nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

વળતર

વળતર

10 mins
263


"સીમાબા, તમે શું કરો છો ? "

"આંબો વાવું છું" તમે આંબો વાવો છો પણ આજુબાજુ તો તમે કેકટસ લઈને બેઠા છો"

"હા બેન, તમારી વાત સાચી છે. પરંતુ આંબો એકલો વાવો તો કોઈ પણ જનાવર આવીને ખઈ જાય પરંતુ આજુબાજુ કાંટા હોય તો જનાવર આવી ના શકે." પરંતુ જયારે આ આંબો મોટો થશે ત્યારે એને રક્ષણ આપનાર કેકટસ જ એને નડશે. બિલકુલ મનુષ્ય જેવું એનું રક્ષણ કરનાર જ મોટા થઈને એને આ કાંટાની જેમ જ ખૂંચે. જે રક્ષણ કરે એનો ગુણ મોટા થઈને ભૂલી જાય." બોલતાં એમની આંખોમાં આંસુ આવી ગયા. એમના વિષે જે જાણતાં હોય એ તો એમને કશું પૂછે જ નહીં. સીમાબાનો સ્વભાવ પણ એવો હતો કે એમના બોલવામાં એટલી મીઠાશ હોય કે એ પારકાંને પણ પળવારમાં પોતાના બનાવી દે. હા, પણ સમાજના સ્વાર્થી મનુષ્યમાં પ્રેમ કરતાં પૈસાની કિંમત ધણી ઊંચી હોય છે. દરેક જણ જો પ્રેમની કિંમત સમજતું હોય તો પૈસાની કિંમત ઓછી થઈ જાય.

સીમાબાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા. અને એ એમની રૂમમાં જતાં રહ્યાં. હવે તો આ વૃધ્ધાશ્રમ જ એમનું ઘર હતું. જિંદગીભર એમનું પોતાનું કહી શકાય એવું ઘર જ કયાં હતું ? ભાડાના ઘરને તો પોતાનું કયાં કહેવાય ? મોટા થઈને દીકરાએ કહી દીધું, "મમ્મી, અમે અમારે ઘેર રહેવા જઈએ છીએ. તારી ઈચ્છા હોય ત્યારે તું આવતી જતી રહેજે." પણ એ ચૂપ રહ્યાં. જો કે દીકરાના શબ્દો પરથી એ વાત સ્પષ્ટ હતી કે દીકરા વહુ નથી ઈચ્છતાં કે એ એમની સાથે રહે. હવે તો એમને વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટકો જ ન હતો. હસતાં મોં એ દીકરા વહુ અને પૌત્રને વિદાય આપી. જો કે એ લોકોએ જાણીને બીજા શહેરમાં મકાન લીધું હતું. શરૂઆતમાં તો દીકરો ડોક્ટર થયો ત્યારે કહેતો હતો, "મમ્મી, હવે આપણા દુઃખના દિવસો પુરા થઈ ગયા. અને એક દિવસ દીકરાએ કહ્યું, " મમ્મી, મારી સાથે ભણતી સોના સાથે હું લગ્ન કરવા માંગુ છું. એ પણ ડોક્ટર છે આપણું ઘર જલદી ઊંચું આવી જશે. અને સીમાબા બહુજ ખુશ થઈ ગયા હતા અને જયારે દીકરાએ કહ્યું કે, "અમે સાદાઈથી લગ્ન કરીશું. જે પૈસા બચશે એ આપણા જ કામમાં આવશે. આમ પણ મારા ભણતર પાછળ ઘણો ખર્ચ થયો છે હવે વધારે ખર્ચ કરી આપણે દેવું નથી કરવું. અને મને ભણાવવા માટે તેં કેટલાય ઘરોમાં રસોઈ કરી. તેં ઘણું જ કામ રાતદિવસ જોયા વગર કર્યું છે. ત્યારે સીમાબા મનોમન વિચારતા કે શારિરીક શ્રમ તો સારો કે થોડો આરામ કરતાં ઉતરી જાય પણ માનસિક ત્રાસ નું શું ? લગ્ન વખતે જ પતિએ કહેલું કે, "મમ્મીને તું પસંદ છું. એટલે જ મેં લગ્નની હા કહી છે. પરંતુ લગ્ન બાદ તારે ભણવું જ પડશે" સીમાબા તો આમ પણ શાંત સ્વભાવના. વિરોધ કરવાનું તો એમના સ્વભાવમાં જ કયાં હતું ? બાકી તો બધા જાણતાં હતાં કે શ્યામાબેનનો સ્વભાવ ખૂબ જ ચિડીયો અને એની બહેનપણી વિભાનો સ્વભાવ એનાથી પણ ચારચાંદ ચઢે એવો. તેથી વિભાબેને એમની પસંદગી સીમા પર ઉતારેલી. કારણકે પિયરમાં જેને માતાની જોહુકમી સહન કરી હોય એ સાસરીમાં કરે જ. કારણ એને કયાંય જવાની જગ્યા જ ન હોય. પિયરમાં બધુંજ ચલણ એની માતાનું. અને એમાંય દીકરા પ્રત્યેનો પક્ષપાત. દીકરો ઘરમાં ચોરી કરે કે મોડી રાત્રે ચિક્કાર દારૂ પીને આવે તો એને હાથ પકડીને સાચવીને પલંગ પર સુવાડી દે. પરંતુ સીમાને ઉઠતાં મોડું થાય તો આખું ઘર માથે લે. કેટલાય "સ્વસ્તિ વચનો" સાંભળવા પડતાં. ઘણીવાર તો એની રડી ને સુજી ગયેલી આંખો વગર કહે ઘણું બધું કહી દેતી. લગ્ન બાદ સીમાને લાગતું હતું કે હું નરકમાંથી છૂટી. પણ નસીબ એનો પીછો છોડવા કયાં તૈયાર હતું ! સીમાને થતું કે એનો પતિ શિક્ષણને આટલું બધું મહત્વ આપે છે એટલે ખુબ જ સમજુ હશે. બાકી તો પતિ એવું જ માને કે ઘરમાં પત્ની આવવાથી મારી મમ્મીને કામ માં રાહત થશે. પરંતુ આ વ્યક્તિ એવી નથી એવું એને લાગતું હતું. પણ સાસુને એનું ભણવાનું પસંદ ન હતું. એ તો દીકરાને પણ વારંવાર કહેતી, "તમારે જે કરવું હોય એ કરો પણ મારે તો એક વર્ષની અંદર તારે ત્યાં બાળક જોઈએ જ. મારી ઉંમર થઈ છે હું મારી ઈચ્છા તો પુરી કરૂ જ ને ! મારે તારા છોકરાને લાડ લડાવવા છે. મારી રીતે એને મોટો કરવો છે. નહિ તો વહુને એના પિયર મુકી આવ ત્યાં બેઠી બેઠી ભણ્યા કરશે"

આખરે સીમાના પતિએ એની માની વાત માન્ય રાખી. પરંતુ એને મન સાથે નક્કી કરેલું કે મારી પત્ની ગ્રેજ્યુએટ પણ ના હોય તો એની સાથે જિંદગી ના વિતાવાય. આખરે સીમાએ ભણવાનું છોડી દીધું. ત્યારબાદ સીમાને લાગ્યું કે એનો પતિ એનાથી દૂરનો દૂર જ રહે છે. અને એકવાર એના પતિને ફોન પર એના મિત્ર સાથે વાત કરતાં સાંભળ્યું કે "મમ્મીની જક ને કારણે લગ્ન કર્યા. બાકી હું પી. એચ. ડી. થયેલો અને પત્ની ગ્રેજ્યુએટ પણ ના હોય તો માનસિક કજોડું જ કહેવાય. "જો કે ટૂંક સમયમાં સીમાએ સારા સમાચાર આપ્યા. પણ બાળકના આગમન પહેલાં જ સીમાનો પતિ સંદીપ કેનેડા જતો રહ્યો. જયારે દીકરાનો જન્મ થયો ત્યારે સંદીપ હાજર ન હતો. શરૂઆતમાં તો સંદીપ પૈસા મોકલતો. પરંતુ ફોન પર પણ પત્ની સાથે વાત કરતો નહિ. જાણે કે પૈસા આપવાથી એની ફરજની ઈતિ શ્રી થઈ જતી હતી. એવામાં સંદીપના પિતા નું અવસાન થયું. પણ વિભાબેન તો કહેતાં, " મારી પાસે નાનો સંદીપ છે. મારો સમય તો કયાંય જતો રહેશે. પૈસાની પણ કંઈ તકલીફ નથી મારા પતિનું પેન્શન આવે છે અને સંદીપ પણ ત્યાંથી મને કેનેડીયન ડોલરમાં પૈસા મોકલે છે. ટૂંક સમયમાં એ એના દીકરાને જોવા આવશે. પણ એ ટૂંક સમય આવ્યો જ નહીં. સીમા ને ઈચ્છા થાય કે હું મારા બાળકને રમાડું.પરંતુ આખો વખત એ બાળક ને પોતાની પાસે જ રાખતાં. અરે, એની ઈચ્છા પ્રમાણે બાળકનું નામ પણ રાખવા ના દીધું. એની ઈચ્છા સંદીપના નામના છેલ્લા બે શબ્દ આવે એટલે એને દીપ નામ રાખવું હતું. સાસુએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ,"એનું નામ વિસ્મય રાખીશ. એમાં મારા નામનો પહેલો અક્ષર આવે અને પછી મારા સંદીપનો સ આવે. માટે નામ વિસ્મય જ રહેશે. "

