વિશ્વાસ
વિશ્વાસ
'અરે ! આજે તો મારી હેલી આવશે ! ' સવારે આંખ ખોલતા વેંત આ વિચારથી હેતલબહેનનું મોઢું મરક-મરક થઈ રહ્યું. છ મહીના પહેલાં લગ્ન કરી બેંગલોર સાસરે વળાવેલી દીકરી આજે પહેલી વાર ઘરે આવી રહી હતી. છ-છ મહીનાથી જાણે આ ઘર અને મન સૂનાં હતાં. હેલીની ફ્લાઈટ તો સાંજની હતી પણ હેતલબહેને સવારથી જ ઘર માથે લઈ લીધેલું. સાંજના મેનુમાં હેલીની ફેવરીટ લીલવા કચોરી અને ચોકલેટ આઈસક્રીમની તૈયારી કરી દીધી... હરતાં -ફરતાં ખાવા ભાખરવડી -ચેવડો અને ડાર્ક ચોકલેટ ટેબલ પર ગોઠવાઈ ગયાં. રમીલાબેનને પણ સૂચના પર સૂચના અપાતી ગઈ " આ હેલુનો રૂમ સરખો ઝાપટી -ઝૂપટી ચકચકિત કરી નાંખો. એક દિવસ તો એ સાફ-સૂથરા રૂમમાં રહે. કાલથી તો એની બધી વસ્તુઓ વેર-વિખેર હશે...કપડાં ફેલાયેલા પડ્યાં હશે અને પાછી આપણને અડવાયે નહીં દે ! "
આમ જ સાંજ પડી ગઈ. મમ્મી-પપ્પા અને નાનો ભાઈ ક્યારનાંએ એરપોર્ટ પહોંચી ગયેલા. પણ ફ્લાઈટ તો એના ટાઈમે જ આવે ને ! લાંબી રાહ પછી સામેથી હેલીને આવતી જોતાં જ હેતલબેન જાણે દોડ્યાં જ ! હેલી પણ એમને ગળે વળગી ગઈ, હેલીની હવે પછીની પ્રતિક્રિયાની રાહમાં એ આંખ મીંચીને રાહ જોતાં ઊભાં રહ્યાં પણ ત્યાં એ તો પપ્પા અને ભાઈ પાસે પહોંચી ગઈ હતી ! પહેલી વખત એવું થયું કે ગળે વળગેલી હેલીએ છુટાં પડતાં મમ્મીના ગાલ પર બકી ન ભરી !! આંખોમાં આશ્ચર્ય ભરી એમની નજર દીકરી પર પડી પણ એનાં ચહેરા પર ઉભરાતાં આનંદ પર ઓળઘોળ થવામાં પાછાં ઓતપ્રોત થઈ ગયાં.
ઘરે જઈ ફ્રેશ થઈ બધાં ડાઈનીંગ ટેબલ પર ગોઠવાણાં. મમ્મીના હાથની લીલવા કચોરી જોઈ હેલી ખુશ તો બહુ થઈ પણ પહેલાંની જેમ આખો બાઉલ પોતાની તરફ સેરવીને બેસવાને બદલે એણે એક જ કચોરી પોતાની થાળીમાં લીધી. બધાંએ સેકન્ડ રાઉન્ડ કચોરીનો લીધો ત્યારેય એને ના, ના કરતી જોઈ ભાઈ બોલ્યો " આ ખાધુકડી વળી ડાયેટીંગ કરતી થઈ ગઈ ! "
સવારે હેતલબહેન -હરેશભાઈ હિંચકા પર બેસી પહેલી વારની ચ્હા પી રહ્યાં હતાં. 'કંઈક હેલીને ભાવતું નાસ્તામાં બનાવું. એ બહેનબા તો આઠ-સાડા આઠ પહેલાં ઉઠવાનાં નહીં તો ચાલને ઢોકળાંની થાળી ઉતારી લઉં ' વિચારી એ ઊભાં થતાં હતાં ત્યાં તો હેલી બટેટાપૌવાની ડીશ હાથમાં લઈ સામે ઊભી હતી " મમ્મી, રોજની જેમ હું તો ઊઠી ગઈ તે થયું ચાલને હું તને આરામ આપું " હેતલબહેન ખુશ તો થયાં પણ સાથે-સાથે હૃદયમાં કંઈક છૂટી ગયાનો વસવસો અનુભવાયો !
