરંતુ ક્યારેક સફરમાં નવા સાથી મળી જાય અને નજર મળી જાય તો આંખોમાં જ ખુશી અને દર્દ દેખાઈ જાય. બસ બંને સાથે પણ આવું જ બન્યું. 

એક દિવસ નિરાલી ઘરે આવતાં ટ્રેનનાં છેલ્લા ડબ્બાની પાછલી સીટમાં બારી પાસે બેસીને ખૂબ રડી રહી હોય એવું લાગ્યું પરંતુ ખાસ કોઈ સમજી ન શકે એનું પણ એક કારણ હતું. કોરોના નામના શિકારીથી બચવા નિરાલીએ 'માસ્ક' પહેર્યું હતું અને આંખો જ ખાલી દેખાઈ રહી હતી પરંતુ સામે બેઠેલી દિપાલીએ દડદડ પડતાં આંસુમાં અઢળક દર્દ જોઈ લીધું ને બસ ત્યારથી જ એમનાં અતૂટ એવા મૈત્રી સંબંધની શરૂઆત થઈ. વાત-વાતમાં જાણ મળી કે બંને 'ભાગવત ગીતા' ગ્રંથનું પાન કરનારા છે અને કૃષ્ણ જ એમનાં તારણહાર છે પછી તો મૈત્રી વધારે ને વધારે ગાઢ બનતી ગઈ.

એક દિવસ બંને નિરાલીનાં ઘરે મળ્યાં અને વાતમાંથી વાત નીકળી એટલે દિપાલીએ પૂછ્યું કે, 'નિરાલી, તારા જીવનમાં 'ભાગવત ગીત'નું મહત્વ શું ? આટલી વાત સાંભળતાં જ નિરાલી દિપાલીને મંદિરના ગર્ભગૃહમાં લઈ ગઈ અને 'ગીતાજી' ખોલીને બેઠી; પ્રણામ કર્યા અને કહ્યું.

દિપાલી, તને ખબર છે કે કોઈ નાનું બાળક અંધારા ઓરડામાં પુરાઈ જાય અને એને ક્યાંયથી પણ અજવાસની ઉમ્મીદ ન હોય; ચારે દીવાલોની પેલે પાર એનો અવાજ સાંભળનાર કોઈ વ્યક્તિ એની પાસે ન હોય; ગૂંગળામણ થઈ એ ડૂમો ભરાઈ જાય એટલું રડી લે ને પછી એના હીબકાં બંધ જ ન થાય ને એ હારી-થાકીને જમીન પર ફસડાઈ જાય ત્યારે એનું મન એની 'મા'ને જ યાદ કરે અને 'મા' પણ પોતાના દીકરાને બચાવવા ને શોધવા દોડીને આવે અને એકદમ જ દીકરો-માને લપાઈ જાય ને પછી ખાધા પીધા વગર જ આમ ગાઢ નીંદરમાં પોઢી જાય.' આવું જ જયારે એક પુખ્ત વયના જીવને થાય ત્યારે એ જીવ કાગડોળે એવા ઉજાસની વાટ જોતો હોય છે જે ઉજાસ ફક્ત ને ફક્ત આ 'ભાગવત ગીતા'મા છે. માણસને જન્મથી મૃત્યુ સુધી એક-એક ડગલે જો સાચું માર્ગદર્શન જોઈએ તો કૃષ્ણની શરણમાં રહેવું જોઈએ. 

'મહાભારત'ની એક એક ક્ષણ આપણને યાદ છે અને આપણે જાણીએ જ છે કે દ્રૌપદીના ચીરહરણ સમય યુધિષ્ઠિર ધૈર્યને ધારણ કરી બેસી રહ્યા હતાં અને અતિશય અપમાન સહન કરી રહેલી દ્રૌપદી પણ સાચા સમયની પ્રતીક્ષામાં બેઠી હતી. યુદ્ધનાં મેદાનમા અર્જુન પણ લાગણીશીલ થઈને હાથમાંથી હથિયાર હેઠાં મૂકી અસહાય જ બની ગયા હતાં અને આ બધા જ સમય આપણા સહુના સારથી એવા 'શ્રી કૃષ્ણ' એ જે શીખ આપી છે એ આપણે કેમ ભૂલી જઈએ ?

* જીવનમાં જે કઈ પણ થાય છે; જે થઈ ગયું અને ભવિષ્યમાં થવાનું એ બધું જ ઈશ્વર ઈચ્છાથી જ થાય છે.

* દરેક પરિસ્થિતિમાં સંયમ અને ધીરજ રાખવી અતિ-આવશ્યક છે. સાચા સમયની હરહંમેશ રાહ જોવી અને એ સમયે જ સઘળું પ્રાપ્ત થશે એ વાત હંમેશા યાદ રાખવી. 

* જયારે મન અશાંત હોય, ક્રોધની જ્વાળાઓમાં સપડાયેલાં જીવે અપશબ્દો બોલી કોઈનું અપમાન ન કરવું અને જયારે મન અતિશય પ્રસન્ન હોય ત્યારે કોઈને વચન આપવું ન જોઈએ.

* કર્મ કરવું એ માનવ જીવનો પરમધર્મ છે પરંતુ એ જ કર્મનું પરિણામ પોતાની અપેક્ષા પ્રમાણે મળે એ અનુમાન લગાવી દુઃખ અનુભવવું એ યોગ્ય નથી; કૃષ્ણ કહે છે, 'તું કર્મ કર, ફળ સ્વરૂપે મને જે યોગ્ય લાગશે એ હું તને અવશ્ય આપીશ અને એ જ સૌથી યોગ્ય હશે.'

* 'કૃષ્ણ તમે છો મારા જીવનરથના સારથી.' આજીવન હું ચાલીશ પરંતુ તમારા માર્ગદર્શનની આવશ્યકતા મને સદૈવ રહેશે, પછી તન-મન-ધન બધું જ કૃષ્ણમય 

  બની જશે અને જીવનમાં આનંદ જ આનંદ રહેશે.

 નિરાલીએ કહ્યું કે, હું જીવનના દરેક સંઘર્ષ બસ કૃષ્ણને સાથે લઈને જ લડું છું અને મને મારી અંદર રહેલાં કૃષ્ણ પર અતિશય વિશ્વાસ છે એટલે જ ઘણી વાર અનંત સુધી લડવાની શક્તિ પણ આપોઆપ જ આવી જાય છે. 

આમ બંને જણા ખૂબ આનંદે બેઠા અને અવિરત કૃષ્ણની વાતોને વાગોળ્યાં જ કર્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational