વલોપાત
વલોપાત
બુરા ન માનો હોલી હે…
મિત્રો હોળી એ રંગોનો તહેવાર ગણવામાં આવે છે, જે દરેક વયની વ્યક્તિ પોત - પોતાની રીતે ઉજવે છે, આ દિવસે બધા જ લોકો પોતાના મતભેદો ભૂલીને એકબીજાને ગળે મળે છે અને એકબીજા પર રંગો લગાડતાં હોય છે, યુવા વર્ગમાં આ તહેવારને લીધે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ, તરવરાટ અને ઉમંગ હોય છે, હોળીનાં દિવસે આપણાં ઘરમાં, ફળિયામાં, સોસાયટીમાં, ગામ કે શહેરમાં એક અલગ જ પ્રકારનું વાતાવરણ છવાયેલું હોય છે.
પરંતુ ક્યારેક ક્યારેક આ હોળીનાં દિવસે અમુક લોકો સાથે એવી કરૂણ ઘટનાં ઘટતી હોય છે, કે જે તહેવારને રંગોનો તહેવાર ગણવામાં આવે છે, એ જ તહેવાર તેઓનાં જીવનમાંથી જાણે બધાં જ સુખ રૂપી રંગો જાણે હણી લીધેલ હોય તેવું અનુભવે છે, અને તેઓનું પૂરેપૂરું જીવન અંધકારમય અને રંગ વિહોણું બની જતું હોય છે.
હું આજે તમારી સમક્ષ આવી જ એક કરુણ ઘટનાં લઈને આવેલ છું...એક એવો પરીવાર કે જેનું સુખ હોળીનાં દિવસે જ છીનવાઈ ગયું.
સ્થળ - આકાર આઈ કેર હૉસ્પિટલ
સમય - સાંજનાં છ કલાક
સાગર અને નિતા આકાર આઈ કેર હોસ્પિટલનાં ઓપરેશન થિયેટરની બહારની તરફ આવેલાં બાંકડા પર બેસેલાં હતાં, નિતાનાં ગાલ અને ચહેરા પર હજુ પણ આંસુઓની ધારાઓ વહી રહી હતી, નિતા ખુબ જ ઉદાસ અને દુઃખી લાગી રહી હતી...પોતે એકદમ વ્યાકુળતા અનુભવી રહી હતી, જ્યારે સાગર નિતાનાં માથા પર હાથ ફેરવીને નિતાને સાંત્વના આપી રહ્યો હતો, સાગર પણ એકદમ ચિંતાતુર દેખાય રહ્યો હતો, દુઃખ તો સાગરને પણ ઘણું હતું પરંતુ એક પુરુષ હોવાને નાતે તે પોતાનું દુઃખ આંખોની પાંપણ અને મૂછોની નીચે દબાવીને બેઠો હતો. આમપણ આપણાં સમાજનાં જ લોકોએ પુરુષ જાત પર જાણે એક સ્ટેમ્પ લગાવી દીધે હોય, એમ "પુરુષથી ના રડાય" જો પુરુષ રડે તો તે નમાલો કે બાયલો કહેવાય, આથી આપણાં સમાજમાં ફરતાં મોટાભાગનાં પુરુષો પોતાનાં બધાં જ દુઃખ અને દર્દ કોઈને પણ જણાવ્યાં વગર જ પોતાનાં હૃદયનાં કોઈ એક ખૂણામાં દબાવીને ફરતો હોય છે.
જ્યારે આ બાજુ નિતા ભગવાનને બે હાથ જોડીને આંખો બંધ કરીને પોતાનાં એકનાં એક વ્હાલા દીકરો રોહન હેમખેમ બચી જાય તે માટે ભગવાનને વાંરવાર પ્રાર્થના કરી રહી હતી, અને થોડાં - થોડાં સમયે પોતાની સાડીનાં પાલવથી પોતાનાં આંસુઓ લૂંછી રહી હતી…
સાગર અને નિતા વાંરવાર ઓપરેશન થિયેટરનાં દરવાજા સામે જોઈ રહ્યાં હતાં, કે ક્યારે ડોકટર બહાર આવે અને તેનાં દીકરાની અત્યારે કેવી હાલત છે, તેનાં વિશે જણાવે… !
સમય - સવારનાં 9 કલાક
સ્થળ - સાગરનું ઘર
સાગર સાયન્સ કોલેજમાં પ્રધ્યાપક તરીકે ફરજ બજાવી રહયો હતો, આજે હોળીનો પર્વ હોવાથી સાગરને આજે કોલેજમાં રજા હતી, આથી સાગર સવારે નિરાંતે 8 વાગ્યે જાગ્યો, ત્યારબાદ સાગર, નિતા અને રોહન સાથે નાસ્તો કરવાં માટે બેસ્યા.
રોહન આજે ખુબ જ ખુશ હતો કારણ કે આજે તેનો મનપસંદ તહેવાર હતો, હોળી એ રોહનનાં પસંદગીનાં તહેવારો માંથી એક તહેવાર હતો, અગાવથી જ રોહને બાળઝીદ્દ કરીને સાગર પાસેથી મોટી એવી પિચકારી, અલગ - અલગ રંગોની પડીકીઓ, ફુગ્ગાઓ અને સાથે - સાથે ધાણી અને ખજૂર પણ લીધાં.
ઉતાવળમાં રોહને વ્યવસ્થિત કે પૂરેપૂરો નાસ્તો પણ કર્યો ના કર્યો, ત્યાં તો તેનાં મિત્રો ઘરની બહાર આવીને રોહનને બહાર આવવાં માટે બૂમ લગાવી, આથી રોહન પોતાની પિચકારીઓ, ફુગ્ગા અને જે ડોલમાં રંગ બનાવેલ હતો તે ડોલ લઈને બહાર ફળિયામાં ધુળેટી ઉજવવા માટે દોડ્યો.
થોડીવારમાં તો રોહન ઓળખાય નહીં તેવો રંગબેરંગી બની ગયો, કોઈ અજાણી વ્યક્તિ રોહનને જોવે તો ઓળખે નહીં તેવો તેનો ચહેરો બની ગયો હતો, એમાં પણ તેણે જુના કપડાઓ પહેરેલાં હતાં, આમ રોહન તેનાં મિત્રો સાથે મળીને હોળી પર્વ ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં વ્યસ્ત બની ગયાં, તેઓ એકબીજાને રંગો લગાવવા માંડ્યા, એકબીજાને ફુગ્ગાઓ મારવા લાગ્યાં, આમ બધાં જ છોકરાઓ ધામધૂમથી આ હોળીની ઉજવણી કરી રહ્યાં હતાં.
આ બાજુ સાગર પોતાનાં ઘરનાં હોલમાં બેસીને ટી.વી જોવામાં વ્યસ્ત બની ગયો, જ્યારે તેની પત્ની નિતા ઘરકામમાં પરોવાઈ ગઈ.
લગભગ બપોરે એકાદ કલાકની આસપાસ
સાગર હોલમાં બેસીને ટી.વી જોવામાં વ્યસ્ત હતો, તેવામાં નિતાએ સાગરને જમવા માટે બૂમ પાડી, અને ઘરનાં ફળીયામાંથી રોહનને પણ જમવા માટે બોલાવી આપવાં જણાવ્યું, આથી સાગર ઉભો થઈને રોહનને બોલાવવા માટે પોતાનાં ઘરનાં ગેટ તરફ આગળ વધે છે, બરાબર એ જ સમયે સાગરનાં કાને રોહનની બૂમ સંભળાય છે…
"મમ્મી ! પપ્પા ! મને કંઈ દેખાતું નથી…" - આ બૂમ સાંભળીને સાગર ફળિયામાં દોટ મૂકે છે, અને રોહન તરફ દોડે છે, રોહનની આવી હાલત જોઈને તેનાં બધાં જ મિત્રો ગભરાઈને પોત- પોતાનાં ઘર તરફ નાસી છુટ્યા.
"શું ! થયું ? રોહન બેટા…?" - રોહનને પોતાનાં ખોળામાં લેતાં - લેતાં સાગર બોલે છે.
"પપ્પા ! મને કંઈ જ દેખાતું નથી, મને આંખોમાં ખૂબ જ બળતરા થાય છે, મને આંખોમાં કંઈક ખૂંચી રહ્યું છે…!" - પોતાની બનેવ આંખો પર હાથ ફેરવતાં - ફેરવતાં રોહન બોલ્યો.
"બેટા ! ચિંતા ! ના કરીશ બધું જ સારું થઈ જશે...તું પહેલાં રડવાનું બંધ કર, હું તારી સાથે જ તારી બાજુમાં જ છું…!" - રોહનનાં માથા પર પ્રેમપૂર્વક હાથ ફેરવતાં - ફેરવતાં સાગર બોલ્યો.
"રો..હ..ન...મા…રા...દિ.. ક...રા..!" - નિતાએ દુઃખ સાથે એક જોરદાર ચીસ પાડીને જોર - જોરથી રડવા લાગી.
ત્યારબાદ સાગરે રોહનની સાદા પાણી દ્વારા આંખો સાફ કરી, પરંતુ રોહનને આંખોમાં હજુપણ તકલીફ તો હતી જ હજુપણ રોહનને કંઈ જ દેખાઈ રહ્યું ન હતું…..ત્યારબાદ સાગર પોતાનાં મોબાઈલ ફોનમાંથી 108 ને કોલ કરે છે, અને થોડીવારમાં જ 108 સાગરે જે સરનામું આપેલ હતું તે સરનામાં પર આવી પહોંચે છે…..ત્યારબાદ સાગર અને નિતા રોહનને લઈને 108 માં બેસી જાય છે.
આજે હોળીનો તહેવાર હોવાથી શહેરની મોટાભાગની હોસ્પિટલો બંધ હતી, 108 બે ત્રણ હોસ્પિટલે ફરી...અને છેલ્લે શહેરથી 12 કિ.મી. દૂર આવેલ આકાર આઈ કેર હોસ્પિટલમાં ઓપથલ્મોલોજીસ્ટ (આંખના સર્જન) મળી ગયાં અને તેમણે રોહનની તપાસ કરી અને કહ્યું કે રોહનની આંખોમાં ફોરેન બોડી જવાથી તેને આટલી બધી બળતરા અને જોવામાં તકલીફ પડી રહી છે, રોહનને તાત્કાલિક ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવો પડશે, અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવી પરિસ્થિતિ છે.
ત્યારબાદ ઓપથલ્મોલોજીસ્ટે (આંખના સર્જન) ઓપરેશન માટેની તમામ ફોર્માંલીટી પતાવીને રોહનને વોર્ડબોય દ્વારા ઓપરેશન થિયેટરમાં લઈ ગયાં.
એવામાં ઓપરેશન થિએટરની બહાર ટમ - ટમી રહેલ લાલ રંગની લાઈટ બંધ થઈ, આથી સાગર અને નિતાનાં જીવમાં જીવ આવ્યો હોય તેવી રીતે ઓપરેશન થિયેટરનાં દરવાજા સામે મીટ માંડીને બાંકડા પરથી ઉભા થયાં.
ઓપથલ્મોલોજીસ્ટે (આંખના સર્જન) ઓપરેશન થિયેટરની બહાર આવીને પોતાના ચહેરા પર રહેલ માસ્ક નીચું ઉતારતાં - ઉતારતાં બોલ્યાં..
"આઈ એમ રિયલી સોરી..!" - આ સાંભળીને જાણે સાગર અને નીતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
"અમે ! રોહનની આંખો બચાવવા માટે ઘણી જ મહેનત કરી...પરંતુ અમે તેની આંખો બચાવી ના શકયા….રોહનને જે બ્લાઇન્ડનેસ થઈ તેને અમારા શબ્દોમાં કેમિકલ ઇનડ્યુસ બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે...જેમાં કોઈપણ પ્રકારનું ઝેરી પદાર્થ, પ્રવાહી કે પછી કોઈપણ પ્રકારના નુકસાનકારક રંગો આંખમાં જવાથી થાય છે...રોહનનાં કેસમાં નુકશાનકારક રંગ તેની આંખમાં જવાથી આ બ્લાઇન્ડનેસ ડેવલપ થઈ છે…!" - ઓપથલ્મોલોજીસ્ટે સાગર અમે નિતાને સાંત્વના આપતાં કહ્યું.
"તો ! શું ! હવે...અમારો રોહન હવે..ફરી ક્યારેય નહીં જોઈ શકે….?" - સાગરે ચિંતાતુર અવાજે ઓપથલ્મોલોજીસ્ટને પૂછ્યું.
"હા ! એવું જ કંઈ સમજી લો...જ્યાં સુધી રોહનને કોઈ આંખ દાનમાં ના આપે ત્યાં સુધી તો રોહન નહીં જ જોઈ શકશે…!" - ઓપથલ્મોલોજીસ્ટ સાગર અને નિતા સામે જોઇને બોલ્યાં.
"અરે...મારા...દીકરા આ શું બની ગયું તારી સાથે…!" - નીતાએ એક ધ્રુસકો નાખીને દર્દભરી ચિચિયારી નાખી….જે ચિચિયારી ઓ હોસ્પિટલની દીવાલોને પણ ચીરી નાખે તેવી હતી.
ત્યારબાદ સાગર નીતાને બાથ ભરીને સાંત્વના આપવાં લાગ્યો, પરંતુ સાંત્વના આપતાં આપતાં સાગર પણ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગે છે….આ દ્રશ્ય ખરેખર ખુબ જ કરૂણ અને દયાજનક હતું.
મિત્રો, આપણે ઘણીવાર જાણતાં જ અજાણતાં જ એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જેનાં પરિણામ વિશે આપણે ક્યારેય કલ્પનાઓ પણ કરેલ નથી હોતી, અને ક્યારેક તો તેનું પરિણામ કદાચ રોહન સાથે જે ઘટનાં બની એવું ભયંકર અને કરૂણ પણ આવી શકે છે.
કદાચ રોહનની આંખો બચી ગઈ હોત, જો તે હાલમાં બજારમાં મળતાં હાનિકારક કે નુકશાનકારક કેમિકલ વાળા રંગોને બદલે આપણાં વડીલો જેવી રીતે હોળી ઉજવતા હતાં તેમ સાદા રંગો અથવા કેસૂડાનાં રંગોથી જો કદાચ રોહન અને તેનાં મિત્રોએ જો હોળી ઉજવી હોત, તો હાલમાં રોહન પણ કદાચ બીજા લોકોની માફક પોતાની સગી આંખો વડે આ રંગેબેરંગી દુનિયાને જોઈ શકતો હોત….પરંતુ હાલમાં તો રોહનનું જીવન એકદમ રંગ વિહીન અને અંધકારમય બની ગયું હતું.