ત્યાગ
ત્યાગ


તમે તો રાહ જોતા હતા સવિના એટલેકે સવિતાનાં મમ્મી-પપ્પાની તેના બદલે સવિનો ફોન આવ્યો એટલે સ્વાભાવિક છે કે તમને આંચકો લાગે...! અને તે પણ જેવો તેવો નહીં – દસનાં સ્કેલ ઉપર ધરતીકંપ આવ્યો હોય તેવો મોટો જ આંચકો લાગેને ? તમને તો એમ લાગ્યું કે જાણે કે પ્રચંડ વાવાઝોડું આવ્યું છે, ભયંકર તોફાન આવ્યું છે. જમીન ઉપરનાં બધાંયે વૃક્ષો ધરાશાયી થઇ ગયાં છે. મકાનો, થાંભલા બધું જ ઉખડી ઉખડીને ફેંકાઇ ગયું છે. કેમ ? આવું શા માટે ? શું ગુનો કર્યો હતો તમે સવિનો વેદાંત...? તમારી કઇ ભૂલની શિક્ષા આટલી મોટી હતી ? તમારું મગજ જ કામ કરતું અટકી ગયું હતું વેદાંત..! કોઇક ફિલ્મની પટ્ટીની માફક સવિ સાથે ગાળેલાં વરસો... તમારી નજર સામેથી પસાર થવા માંડ્યાં. ના...ના... સવિ તમને જ ચાહતી હતી. અન્ય કોઇ પુરૂષનું તેના જીવનમાં સ્થાન કઇ રીતે હોઇ શકે ? જ્યારે સવિ તો ફોનમાં કહેતી હતી કે – ‘ વેદુ, મને માફ કરજે. પણ તું મારો અત્યાર સુધી મિત્ર હતો અને મિત્ર જ રહેવાનો છે,આપણે સારા મિત્રો રહીશું... બાકી તું મારો જીવનસાથી બની શકે તેવી તો મેં કલ્પના પણ કરી નથી..! મારા મગજમાં પતિની જે છબી છે તેમાં તું કોઇપણ રીતે ફીટ થતો નથી... હું અમારી જ જ્ઞાતિના એક યુવક સાથે લગ્ન સબંધથી જોડાવાની છું માટે મારી રાહ ના જોઇશ... અને તને અનુકુળ હોય તેવી યુવતી સાથે લગ્ન કરીને સુખી થજો...” સવિ તમને પ્રેમથી ‘ વેદુ’ કહેતી હતી હતી વેદાંત...! તેણે માત્ર તેની જ વાત કરી હતી, તમારૂં શું થશે તેનો તો વિચાર પણ કર્યો નહોતો..! તમને બોલવાની તક પણ આપી નહોતી, તમારી વાત કે રજૂઆત સાંભળ્યા વિના જ તેણે ફોન કટ કરી દીધો હતો. તમારા કાન એકલા જ નહીં પણ હ્રદય પણ સુન્ન મારી ગયું હતું. શું કરવું તેની પણ તમને સમજ પડતી નહોતી.
સ્ત્રીઓ આટલી નિષ્ઠુર કઇ રીતે બની શકતી હશે...? તમે વિચારતા હતા. હાથમાં હાથ લઇને ગાર્ડનમાં ફરતી વખતે સવિને વિચાર નહોતો આવ્યો કે આ યુવક માત્ર મારો મિત્ર છે – પતિ નહીં...! એક જ ડીશમાં સાથે જમતી વખતે કે એક જ ગ્લાસમાંથી બે જુદી જુદી સ્ટ્રોથી ડ્રીંક સિપ કરતી વખતે તો તે તમને જીવનસાથી માનતી હતી – અને તે પણ ભવોભવના..! અને અચાનક તેનું મગજ કેમ બદલાઇ ગયું ? તમે જીવનસાથીમાંથી માત્ર મિત્ર જ રહી ગયા – કેમ ? સમજાતું નથી તમને પણ સવિનું આ વર્તન...!
છેલ્લા વરસની પરીક્ષાના છેલ્લા દિવસે તો કોલેજના ગાર્ડનમાં પેલા બોગનવેલના છાંયડે તે તમારા ખભે માથું મૂકીને રડી હતી અને રડતાં રડતાં બોલી હતી કે –‘તારા વિના મારા દિવસો કેમ કરીને જશે વેદુ ? તારા વિનાની તો એક એક ક્ષણ વસમી લાગે છે તો પછી આ તો અંત વગરના ઇંતજારના દિવસો છે...! તારા વિના તો મારું હ્રદય ધબકતું બંધ થઇ જશે, મારી નસોમાં લોહી જામ થઇ જશે...! કોણ જાણે હવે ફરી ક્યારે આપણી મુલાકાત થશે ? મને ભૂલી તો નહીં જાયને વેદુ ?’ સમજાતું નહોતું તમને વેદાંત કે સવિતાના જીવનમાં એવી તો કેવી આંધી આવી કે તે તમને ભૂલી ગઇ ? તમારો પ્રેમ વિસરાઇ ગયો, તમારી સાથે ગાળેલી એ નાજુક પળો પણ ભૂલાઇ ગઇ અને જેમ કોઇ પાણીમાંથી કચરો કાઢીને બહાર ફેંકી દે તેમ તેણે તમને તેના જીવનમાંથી એક જ ઝાટકે બહાર ધકેલી દીધા ? કેમ ? કુદરત તમારી સાથે આટલી બધી ક્રૂર કેમ બની ગઇ ? તમારી સવિતા આવી અમાનુષી કેમ બની ?
તમારો અને સવિનો સબંધ એક બે દિવસનો તો હતો જ નહીં – છેલ્લાં ત્રણ વરસથી તમારી બંનેની વચ્ચે ‘ ઇલુ...ઇલુ..’ની રમત ચાલતી હતી. ભલે તમે કોઇપણ જાતની છૂટ્છાટ લીધી નહોતી... પણ જ્યાં હોય ત્યાં તમે બંને સાથેને સાથે જ...! ક્લાસમાં લેક્ચર એટેન્ડ કરવાનું હોય તો બંને સાથે જ હોય... એક જ બેન્ચ ઉપર આંખમિચોલી ખેલતાં ખેલતાં ભણતાં હોય, રીસેસ હોય અને કેંટીનમાં હોય તો પણ બંને સાથે જ... એક જ ગ્લાસમાંથી કોલ્ડ ડ્રીંક બે સ્ટ્રો વડે સિપ કરતા હોય, કે એક જ ડીસમાંથી નાસ્તો કરતાં હોય. કે પછી એક જ મગમાંથી વારાફરતી કોફીની ચુસ્કીઓ લેતાં હોય, ગાર્ડનમાં હોય તો એકબીજાના હાથમાં હાથ લઇને કે પછી એકના ખોળામાં બીજાનું માથું હોય, બીજી માથાના વાળમાં આંગળાં ફેરવવા માંડે...! આ બધું શું એક બીજા સાથેના પ્રેમ વિના માત્ર મિત્રતાના કારણે શક્ય હતું...! ના... તમારા બે વચ્ચે માત્ર એકલી મિત્રતા જ નહોતી, તેથી વિશેષ કાંઇક હતું જ.... જેને તમે પ્રેમ કહેતા હતા વેદાંત અને તમારી સવિ મિત્રતા કહેતી હતી. તમે તો સવિ વિનાની જિંદગીની કલ્પના પણ કરી શકતા નથી... સવિ જ તમારૂં સર્વસ્વ હતી, સવિ જ તમારૂં જીવન હતી...! તમે સવિ સિવાય રહી શકો એમ છે જ નહીં, સવિ તો તમારો શ્વાસોચ્છવાસ છે,તમે કદાચ શ્વાસ લીધા વિના રહી શકો પણ સવિ વિના ના રહી શકો...! સવિ એ તો તમારો આત્મા છે અને એજ સવિ એમ કહે કે આપણી વચ્ચે માત્ર મિત્રતા જ હતી, આપણાં લગ્ન શક્ય નથી તો તમને આઘાત જ લાગેને ? તમારામાં તો આ આઘાત જીરવી શકવાની પણ તાકાત નહોતી...! સવિએ આવું કેમ કર્યું ? એ તમારા માટે સમસ્યા હતી, યક્ષ પ્રશ્ન હતો... સવિ પોતે ભલે ના પાડતી હોય તો પણ એ ખુદ પણ તમારા વિના રહી શકે તેમ નથી.
છેલ્લા દિવસે... પેપર પત્યા પછી તમે ગાર્ડનમાં બોગનવેલના ઝાડ નીચે બેઠાં હતાં, તમારું માથું સવિના ખોળામાં હતું, સવિ તમારા વાળમાં હાથ ફેરવતી હતી પણ તેની આંખો તો ડબ ડબ થતી હતી અને તે કહેતી હતી – કોલેજનું ભણવાનું પૂરું થયું, જીવનનો એક અધ્યાય પૂરો થયો, હવે આપણે કોણ જાણે ક્યારે મળી શકીશું ?.. તમારી આંખ પણ ભીની થઇ હતી ત્યારે તો સવિએ કહ્યું હતું કે – ‘ વેદુ. તું ચિંતા ના કરીશ... ઘેર પહોંચીને બે-ચાર દિવસમાં જ હું મારાં મમ્મી-પપ્પાને તારે ત્યાં મોકલી આપીશ, આપણા લગ્નની વાત કરવા, માગું લઇને...! હું મારાં માબાપની લાડકી છું. મારાં માબાપ મારી પસંદ-નાપસંદનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે, તારી સાથે મારાં લગ્ન કરાવવામાં તેમને કોઇ જ વાંધો નહીં આવે... તમારું ચુસ્ત બ્રાહ્મણ કુટુંબ અમને ક્યાં મળવાનું હતું ? અને તારા જેવો – રાજકુમાર જેવો યુવાન, ભણેલો-ગણેલો, પૈસે ટકે સુખી ઘર... મારાં માબાપને આ સબંધમાં કોઇ વાંધો આવે એમ નથી..! ‘ તેને આટલો બધો તો વિશ્વાસ હતો અને એ એકદમ કેમ બદલાઇ ગઇ ? શું તેને તમારા કરતાં વધારે દેખાવડો, વધારે પૈસાવાળો કે વધારે ભણેલો યુવાન મળી ગયો હશે ? તેણે તમારી સાથે શા માટે બેવફાઇ કરી ? તમને પોતાને પણ સમજ પડતી નહોતી વેદાંત...!
