અમૃત પટેલ સ્વયંભૂ

Romance Tragedy

4.1  

અમૃત પટેલ સ્વયંભૂ

Romance Tragedy

વિટંબણા

વિટંબણા

6 mins
661


પોતાનું કહી શકાય તેવું કોઈ સ્વજન તેમને મળવા માટે આવતું નહોતું. અન્ય દર્દીની જેમ તે પણ હવે વોર્ડના ખૂણાની પથારીમાં પડ્યા પડ્યા મરવાના વાંકે જીવી રહ્યા હતા. સ્વજનો તો ઠીક પણ હોસ્પિટલનો સ્ટાફ પણ તે વોર્ડ તરફ જતા... છટ...! બોલી ઊઠતો. તેમનું શરીર દિવસે-દિવસે હવે વધુ ને વધુ કમજોર પડી રહ્યું હતું તે રોજ મોત માટેની પ્રાર્થના કરતા પણ સંચિત કર્મનું ફળ પુરું થયું ન હોય તેમ મોત પણ તેમનાથી બે ડગલા પાછળ હટી જતું અને તે પીડાતા રહેતા. આ પીડા ભૂલવા માટે તે એક ખાસ પ્રવૃત્તિ કરતા રહેતા. તે વાત હોસ્પિટલની નર્સ પ્રીતિએ કેટલા સમયથી માર્ક કરી હતી.


પ્રીતિ જ્યારે પણ આ વોર્ડની વિઝીટ લેતી ત્યારે તે કાકાના એક હાથમાં ડાયરી રહેતી અને તે આ ડાયરીમાંજ ખોવાયેલા રહેતા. ડાયરી વાંચતા ક્યારેક ચહેરા ઉપર આનંદ તો ક્યારેક ગંભીર બની જતા ! જ્યારે તેમને આ વોર્ડમાં દાખલ કર્યા હતા ત્યારે સૌપ્રથમ વાર પ્રીતિ ઉપર તેની નજર પડતા અસ્વસ્થ બની પ્રીતિને ક્યાંય સુધી એકીટશે જોઈ રહ્યા હતા. જાણે પ્રીતિનાં ચહેરામાંથી કોઈને શોધી ન રહ્યા હોય !


હોસ્પિટલનાં આ વોર્ડ તરફ બને ત્યાં સુધી સૌથી ઓછામાં ઓછા કર્મચારીઓ વિઝીટ માટે આવતા. જેમની ફરજ હોય અને ફરજિયાત પણે આવવુંજ પડે તેવા કર્મચારી પૂરી સાવચેતીથી કામ પૂરું કરી ઝડપથી આ વોર્ડની બહાર નીકળી જતા. આ વોર્ડના દર્દીઓની જિંદગીમાં છવાયેલી અંધકારતાની યાતના ભયંકર હતી. જાણે નર્ક જ જોઈ લો ! પ્રીતિ પણ આ વોર્ડમાં ફરજ બજાવતી હતી. પણ પ્રીતિ હોસ્પિટલના બધા કર્મચારીઓમાં વિશેષ હતી. તે આ બધાની સેવાચાકરી કરતા જાણે ઈશ્વરની ભક્તિ કરતી હોય તેમ પૂરી લગનથી બધાની સેવા કરતી હતી.


'બિચારા...!' તે આખો દિવસ વિચારતી રહી. સાંજે ઘેર આવી પર્સને ખીટીએ લટકાવતા બોલી, 'મમ્મી, આજે પેલા કાકાનો નર્ક જેવા જીવનમાંથી છુટકારો થયો.'

'એટલે મરી ગયા ?' શારદાએ દુઃખ વ્યક્ત કર્યું.

'હા, મમ્મી... આમ જોવા જાવ તો છૂટયા બિચારા.

'મમ્મી સ્વર્ગ અને નર્ક એ ખરેખર શું છે ખબર નથી પણ આ કાકા જે જીવલેણ રોગથી પીડાતા હતા અને જે રિબાઈને જીવી રહ્યા હતા તે જોઈને લાગતું હતું ભગવાન આવું નર્ક કોઈને ન બતાવે !'

'દીકરી કરમ કોઈને છોડતું નથી એવું બધા કહે છે. શું તેમણે પણ એવું કંઈ કરમ કર્યું હશે ?'

'હા, મમ્મી... તું સાચું જ કહે છે. એક દિવસે મેં તેમના પરિવાર વિશે પૂછ્યું હતું ત્યારે તે બોલ્યા હતા;


'દીકરી મારા જેવો અભાગીયો જીવ કોણ હશે ? જીવનમાં બધુંજ માણ્યું. ધન, પ્રતિષ્ઠા, સાધન-સગવડભર્યું જીવન. જીવનનો એક વિશાળ પટ જોયો છે દીકરી... જિંદગીની અભૂતપૂર્વ ચઢ-ઉતરો જોઈ લીધી છે. જુવાનીમાં કંઈ કેટલાય કાવાદાવા ખીલતો રહ્યો. પણ દીકરી, કર્મની ગતિ અટપટી છે. કારણ જીવન અટપટું છે. એ આજે મને સમજાય છે. એક સમય એ પણ હતો જ્યારે મને ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા નહોતી. બસ જે કંઈ છે તે કોઈ પણ ભોગે ભોગવી લો. કાલ કોણે જોઈ. તે સમયે સૃષ્ટિનાં સંચાલનમાં ઈશ્વરનો કોઈ કાયદો કાનૂન પણ છે તે વાત હું ભૂલી ગયો હતો. સુખ મેળવવાની આશામાં હું પણ અનીતિ-અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરતો ગયો અને એક પછી એક દુષ્કૃયો કરતો રહ્યો. પણ દીકરી, ખરી હકીકત એ છે કે ખુદા કે ઘર દેર ભી નહીં હૈ ઔર અંધેર ભી નહિ હૈ. કર્મના કાયદામાં કોઈ છટકબારી નથી. કર્મનું ફળ ભોગવવુંજ પડે છે. અને મેં જે મારા જીવનમાં દુષ્કૃત્યો આચરેલા તેનું ફળ હું આજે ભોગવી રહ્યો છું.'


તેમનો અવાજ ભારે બની ગયો. અવાજ કંપાતો હતો.

'મારા પોતાના પણ મારા પાપમાં ભાગીદાર નથી. મારા સગા દીકરા-દીકરી મને રસ્તા પર પથ્થરની જેમ અહીં ફેંકી ગયા છે. તારી સાથે કોઈ ઋણાબંધ હશે જે તે મારી સગી દીકરી કરતાં પણ વધારે ચાકરી કરી. તને બીજું તો કંઈ આપી શકું તેમ નથી. પણ મારા મૃત્યુ બાદ મારી ડાયરી તારી પાસે રાખજે કદાચ તારા સવાલનો કોઈ જવાબ તને તેમાંથી મળી જાય !'

'તો પછી તે ડાયરી તને મળી ? શારદા વચમાંજ બોલી ઊઠી.

'હા મમ્મી... સવારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તેમની ડેથબોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતી હતી. પણ તેમણે છેલ્લો શ્વાસ છોડતા પહેલા તેમની ડાયરી અમારા સાહેબને આપતા કહ્યું હતું કે એ ડાયરી મને મળે. 

'તે મળી ?' શારદા આશ્ચર્યથી પ્રીતિ સામે જોઈ રહી. 

'હા ડાયરી તો મળી અને અત્યારે મારી પાસેજ છે. સવારે મેં શરૂઆતના થોડા પાના વાંચ્યા હતા પણ ખાસ ખબર પડતી નહોતી અને આજે હોસ્પિટલમાં પેશન્ટ પણ વધારે હતા એટલે રાત્રે ઘરેજ શાંતિથી વાંચીશ તે વિચારતા સાથે જ લઈ આવી છે. પણ હા... મમ્મી ડાયરી વાંચતા મેં એક વાત ખાસ માર્ક કરી છે અને તે છે કે, આ ડાયરીમાં એક સ્ત્રીનું નામ વારંવાર આવતું હતું. આ કાકા ને તે સ્ત્રી સાથે કોઈ ગાઢ સંબંધ હોવો જોઈએ !

'શું હતું તે ? 

'શૈલી...

'શૈલી.... ! શારદાથી જોરથી બોલાઈ ગયું. 

'હા શૈલી.... કહેતા પ્રીતિ તેના નિત્યક્રમમાં પરોવાઈ ગઈ.


'શૈલી... શૈલી... પડઘા ચારેય દિશા તરફથી પાડઘાઈ રહ્યા હતાં. 

શારદા પળવાર માટે ધ્રુજી ગઈ.

'શું તે...! ના...ના...!

સ્મરણોનું જાળું ગૂંથાતું ગયું.


એન્જિનિયરિંગ કોલેજમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતો પુંજલ. એકલો રહેતો હતો, લગ્ન થયા નહોતા. એટલે તે પણ કોલેજની હોસ્ટેલમાં સ્ટુડન્ટો સાથેજ રહેતો હતો. અને હોસ્ટેલની પાછળ શારદાની મમ્મી રસોડું ચલાવતા હતા તેમાં આવી જમી જતો. શારદાએ જ્યારે પુંજલને પહેલીવાર જોયો હતો ત્યારે જ તેના મનમાં તે વસી ગયો હતો. તે મનોમન પુંજલને દિલ દઈ ચૂકી હતી. અને આમ, સમય વીતતો ગયો. પુંજલ પણ શારદાની મનોદશા કળી ગયો અને બંને નજીક આવતા ગયા. પુંજલે શારદાને એક નામ આપ્યું હતું. અને તે શૈલી...!


પુંજલ શારદાને શૈલી કહીનેજ બોલાવતો હતો. કોલેજમાં વેકેશન પડી ગયું હતું. એટલે બધા સ્ટુડન્ટ એક પછી એક તેમના ઘેર જતા હતા. પુંજલ પણ ઘેર જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે હજી થોડા સ્ટુડન્ટો હતાં. એટલે રસોડું ચાલુ જ હતું. પુંજલ ઘેર જતા પહેલા શારદાને મળવા માટે આતુર હતો. સવારથી તેનું મન મરકટની માફક કૂદાકૂદ કરતું હતું. વેકેશનનાં કારણે હોસ્ટેલમાં કોઈ સ્ટુડન્ટો નહોતા. અને જે હતા તે પણ બધા બહાર ગયા હતા. હોસ્ટેલમાં પુંજલ એકલો એકલો અવનવા વિચારે ચઢ્યો હતો. તે તેના વિચારો ઉપર કાબૂ રાખી ના શક્યો. એકલતા વધતા એ વધુ વિહવળ બની ગયો.


તે ઉભો થયો. શારદા ઘરમાં એકલી હતી. મમ્મી ક્યાં ક્યાંક બહાર ગયા હતા. જમવાને હજુ સમય હતો. પણ પુંજલ આ રીતે ઘણીવાર વહેલો આવી જતો. આજે શારદાનાં મમ્મી બહાર હતા. એટલે તે બંનેને મોકળાશ મળી સવારનો સમય હતો. શારદા થોડા સમય પહેલાજ નિત્યક્રમ પૂરો કરીને પરવારી હતી. તેનાં ભીંના વાળમાંથી નીતરતાં પાણીને રોકવા તેણે ટુવાલ વિટાળ્યો હતો. ખુલ્લી રહેલી લટમાંથી પાણી ટપકતા ઉરનાં ભાગમાં શોષાઈ રહ્યું હતું. તેણે સ્કર્ટ-જર્સી પહેર્યા હતા. ઘૂંટણ સુધીના ખુલ્લા પગે તે ઘરમાં આમથી તેમ આટા મારતી હતી. પુંજલ તેના લાવણ્યરૂપને જોઈ રહ્યો હતો. વિચારને જેટલો દબાવતો રહ્યો તેટલી તીવ્રતાથી તેના વિચારો સ્પ્રિંગની જેમ ઉછળતા હતા.


એકાંત હતું. પુંજલ બિલ્લી પગે શારદા જે રૂમમાં હતી ત્યાં ગયો. બારીમાંથી સવારનાં કોમળ કિરણની એક લકીર પલંગ ઉપર પડી. બારીની બરાબર બાજુમાં રોજ એક એક સળી લઇ ચકલો-ચકલો માળો ગુંથી રહ્યા હતા. માળો પૂરો થવાની તૈયારીમાં હતો. એકાદ-બે સળીનીજ જરૂર હતી. પણ ચકલાએ તેની રાહ ન જોઈ. અને બારીમાંથી આવતા કોમળ પ્રકાશનાં સહારે તે માળા પાસે આવ્યો અને ચકલીએ થોડું આવરણ ઉભું કરવા વલખા માર્યા. થોડી આમથી તેમ પાંખ ફફડાવી પણ ચકલાએ કાબુ ગુમાવ્યો હતો !


થોડી ક્ષણો માટે મૌનની પાળ બંધાઈ. અને પલંગ પરથી કુમળા કિરણની લકીર દૂર થઈ ગઈ. અને એક વચન આપીને પુંજલજ બીજા દિવસે તેના ઘેર જવા નીકળ્યો.  સમય પસાર થયો. પુંજલ તે પછી ક્યારેક તે તરફ દેખાયો નહોતો. શારદા તેની રાહ જોતી રહી. મમ્મીએ સમાચાર જાણ્યા. વિધવા સ્ત્રી ઉપર નવી આફત આવી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લોકોનો તર્ક-વિતર્ક પણ વધતો ગયો. શારદાની મમ્મીએ તેને ખૂબ સમજાવી પણ શારદા ન માની અને દીકરીની જીદને લઈ એક દિવસે શારદાને લઈને શહેર છોડી બીજા શહેરમાં રહેતા તેમના મોટાભાઈને ત્યાં ચાલ્યા ગયા. ભાઈ પરિસ્થિતિ પામી ગયા બહેનને આશ્વાસન આપ્યું. શરૂ શરૂમાં મામાએ પણ શારદાને સમજાવી... જિંદગી લાંબી છે, આવું ગાંડપણ ના કરાય. પણ તે ના માની અને એક દિવસે તેણે દીકરીને જન્મ આપ્યો. બિલકુલ શારદાનું બીજું રૂપ !


પુંજલ સાથેની છેલ્લી મુલાકાત માં તેણે તેના પ્રેમને સાક્ષીમાં રાખી પુંજલ પાસે સર્વસ્વ ધરી દીધું હતું. તે દિવસે


શારદાનાં મમ્મી હયાત હતા ત્યારે એકવાર તેમણે શારદાને કહ્યું હતું; 'દીકરી શારદા જેના માટે તે તારું જીવન બરબાદ કર્યું છે તે તો પરદેશ ચાલ્યો ગયો છે. તે થોડા દિવસ પહેલા આપણા જૂના ઘરે આવ્યો હતો. પણ આપણા બારણે તાળું તલટકતું હતું એટલે કોલેજનાં ચોકીદારને પૂછી ચાલ્યો ગયો હતો. તે રાત્રે પ્રીતિને ખોળામાં લઈ શારદા અને મમ્મી શહેર છોડ્યાનો પસ્તાવો કરતા રડી રહ્યા હતા.


સમય એની પાંખો વીંઝતો રહ્યો. અને આજે તો પ્રીતિ મોટી થઈ ગઈ હતી. ઉંમરે પહોંચી હતી. આજ સુધી તેના પિતાનું રહસ્ય શારદાએ છુપાવી રાખ્યું હતું. પણ આજે આ ડાયરી શારદાની પ્રતીક્ષા નો જવાબ હતો ? કે પછી...


Rate this content
Log in

Similar gujarati story from Romance