સીમાને લાગતું જ નહીં કે એ એક પુત્રની મા છે.હા, પણ જયારે દીકરાના બાળોતિયા બદલાવા ના હોય ત્યારે એ કામ સીમા એ જ કરવાનું. પણ દીકરાને રમાડવાનો હક્ક માત્ર સાસુનો જ.

એવામાં ગામડેથી સમાચાર આવ્યા કે તેમનો ભાઈ મૃત્યુ પામ્યો છે. વિભાબેન ગામ જવા નીકળ્યા પરંતુ એ વખતે એમને વિસ્મય ને કઈ રીતે સાચવવો એની ઢગલાબંધ સૂચનાઓ આપી.

પંદર દિવસ પછી એ પાછા આવ્યા ત્યારે તો સીમાને મહેણાં મારવામાં કંઈ બાકી જ ના રાખ્યું એટલે સુધી કે એમને કહી દીધું કે ,"તેં પંદર દિવસમાં મારા દીકરાને સાવ હાડપિંજર જેવો કરી મુક્યો. ઘર પણ કેટલું ગંદુ છે. તું તો સાવ ફુવડ છું. મારા દીકરાની જિંદગી બગાડી. તેં તો મારા દીકરાને મારાથી દૂર કરી દીધો."

ત્યારબાદ તો એ ના બોલવાના શબ્દો પણ બોલ્યા. ત્યારે પ્રથમ વખત એ બોલી, "મારે જીવવું જ નથી, મારે કોના માટે જીવવાનું ? " અને એ ઘરની બહાર દોડી ગઈ." બસ મારે મરી જ જવું છે "જો કે પડોશીઓ એને સમજાવી ને પાછી લઈ આવ્યા. બધા વિભાબેનનો જ વાંક કાઢતાં કારણ બધા એમનાં સ્વભાવથી પરિચિત હતાં. ત્યારબાદ એ મોટે મોટે થી બોલતાં, રડતાં અને છેલ્લે માથા પણ કૂટતાં.સીમા ને થતું કે કયારેક તો ભગવાન મને સુખ આપશે. એની આશા ઠગારી નિવડી. જયારે એનો દીકરો દસમા ધોરણમાં આવ્યો ત્યારે એના સાસુનું મૃત્યુ થયું. પરંતુ એનો પતિ ના આવ્યો. પૈસા નિયમીત મોકલતો. આખરે પંદર દિવસ પછી પતિએ મોટી રકમનો ચેક મોકલ્યો સાથે સાથે છૂટાછેડા ના કાગળો પણ મોકલ્યા. લખ્યું હતું કે, "મા ની હયાતી દરમ્યાન મેં જાહેર કર્યું ન હતું કે મેં અહીં લગ્ન કરી લીધા છે. જો કે મેં કેનેડા આવ્યા બાદ તારી સાથે કયારેય વાત કરી ન હતી. તેથી તને ખ્યાલ તો આવી જ ગયો હશે. મમ્મીના બધા ઘરેણાં તથા બચતના જે પૈસા હોય એ પણ તું લઈ લેજે. મને એ પૈસામાં રસ નથી. હું માનીશ કે તેં મારી મા ની સેવા કરી તે બદલ મેં તને આ રકમ આપી છે. " સીમા એ પણ છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી. ખાસ કંઈ બચત તો હતી નહિ. જે પૈસા હતા એમાંથી દીકરાને ભણાવવાનો હતો. ભણવામાં તો એ હોંશિયાર હતો જ. એની ઈચ્છા પણ મેડિકલમાં જવાની હતી. મેડિકલનો ખર્ચ તો બચતમાં જ પુરો થઈ જાય. તેથીજ તેણે સવાર સાંજ ત્રણેક ઘરની રસોઈ કરવા જવા માંડ્યું. દીકરો બારમાંમા સારા ટકા લાવ્યો તેને મેડિકલમાં એડમિશન તો મળી ગયું પણ બીજા શહેરમાં. સીમા એ કહ્યું, "તું કંઈ પણ ચિંતા ના કરીશ હું બેઠી છું ને ! " સીમા વધુ ને વધુ ઘેર રસોઈ કરતી બાકી ના સમયમાં ઘરે જાતજાતના નાસ્તા બનાવી ને વેચતી. પતિએ આપેલી રકમ તથા બચતનું વ્યાજ પણ મેડિકલના ખર્ચ ને પહોંચી વળવાનું અઘરું પડતું પરંતુ એની મહેનતને કારણે ખર્ચને પહોંચી વળતી. ડોક્ટર થયા પછી પણ એને આગળ ભણવું હતું. એ વખતે એને એના શહેરમાં જ એડમિશન મળી ગયું. સીમા એ ભગવાનની મૂર્તિ પાસે જઈને કહ્યું, "આખરે મને સુખના દિવસો તો જોવા મળ્યાં". બે વર્ષ દરમ્યાન સોના એના ઘરે આવતી જતી હતી. બે વર્ષ પૂરાં થતાં જ એમને સાદાઈથી લગ્ન કરી લીધા. સીમા શરૂઆતમાં ખૂબ ખુશ રહેતી કારણ સોનું એનો બહુજ ખ્યાલ રાખતી હતી. પરંતુ આટલા વર્ષોની હાડમારી અને માનસિક ત્રાસને કારણે એને પુષ્કળ અશક્તિ આવી ગઈ હતી. અને એક દિવસ ઘરમાં જ પડી ગઈ. સોનું એ સાસુ ને તપાસ્યા ત્યારે ખબર પડી કે સાસુને હાઈ બીપી ઉપરાંત ડાયાબિટીસ પણ છે. વિસ્મય તથા સોનું સતત મા ની કાળજી લેતાં. વિસ્મય મા માટે દવાઓ લાવતો. એ દરમ્યાન દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે બધા માટે એ સીમા બા બની ગયા હતા. દીકરો માંડ એકાદ વર્ષ નો થયો હશે અને દીકરા વહુના સ્વભાવમાં પરિવર્તન આવવા માંડ્યું. હવે એ લોકો માની પહેલાંની જેમ સંભાળ લેતાં નહિ. એક દિવસ તો સોનું એની બહેનને કહી રહી હતી કે દીકરાને સારી સ્કુલમાં મુકવો હોય તો ડોનેશન ઉપરાંત વર્ષે લાખ રૂપિયાથી પણ વધુ ખર્ચ થાય. અમે બીજા શહેરમાં જઈએ તો દવાખાનામાં ડોક્ટરો ને જમવાની સગવડ હોય છે. પગાર પણ ઘણો મોટો. પહેલાં તો અમને હતું કે સાસુ છોકરાને રાખશે. પણ એ તો અનેક રોગોથી પિડાય છે. એમને સાચવવા પણ બાઈ રાખવી પડે. આ બધા ખર્ચ ના પોષાય. અમે તો સાદાઈ થી લગ્ન કર્યા એટલે બચત તો છે જ. બે વર્ષની બચત પણ છે અમે ફ્લેટ લઈ લીધો છે. દવાખાનાથી નજીક જ છે. "સીમા ની આંખોમાં આંસુ આવી ગયા. મનમાં થયું મારે શા માટે મોહ માયા રાખવી ? જિંદગીમાં મા તથા સાસુના મહેણાં ટોણાં સાંભળી ને જીવી. પતિ નું સુખ પણ કયાં મળ્યું.! પોતાનું કહી શકાય એવું તો કોઈ જ ન હતું. કોના માટે આખી જિંદગી જાત ઘસી ? બધાને પોતાના કરવા હમેશા ચૂપ રહી. તેથી એને નક્કી કર્યુ કે એ ચૂપ જ રહેશે.

