સારસ બેલડી
સારસ બેલડી
સમાચાર તો ઘણા વહેલા આવી ગયા હતા. અનુપની લાશ લઇને ગાડી અકસ્માતના સ્થળેથી નીકળી ત્યારના..! બસ..ત્યારથી જ નિકી જાણે કે ગાંડી જ થઇ ગઇ હતી, તેને કશું જ ભાન રહ્યું નહોતું. ગમે તેમ બબડાટ કરતી હતી ..! સારસ બેલડી ... રામાયણનો એનીમેટેડ સારસ બેલડીનો પ્રસંગ જાણે કે તેની નજર સામેથી ખસતો જ નહોતો. પ્રેમક્રીડામાં મગ્ન અને મસ્ત સારસ બેલડી, શિકારીની નજરે ચઢે છે. તેને શિકાર કરવાની લાલચ થાય છે, તે બાણ ચલાવે છે. સારસ ગોથું ખાઇને પડે છે , તેને તેના હદય ઉપરજ બાણ વાગે છે અને ત્યાંને ત્યાંજ તેના પ્રાણ ઉડી જાય છે. તેની પાછળજ સારસી પણ માથાં પછાડી પછાડીને મૃત્યુ પામે છે ! કેટલો બધો પ્રેમ હતો, સારસ સારસી વચ્ચે !
નિકીને લાગે છે કે તે પણ હવે તેના અનુપ વગર નહીં જ જીવી શકે ! તેનો અનુપ સાથેનો પ્રેમ કાંઇ સારસ બેલડી કરતાં ક્યાં ઓછો હતો ? ના..ના.. કદાચ તેના કરતાં પણ વધારે હતો ! તે અનુપની લાશ જોઇને જ નહીં જીવી શકે. તે સહન કરી શકશે જ નહીં. કદાચ તેનું હદય પણ બંધ થઇ જશે. કદાચ સાવિત્રીની માફક તે પણ અનુપની પાછળ પાછળ જ જશે. કાં તો અનુપના વિરહમાં તે પોતાનો પ્રાણ ત્યાગી દેશે અથવા તો પછી યમરાજા સાથે લડીને પણ અનુપનો જીવ પાછો લઇ આવશે. ના..ના. તે પોતાના અનુપ વિના ક્યારેય જીવી શકશે નહીં. અનુપ જ તેનો આત્મા હતો. અનુપ વિનાનું જીવન એટલે બસ આત્મા વિનાનું ખોળિયું ! આત્મા વિના દેહનું કોઇ અસ્તિત્વ જ નથી હોતું. તેનો કોઇ ઉપયોગ જ નથી. તેને માત્ર અને માત્ર બાળી મૂકવા સિવાય કોઇ જ રસ્તો નથી ! તે અનુપ વિના ક્યાંથી જીવી શકે ? બે દેહ એક પ્રાણ હતા તેમના ! સારસ બેલડીની જ જોડી હતી.
અનુપને પામવા માટે તેણે કેટકેટલો સંઘર્ષ ક્ર્યો હતો ! માત્ર તેણે એકલીએ જ નહીં પણ અનુપે પણ. તે બંને દુનિયા સાથે લડ્યાં હતાં, કુટુંબ સાથે લડ્યાં હતાં. પણ એક થયાં હતાં. લવ મેરેજ હતું તેનું અનુપ સાથે. અનુપ એવી જ્ઞાતિમાંથી આવતો હતો જેનો સ્પર્શ પણ નિકીની બ્રાહ્મણ જ્ઞાતિ માટે વર્જિત હતો. તો પણ નિકી પાછી પડી નહોતી. તેની માએ તો તેને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી, તો પણ તે એકની બે નહોતી થઇ. તેણે તો માત્ર એક જ હઠ લીધી હતી કે પરણું તો અનુપને જ. બાકીના બધા જ પુરૂષો તેના માટે ભાઇ હતા. માબાપ જો અનુપ સાથે પરણવાની મંજૂરી નહીં આપે તો તે જીવનભર કુંવારી રહેશે અથવા તો ભાગીને લગ્ન કરશે. મા આપઘાત કરવા માગતી હોય તો ભલે. તે પણ માની પાછળ જ આપઘાત કરી લેશે, પણ પરણશે તો અનુપ સાથે જ ..!
આટલું અધૂરૂં હોય તેમ તેની જ્ઞાતિના આગેવાનો પણ ભેગા થયા હતા અને તેને ત્યાં બોલાવી હતી. તેમનો પણ એક જ સૂર હતો કે નિકીએ લગ્ન કરવાં હોય તો બીજી કોઇપણ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરી શકે છે. પંચોને તેમાં કોઇ વાંધો નથી , પણ અનુપ કે અનુપની જ્ઞાતિમાં તો નહીં જ. અને જો તે પંચની ઉપરવટ જઇને પણ અનુપ સાથે લગ્ન કરશે તો તેના કુટુંબ અને ઘરને જ્ઞાતિ બહાર મૂકવામાં આવશે. તેના ઘર અને કુટુંબ સાથેનો જ્ઞાતિનો સમગ્ર વ્યવહાર –વાટકી વ્યવહાર અને બેટી વ્યવહાર કાપી નાખવામાં આવશે. કોઇ તેમના ઘરનું પાણી પણ પીશે નહીં. છતાં તે અડગ રહી હતી, તેણે સહેજ પણ નમતું આપ્યું નહોતું. માત્ર એટલું જ નહીં પણ અનુપને પણ હિંમત આપી હતી. મક્કમ અને અડગ રહેવાની શિખામણ આપી હતી. અરે ,એ તો ઠીક પણ ભાગીને લગ્ન કર્યા પછી પણ કોઇ તેમને ભાડે ઘર આપવા તૈયાર નહોતું, તો તેમણે ગામ બદલી નાખ્યું હતું.
શરૂઆતમાં તો બંને જણ મજૂરી કરતાં હતાં. નિકી પણ લોકોના ઘેર કપડાં-વાસણ અને પોતાં કરતી હતી. ખાવાનું ના હોય તો એકેક બબ્બે ટંક તેમણે ઉપવાસ કરીને વિતાવી હતી. પછી ધીરે ધીરે અનુપે પોતાની કારીગરી બતાવી હતી. દુકાન ભાડે રાખી ગેરેજ ખોલ્યું હતું. ધંધો હમણાં હમણાંનો જ જામ્યો હતો. હજુ તો હમણાં જ સુખના દિવસો આવ્યા હતા. ત્યાંજ આ અકસ્માત થયો ! નિકીના માથે જાણે કે આભ તૂટી પડ્યું. તેની નજર સમક્ષ પેલી સારસ બેલડીની એનીમેટેડ ફિલ્મ વારંવાર ફરવા માંડી. ના..ના... નહીં જીવી શકે તે પોતાના અનુપ વિના, પોતાના પ્રેમ વિના. તે ચીસો પાડતી હતી. માથાં પછાડતી હતી. પણ તેનુ કાંઇ ઉપજે તેમ નહોતું. તેના મોંઢે તો લોકો તેના પ્રેમને વખોડતા હતા પણ, પાછલા બારણે તો તેમનો પ્રેમ ઉત્ક્રુષ્ઠ ગણાવતા હતા . લૈલા–મજનુ, શીરી–ફરહાદ કરતાં પણ તેમનો પ્રેમ ઉત્ક્રુષ્ઠ હતો. અનુપ –નિકીએ પ્રેમમાં ઘણા ઘણા સંઘર્ષો વેઠ્યા હતા. ