Arjunsinh Raulji

Drama Thriller

4.8  

Arjunsinh Raulji

Drama Thriller

પોસ્ટ મોર્ટમ

પોસ્ટ મોર્ટમ

8 mins
714



“ રહેવા દો હમણાં સંગીતાને ... પહેલાં તેનું પોસ્ટ મોર્ટમ કરવાનું છે ..પછી જ તેના મ્રુતદેહને નવડાવી શ્મશાને લઇ જવાનો છે ..પહેલાં પોસ્ટ મોર્ટમ..” લગભગ ચીસ પાડતો હોય એ રીતે શ્લોક જોરથી બોલ્યો અને પછી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો . ભેગાં થયેલાં બધાં જ સગાંવહાલાં આશ્ચર્યથી શ્લોક સામે તાકી રહ્યાં ...! બધાંયના ચહેરા ઉપર પ્રશ્ન ડોકાતો હતો – કેમ ? આવું શા માટે ? .. ખરેખર આશ્ચર્યની જ વાત હતીને ? સંગીતા સીધી સાદી ઓરત હતી .. તેના અને શ્લોકનાં લગ્નને પણ લગભગ નવ વરસ જેવો સમય વીતી ગયો હતો છતાં તેમના ઘેર પારણું બંધાયું નહોતું .તેમણે બધા જ ઉપાયો કર્યા હતા – દવા , દારૂ , ભૂવા , જાગરિયા .. કોઇ કહે આમ તો તે ઉપાય પણ તેઓ કરતાં હતાં પણ ...! છેલ્લા સાત માસથી ભગવાને તેમની ઇચ્છા પૂરી કરી હતી . સંગીતા પ્રેગનન્ટ હતી .. સાત મહિનાથી ..! આખું કુટુંબ ખુશ હતું ... અને એ પ્રેગનન્સીમાં જ કાંઇક આડું અવળું થઇ ગયું હતું કે સંગીતાની આંખ મીંચાઇ ગઇ હતી . ગઇ કાલ સુધી તો તે હરતી ફરતી હતી ..આનંદથી બધાં સાથે વાતો કરતી હતી . બે દિવસ પહેલાં તો આવું બેજીવસોતું શરીર હતું છતાં પણ ગણેશ વિસર્જનમાં નાચી હતી . તેનાં સાસુએ તો કહ્યું પણ હતું કે – બેટા.. આવા શરીરે વધારે ઉછળ કૂદ સારી નહીં .. પેટમાંના બાળકને કાંઇ થઇ જાય તો આપણે ક્યાંયના ના રહીએ , કેટલા સમય પછી ભગવાને આપણા તરફ જોયું છે માટે આટલા ચાર મહિના સાચવી લેવાનું ..! કદાચ એમાં જ બાળકને નુકશાન થયું હશે અને એટલે જ સંગીતાનો જીવ ગયો હશે –એવી શ્લોકને શંકા હશે – અને એટલે જ તે તેનું પોસ્ટ મોર્ટમ કરાવવાનું કહેતો હશે .. બધાંને એમ લાગ્યું . .. અને વાત પણ સાચી હતી .ગઇકાલ સાંજ સુધી તો સંગીતા હરતી ફરતી હતી , ઘરનાં બધાં કામ પણ કરતી હતી ... સાંજે ટોપલો ભરીને વાસણ પણ ઘસ્યાં .રાતે શ્લોક સાથે બેસીને જમી પણ ખરી , બધાં સાથે બેસીને ટીવી પણ જોયું .. મોડા સુધી રાતે તેને ગમતી સીરિયલો પણ જોઇ .. અને પછી રાતે બે વાગે તે ચીસ પાડીને બેઠી થઇ ગઇ .શ્લોક તેની બાજુમાં જ ઉંઘતો હતો ,તે પણ શું થયું – કહેતો બેઠો થઇ ગયો . સંગીતાને પેઢામાં સખત દુખાવો ઉપડયો હતો . તેને દવાખાને લઇ જાય કે શ્લોક ડોક્ટરને ઘેર બોલાવે તે પહેલાં તો એક પછડાટ ખાઇ તેનો આતમ દીપ હોલવાઇ ગયો .. શ્લોક ચીસ પાડીને રડવા માંડયો – બાજુના રુમમાં સૂતેલાં તેનાં મમ્મી –પપ્પા પણ દોડી આવ્યાં .. પણ ખેલ ખલાસ થઇ ગયો હતો .સંગીતા અનંતની યાત્રાએ ઉપડી ગઇ હતી .

