Arjunsinh Raulji

Thriller

3  

Arjunsinh Raulji

Thriller

વિશ્વાસ

વિશ્વાસ

9 mins
967



       રાતે અઢી વાગ્યે વિશ્વાસના ફોનમાં મેસેજનો રીંગટોન વાગી, નિકિતા લગભગ અડધી ઉંઘમાં અને અડધી જાગતી હતી, તેણે વિશ્વાસ તરફ નજર કરી તો તે તો ઘસઘસાટ ઉંઘતો હતો. તેણે વિશ્વાસનો મોબાઇલ લીધો, ડીમલાઇટમાં વિશ્વાસના મોબાઇલનું મેસેજ બોક્ષ ખોલ્યું અને આવેલો મેસેજ વાંચતાં જ તે ધ્રૂજી ઉઠી. મેસેજ કોઇક સ્ત્રીનો હતો – “હું સવારે આવું છું , હવે મારી ધીરજનો અંત આવી ગયો છે, હવે તો હું બધી જ ચોખવટ કરી લેવા માગું છું, તું ક્યાં સુધી મને ટટળાવ્યા કરીશ ? તારી પત્ની હાજર હશે તો પણ હવે હું ગભરાવાની નથી .. હવે તો આ પાર કે પેલે પાર .. સવારે મારી રાહ જોજે ... તારી અનીતા .. “ કાંપી ઉઠી નિકિતા ...! કોણ હશે આ અનિતા ? આવો મેસેજ પહેલી વખત નથી આવ્યો.પહેલાં પણ આવા મેસેજ આવ્યા હતા ... એક વખત તો ટાઇમ અને તારીખ આપ્યાં હતાં –હોટલનું નામ પણ આપ્યું હતું અને મને મળવા ચોક્કસ આવજે એવી વિનંતી પણ કરી હતી. એક વખત આવેલા મેસેજમાં માઉન્ટ આબુ વિશ્વાસ મીટિંગમાં ગયો ત્યાર પછીની વાત કરી હતી કે – વિશ્વાસનો મેસેજ આવ્યો અને તરત જ તે વિશ્વાસને મળવા હોટલ ઉપર પહોંચી ગઇ, પણ વિશ્વાસ તો તેના પહોંચતાં પહેલાં જ હોટલ છોડીને જતો રહ્યો હતો .. તેણે આવું કેમ કર્યું ? તે તેને એવોઇડ કરવા માગે છે કે શું ? .. આવા તો કેટલાય મેસેજ તેણે છેલ્લા બે મહિનામાં વાંચ્યા હતા ...પણ તેણે તેના ઉપર ખાસ ધ્યાન આપ્યું નહોતું... પણ આજનો મેસેજ તો નિકિતાની ઉંઘ ઉડાડી દે તેવો હતો ....! તેણે ઓપન ચેલેન્જ આપી દીધી હતી કે – હવે તો આ પાર કે પેલે પાર ..! તે લખતી હતી કે તારી પત્ની હાજર હોય તો પણ હવે હું આવવાની છું ..?! કોણ હશે આ અનિતા ..! અને વિશ્વાસ પાસેથી શું ચાહતી હશે ? તેની લવર હશે ? રખાત હશે ? અનિતા સાથે વિશ્વાસના સબંધો ક્યારથી ચાલતા હશે ?! લગ્ન પહેલાંથી તો આ લફરું ચાલતું નહીં હોય ..! ના... ના.. આ શક્યતા તો ઓછી હતી કારણકે લગભગ છેલ્લા બે મહિનાથી આ પ્રકારના મેસેજો ચાલુ થયા હતા ... કોણ જાણે એ પહેલાંનો પણ સબંધ ચાલુ હોય અને મેસેજો ના કરતી હોય એવી પણ એક શક્યતા તો હતી જ ને ..! અરે ..! વચ્ચે તો કેવો મેસેજ આવ્યો હતો ? હા.. સોમવારનો દિવસ હતો અને આગલા દિવસે રવિવારે વિશ્વાસ કંપનીના કામે બહાર ગયો હતો એની પણ નિકિતાને ખબર હતી અને સોમવારે મેસેજ આવ્યો કે – આજે હું ખૂબ ખુશ છું .. કારણકે આગલા દિવસે રવિવારે તેણે વિશ્વાસ સાથે ત્રણ કલાક હોટલ બ્લુમુનના બંધ કમરામાં વીતાવ્યા હતા, તેને ખૂબ મજા પડી હતી, ખૂબ આનંદ આવ્યો હતો અને એ બદલ તેણે વિશ્વાસનો દિલથી આભાર માન્યો હતો ..! હા.. એ મેસેજમાં તેણે તેનું નામ લખ્યું નહોતું ..! નામ લખવાનું તો હમણાં હમણાંથી શરુ કર્યું હતું –અનિતા ..!

           આટલું બધું થવા છતાં જો નિકિતા શાંતિથી બેસી રહે તો તેનું પત્નીત્વ લાજે! એક પત્ની તરીકે તેની ફરજ હતી કે તેણે પોતાના પતિના બધાં કારસ્તાનોની તપાસ કરવી જોઇએ, તેણે પોતાના પતિ ઉપર વોચ રાખવી જોઇએ કે તે ક્યાં જાય છે ? કોની સાથે જાય છે ? કોને મળે છે અને શું કરે છે ? જો કે નિકિતા સાવ ડફોળ તો નહોતી જ ..! પેલો હોટલ બ્લુમુનનો મેસેજ આવ્યા પછી તે વિશ્વાસથી ખાનગી રીતે તેના સહકર્મચારી નિશિથને મળવા ગઇ હતી અને આડકતરી રીતે એ લોકો રવિવારે ક્યાં ગયાં હતાં તેની તપાસ કરી હતી – તેમાં તેને વિશ્વાસની વાત સાચી લાગી હતી .આમ તો તેને પોતાના પતિ વિશ્વાસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો ,તેના ચારિત્ર્ય અને ચાલ ચાલગત ઉપર કોઇ શંકા નહોતી ,છતાં પણ આજે જે મેસેજ આવ્યો હતો તે નિક્તાની ઉંઘ ઉડાડી દેવા માટે પૂરતો હતો ..ના.. ના.. હવે આવા ખોટા વિશ્વાસે ના રહેવાય ..! પાણી હદથી ઉપર આવી ગયું હતું અને તે ઉંઘતી ઝડપાઇ જાય તો તેનું જીવન ખેદાન મેદાન થઇ જાય ..! કદાચ તેનો પતિ પણ છીનવાઇ જાય ..ના..ના.. હવે તો કાંઇક કરવું જ પડશે ..! તેણે કેટલીય વાર આ અંગે વિશ્વાસને પૂછ્યું હતું ,તેની પાસેથી વાત કઢાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ વિશ્વાસ દરેક વખતે તેની વાત હસીને ટાળી દેતો હતો પણ આજે જે મેસેજ આવ્યો એ તો ખરેખર સીરિયસ જ છે .ના કરે નારાયણ ... અને આ ઓરત તેના વિશ્વાસ સાથેના સબંધોના ડોક્યુમેન્ટસ રજૂ કરે ,વીડિયો રજૂ કરે ... કાંઇક કાગળો અને ફોટા રજૂ કરે તો નિકિતાએ તેની વાત માનવી જ પડે .. નિકિતાનું સ્થાન છીનવાઇ જાય, પત્ની તરીકેના અધિકારો છીનવાઇ જાય તો નિકિતા તો બરબાદ જ થઇ જાયને ? ના..ના.. કાંઇક તો કરવું જ પડશે ..! નિકિતાએ મનોમન નક્કી કર્યું કે સવારમાં વિશ્વાસ ઉઠે તે પહેલાં હવે તો કડક થઇને પણ આ ઓરત વિશે ચોખવટ કરી જ લેવી પડશે ..! અને જો ખરેખર વિશ્વાસના જીવનમાં તેના સિવાયની બીજી કોઇક ઓરત હોય,તેની સાથે વિશ્વાસના ગાઢ સબંધો હોય –કદાચ નિકિતા કરતાં પણ વધારે ગાઢ ..! તો તે ખસી જશે –નિકિતા વિચારતી હતી .. તે વિશ્વાસના જીવનમાંથી ખસી જશે ..! એક વિચાર તો એવો પણ આવ્યો કે આમાં હવે વિશ્વાસ સાથે કોઇ ચોખવટ કરવાની જરુર નથી. આ અનિતાએ મેસેજમાં લખ્યું છે તે પ્રમાણે જો સવારમાં કોઇની પણ પરવા કર્યા વિના તે આવી જાય તો ... એ એક મોટો પુરાવો જ થઇ જાય – વિશ્વાસ સાથેનો ...! પછી વિશ્વાસની ચોખવટ કે બચાવની જરુર જ ક્યાં બાકી રહે છે ..! નિક્તાનું હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું – દિલનો એક ખૂણો તો કહેતો હતો કે મારો વિશ્વાસ એવો નર્હી જ ..! છતાં પણ કોઇક અજ્ઞાત ડર તેને સતાવી રહ્યો હતો કે આ ઓરત સવારમાં પોતાનાં બિસ્તરાં પોટલાં લઇ ચોક્કસ જ આવશે અને સાથે સાથે તેના જીવનમાં પણ તોફાન અને ભયંકર વાવાઝોડું લેતી આવશે ...! …ન કરે નારાયણ અને સવાર સવારમાં જ એ ઓરત આવી જાય – તો એવામાં ન તો વિશ્વાસ સાથે જીભાજોડી થાય કે ન એ ઓરત સાથે – તેણે તો ચૂપચાપ પોતાનાં બિસ્તરાં પોટલાં લઇ ચાલતા જ થવું પડે ..! પછી જે કરવું હોય તે થાય પણ સવાર સવારમાં લોકો જોયા કરે અને ખુશ થાય તેવી હો..હા.. તો કરાયને ? તમાશો થોડો કરાય ? આ તો સોસાયટી છે – જેમાં સમાજના ઉચ્ચ વર્ગના લોકો રહે છે ..! નિકિતાએ જાણે કે મનોમન નક્કી જ કરી લીધું કે સવારમાં જો આ ઓરત આવે અને કોઇક બબાલ ઉભી કરે તો તેની સાથે જીભાજોડી કર્યા વિના પોતાનો બિસ્તરો લઇ ઘરની બહાર નીકળી જવું ...! નિકિતાનો સ્વભાવ પહેલેથી જ આવો શાંતિપ્રિય હતો – તેને ખોટા ઝગડા પસંદ જ નહોતા .હા... એ વખતે પણ ...

           નિકિતાને યાદ આવી ગયા લગ્ન પહેલાંના એ પ્રસંગો ... તેમનો લવ ટ્રાયએન્ગલ ..! નિકિતા, સ્વાતિ અને વિશ્વાસ એ ત્રણેની મિત્રતા આખી કોલેજમાં જાણીતી હતી . ત્રણે જ્યાં જાય ત્યાં સાથેને સાથે જ હોય ..! લાયબ્રેરીમાં ,કેન્ટીનમાં , ક્લાસમાં , કોલેજ ગાર્ડનમાં, ગ્રાઉંડ ઉપર .. જ્યાં હોય ત્યાં એ લોકો સાથે જ ..! વીક એન્ડમાં જો કોઇ પ્રોગ્રામ બનાવે તો તેમાં પણ ત્રણે સાથે જ હોય ..! લોકો તો એમ પણ કહેતા કે વિશ્વાસ એક સાથે નિકિતા અને સ્વાતિ એ બંને સાથે લગ્ન કરવાનો છે કે શું ? અને વાત તો સાચી જ હતી વિશ્વાસનું એ બંને સાથે ઇલુ ઇલુ ચાલતું હતું . વિશ્વાસને નિકિતાનું સૌંદર્ય ગમતું તો સામે સ્વાતિની સાદગી પણ ગમતી .. તે બંનેને જાણે કે ચાહતો હતો .. તે પોતે નક્કી નહોતો કરી શકતો કે જીવનસાથી તરીકે કોના ઉપર પસંદગી ઉતારવી ..!? તેને ઘડીકમાં નિકિતા સાથે લગ્ન કરવાની ઇચ્છા થતી તો વળી બીજી જ ક્ષણે તે સ્વાતિ ઉપર પસંદગીનો કળશ ઢોળતો ..! આમને આમ બે વરસ પસાર થઇ ગયાં – નિકિતા અને સ્વાતિ બંનેના ઘેરથી હવે તેમનાં લગ્ન માટે ઉતાવળ થવા માંડી હતી . હવે તો ફેસલો કરી જ લેવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું .. ઘણા લાંબા વિચારના અંતે વિશ્વાસે નિકિતા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. તેનાથી સ્વાતિને કાંઇ ખોટું લાગ્યું નહોતું પણ લગ્નમંડપમાં બંનેને ભેટ અને શુભેચ્છા આપતી વખતે સ્વાતિએ કહ્યું કે – જુઓ હવે નિર્ણય લેવાઇ ગયો છે, તમે પતિ પત્ની બની ગયાં છો માટે ભૂતકાળના આપણા પ્રેમપ્રસંગો ભૂલી જજો. વિશ્વાસ એ સુખી સંસારનો પાયો ગણાય છે. બંને હવે એક બીજા ઉપર વિશ્વાસ રાખજો ... કોઇપણ સંજોગોમાં એ વિશ્વાસનો ભંગ ના થાય તેનું ધ્યાન રાખજો ...!

           નિકિતાને એ બધી વાતો યાદ આવી પણ હવે થાય શું ? તે મનોમન બબડી ,” સ્વાતિ ,તારી બધી વાત સાચી છે પણ મેં વિશ્વાસભંગ નથી કર્યો-વિશ્વાસે જ વિશ્વાસભંગ કર્યો છે .. જો પેલી અનિતા સવાર સવારમાં ટપકી પડશે તો મારે ના છૂટકે વિશ્વાસના જીવનમાંથી ખસી જ જવું પડશે ...! નિકિતાએ જાણે કે મનોમન નક્કી જ કરી લીધું કે તે વિશ્વાસના જીવનમાંથી ખસી જશે ... વિશ્વાસ જો અનિતા સાથે ખુશ રહી શકતો હોય, અનિતા સાથે તેનું જીવન સુખમય બનતું હોય તો તે અવશ્ય પોતાના પ્રેમનું બલિદાન આપી દેશે .. તે એમના રસ્તામાંથી ખસી જશે .

           નિકિતાને લાગતું હતું કે વિશ્વાસને ચોક્કસ જ અનિતા સાથે કોઇક લફરું હોવું જોઇએ .તે છેલ્લા બે મહિનાથી તેના વર્તનમાં થયેલા ફેરફારો યાદ કરવા માંડી! સાથે બેઠાં હોય અને અચાનક જ વિચારમગ્ન બની જવું , કોઇક બીજી જ દુનિયામાં ખોવાઇ જવું – આવું તો તેણે ઘણીવાર માર્ક કર્યું હતું, તેનું વર્તન તેના મનની ચાડી ખાતું હતું ... નક્કી વિશ્વાસ આ અનિતા સાથે જોડાયેલો હોવો જોઇએ.સવારમાં અનિતા આવે તો ...ના..ના.. હું એ લોકોના માર્ગમાંથી ખસી જઇશ .. નિકિતા મનોમન વિચારતી હતી .. માત્ર એટલું જ નહીં પણ તે ઉભી થઇ ..ઘડીયાળમાં નજર કરી તો સવારના છ વાગવા આવ્યા હતા . ઓહ...! વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગયું છતાં ખબર ના પડી .તેણે આગળનું બારણું ખોલ્યું તો ગેલેરીમાં પેપર પણ પડયું હતું . પેપર પણ આવી ગયું હતું . તેણે શુન્ય મનસ્કપણે પેપર ઉઠાવ્યું અને બેઠકરુમમાં સોફા ઉપર બેસી પેપરનાં પાનાં ફેરવવા માંડી .આડાં અવળાં પાનાં ફેરવતાં એક સમાચાર ઉપર તેની નજર અટકી ગઇ – પતિએ પોતાની પ્રેમિકા સાથે મળી પોતાની જ પત્નીની હત્યા કરી હતી .. તે ચમકી ગઇ, ધ્રૂજી ઉઠી. આ તો તેના જેવો જ કિસ્સો હતો ...