-------------। ઇજારો ।--------
-------------। ઇજારો ।--------
લતા અને સર્વેશ બંને ચિંતામાં પડી ગયાં હતાં. અને ચિંતા તો થાય જ ને ? આખર સોમી સર્વેશની મા હતી. સોમીએ સર્વેશ માટે જે ભોગ આપ્યો હતો તે તો કોઇ કાળે વિસારી શકાય એમ નહોતો. પોતે ભૂખી રહીને પણ સોમેશને ખવડાવ્યું હતું. પોતે ભીનામાં સૂઇને તેને કોરામાં સૂવડાવ્યો હતો. એક વખત તેને યાદ હતું કે તેની પાસે પહેરવાનાં કપડાં નહોતાં ત્યારે સોમીએ પોતાનો એકનો એક સાલ્લો કપડાંવાળાને આપી દીધો હતો અને તેના બદલે તેનાં જુનાં અને ફાટલાં તો ફાટલાં એક જોડી પેન્ટ શર્ટ લીધાં હતાં.
આમ તો સોમી પણ લોકોનાં ઘેર કપડાં –વાસણ –અને પોતાં કરવાનું જ કામ કરતી હતી, અને તેમાં જ એ બંને મા-દિકરાનો ગુજારો થતો હતો. પણ એક વખત તે બિમાર પડી હતી, સખત તાવ હતો. લગભગ સાત-આઠ દિવસ સુધી તો કામે જઇ શકી નહોતી. આથી બંગલાવાળાંને ત્યાંથી જે ખાવાનું મળતું હતું તે ખાવાનું બંધ થઇ ગયું હતું. એટલે ઘરમાં પણ લોટ, ચોખા, દાળ, તેલ બધું જ ખૂટી ગયું હતું અને સર્વેશ ભૂખે મરતો હતો. આથી સખત તાવ ચઢેલો હોવા છતાં પણ નવમા દિવસે સોમી કામ ઉપર જવા તૈયાર થઇ હતી. કામ ઉપર જવાનું મુખ્ય કારણ તો એ કે બંગલેથી ખાવાનું આવે તો ભૂખ્યો સર્વેશ પેટ ભરીને ખાય. એવી ...! તેની મા સોમી બિમાર પડી હતી. અને ડોક્ટરો કહેતા હતા કે તેને ગર્ભાશયનું કેન્સર થયું છે. ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનનો ખર્ચ લગભગ લાખ રૂપિયા થાય તેમ હતો. એટલા પૈસા ક્યાંથી કાઢવા ? લતા પણ લોકોનાં કામ કરીને – લોકોના ઘેર કચરાં-પોતાં-વાસણ કરીને ઘર ચલાવતી હતી. જ્યારે સર્વેશ પસ્તીની ફેરી કરતો હતો. ગલીએ ગલીએ ફરી ફરીને પસ્તી ભેગી કરતો હતો, સાંજ પડ્યે આ રીતે ભેગી કરેલી પસ્તી મોટા વેપારીને આપી આવતો. ભાવફેરના કારણે તેને થોડો ઘણો નફો મળતો ! પણ આ બંને પતિ-પત્નીનો ધંધો એવો હતો કે તેમાં કોઇ મોટી કમાણી થવાની આશા નહોતી,આથી આવો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો એ પ્રશ્ન હતો !
સર્વેશ અને લતા મોટી મૂંઝવણમાં મૂકાઇ ગયાં હતાં. માનો ઇલાજ તો કરાવવાનો હતો, મા કાંઇ અળખામણી નહોતી. પણ ઇલાજ કરાવવા નાણાં ક્યાંથી લાવવાં ? ન તો તેમની પાસે ઘરનું ઘર હતું કે ના જમીન ? લતા પાસે એવા દાગીના પણ નહોતા કે જે ગીરો મૂકીને કે વેચીને પૈસા મેળવી શકાય ! લગ્ન પણ તેમણે મંદિરમાં જ કર્યાં હતાં. લતા અનાથ છોકરી હતી. તે પણ મજૂરી કરી કરીને જ જીવતી હતી. તેમાંથી જ તે સર્વેશના સંપર્કમાં આવી હતી અને લગ્ન કર્યાં હતાં. આથી પિયરમાંથી મળેલા દાગીના પણ તેની પાસે નહોતા. તેમની નોકરી કે ધંધો જે ગણો તે પણ એવો હતો કે તેમાંથી માત્ર રોજિંદા ખર્ચને જ પહોંચી વળાતું હતું. બાકી વધારાનો ખર્ચ પહોંચી વળાય કે બચત થાય એવી કોઇ શક્યતા જ નહોતી. આવા સંજોગોમાં માની દવા કેવી રીતે કરાવવી – એ મોટો યક્ષ પ્રશ્ન હતો જેનો ઉકેલ ન તો લતા પાસે હતો કે ન સર્વેશ પાસે.
'આજે હું માને લઇને ફરીથી ડોક્ટર પાસે ગઇ હતી અને ડોક્ટરે કહ્યું છે કે જો માનું વહેલી તકે ઓપરેશન નહીં કરાવો તો મુશ્કેલી થશે, મા બચવી મુશ્કેલ છે. રાત્રે સર્વેશ આવ્યો એટલે લતાએ કહ્યું. સર્વેશ પણ મૂંઝવણમાં મૂકાઇ ગયો હતો. તેને પણ કોઇ રસ્તો સૂઝતો નહોતો. શું કરવું ? તેની સમજ પડતી નહોતી.
'આજે હું મારા શેઠને વાત કરવાનો હતો પણ શેઠ ગુસ્સામાં હતા એટલે નથી કરી ક્યાંક ગુસ્સામાંને ગુસ્સામાં ના પાડી દે તો. વાત વણસી જાય ! કાલે શેઠનો મૂડ જોઇને હું ચોક્કસ વાત કરીશ. શેઠને કાલવાલા કરીશ કે આટલી વખત મારૂં કામ કરી આપો. તમારા બધાય પૈસા હું દૂધે ધોઇને વાળી આપીશ. જ્યાં સુધી બધા પૈસા વસૂલ નહીં થાય ત્યાં સુધી પસ્તીનો એક પણ પૈસો લઇ જઇશ નહીં, અમે લતાની આવકમાંથી જ ઘર ચલાવીશું !'
સર્વેશ કહેતો હતો તો પણ સર્વેશને પોતાને પણ વિશ્વાસ નહોતો કે શેઠ તેને આટલી મોટી રકમ આપશે, પછી લતાને તો ક્યાંથી વિશ્વાસ હોય ? છતાં આશા અમર છે ને ! બીજા દિવસે સર્વેશ કોણ જાણે કેમ પણ થોડો વહેલો ઉઠી ગયો, તૈયાર થઇને કોથળા લઇ પસ્તી લેવા નીકળી પડ્યો. આજે તેનો ઉત્સાહ બેનમૂન હતો. ધાર્યા કરતાં પસ્તી પણ વધારે મળતી હતી આજે. બપોર થવા આવ્યો હતો છતાં દિવાળી નજીક આવે છે એટલે બધા મોટા મોટા લોકોએ ઘરની સાફ સૂફીનું કામ કાઢ્યું હતું. તે મોટા મોટા બંગલાઓની સોસાયટીમાં દાખલ થયો. દાખલા થતાંમાં જ મોટા બંગલામાં રંગ રોગાનનું કામ ચાલતું હોય એમ લાગ્યું. એક બહેન બહાર જ દરવાજામાં ઉભાં હતાં. તેમને જ પૂછ્યું – બહેન , પસ્તી કે ભંગાર આપવાનો છે ?
'હા...હા... ખુશ થતાં જ તે બહેન બોલ્યાં , બે દિવસથી હું પસ્તીવાળાને શોધું છું, સારૂં થયું તમે આવી ગયા તે ! બંગલામાં કલરકામ ચાલે છે, સાફસૂફી ચાલે છે એટલે ઘણી બધી પસ્તી ભેગી થયેલ છે, આવો તમે અંદર હું તમને બધી જ પસ્તી વીણી ચૂંટીને આપી દઉં.'
સર્વેશ ખુશ થતો થતો બંગલામાં દાખલ થયો. તેને બેઠક ખંડમાં બેસાડી તે બહેન વારાફરતી બધી રૂમોમાંથી પસ્તીનાં પોટલાં ખેંચી લાવતાં હતાં. તે વજન કરતો હતો અને વજન લખતો હતો. ઓછામાં ઓછા ચારથી પાંચ કોથળા થઇ ગયા હશે અને એકેક કોથળામાં નહીં નહીં તો ય આશરે ચાલીસ ચાલીસ કિલો જેટલી પસ્તી હશે. જે લઇ જવા પણ સર્વેશે હાથલારી લાવવી પડી. આજનો દિવસ કદાચ શુકનિયાળ જ હતો. ખાસ્સી પસ્તી મળી હતી. નફો પણ વધારે જ મળશે. સર્વેશ મનોમન ખુશ થતો હતો. જો આજે પસ્તી જોઇએ શેઠ ખુશ જણાય તો આજે વાત કરી જ લેવી ! કદાચ શેઠ માની પણ જશે. માનું ઓપરેશન થાય એટલા પૈસા ઉછીના મળી જ જશે કદાચ માતાજી કરશે તો !
દરરોજ તો તે બપોરે ઘેર આવતો નહોતો, બહાર જ જમી લેતો હતો, ક્યાંક સેવ ઉસળ કે વડા પાંવ એવું જ કંઇક ! પણ આજે પસ્તી વધારે હતી, આટલી બધી પસ્તી લઇ આખો દિવસ ફરવાનું મુશ્કેલ હતું. એટલે તે ઘેર પસ્તી લઇને ગયો – લતા પણ પસ્તી જોઇ ખુશ ખુશ થઇ ગઇ. તેણે લતાને ટાઇમ કાઢીને બધી પસ્તી અલગ અલગ કરવાનું કામ સોંપ્યું. જેથી પસ્તીમાં કોઇક કામની વસ્તુ આવી ગઇ હોય કે નકામી વસ્તુ આવી ગઇ હોય તો અલગ રાખી શકાય. લતા કોઇક બંગલેથી ખાવાનું લાવી હતી – કદાચ પાંઊભાજી જ હતાં. તે ખાઇને તે ફરીથી બીજા વિસ્તારોમાં પસ્તી લેવા ઉપડી ગયો. જતાં પહેલાં ઘડીવાર મા પાસે બેઠો. માએ તેના માથે હાથ ફેરવ્યો. તેને લાગ્યું કે દુનિયાનું સમગ્ર સુખ માના ખોળામાં જ છે. આ મા માટે તે જેટલો ભોગ આપે તેટલો ઓછો છે. પોતાની ચામડીના જોડા બનાવીને માના ચંપલ સિવડાવે તો ય ઓછું છે. બસ, આ માનું ઓપરેશન સારી રીતે પતી જાય તો સોમ નાહ્યા. પછીનાં પંદર વરસ તો મા સહેલાઇથી કાઢી નાખશે. તેનો આખો દિવસ કદાચ માના આશીર્વાદથી જ સારી રીતે પૂરો થયો. પસ્તી પણ સારી એવી મળી હતી, કદાચ શેઠ પણ ખુશ થઇ જશે અને માના ઓપરેશન માટે જરૂરી રકમ શેઠ ઉછીની પણ આપશે.
તે ઘેર પહોંચ્યો’તો લતા તેની જ રાહ જોતી હતી. કોઇ દિવસ નહીં અને તે દિવસે માના દેખતાં જ તેને બાઝી પડી ! ખૂબ ખુશ જણાતી હતી. તરત જ બોલી – માતાજીએ આપણી પ્રાર્થના સાંભળી લીધી લાગે છે જૂઓ. કહેતાં તેણે ઝગારા મારતો એક હાર તેની સામે ધર્યો અને બોલી – તમે જે કોથળા ભરી ભરીને પસ્તી લાવ્યા હતા તેમાંથી નીકળ્યો છે. સાચાં મોતીનો સોનાનો હાર છે અગિયાર તોલાનો. હું તેની કિંમત પણ કરાવી આવી છું. અમારા બંગલાવાળા શેઠને ત્યાં, લગભગ બાર લાખ રૂપિયા રોકડા આપવા તૈયાર છે તેઓ. અને મને કહ્યું છે કે' લતાબહેન તમે અડધી રાતે આવશો તો પણ હું બાર લાખ રૂપિયા રોકડા ગણી આપીશ.'
સર્વેશ બે ઘડી તો હાર તરફ જ તાકી રહ્યો. બાર લાખ રૂપિયા ! તેણે આશ્ચર્યથી જાણે કે ચીસ જ પાડી. તેની મા તેની સામે આશ્ચર્યથી તાકી રહી હતી, બોલી – 'શું થયું બેટા ?'
તેણે માને હાર બતાવ્યો અને કહ્યું કે – 'મા... ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, આ તેનો પુરાવો છે. પૂરા બાર લાખ રૂપિયાનો હાર છે. તારૂં ઓપરેશન હવે સારી રીતે થઇ જશે મા ! છતાં ઉપરથી પૈસા વધશે, આપણા દુ:ખના દિવસો પૂરા થઇ ગયા મા. તે આનંદમાં ને આનંદમાં જબોલતો હતો, જ્યારે મા તો અવાચક જેવી થઇ ગઇ હતી. ઘડીક હાર ભણી જોતી હતી તો ઘડીક પુત્રના મોંઢા ભણી.
'ક્યાંથી લાવ્યો આ હાર બેટા ?' મા પૂછતી હતી.
'પસ્તીમાંથી મળ્યો.' તેણે કહ્યું તેની સાથે જ તેની મા ચમકી.
'કોઇ જાણી જોઇને તો પસ્તીમાં આવો મોંઘો હાર તો ના આપી દેને બેટા ? ભૂલથી જ આવી ગયો હશે. વિચાર કર જેનો હાર ખોવાયો હશે તેની હાલત શી થઇ હશે ?'
સર્વેશ વિચારમાં પડી ગયો, તેણે આવું તો વિચાર્યું જ નહોતું. મા બોલતી હતી – 'બેટા , મેં તને મજૂરી કરી કરીને ઉછેર્યો છે પણ ક્યારેય આવા સંસ્કાર આપ્યા નથી. ઇમાનદારી એ માત્ર ધનવાનો કે ઉચ્ચ કોમનો ઇજારો નથી આપણો પણ અધિકાર છે ઇમાનદારી ઉપર. મારે આ હારના પૈસાથી મારો ઇલાજ નથી કરાવવો. નાલેશીભરી જિંદગીનાં પચાસ વર્ષ વધી જાય તોય શું ? મને એ માન્ય નથી. બેઇમાનીભરી જિંદગીનાં ગમે તેટલાં વર્ષ કરતાં ઇમાનદારીભરી જિંદગીનાં પાંચ દિવસ પણ મને સંતોષપૂર્વકનું મોત આપશે. જા બેટા ...જા... હાર ગુમ થઇ જવાના આઘાતથી કોઇકને કોઇક નુકશાન થાય તે પહેલાં આ હાર તેના માલિકને આપી આવ બેટા !
તે માના ચહેરા તરફ તાકી રહ્યો – એક અજબ પ્રકારનું તેજ માના ચહેરા ઉપર ઝગઝગતું હતું. તેને લાગ્યું કે તે માર્ગ ભૂલ્યો હતો અને માએ સાચો માર્ગ બતાવ્યો હતો ! તે મનોમન વંદી રહ્યો આ દેવીને !