       શ્લોકે ચીસ પાડીને સંગીતાનું પોસ્ટ મોર્ટમ કરવાનું કહ્યું પછી તેને પોતાને પણ નવાઇ લાગી હતી . જો કે જ્યારથી સંગીતા પ્રેગનન્ટ થઇ હતી ત્યારથી શ્લોકનું મગજ ઠેકાણે નહોતું . તેને જાત જાતના વિચારો આવ્યા કરતા હતા . તે સંગીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરવા લાગ્યો હતો અને તેનું સચોટ કારણ તેની પાસે હતું . જ્યાં સુધી સંગીતાએ ગર્ભ ધારણ નહોતો કર્યો ત્યાં સુધી તો તેને પોતાની પત્ની ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો . તેના ચારિત્ર્ય વિશે કોઇ શંકા નહોતી . પણ .. સંગીતા મા બનવાની છે એવું જાણ્યું ત્યારથી જ તેના મગજની કમાન છટકી હતી . .. અને તેની શંકા આમ જોવા જાવ તો વ્યાજબી પણ હતી.

           શ્લોકનું સંગીતા સાથે લગ્ન થયું ત્યારે તો તે ખૂબ આનંદમાં હતો . સંગીતા જેવી દેખાવડી પત્ની મેળવવા બદલ તે પોતાને નસીબદાર માનતો હતો .સંગીતા દેખાવડી હતી , ભણેલી હતી , ઘરરખ્ખુ હતી .. તેનાં માબાપે નાતના રીતિ રિવાજ પ્રમાણે દહેજ પણ ઘણું સારું આપ્યું હતું . પહેરામણીમાં પણ કોઇ કસર બાકી રાખી નહોતી ..આમ સંગીતા બધી રીતે યોગ્ય હતી અને શ્લોકને લાયક હતી . આથી શ્લોક ખુબ જખુશ હતો .લગ્ન પછી લગભગ ત્રણ ચાર વરસ તો બધું સારું ચાલ્યું , વ્યવસ્થિત ચાલ્યું ...પણ પછી ધીરેધીરે અંદર અંદર ઘરમાં અને કુટુંબમાં ચણભણ ચાલુ થઇ ગઇ . બધાનો એક જ પ્રશ્ન અને સમસ્યા હતી કે સંગીતાની કૂખ ખાલી કેમ રહી છે .. તે ગર્ભવતી ક્યારે થશે ? એ ઘરમાં અને કુટુંબમાં પગલાંનો પાડનાર ક્યારે આવશે ..! ખાસ કરીને શ્લોકની મમ્મીને પોતાના પુત્રના ઘેર પારણું ક્યારે બંધાશે તેની ચિંતા સતાવતી હતી . શ્લોક તેમનો એકનો એક દિકરો હતો આથી પોતાનો વંશવેલો આગળ વધે એવી ચિંતા થાય એ સ્વાભાવિક હતું . અને એટલે જપછીથી શરુ થયા સંગીતાને ગર્ભ રહે તેના ઉપાયો..! કોઇક કહે માતાજીની બાધા રાખો , માતાજી પગલીનો પાડનાર અવશ્ય દેશે , પારણું અવશ્ય બંધાશે .સંગીતાને માતાજીના થાનકે લઇ ગયા , ભૂવાએ દાણા જોયા , ધૂણ્યો , માતાજી આવ્યાં ... કોઇકે સંગીતાની કૂખ બાંધી દીધી છે એટલે તે ગર્ભવતી થતી નથી ... કોઇક ટેક લેવડાવી .. બાધા આપી ...અને ઉપાય થયો . કોઇકે કહ્યું ઝંડ હનુમાન લઇ જાવ , તો તે ઉપાય પણ થયો ..કોઇકે ગણપતિદાદાની બાધા રાખવા કહ્યું તો તે પણ કર્યું ...જેટલાં મોઢાં તેટલા ઉપાયો . શ્લોકની મમ્મી કોઇ કસર છોડવા માગતી નહોતી .શ્લોકના પપ્પાએ વહુનું મેડીકલ ચેક અપ કરાવવા કહ્યું – પોતાના દિકરામાં ખામી હશે એવો તો તેમને વિચાર પણ આવતો નહોતો . ગાયનેક ડોક્ટરને ત્યાં લઇ ગયાં સંગીતાને . તેનું મેડીકલ ચેક અપ થયું ,રિપોર્ટ આવ્યા – સંગીતા બધી જ રીતે મા બનવાને લાયક હતી ,આથી તેમના ઘેર પારણું બંધાશે –એ વાતમાં કોઇ શંકા નહોતી ,થાય કોઇ કેસમાં વહેલું-મોડું પણ થાય – એમ મન મનાવ્યું ...પણ ...!

           બરાબર આ સમયે જ શ્લોકના પોતાના મનમાં પ્રશ્ન ઉઠયો કે –તે પોતે પણ બાપ બનવા યોગ્ય છે કે કેમ ..! ક્યાંક તેનામાં ખામી ના હોય ..! અને આ સમસ્યા એવી હતી કે તેની જાહેરાત ના કરાય .. શ્લોકની આબરુ અને મર્દાનગીનો પ્રશ્ન હતો પણ ..?! શ્લોકે છાની રીતે પોતાનું મેડીકલ ચેક અપ કરાવ્યું અને તેનો જે રિપોર્ટ આવ્યો તે ... શ્લોકના મોતિયા મરી ગયા . તેના સ્પર્મ કાઉન્ટ ઘણા ઓછા હતા ... મેડીકલી તે બાપ બની શકે તેમ નહોતો .. તેને લાગ્યું કે હવે ચૂપ રહેવામાં જ મજા છે , આબરુનો પ્રશ્ન હતો ,તેણે પોતાનો રિપોર્ટ તિજોરીના વચલા ખાનામાં જે પેપર પાથરેલું હતું તેની નીચે છૂપાવી દીધો –સંગીતાને પણ તે માટે કોઇ વાત ના કરી ..! ચૂપચાપ ઘરમાં સંગીતાને બાળક થાય તેનાં જે નાટકો થતાં હતાં તે મૂક પ્રેક્ષક બનીને જોયા કરતો હતો ,તે મેડીકલની કોઇ વાત કરતો નહોતો કે એમ પણ કહેતો નહોતો કે તેમને ત્યાં બાળક થવાના કોઇ ચાન્સીસ નથી ..! ખાસ્સો સમય ઘરમાં આ નાટક ચાલતું રહ્યું અને પછી એક દિવસ ઘરમાં ધડાકો થયો કે સંગીતા ગર્ભવતી છે અને તેની કમાન છટકી .

           માત્ર શ્લોક જ નહીં ,કોઇપણ પુરુષને શંકા પડે એવી વાત હતી .તે પોતે પુરુષમાં નહોતો , બાપ બનવાને યોગ્ય નહોતો એવું તેનો મેડીકલ રિપોર્ટ કહેતો હતો જ્યારે બીજી બાજુ તેની પત્ની સંગીતા ગર્ભવતી હતી , મા બનવાની હતી તો પછી આ બાળક કોનું ..? શંકાની સીધી જ સોય સંગીતાના ચારિત્ર્ય તરફ તકાય એ દીવા જેવી સ્પષ્ટ વાત હતી . શ્લોકનાં મમ્મીએ તો કહી દીધું કે –બાળક જે હોય તે તેમને સ્વીકાર્ય છે –છોકરા કે છોકરીનું કોઇ મહત્ત્વ નથી આથી મેડીકલ ચેક અપ નથી કરાવવું ..! પણ શ્લોકને શંકા હતી કે જો સંગીતા મેડીકલ ચેક અપ કરાવશે તો ..?! પણ ના... સંગીતાએ પણ મેડીકલ તપાસ કરાવવાની ના પાડી દીધી એટલે શ્લોકની શંકા વધારે મજબૂત બની . સંગીતાને તો ક્યાં ખબર હતી કે શ્લોક બાપ બનવા માટે યોગ્ય નથી ...એટલે એ વાત નક્કી હતી કે સંગીતાએ મોં કાળું કર્યું છે , એને પરપુરુષ સાથે છીનાળવું કર્યું છે એ વાત ચોક્કસ ...!

           પોતાને ગર્ભ રહ્યો છે એ વાતથી સંગીતા ખુશ થવી જોઇએ એના બદલે તે નિરાશ રહેવા લાગી . શ્લોક સિવાયનાં ઘરનાં બધાં તેને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરતાં હતાં છતાં તેના ચહેરા ઉપરની ઉદાસી દિવસે દિવસે વધતી જ જતી હતી . તેના મોંઢા ઉપર ક્યારેક ક્યારેક જાણે કે ખૂબ જ પીડા થતી હોય અને તેનાથી રહેવાતું ના હોય તેવો ભાવ પણ જોવા મળતો હતો .. તે ઘણીવાર મ્રુત્યુ અને તે પછીની પરિસ્થિતિની વાતો પણ કરતી હતી પણ કોઇને તેની પીડા સમજવાનું જ્ઞાન નહોતું . .. કે ના તો તેણે ક્યારેય પોતાને પીડા થાય છે અને ડોક્ટરને બતાવવું છે – એવો હરફ સુધ્ધાં કાઢ્યો હતો . જો કે શ્લોકને તેની પીડાનું જ્ઞાન હતું , પણ એ તો ગર્ભના કારણે હશે એમ તે માનતો હતો ..અને દવાખાને જવાના નામથી તો તે પણ ગભરાતો હતો – તેને માત્ર એક જ બીક હતી કે ક્યાંક તેનો ભાંડો ના ફૂટી જાય કે તે બાપ બનવા સક્ષમ નથી .આમ તો સંગીતા જ્યારથી ગર્ભવતી થઇ હતી ત્યારથી તેના મન ઉપરથી ઉતરી ગઇ હતી . કુલ્ટા , ચારિત્ર્યહીન ઓરત સાથે વળી કેવો પ્રેમ ? તે આજ વિચારમાં જીવતો હતો કે ભલેને આખું જગત ના જાણે પણ બાળક થયા પછી તે સંગીતાને અવશ્ય પૂછશે કે એ બાળક્નો બાપ કોણ છે ? તેણે કોની સાથે પોતાનું મોં કાળું કર્યું છે ? તેમની અને સંગીતાની આજુબાજુ જેટલા પુરુષો મંડરાતા રહેતા હતા તે બધાને શ્લોક શંકાની નજરે જ જોતો હતો – આ તો નહીં હોય –સંગીતા સાથે મોં કાળું કરનારો ..!

           -અને અચાનક સંગીતાનું મ્રુત્યુ થયું ,તેના શબને નવડાવીને શ્મશાન લઇ જવાની તૈયારીઓ થવા માંડી પણ ..! શ્લોકના મનમાં જે શંકા હતી તે ચીસ પાડી ઉઠી – ખરેખર સંગીતા ગર્ભવતી હતી ખરી કે પછી સમાજની આંખોમાં ધૂળ નાખવાનું તેનું આ નાટક હતું ..? તેને આ જાણવું હતું , તે બાપ બનવાને લાયક નહોતો એટલે બીજી શક્યતા જ વધારે લાગતી હતી અને જો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુરવાર થઇ જાય .. તો જ તેની શંકા દૂર થાય ..! એટલે જ તેણે પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો .

           પોસ્ટ મોર્ટમ રિપોર્ટે તો ઘરનાં બધાંયને આશ્ચર્યમાં મૂકી દીધાં .. જે હોય તે –‘ ના હોય “ કહેતાં થઇ ગયાં .એ રિપોર્ટ પ્રમાણે તો સંગીતા ગર્ભવતી નહોતી પણ તેના ગર્ભાશયમાં ગાંઠ થઇ ગઇ હતી જે દિવસે દિવસે વધતી જતી હતી જેના કારણે સંગીતાની પીડા પણ વધતી જતી હતી ..છતાં એ ઓરત કેવી હતી કે તેના મોંઢામાંથી પીડાનો હરફ સુધ્ધાં નીકળતો નહોતો – તે ચૂપચાપ પીડા સહન કરતી હતી પણ દવાખાને જવાનું પણ નામ નહોતી લેતી..!

           સંગીતાને વળાવી આવ્યા પછી શ્લોકે કોઇ નહોતું ત્યારે તિજોરી ખોલી .. પેલો પેપરનો કાગળ ઉંચો કર્યો ‘તો પેપર નીચે તેનો રિપોર્ટ નહોતો .. તિજોરીની ચાવી તો માત્ર સંગીતા પાસે જ રહેતી હતી તેનો મતલબ એ થયો કે એ રિપોર્ટ સંગીતાએ ...?! તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો ..!



Rate this content
Log in

Similar gujarati story from Drama