ના..ના.. પ્રેમ તો આંધળો છે ... પ્રેમ અને વાસનાથી ઘેરાયેલ માણસ સારાસારનું ભાન ભૂલી જાય છે – તેને પોતાને પણ ખ્યાલ રહેતો નથી કે તે શું કરી રહ્યો છે અને તેનું પરીણામ શું આવશે ..?! જો કે તેનો વિશ્વાસ એવો નથી છતાં તે જે રીતે પરસ્ત્રીના મોહપાશમાં લપેટાયેલો છે તે જોતાં હવે તેના ઉપર વિશ્વાસ રાખવાનું જોખમ ના જ લઇ શકાય ..! તેનું હ્રદય ધડકવા માંડયું. તેણે સંજોગો જોતાં એક નિર્ણય મનોમન કરી લીધો ..ના..ના.. હવે વધારે વિશ્વાસે ના રહેવાય.. જો અનીતા સવારમાં આવે તો તેની સાથે કે વિશ્વાસ સાથે જીભાજોડી કરવાનો કોઇ જ અર્થ નથી –તેણે વિશ્વાસને છોડીને ચાલ્યા જ જવું જોઇએ ... અને તેનું મન કહેતું હતું કે અનીતા અવશ્ય આવશે જ. એનો અર્થ એ થયો કે તેણે જવાની તૈયારી કરી જ લેવી જોઇએ .તેણે પોતાના મનનું કહ્યું કર્યું અને પોતાની બેગ તૈયાર કરી. વિશ્વાસ તો હજુ ઉંઘતો જ હતો, તેને કશી જ ખબર નહોતી ..ત્યાં જ ડોરબેલ વાગ્યો .. નિકિતા ધ્રૂજી ઉઠી, નક્કી અનીતા જ આવી હશે – તેણે પોતાની બેગ સંભાળી ... બેડરૂમમાં જઇ પોતાના પ્રેમ ઉપર છેલ્લી નજર નાખી અને બહાર આવી .. બારણું ખોલ્યું તો સામે સ્વાતિ ..! ખડખડાટ હસતી ..! “ નિકિતા .. તને તારા પતિ ઉપર વિશ્વાસ નથી ..? મેં તને શું કહ્યું હતું ? દામ્પત્ય જીવનનો પાયો જ વિશ્વાસ છે .. તું માત્ર ડંફાસો જ મારતી હતી કે તને તારા પતિ ઉપર વિશ્વાસ છે ?! અને એટલે જ મેં આ નાટક કર્યું , મને લાગ્યું જ હતું કે મારા આ નાટકને સાચું માની તું કોઇક ખોટું પગલું અવશ્ય ભરીશ એટલે જ હું સવાર સવારમાં આવી પહોંચી ...ચાલ બેગ મૂકી દે .. તારો પતિ તારો જ છે અને હવે પ્રતિજ્ઞા કર કે ક્યારેય તેના ચારિત્ર્ય ઉપર શંકા નહીં કરે ..” નિકિતા સ્વાતિને બાઝીને રડી પડી ...!

       


Rate this content
Log in