વાત તો તેની સાચી જ હતી. તમારું કુટુંબ રૂઢિચુસ્ત મરજાદી બ્રાહ્મણ કુટુંબ હતું...! જેમાં સવારમાં સ્નાન કર્યા વિના ચા પણ પીવાની મનાઇ હતી...! મા જો કોઇની ખબર લેવા દવાખાને ગઇ હોય આવીને પાણિયારે પણ ના અડે... આભડ્છેટ્વાળું શરીર કહેવાય, હાબોટ માથું ચોળીને ન્હાય પછી જ પાણી પણ પીએ. વખાકાકા ગાર્ડનમાં માટી કે ખાતર પાથરવા ,કે લોન કાપવા, કે બગીચાનાં ફૂલછાડને પાણી પાવા તો રોજ આવે, મા તેમના માટે ચા પણ બનાવે પણ વખાકાકાનો કપ બગીચામાં જ પડી રહે, વખાકાકા પોતે જ તેને ધોતા અને તેમાં જ કાયમ બા તેમને ચા આપે તે પણ ઊંચા હાથે... ઘણીવાર તો તમે પણ માને બોલતાં સાંભળેલી કે ધારે ધારે આભડછેટ પણ ઉપર આવે...! આવું મરજાદી કુટુંબ... એટલે તો તમે પોતે પણ ક્યારેય સવિને ઘેર લાવવાની હિંમત કરેલી નહીં. સવિ માટે માને મનાવવાનું અઘરૂં જરૂર હતું પણ અશક્ય નહોતું, તમને ગળા સુધીની ખાત્રી હતી કે તમે માના લાડકા છો એટલે મા કોઇપણ સંજોગોમાં તમને નારાજ તો નહીં જ કરે...! જે રીતે મા તમારી માંગણીઓ પૂરી કરતી હતી તે જોતાં મા સવિ માટે કદાચ તમને ઠપકો આપશે, પણ સવિને અપનાવી લેશે તેની ગળા સુધીની ખાત્રી હતી તમને...! તમારા ઘર તરફથી તમારા આ સબંધને લીલી ઝંડી મળવાની જ હતી પણ અહીં તો ઊંધું થયું હતું – સવિ તરફથી જ ના થઇ ગઇ હતી. તમને એ નહોતું સમજાતું વેદાંત કે સવિ આમ છેલ્લા પાટલે કેમ બેસી ગઇ ? સવિ તરફથી તમે આવી અપેક્ષા તો રાખી જ નહોતી...! તમારે શું કરવું એજ તમને નહોતું સમજાતું...! સવિ આ ભવમાં મળે કે ના મળે પણ.... તેણે તમને કેમ તરછોડ્યા એજ તમને સમજાતું નહોતું...! અને જ્યાં સુધી એનું કારણ ખબર નહીં પડે ત્યાં સુધી તમને ચેન પડવાનું નહોતું...! સવિએ જે આઘાત આપ્યો તે તો ક્યારેય ભૂલાય એમ નહોતો...પણ તમારે માટે તેનું કારણ જાણવું જરૂરી હતું...! અને એ જાણવા તમારે શું કરવું તેજ તમને સમજાતું નહોતું...! પણ...
કકુડી આવી હતી. કકુડી સવિના ગામની જ છોકરી હતી, તેની જ નાતની હતી,અને સ્પેશ્યલ તમને મળવા જ આવી હતી. કદાચ સવિના સમાચાર આપવા જ આવી હતી. તમને જોઇને એક બાજુ લઇ ગઇ અને પછી કહેવા લાગી,” સવિ માટે તમે વેદુભાઇ કોઇ આડી અવળી ધારણા ના કરી લેતા,તે તો તમને જ ચાહે છે અને ચાહતી રહેશે પણ... તમારા ભલા માટે તેણે તમારો ત્યાગ કર્યો છે,તમને કદાચ ખબર નથી પણ અમે લોકો નીચ વર્ણનાં ગણાઇએ છીએ... જેને તમે બધા હરીજન ગણો છો,અમને અડકવાથી પણ તમે અભડાઇ જાવ છો.સવિને ખબર પડી કે તમે તો મરજાદી બ્રાહ્મણના દિકરા છો એટલે તેણે મન મોટું કરી,તમને અને તમારા કુટુંબને અભડાવવાના બદલે તમારો ત્યાગ કર્યો...”
કકુડીની વાત સાંભળી તમે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડયા અને નાતજાતની વાડાબંધી કરનારા સમાજ પ્રત્યે ગુસ્સે થયા પણ...!