કોમ્પ્રોમાઇઝ
કોમ્પ્રોમાઇઝ


અવની બોલતી હતી અને નીવા એકીટશે તેના ચહેરા તરફ તાકી રહી હતી .જો નીવા, લાઇફ એ હંમેશાં આપણે ઇચ્છીએ એ જ પ્રમાણે ચાલતું નથી . જીવનમાં ઘણીવાર આપણને ન ગમતા પ્રસંગો પણ આવે જ છે , તેનાથી ડરી જવાનું નહીં. તેનો હસતાં હસતાં સામનો કરવાનો – યા પછી ન ગમતું કામ પણ આંખો મીંચીને કરી નાખવાનું . કાયમ આપણને ગમતું કામ મળે એવું નથી .મને જો ... મને જોઇને કોઇ તો શું તું પણ નહીં કહી શકે કે મેં મારા પતિને છેહ દીધો છે અને અન્ય કોઇક ત્રાહિત વ્યકતિને મારું શરીર સોંપ્યું છે ... પણ હું આજે તારી વાત ઉપરથી એ કબૂલ કરું છું કે મજબૂરીનું બીજું નામ જ મહાત્મા ગાંધી છે . તને મારા પ્રત્યે કેટલું માન છે ? તું સ્વપ્નમાં પણ મને પતિતા કલ્પી ના શકે ... પણ શું થાય ? બિછાને પડેલા લકવા ગ્રસ્ત પતિની સારવાર કરવા ભોગ આપવો જ પડે છે .. નહીંતર મારો પગાર પણ ક્યાં વધારે છે ? તારા કરતાં પાંચસો –હજાર રુપિયા વધારે હશે . બીજી કોઇ આવક નથી . દિકરાને ભણાવવાનો ખર્ચ , પતિનો દવાદારૂનો ખર્ચ , આયાનો ખર્ચ , કામવાળીનો ખર્ચ ... આ બધું આટલા ટૂંકા પગારમાં કેવી રીતે પહોંચી વળાય... એટલે ક્યારેક ક્યારેક મજબૂરીથી ... કડવી દવા પીતા હોય એ રીતે ગંધાતા દાંત અને મોં વાળા પરપુરૂષોને શરીર સોંપવું પડે છે ... ન ગમતું કામ કરવું પડે છે ...!
વાત તો બહુ મામૂલી હતી . નીવાની મા બિમાર હતી –ટીબી થયો હતો અને નાનકડી રૂપાની સ્કુલમાંથી બાકી ફીની પઠાણી ઉઘરાણી થતી હતી . નીવાથી પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ નહોતી.અગાઉ અવની પાસેથી લીધેલા પાંચસો રુપિયા તો હજુ પાછા આપવાના બાકી હતા પણ ... જો બે દિવસમાં રૂપાની ફી નહીં ભરાય તો તેનું નામ કાઢી નાખવામાં આવશે એવી લેખિત ધમકી તેને મળી ગઇ હતી અને એટલે જ તે મૂંઝવણમાં હતી . ઉભા રહેવાનું અવની સિવાય તેનું બીજું કોઇ ઠેકાણું નહોતું .તેને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે અવની જ સંકટ સમયની સાંકળ હતી અને ક્યારેય અવનીએ તેને નિરાશ કરી નહોતી . અવની પોતે મુશ્કેલીમાં હોય તો પણ નીવાને અવશ્ય મદદ કરતી . નીવા પછી જ્યારે જ્યારે સગવડ થાય ત્યારે થોડા થોડા કરીને પૈસા પાછા આપતી .પણ આ વખતે ....! નીવાએ બીતાં બીતાં પૈસાની માગણી કરી ત્યારે અવનીએ આ ભાષણ આપ્યું .
આખા બત્રીસ જણના સ્ટાફમાં તે અને અવની એ બે જ સ્ત્રીઓ હતી , આમ છતાં બંનેમાં સારી મિત્રતા અને યુનિટી હતી . અવની નીવા કરતાં સીનિયર હતી ,કદાચ પાંચ-છ વર્ષ મોટી હતી ... આમ છતાં તેણે જમાનાને જોયો હતો અને જાણ્યો હતો આથી તે પિસ્તાલીસ વર્ષની ઠરેલ ઓરત જણાતી હતી . સારા નરસા પ્રસંગોએ નીવા અવનીની જ સલાહ લેતી અને અવની પણ તેને એક મોટી બહેનની માફક જ સલાહ આપતી , રસ્તો બતાવતી , જરૂર પડે તો મદદ પણ કરતી. નીવાને અવનીની જબરી હૂંફ હતી . સ્ટાફમાં પણ બધા અવનીની આમાન્યા રાખતા હતા . મોટા સાહેબ પણ અવનીની સલાહ લેતા .તેનો બોલ ઉથાપવાની કોઇ હિંમત કરતું નહીં .
ગઇકાલે રૂપાની ડાયરીમાં ફીની પઠાણી ઉઘરાણીનો મેસેજ વાંચી , નીવા મુશ્કેલીમાં મૂકાઇ ગઇ હતી . મહિનાના છેલ્લા દિવસો ચાલતા હતા . પગાર લગભગ પૂરો થવા આવ્યો હતો . માની દવા પણ ખલાસ થઇ ગઇ હતી ,માએ બે દિવસ પહેલાં જ તેને કહ્યું હતું કે – બેટા ,ગોળીઓ ખલાસ થઇ ગઇ છે ... તેણે માને ઠાલું આશ્વાસન આપ્યું હતું કે આજે નોકરી પરથી આવતી વખતે લેતી આવીશ પણ ... તેને ખબર હતી કે તેનાથી ગોળીઓ લવાશે નહીં કારણકે પર્સમાં પૈસા નહોતા ..! તેમાં પાછી નાની બહેન રૂપાની સ્કુલનો લવલેટર આવ્યો એટલે તેણે નાછૂટકે ,બીતાં બીતાં ... હા... આગળના પાંચસો રુપિયા આપ્યા નહોતા એટલે અવની ના પણ પાડી શકે – અવની પાસે હજાર રુપિયાની વીલા મોંએ માગણી કરી . અવની ઘડીભર તો તેના ચહેરાનું અવલોકન કરતી રહી અને પછી બોલી .
---- ક્યાં સુધી નીવા આમ તું બીજાં પાસે હાથ ધરતી રહીશ ? હું તો આપીશ ... નહીં સગવડ હોય તો પણ સગવડ કરી આપીશ , પણ તું ક્યાં સુધી મારા આધારે રહીશ ? તને નથી લાગતું કે તારા પ્રોબલેમ્સ તારે જાતે સોલ્વ કરવા જોઇએ .? આર્થિક રીતે સ્વતંત્ર બનવું જોઇએ ... થોડું જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરતાં શીખ . જીવનમાં કયારેક ના ગમતું કામ પણ કરવું પડે છે . મારા ધ્યાનમાં છે એવા બેચાર માલેતુજાર યુવાનો ... આપણને ગમે કે ના ગમે પણ તેમના તાબે થવું પડે અને તેમાં કશું ખોટું પણ નથી ... કોઇ જોખમ નથી તેની હું તને ગેરન્ટી આપું છું .માત્ર બે કલાકનો જ સવાલ છે . તે તને બે કલાક હોટલમાં લઇ જશે અને હું ખોટું નહીં બોલું ... તારો દેહ ચૂંથશે – શરીર સુખ ભોગવશે .... પણ ઓછામાં ઓછા બે હજાર રૂપિયાથી માંડી પાંચ હજાર રૂપિયા ચૂકવશે . તારી આખા મહિનાની પૈસાની ભૂખ ભાગી નાખશે . તારે મુશ્કેલીમાં કોઇની પાસે હાથ લાંબો નહીં કરવો પડે . તું માનીશ ... હું પણ એજ કામ કરું છું ,બાકી હું કાંઇ પૈસેટકે સુખી છું એમ ના માનીશ...! અને આપણે ક્યાં શોખ માટે આ ધંધો કરવો છે ? અને કાયમ પણ નહીં ,જ્યારે પૈસાની તૂટ પડે ત્યારે બે કલાક અણગમતું કામ કરી લેવાનું ...! બીજા પાસે હાથ લાંબા કરવા ,કોઇનું ઓશિયાળું થવું એના કરતાં સ્વમાનભેર જીવવું શું ખોટું ?અને આમાં ક્યારેય ગીલ્ટી કોન્શીયસ પણ અનુભવવાની જરૂર નથી ... આપણે કશું ખોટું કરતાં નથી માત્ર જીવન સાથે એક સમાધાન કરીએ છીએ ... આપણી મજબૂરી આપણને કોમ્પ્રોમાઇઝ કરતાં શીખવાડે છે માટે .... તું વિચારી જો ... હમણાં તો હું તારી ભીડ ભાગું છું તને હજાર રુપિયા આપું છું પણ હું ઇચ્છું છું કે તું પણ મારી માફક આર્થિક રીતે સધ્ધર બન ... વિચારી જોજે અને પછી મને કહેજે એટલે હું બધી ગોઠવણ કરી આપીશ ... કોઇ વાંધો નહીં આવે .અને હા... હું આ તારા ભલા માટે કહું છું ... મારે કાંઇ દલાલી લેવાની નથી ...!
નીવા વિચારોમાં પડી ગઇ ., તે શું હતી અને શું થઇ ગઇ ? કિસ્મત પણ કેવા કેવા ખેલ ખેલાવે છે ..! બાકી તે પોતે પણ કરોડોમાં આળોટતી હતીને ?
વિવેક સાથે તેનાં ધામધૂમથી લગ્ન થયાં હતાં . બાપ તો હતા નહીં પણ માએ ધામધૂમથી તેને વિવેક સાથે પરણાવી હતી . તેણે ના પાડી હતી વધારે ખર્ચો કરવાની કારણકે તે એકલી નહોતી ... પાછળ નાની બહેન રૂપા પણ હતી પણ માએ તેની એકપણ વાત સાંભળી નહોતી . વિવેકનાં માતાપિતાએ જેટલું દહેજ અને સોનુ માગ્યું તે બધું તેની માએ તેને આપ્યું હતું . માત્ર એટલું જ નહીં તેની સાસરીવાળાની બધી જ ડિમાન્ડ તેની માએ પૂરી કરી હતી .તે પોતે પણ ખુશ હતી .
વિવેક દેખાવમાં રાજકુમાર જેવો જ હતો . માયાળુ અને પ્રેમાળ પણ હતો . તેનો પડ્યો બોલ ઝીલતો હતો . હનીમુન માટે પણ તેને સ્વીટઝર્લેન્ડ લઇ ગયો હતો . આવો પતિ મેળવવા બદલ તે પોતાને ભાગ્યશાળી માનતી હતી . જીવનમાં સુખનો તો જાણે વરસાદ વરસવા માંડ્યો હતો પણ .... વિવેકમાં એક ખામી હતી , તે માવડિયો હતો ... માબાપની ઇચ્છા પાસે તે બધું જ ભૂલી જતો હતો . તેનાં માબાપ સામે તેને નીવાની પણ કોઇ કિંમત રહેતી નહીં .માબાપની વાત આવે એટલે તે નીવાનો પ્રેમ પણ વિસરી જતો . અને નીવાને પણ તુચ્છકારી નાખતો.કેટલીયવાર તેને વિવેક સાથે આ બાબતમાં ઝગડા પણ થયા હતા પણ તે પોતાની વિચારસરણી બદલવા તૈયાર નહોતો . તેને મન તેનાં માબાપ ભગવાન હતાં . તેમાંય તેની માનો તો તે પડ્યો બોલ ઝીલતો હતો . માબાપ સિવાયની બીજી બધી વાતમાં તે નીવાને સહકાર આપતો... નીવાનું ધાર્યું જ થતું ....! પણ ...
આમ તો તે અઠવાડિયે , દસ દિવસે માની ખબર કાઢવા , બહેનની ખબર કાઢવા પિયર જતી હતી . તેનું પિયર ગામમાં જ હતું એટલે એ બાબતની શાંતિ હતી . વિવેક તેમાં વાંધો લેતો નહીં પણ ...! તેની સાસુંને આ ગમતું નહીં , કાયમ બબડતી કે આ શું છાસવારે મા પાસે દોડી જાય છે ..? તેમાં તેની મા બિમાર પડી , તેને ટીબીનું નિદાન થયું એટલે તેનો જીવ અધ્ધર થઇ ગયો .. તેણે વિવેક સમક્ષ તેની માને તેમને ઘેર લઇ આવવાની અથવા તેને પિયર રહેવા જવાની દરખાસ્ત મૂકી , વિવેકને વાંધો નહોતો પણ તેની સાસુએ ઘસીને ના પાડી દીધી ... તેમાંથી ઝગડો વધી પડ્યો , તે સાસુની ના હોવા છતાં વિવેકને પણ પૂછ્યા સિવાય પિયર જતી રહી .બસ ... પતી ગયું . તેની સાસુને મોકળું મેદાન મળી ગયું અને તેણે વિવેકની કાન ભંભેરણી કરી ... ડાયવોર્સ માટે તૈયાર કર્યો . તેનાં સાસુ સસરાને એમ હતું કે વિવેકને સરળતાથી બીજી પત્ની મળી જશે પણ તેમને બીજી બૈરી ના મળી તે ના મળી ...! નીવા પણ હવે પસ્તાતી હતી કે તેણે ડાયવોર્સ પેપર ઉપર સહી કરવાની જરૂર નહોતી પણ હવે શું ?અબ પછતાયે ક્યા હોવત હૈ જબ ચિડિયા ચુગ ગઇ ખેત ...? જો તેણે ડાયવોર્સ ના લીધા હોત તો અત્યારે લહેર કરતી હોત ... આવાં હવાતિયાં તો ના કરવાં પડત ...! પણ હવે શું?
અવની સાથે વાત થયા પછી નીવાનો આખો દિવસ વિચારોમાં ગયો . તે અવનીની વાત ઉપર જ વિચાર કરતી હતી ... ઘડીકમાં અવનીની વાત સાચી લાગતી , તો તેનો અંતરાત્મા તેનો વિરોધ કરતો . રાતે પણ તેને મોડા સુધી ઉંઘ ના આવી ... તે આજ વાત વિચાર્યા કરતી હતી તેમાં જ ...!
તેણે અવનીની વાત સ્વીકારી લીધી . અવની ખુશ થઇ ગઇ . એક યુવક સાથે બે કલાકના ત્રણ હજાર રુપિયામાં સોદો નક્કી થયો ફોન ઉપર જ ...! તેણે હા પાડી દીધી . અવનીએ જે હોટલ કહી હતી તે હોટલમાં તે બની ઠનીને પહોંચી ગઇ ... જાણે પેલા આણે સાસરે જતી નવોઢા જ જોઇ લ્યો ...! તેના મનમાં ગભરાટ હતો . કેવો પુરૂષ હશે ? યુવાન હશે કે ઉંમરવાળો ...? તેની સાથે કેવું વર્તન કરશે ? વગેરે અનેક મુંઝવણો હતી . તેણે બીતાં બીતાં રૂમમાં પ્રવેશ કર્યો ... પડદો ખસેડીને જેવો તેણે રૂમમાં પ્રવેશ કર્યો ‘તો ...તો .... તેની આંખે અંધારાં આવી ગયાં –આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો .. તેને સાચું નહોતું લાગતું ...! પણ સામે વિવેક બેઠો હતો પલંગ ઉપર ...! તેને જોઇને જ બોલ્યો ,” નીવા તું ..? “ તો તે પણ સામે બોલી ,”’ વિવેક તમે ..?” તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી અને ઉભા થયેલા વિવેકને બાઝી પડી ... તેની આંખમાંથી આંસુની ગંગોત્રી વહેવા માંડી અને તેણે આંખો ઉપર હાથ ફેરવ્યો ‘તો ... લોહીનાં આંસુ ....! તેની આંખ ખુલી ગઇ ....!