Arjunsinh Raulji

Fantasy

3  

Arjunsinh Raulji

Fantasy

પ્રિયદર્શિની

પ્રિયદર્શિની

7 mins
613       અવકાશમાં એક જોરદાર ધડાકો થયો, ઘડીભર તો અવકાશમાં પોતપોતાની સ્પેસ લાઇન ઉપર ચાલતી સ્પેસ શટલોમાંથી લોકો ડોકાં બહાર કાઢી જોઇ રહ્યા...પણ માત્ર ઘડીભર ..એક માઇક્રો સેકંડ પૂરતા જ ..! તેમની સ્પેસ શટલો તો પોતાની લાઇનો ઉપર દોડતી રહી. એક સ્પેસ શટલ હવામાં ઉછળીને ધડાકા સાથે તૂટી પડી હતી,તેનો ભંગાર તો અવકાશમાંજ બળીને ભસ્મ થઇ ગયો હતો ..! પણ તેના ધડાકા સાથે જ તેમાંથી એક ફાઇબરિક પ્લેટફોર્મ બહાર અવકાશમાં ફેંકાયું હતું અને તેના ઉપર સ્પેસ શટલનો માલિક ફેંકાયો હતો – બેભાનાવસ્થામાં જ ..! તેને માથામાં વાગ્યું હતું અને તે ઉંહકારા કરતો હતો, તેનો મતલબ એ થયો કે ભલે સ્પેસ શટલ તૂટી પડી પણ તેને ચલાવનારો જીવતો હતો. હજુ તેના ખોળિયામાં જીવ હતો એટલે જો તેને સમયસર સારવાર મળી જાય તો કદાચ તે જીવી પણ જાય ..! પણ તેને તેના ફાઇબરિક પ્લેટફોર્મ સાથે કોણ તેના ઘેર લઇ જાય. જો તેને તેના ઘેર પહોંચાડવામાં આવે તો તેના ઘરનો રોબોટ ડોક્ટર તરત જ તેની સારવાર શરુ કરી દે અને તે ગણતરીના કલાકોમાં જ પાછો હતો તેવો થઇ જાય ..! પણ કોણ તેને પોતાની સ્પેસ શટલમાં તેના ઘેર પહોંચાડે ..?


સ્પેસ શટલો તો ઢગલાબંધ પસાર થતી હતી, તેની આજુબાજુથી પણ ..! બધાંને ઉતાવળ હતી, કોઇકને ઓફિસ જવાનું હતું, કોઇકને કંપની ઉપર જવાનું હતું , કોઇકને દુકાને જવાનું હતું –દુકાન રોબોટના ભરોસે હતી ..તો કોઇકને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કોઇ નિકેશને તેના ઘેર પહોંચાડવા નવરું નહોતું ...હા.. એ સ્પેસશટલના માલિકનું નામ નિકેશ હતું. એક કંપનીનો માલિક હતો પણ એકલો જ હતો ..તેના ઘેર બીજું કોઇ નહોતું, નહીંતર તો તેના ઘરના કોમ્પ્યુટર ઉપર બીપ બીપ અવાજ સાંભળીને અહીંનું લોકેશન મેળવી તેના ઘરનું કોઇક્ને કોઇક તો આવી જ જાત ..!


કદાચ લાંબા સમય સુધી જો કોઇ નહીં આવે તો નિકેશ સારવાર ના મળવાના કારણે મ્રુત્યુ પણ પામે ..! પણ .. તે ફાઇબરિક પ્લેટફોર્મ ઉપર ફેંકાયો તેની માત્ર દસ જ સેકંડમાં આકાશમાં એક જબરજસ્ત તેજ લિસોટો થયો અને તરત જ એક યુવતી ફાઇબરિક પ્લેટફોર્મ ઉપર નિકેશની બાજુમાં આવીને ગોઠવાઇ ગઇ ..! છૂટા લાંબા વાળ ...માંજરીઆંખો, અણીયાળું નાક, લંબગોળ રુપાળો ચહેરો, રાતની લાઇટમાં પણ તે ઝગારા મારતો હતો ..! તે ફાઇબરિક પ્લેટફોર્મ ઉપર પલાંઠી વાળીને બેસી ગઇ, નિકેશનું માથું પોતાના ખોળામાં લીધું અને હવે તે તેની આજુબાજુથી પસાર થતી સ્પેસ શટલોને હાથ કરી કરીને ઉભી રાખવા ઇશારા કરી રહી હતી સાથે સાથે બોલતી હતી, પ્લીઝ, હેલ્પ મી, મારા મિસ્ટરને એક્સીડન્ટ થયો છે, અમને અમારા ઘેર પહોંચાડો પ્લીઝ, જેથી મારા નિકેશને તાત્કાલિક ઘરનો રોબોટ ડોક્ટર સારવાર આપે, મારો નિકેશ બચી જાય ..પ્લીઝ .. જો તેને સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે ..” સાથેસાથે તે ક્યારેક ક્યારેક હાથ પણ જોડતી હતી.પણ આટલા વ્યસ્ત સમયમાં કોની પાસે નવરાશ હતી ..? કોણ ઉભું રહી તેને મદદ કરે ? લોકો એની વાત સાંભળતા હતા કે નહીં ..? અને સાંભળતા હોય તો પણ તેની રીક્વેસ્ટ સમજતા હતા કે નહીં ? કશી ખબર પડતી નહોતી.


ત્યાંથી પસાર થનારા તેના તરફ જોઇ રહેતા હતા તે વાત સાચી . .આમને આમ થોડોક સમય વીત્યો હશે , કદાચ તેનો અંતરાત્મા પોકારી ઉઠ્યો હશે –પ્રિયા ,તું પોતેજ તારા ઘરના રોબોટને મેસેજ પહોંચાડ..તો કદાચ તે આવીને નિકેશને લઇ જાય ..અથવા ડોક્ટર રોબોટ અહીં દોડી આવે ..! પણ ના.. એક સ્પેસ શટલ વિચિત્ર અવાજ સાથે ફાઇબરિક પ્લેટફોર્મ પાસે ઉભી રહી, તેમાંથી ડોકું બહાર કાઢી એક ભાઇ બોલ્યા – વોટ હેપન્ડ મેડમ ? અને પછી એ મેડમનું નામ ખબર ન હોવાથી તેના તરફ તાકી રહ્યા..! તરત જ યુવતી બોલી-આઇ એમ પ્રિયદર્શની ..! પ્લીઝ હેલ્પ મી .. મારા પતિ છે નિકેશ ..તેમનું સ્પેસશટલ ક્રેક થઇ ગયું છે અને હી ઇઝ ઓલ્સો ઇન્જર્ડ ..! જો સમયસર સારવાર નહીં મળે તો ...કહેતાં કહેતાં પ્રિયા લગભગ રડી પડી ..! કદાચ કોઇની મદદ ના મળે તો નિકેશની શી હાલત થાય ? એ વિચાર આવતાં જ તેની આંખો છલકાઇ ઉઠી હતી. પેલા ભાઇ સ્પેસ શટલની બહાર આવ્યા –જુઓ મેડમ પ્રિયદર્શિની ,આમ નાસીપાસ થયે નહીં ચાલે –કંટ્રોલ યોર સેલ્ફ .. મન મક્કમ કરો. આઇ એમ મિ.વિરલ .. હું એક ઇન્ટરનેશનલ કંપનીમાં સી.ઇ.ઓ.છું .તમારા મિસ્ટરને કાંઇ જ નહીં થાય .. આઇ વીલ હેલ્પ યુ .. પ્રિયાએ તેના તરફ જોઇ બે હાથ જોડ્યા –મેની મેની થેન્કસ ટુ યુ ... સર ..ચાલો આપણે બંને થઇ મારા નિકેશને ઘેર પહોંચાડીએ એટલે તેનો રોબોટ ડોક્ટર તેની સારવાર શરુ કરે. વિરલે એક બટન દબાવ્યું-પોતાના હાથમાં રહેલા સ્પેસ શટલના રિમોટમાં એટલે સ્પેસ શટલના પાછલા ભાગમાંથી એક પલંગ બહાર આવ્યો. તેજ સમયે પ્રિયાએ ફાઇબરિક પ્લેટફોર્મના ખૂણામાં રહેલી સ્વીચ દબાવી તે સાથે એ પ્લેટફોર્મ જાતેજ ઉંચકાયું અને ખૂબ જ હળવાશથી નિકેશના બોડીને પલંગ ઉપર સુવડાવ્યું .વિરલ અને પ્રિયા આગળની સીટ ઉપર ગોઠવાયાં.સ્પેસ શટલનો પાછલો દરવાજો આપમેળે બંધ થઇ ગયો.


       મેડમ પ્રિયા.. હું પ્રિયા કહીશ તો વાંધો નથીને ? કારણકે પ્રિયદર્શિની જેટલું લાંબું નામ બોલવાની મને આદત નથી..વિરલ મોંઢામાં મુકેલ કોઇક ટેબ્લેટ વાગોળતાં બોલ્યો .. તમને આ માઉથ ફ્રેશનર ચબાવવાનું ફાવશે ? આપું ..?

ના..ના.. મને કોઇ હેબીટ નથી. પ્રિયાએ નમ્રતાથી ના પાડી દીધી. સ્પેસ શટલ તેની પૂર્ણ ગતિથી વાદળોને ચીરતું આગળ વધી રહ્યું હતું.

મેડમ , તમારા સ્પેસ શટલને શું થયું હતું ? કેમ અચાનક ક્રેક થઇ ગયું ?

આઇ ડોન્ટ નો .. પ્રિયાએ કહ્યું , તે સાથે વિરલ તેના તરફ વિચિત્ર નજરે તાકી રહ્યો. તેને નવાઇ લાગતી હતી કે પ્રિયા સ્પેસ શટલમાં હોય અને ક્રેક થાય તો પણ આ યુવતીને તેનું કારણ ખબર પણ ના પડે ..! સ્પેસ શટલના ડીસ્પ્લે બોર્ડ ઉપર તે અંકિત થઇ જ જાય ..!

પ્રિયાને પણ ખ્યાલ આવી ગયો કે વિરલ શા માટે તેના તરફ વિચિત્ર નજરે તાકી રહ્યો છે એટલે તે તરત જ બોલી-આઇ વોઝ નોટ ઇન ધ શટલ ..માય હસબન્ડ નિકેશ વોઝ અલોન ઇન ધ શટલ ..ધેટ્સ વાય આઇ ડોન્ટ નો ધ રીઝ્ન ..

ઓહ ..વેરી સોરી , એટલે કે તમે હમણાં જ આવ્યાં છો ?

હા.. તેમની વાતો ચાલતી રહી, સ્પેસશટલ ઉડતું રહ્યું. એક્બીજાનો પરિચય મેળવ્યો.પોલિટીક્સની વાતો કરી.નવી નવી શોધો અને સંશોધનોની વાતો કરી ...એમ કરતાં કરતાં તેઓ છેવટે ગંતવ્ય સ્થાને પહોંચી જ ગયાં. નિકેશનો અઢારમા માળે આવેલો ફ્લેટ ઘણો વિશાળ હતો .. આગળના ભાગમાં સ્પેસ શટલના પાર્કિંગ માટે વિશાલ પાર્કિંગ પ્લોટ હતો. વિરલે ત્યાં સ્પેસ શટલ પાર્ક કર્યું અને એ લોકો બહાર આવ્યાં.પણ ... પ્રિયા પાસે ફ્લેટની ચાવી નહોતી એટલે તેણે પોતાના પર્સમાંથી બીજું એક રિમોટ કાઢ્યું અને તેનાથી ફ્લેટ ખોલ્યો. એ લોકો અંદર આવ્યાં. ડોક્ટર રોબોટ હાજર જ હતો તેને પ્રિયાએ કમાન્ડ આપ્યો એટલે તે સ્પેસ શટલમાંથી નિકેશને ઉંચકી લાવ્યો. નિકેશના બંને હાથનાં કાંડાં તેણે ચકાસ્યાં તેની સાથે બોલ્ટ બાંધ્યો અને નિકેશની સારવાર શરુ કરી .


       હવે વિરલને રોકાવાની જરુર નહોતી.તેણે જવા માટે તૈયારી કરી. તેની નજર દિવાલ ઉપર ડીસપ્લે કરેલા ફોટા ઉપર પડી. એ ફોટો આ પ્રિયાનો જ હતો.વિરલ ફોટો તો ઓળખી ગયો પણ તેને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે પ્રિયાના ફોટા ઉપર સુખડનો હાર ઝગમગાતો હતો –જે કોઇ મ્રુત વ્યક્તિના ફોટા ઉપર જ જોવા મળે. એટલે કે ફોટાવાળી વ્યક્તિ હયાત નહોતી –જ્યારે પ્રિયા તો તેની સાથે જ હતી. કદાચ તેની જુડવા બહેન હોઇ શકે. તે ઘડીભર પ્રિયા સામે તાકી રહ્યો, પછી ફોટા સામે તાકી રહ્યો. પ્રિયા તેના ચહેરા ઉપર બદલાતા જતા હાવભાવ જોઇ રહી. તેને ખ્યાલ આવી ગયો કે તેના મગજમાં ક્યા પ્રકારની ગડમથલ ચાલી રહી છે ..!


--- મિ.વિરલ , ગભરાશો નહીં અને ડરશો પણ નહીં. તમે જે ફોટો જોઇ રહ્યા છો તે મારા પેલા ભવનો છે અને તમારી સામે હું ઉભી છું તે પણ મારું પેલા ભવનું સ્વરુપ છે . એ ભવમાં નિકેશ મારો પતિ હતો ..અમારી વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે હું તેના વિના રહી શકું તેમ નહોતી , છતાં મારું મ્રુત્યુ થયું અને કુદરતે અમને અલગ કરી દીધાં બાકી ...અમે તો એક જીવ અને બે દેહ હતાં ..! ભવોભવનાં બંધને બંધાયેલાં ..! પણ કુદરતને એ મંજૂર નહોતું. મારા નિકેશને ઘા પડે તો મને દરદ થાય અને મારું હૈયું નંદવાય તો નિકેશ રડવા માંડે –એવો સબંધ હતો અમારી બંને વચ્ચે. જ્યાં હોય ત્યાં અમે સાથેને સાથે જ રહેતાં. નિકેશને મારા વિના ના ચાલે અને મને નિકેશ વિના ના ચાલે ..! લોકો અમારા પ્રેમની અદેખાઇ કરતાં – અમારા પ્રેમને વખાણતા. અમારા અતૂટ પ્રેમને દર્શાવતી એક ફિલ્મ પણ ઉતરી હતી –“ પ્રિયદર્શિની “ જે બોક્ષ ઓફિસ ઉપર પણ હીટ થઇ હતી. બંને સાથેને સાથે જ..! પણ ... મારું મ્રુત્યુ થયું. યમરાજા મને લેવા આવ્યા પણ હું જવા તૈયાર નહોતી ..યમરાજાને મેં મને છોડી દેવા ખૂબ જ કાલાવાલા કર્યા –છેવટે યમરાજાનું દિલ પીગળ્યું. તે મારા ઉપર પ્રસન્ન થયા. તેમણે કહ્યું – આજની તારીખે તારું મ્રુત્યુ વિધાતાએ લખ્યું જ છે, વિધિના લેખ ઉપર મેખ મારવાની મારી કોઇ તાકાત નથી –વિધિના લેખ કોઇપણ સંજોગોમાં મિથ્યા થઇ શકતા નથી પણ તારો તારા પતિ તરફનો પ્રેમ જોઇ હું તને એક વચન આપું છું કે તારો પુન:જન્મ થશે તો પણ તું તારા નિકેશને ભૂલીશ નહીં,તને નિકેશની તમામ માહિતી મળતી રહેશે. તું જ્યારે ઇચ્છીશ ત્યારે નિકેશ પાસે જઇ શકીશ. તું નિકેશને ઓળખી શકીશ પણ નિકેશ તને ઓળખી શકશે નહીં ..કહેતાં કહેતાં પ્રિયાનું ગળું રુંધાઇ ગયું .. તેણે રુમાલ કાઢી આંખો લુછી,પછી આગળ ચલાવ્યું – નિકેશનું સ્પેસશટલ ક્રેશ થયું તેનો ધડાકો મને સંભળાયો. મારો નવો જન્મ પુરુષ તરીકે થયો છે ..હું મારી ફેકટરીમાં આગ લાગી છે તે જાણી અને ફેકટરી જ જતો હતો અને મેં ધડાકો સાંભળ્યો.બધું જ કામ પડતું મૂકી હું અહીં દોડી આવી –મારો નિકેશ ભાનમાં આવે તો મને ઓળખી શકે એટલા માટે હું મારા પેલા ભવના રુપમાં અહીં આવી. તમે મને જે હેલ્પ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર .મેની મેની થેંકસ ટુ યુ .તમે હવે જઇ શકો છો ..મારો નિકેશ જાગશે,ભાનમાં આવશે તો તે પણ મને નહીં જવા દે .. ડોક્ટર રોબોટ તેને સારો કરી જ દેશે .હવે મારો નિકેશ સલામત છે એટલે હું પણ હવે જઇશ ..મારાથી પણ નિકેશની સામે નહીં અવાય ..કહેતાં જએક તેજ લિસોટો થયો આકાશમાં ..અને વિરલે જોયું તો પ્રિયદર્શિની અદશ્ય થઇ ગઇ હતી ..!


Rate this content
Log in

Similar gujarati story from Fantasy