હેલી નહાવા ગઈ કે એ પહેલાંની જેમ એનો રૂમ ઠીક કરવા ઘૂસ્યા...જમીન પર ફંગોળાયેલો બ્લેન્કેટ, ચોળાયેલી બેડ-શીટ્સ,ખુરસી પર પડેલા ધોવાના કપડાં.....આ દ્શ્યથી ટેવાયેલી એમની આંખ અને વધારેતો મન ભોંઠાં પડ્યાં.....એક પણ કરચલી વિનાની બેડશીટ, વ્યવસ્થિત ઘડી થઈ ગોઠવાયેલો બ્લેન્કેટ, વોશીંગ બાસ્કેટમાંથી ડોકિયાં કરતાં કપડાં જાણે એમની સામે હસી રહ્યાં હતાં.....સૂનમુન થઈ એ યંત્રવત્ કામ કરતાં રહ્યાં.
બપોરે ચા પીતાં એમનું ધ્યાન ટેબલ પરના નાસ્તાના ડબ્બા પર ગયું. એ બોલ્યાં " અરે હેલું...આ ડાર્ક ચોકલેટને તેં હજી હાથ પણ નથી લગાડ્યો ! ...." એનો જવાબ હતો " મમ્મી, આ ભાઈ કોલેજથી આવે પછી આપણે બધાં શેયર કરીને ખાઈએ !"
'ચોકલેટનાં એક-એક ટુકડાં માટે ઝઘડતી છોકરી આ શું બોલી રહી છે ?! આ મારી હેલું ન હોય !' જાણે કોઈ અજાણી વ્યક્તિને જોઈ રહ્યા હોય એમ હેલીને તાકતી એમની નજર જાણે કે ખોવાયેલી દીકરીને શોધી રહી હતી !
સાંજના હેતલબેન રસોડામાં હતાં ત્યાં " મમ્મી.....હું ક્યારની આપણાં આંબાના ઝાડ પર સોનુને શોધતી હતી ...મને એમ કે એ ખોવાઈ ગઈ.... પણ ના, એતો હમણાં ત્યાં જ દેખાઈ. જલ્દી કર-મને એને માટે મગફળી આપ !..."
ને મગફળીનો ડબ્બો લઈ દોડી જતી હેલીને એ જોઈ જ રહ્યાં ......એજ સરલ-તરલ ભાવવાહી આંખો...ચહેરા પર એજ નિર્દોષતા અને પોતાની પ્યારી ખિસકોલીને મળવાની એજ પુરાણી ઉત્સુકતા !
હેલીનો અવાજ સાંભળી દોડી આવેલી સોનુ ખિસકોલી વિશ્વાસપૂર્વક એના હાથ સાથે રમતી હતી .કૂડ... કૂડ....અવાજ સાથે મગફળી આરોગતી હતી.
આ જોઈ હેતલબેનનું વિહ્વળ હૃદય બોલી ઊઠ્યું .... ' ના ..ના...મારી દીકરી પણ ક્યાંય ખોવાઈ નથી. એક ઈયળમાંથી પતંગિયું બનતાં જેમ એના રંગરૂપ બદલાય છે તેમ એક છોકરીનું આ તો બદલાયેલું સ્ત્રી રૂપ છે. આ સોનુ જેવો જ મને વિશ્વાસ છે કે જિંદગીનાં કોઈ પણ તબક્કે અમારો અવાજ સાંભળી એ આમ જ દોડી આવશે ......હાથમાં અઢળક પ્રેમ લઈને ! '