થોડા જ સમયમાં વિસ્મયે કહી દીધું અમે શહેરમાં જઈએ છીએ. તારે જયારે ઈચ્છા હોય ત્યારે આવજે. સીમા ને કહેવાનું મન હતું કે હું સાસુને પણ કંઈ કહી શકી નહિ. બાકી એનું મન હતું કે વિસ્મયમાં સ સંદીપ નો કહો છો તો સ સીમા નો પણ છે. મા તો હમેશાં પૂત્રપ્રેમમાં અંધ હતી દીકરી એટલે"અનવોન્ટેડ ચાઈલ્ડ "માટે એની સાથે ગમે તેવું વર્તન થઈ શકે. સાસરીમાં એનું સ્થાન કામવાળી કે બાળકની આયા થી વિશેષ કયાં હતું ? એને તો બસ આખી જિંદગી પ્રેમ માટે તડપવાનું જ હતું. ગાય દૂધ આપતી બંધ થાય તો એને કસાઇવાડે મોકલવામાં આવે છે. એનું પોતાનું મકાન પણ કયાં હતું ? આખી જિંદગી ભાડાના મકાનમાં જ રહી. દીકરો વહુ શહેરમાં ગયા એ સાથે જ એણે એક નિર્ણય લઈ લીધો. ઘર ખાલી કરી ને સીમા વૃધ્ધાશ્રમમાં જતી રહી. ત્યાં એના જેવા ઘણા મળી ગયા એટલુંજ નહિ પણ બધા ના એ સીમાબા બની ગયા. આખી જિંદગી જે પ્રેમ માટે તડપતાં હતાં એનું જાણે કે સાટું વળી ગયું હોય એમ ત્યાં એમને પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થયો. ત્યાં એમને એમની આવડતથી બાગ બનાવ્યો. રસોડામાં મદદ કરવા લાગતાં જાણે કે એમના હાથમાં જાદુ હતો. પરંતુ થોડા જ સમયમાં એમને કોરોના લાગુ પડ્યો. ડાયાબિટીસ તો હતો જ એમાં ઓકસીજનનું લેવલ ઓછું થઈ ગયું.ઓકસીજન ના મળ્યો એ તો ઠીક પરંતુ રેમદેસીવીર ઈન્જેક્શન પણ ના મળ્યા. સીમાબા ને લાગ્યું કે હવે એ લાંબુ નહિ કાઢે ત્યારે એમને એક પત્ર વૃધ્ધાશ્રમના સંચાલક ને આપ્યો અને કહ્યું મારી અંતિમ વિધિ બાદ આ સરનામે ખબર કરજો. મેં અહીં આવતાં પહેલાં વિલ બનાવી દીધું છે.

સીમાબાની અંતિમ વિધિ બાદ એ સરનામે ખબર આપી હતી. બીજા દિવસે એક મોટી કાર વૃધ્ધાશ્રમમાં દરવાજે આવીને ઊભી રહી. એમાંથી ડો. વિસ્મય તથા તેના પત્ની ઉતર્યા. સંચાલકે પત્રની સાથે પાંચ તોલા સોનાનો સેટ આપ્યો. પત્રમાં લખ્યું હતું કે તેં અત્યાર સુધી મારી દવા અને સારવાર કરી એના વળતરરૂપે આ સેટ રાખી લેજે.

જયારે વિસ્મયને ખબર પડી કે એની મા ઓક્સિજન અને ઈન્જેક્શન ના અભાવે મૃત્યુ પામી ત્યારે વિસ્મયને થયું મારી હોસ્પિટલમાં તો બંને ચીજ મળી રહેત. સંચાલકે કહ્યું કે અમે સીમાબાને કહ્યું કે વિસ્મયને ખબર આપીએ પરંતુ એ તો કહેતાં રહ્યા કે મારે વળતર ચૂકવવાનું છે. મારે કોઈનું અહેસાન નથી જોઈતું મારી બાકીની મિલકત તથા સોનું હું આ આશ્રમમાં દાન કરીને જઉં છું. હવે મારે કોઈને પણ મારી સેવા બદલ વળતર ચૂકવવાનું રહેતું નથી. વિસ્મય તથા તેની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર કોઈ આટલી બધી નફરત કરી શકે ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy