વાઇફ સ્વેપિંગ
વાઇફ સ્વેપિંગ


આવું તો થોડું હોય ! આવી તો વળી રમત હોતી હશે ? તેને એમ લાગવા માંડ્યું કે તે ક્યાં ગામડાની ગોરી ? પતિ એજ પરમેશ્ર્વરમાં માનનારી અને આ નિશાંત તો શહેરમાં રહેનારો, પશ્ચિમી સંસ્ક્રુતિથી રંગાયેલો , ચાર ચાર વખત તો ફોરેન ફર્યાયેલો ..! તેનો અને નિશાંતનો મેળ કેમનો પડે ? અને ના..ના.. બીજી બધી વાતમાં ભલે મેળ પડે કે ના પડે ..પણ આવી રમતમાં તો ..! ના..ના.. ના ચાલે ..! કેવી રીતે ચલાવાય ? તેના પોતાના સંસ્કારો , તેનાં માતાપિતાના સંસ્કારો ..તેને પોકારી પોકારીને કહેતા હતા કે શાશ્ર્વતી ,બધું ચલાવી લેવાય .. પણ આવું..! લગીરેય નહીં ..! તેને લાગ્યું કે આ નિશાંત સાથે રહી રહીને તેના ગળામાં પણ બિભત્સા હકડે ઠઠ ભરાઇ ગઇ છે –ગમે ત્યારે બહાર આવી જશે –ના ગમતી , ગંધાતી , ખાટી ખાટી ઉલ્ટીના સ્વરૂપે જ..! હા.. કદાચ કોઇક આવી જશે તેમની ગાડીની ચાવી લઇને અને તેની સાથે ડ્રાઇવર સીટ ઉપર બેસી જશે – તેનાં કપડાં ઉપર છાંટેલા તીવ્ર પરફ્યુમ અને તેના શરીરમાંથી આવતી પરસેવાની મિશ્રિત વાસથી જ તે અંદરથી બહાર આવી જશે – તેનું આખું અંગત જ વોમીટ સ્વરૂપે બહાર ઢળી પડશે . તે નહીં સહન કરી શકે પરપૂરૂષની નજદીકિ .તે બેસશે તેની સાથે જ તેને વોમીટ થઇ જશે , તો પછી તેની સાથે રાત વીતાવવાનો કે સૂવાનો તો સવાલ જ કયાં ઉભો થાય ..?! પણ એ શક્ય નહોતું ..! તે નિશાંતની પત્ની હતી અને નિશાંત આ ઓરીએંટલ ક્લબનો સભ્ય હતો .ઓરીએંટલ કલબના બધા જ સભ્યો દર પંદર દિવસે આ હોટલ લાઇવ ઇનના એરકંડીશન્ડ હોલમાં ભેગા થતા હતા , પાર્ટી કરતા હતા .શેમ્પેઇનની બોટલો ફૂટતી હતી .ખાણી-પીણીની મહેફિલ જામતી હતી .ક્યારેક રમી રમાતી , ક્યારેક કેરમ, તો ક્યારેક અંતાક્ષરી પણ રમાતી .નાચ-ગાનની મહેફિલ પણ જામતી .કોણ કોની પત્ની અને કોણ કોનો પતિ –એવી કોઇપણ વાતનો છોછ રાખ્યા વિના – રેન્ડમલી પાર્ટંનરનું સિલેક્શન થતું .
અહીં બધાં નંબરથી જ ઓળખાતાં .કોઇનું કોઇ નામ નહોતું .એક ડીશમાં લેડીઝના નંબરો મિક્સ કરી નાખવામાં આવતા અને બીજી ડીશમાં જેન્ટસના . ડીસપ્લેમાં આવેલા નંબર ઉપર જો લેડીઝ ઉભી થાય તો જેન્ટસની ડીશમાંથી કોઇ એક નંબર સિલેકટ કરી લેતી-રેન્ડમલી , અને જો જેન્ટસ ઉભો થાય તો તે લેડીઝની ડીશમાંથી એક નંબર ઉપાડી લેતો –એજ તેની ડાન્સ પાર્ટંનર .મ્યુઝીકના તાલે તાલે એ લોકો ડાન્સ કરતાં ,એકબીજાની કમરો ઉપર હાથ ફેરવતાં ..! શરૂઆતમાં તો તેને જુગુપ્સા થઇ હતી –આવી વલ્ગર રમત ઉપર ..! પણ નિશાંતે તેને પ્રેમથી મનાવી લીધી હતી , છતાં પણ તેને આવી રમતો ઉપર નફરત જ થતી .પણ આ તો હાઇ સોસાયટી .આમાં તો આવું બધું ચાલ્યા જ કરે .ચલાવવું જ પડે .હાઇ સોસાયટીની આ તો ઓળખાણ હતી .તેની બહેનપણી ચુન્ની તેને લગ્ન પહેલાં આવું બધું કહેતી હતી –તારે જો હાઇ સોસાયટીમાં સેટલ થવું હશે તો આવું બધું ચલાવતાં શીખવું જ પડશે ..! તો પણ તેને ચીતરી થતી .પહેલી વખત તેના ડાંસ પાર્ટનર તરીકે આવેલો નંબર તેર . નાઇટલેમ્પના ઝાંખા અજવાળામાં પણ તેના દાંત પીળા દેખાતા , તેના મોંમાંથી બદબુ આવતી , આ બદબુ ઢાંકવા તે એકસો ત્રીસવાળું પાન ચબાવતો રહેતો .. તો પણ મોંમાંથી તમાકુની વાસ પણ ધસી આવતી .નાઇટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં તેણે એક-બે વખત તેને કીસ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો ,પણ તેણે મોંઢું ફેરવી લીધું હતું .આવું બધું થાય ત્યાં સુધી તો ઠીક હતું પણ આજે જે રમત આદરી હતી –વાઇફ સ્વેપીંગ..! છી ... આવી રમત તો રમાતી હશે ..!
તેણે નિશાંતનો હાથ ઝાલી ખેંચી જવાનો પણ પ્રયત્ન કર્યો હતો –ઘેર જતાં રહીએ ,નથી રમવી આવી રમત ..! પણ નિશાંત જે દયામણી નજરે તેના તરફ તાકી રહ્યો ,તે જોઇને તેનું મન પીગળી ગયું .પણ ના..ના.. તે કોઇપણ રીતે પરપુરૂષનું પડખું નહીં જ સેવે .ગોઠવણ પણ કેવી કરી હતી એ લોકોએ ..! દરેક ઓરતે પોતપોતાની ગાડીમાં જઇને બેસી જવાનું . એક પ્લેટમાં દરેક ગાડીની કી-ચેનો –તેના ઉપર ગાડી નંબરવાળી ટેગ લગાવી ભેગી કરી દીધી હતી , હોલમાં અંધારૂં છવાઇ ગયું હતું અને એ અંધારામાં જ બધા પુરૂષોએ વારાફરતી એક એક કી-ચેન લેવાનું અને તે જે ગાડીનું હોય તે ગાડી લઇ પોતાના મનગમતા સ્થળે કે હોટલમાં ચાલ્યા જવાનું .તે શું કરે ? રમત અધવચ્ચે કેવી રીતે અટકાવે ? પણ થાય શું ?
શાશ્ર્વતી તો પૂરેપૂરી ભારતીય સંસ્ક્રુતિમાં ઉછરેલી .તેના બાપા તો બ્રાહમણ . ચુસ્ત રીતે ભગવાન રામના પૂજક. દર શ્રાવણ માસમાં તો ગામમાં રામાયણ વંચાય. તેના બાપા જ વાંચતા .તે કાયમ કામથી પરવારી રામાયણ સાંભળવા જતી .બાપાની સામે જ બેસતી .બાપાની પાછળ મૂકેલ રામ-લક્ષ્મણ –જાનકી અને હનુમાનદાદાના ફોટાને તાકી રહેતી .સીતામાતા તેની આરાધ્યદેવી.તે સીતામાતાના એક પતિવ્રત અને ભગવાન રામના એક પત્નીવ્રતથી અંજાઇ ગયેલી .ચારિત્ર્ય અને શીલ એ તો તેના માટે અમૂલ્ય ખજાનો હતો ..ભલે જીવ જતો રહે પણ તે નંદવાવું ના જ જોઇએ –એવી વિચારસરણી તેને માબાપ તરફ્થી વારસામાં મળેલી હતી . ઉપરથી ગરીબ ઘર . બાપા કથાવાર્તા અને વિધિવિધાન ,યજ્ઞ કરાવવા જાય .તેમાંથી જે ફાકોમૂઠ મળે તેનાથી જ ઘરનું ગુજરાન ચાલે. તેમાં વળી શાશ્ર્વતીનાં ભાગ્ય ખૂલી ગયાં –તેના માટે નિશાંતનું માગું આવ્યું . ફોરેન રીટર્ન છોકરો –ચાર –પાંચ વખત તો બહાર જઇ આવેલો..! ઘરનો ધીકતો ધંધો. પોતાની જ પાંચ-છ ફેક્ટરીઓ ધમધોકાર ચાલે . પૈસાનો તો જાણે કે વરસાદ જ વરસતો હતો ..! શાશ્ર્વતીનાં તો ભાગ્ય જ ખૂલી ગયાં .લોકો કહેતાં હતાં કે આ ગરીબ ઘરમાં ભારતીય સંસ્કારોમાં ઉછરેલી ઓરત આવી હાઇ ફાઇ સોસાયટીમાં અને અમીર ઘરમાં કેમની સેટ થશે ? તેની બહેનપણીઓ અને ખાસ તો તેની ખાસ બહેનપણી ચુન્ની તો કહેતી હતી કે આવી હાઇફાઇ સોસાયટીમાં તેને સેટ થવામાં મુશ્કેલી તો જરૂર પડશે ..!ચુન્નીની વાત આમ તો સાચી જ હતી. તેને પરણીને આવ્યે હજુ તો ચાર મહિના જ થયા હતા , કેવી કેવી મુસીબતોનો સામનો તેને કરવો પડતો હતો ડગલેને પગલે ..!
ક્યારેક સાસુ પણ ટોકતાં –શાશ્ર્વતી , નોકરોને કે કામવાળીને મોંઢે ના ચઢાવાય ..! તેમને મોંઢે ચઢાવો તો તે પછી આપણા જ માથે છાણાં થાપે ? શાશ્ર્વતીને થતું –કેમ કામવાળી કે નોકર માણસ નથી ? તેનામાં પણ માનવીય લાગણીઓ છે જ ને ..! તેમની લાગણી સાથે ચેડાં કરવાં –એ ક્યાંનો ન્યાય કહેવાય ! પણ ના.. શાશ્ર્વતીને સાસુ સામે બોલવાનો અધિકાર નથી , તેની માએ ના પાડી છે ..! સાસુ –સસરા સામે નહીં બોલવાનું .આપણા ખાનદાનના સંસ્કારો લાજે .પતિના પગલે પગલે જ ચાલવાનું . , પતિ સાથે પણ બિનજરૂરી દલીલો નહીં કરવાની , પતિની વાત ખોટી હોય તો પણ તેને સ્વીકારી લેવાની .પતિનાં દરેક પગલાંને ક્યારેય સાચા-ખોટાના ત્રાજવે નહીં તોલવાનાં..હા.. આપણને પતિની વાત ખોટી લાગે , અન્યાયી લાગે તો પણ એક વખત તો તેનો સ્વીકાર કરી જ લેવાનો .પછી જ્યારે પતિ મુડમાં હોય ત્યારે પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરવાનો .પતિ માને તો ઠીક છે ,ના માને તો જિદ કરવાની નહીં .પતિના સુખે જ સુખી થવાનું અને પતિના દુ:ખે દુ:ખી , પતિ એજ પરમેશ્ર્વર છે ,અને પરમેશ્ર્વર માનીને જ તેની પૂજા કરવાની ..! શાશ્ર્વતીને આ સંસ્કાર જ નડતા હતા , સામે આવતા હતા ,અને એટલે જ તે પતિની દરેક વાત કોઇપણ પ્રકારની દલીલ કર્યા વિના સ્વીકારી લેતી હતી- પછી તે સાચી હોય કે ખોટી ,સારી હોય કે ખરાબ ..! અને એટલે જ તે આ પરિસ્થિતિમાં ફસાઇ ગઇ હતી ,અને તેમાંથી નીકળવાનો કોઇ માર્ગ તેને દેખાતો નહોતો .તેને મનમાં એમ જ થતું હતું કે અજાણ્યા પરપુરૂષનો સામનો તે કેવી રીતે કરી શકશે ? પરપૂરૂષ સાથે પ્રેમ અને વાસનાના ખેલ ખેલતાં પહેલાં તેનું મોત આવી જાય તો સારૂં , તેને એટેક આવી જાય તો સારૂં ..! નહીંતર તેણે જાતે જ જીભ કચડીને મરી જવું પડશે . તે વિચારોમાં લીન હતી કે એક બિલાડી તેની ગાડી ઉપરથી કૂદી .તે ઘડીભર તો ચમકી ગઇ , પણ પછી ટ્યુબલાઇટના અજવાળામાં તેણે તેની ચમકતી આંખો જોઇ ત્યારે તેને હોંશ આવ્યા કે-ઓહ ! આ તો બિલાડી છે . નજીકના કોઇક વ્રુક્ષ ઉપર બેઠેલી કોયલનો કેકારવ તેને સંભળાયો –હ્રદયને થોડીક શાતા વળી.
આમ તો શાશ્ર્વતી પહેલેથી જ દેખાવડી હતી . તેની નશીલી આંખો ભલભલાને પીગળાવી દે તેવી હતી .ધનુષ્યાકાર ભ્રમરો અજાણ્યા પુરૂષોને પણ આકર્ષવાની તાકાત ધરાવતી હતી .નિશાંતની બાબતમાં પણ એવું જ થયું હતુંને ? તેનાં માબાપની તો ક્યાં તાકાત હતી- નિશાંત જેવો જમાઇ શોધવાની ...? અરે ! માંડ પોતાનું ગુજરાન ચલાવી શકે તેવો ગરીબ અને મામૂલી વરરાજા શોધવાની પણ ગોરમહારાજમાં તાકાત નહોતી .પણ ... આ તો જ્ઞાતિના કોઇક લગ્ન પ્રસંગે નિશાંતે તેને જોઇ લીધી . જોતાંવેં’ત જ તે તેનાથી વશીભૂત થઇ ગયો .માબાપનો એકનો એક દિકરો હતો , લાડકવાયો હતો ,આથી તેની જિદ પાસે માબાપને નમતું આપવું પડ્યું .લક્ષ્મીની કોઇ ખોટ નહોતી .દહેજની કોઇ લાલસા નહોતી ,આથી શાશ્ર્વતી માટે માગું નાખ્યું .શાશ્ર્વતીને તો બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયા જેવું થયું .લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોંઢું ધોવા ના જવાય-એવું વિચારીને તેના બાપાએ માગું સ્વીકારી લીધું .ઘડીભર પણ તેમણે વિચાર નહોતો કર્યો કે ગરીબીમાં ઉછરેલી સંસ્કારી શાશ્ર્વતી એ હાઇ ફાઇ સોસાયટીમાં સેટ થઇ શકશે ખરી ? અરે ! એ વાત તો બાજુ ઉપર રહી પણ શાશ્રવતીનો વિચાર કે પસંદગી જાણવાનો પણ તે લોકોએ પ્રયત્ન કર્યો નહોતો .શાશ્રવતીએ પણ માબાપની વાતનો કોઇ વિરોધ ના કર્યો કે વિરોધ કરવાનો વિચાર પણ નહોતો કર્યો , એ તેના સંસ્કારોમાં જ નહોતું ..! હવે રહી રહીને આજે તેને લાગી રહ્યું છે કે –તે વખતે તેણે આ સબંધનો વિરોધ કર્યો હોત તો સારૂં..! પણ ના.. નિશાંત જેવો પ્રેમાળ પતિ તેને બીજો ક્યાંથી મળવાનો હતો ? જે થાય છે તે સારા માટે જ થાય છે . નિશાંત તેને ફૂલોમાં રાખે છે ,તેનો પડ્યો બોલ ઝીલે છે , તેના દુ:ખે દુ:ખી અને સુખે સુખી થાય છે .બસ ,આજની આ પળ જ સચવાઇ જાય તો ઘણું –કશું આડું અવળું ના થાય તો સારૂં .બાકી હવે પછી તો તે નિશાંતને આ ક્લબનું સભ્યપદ જ છોડાવી દેશે .અરે ! સભ્ય હોય તોય શું ? અહીં આવવું –ના આવવું એ તો તેમની મરજીની વાત છે ને ! હવે ફરી કદી આ તરફ આવવાનો કે નિશાંતને પણ આવવા દેવાનો તે વિચાર પણ નહીં કરે . તેણે મનોમન નિર્ણય કરી લીધો .મનને કાંઇક સારૂં લાગ્યું .
બધા પૂરૂષો ક્લબમાંથી એક સાથે નીકળ્યા-હાથમાં કીચેન ઝુલાવતા ઝુલાવતા . કસોટીની ઘડી નજીક આવી ગઇ હતી –કેમ સહન કરી શકશે તે ? પરપુરૂષનો સામનો કેવી રીતે કરી શકશે ? તે જાણેકે એ પળથી બચવા માગતી હોય તેમ તેણે આંખો મીંચી દીધી ..! અને મનોમન રામનામ જપવા માંડી . બધું જ ધ્યાન રામનામમાં કેંદ્રીત કરી દીધું .કોઇક આવ્યું ...ગાડીનો દરવાજો ખુલ્યો , માદક સુગંધ ગાડીમાં ફેલાઇ ગઇ ..કદાચ.. પણ ..તે આગળ વિચાર કરે તે પહેલાં તો પ્રશ્ર્ન પૂછાયો- ચાલ, ઘેર જઇશું’ને ? – અરે ! આતો નિશાંતનો અવાજ , તેણે આંખો ખોલી અને નિશાંતને બાઝી પડી ..!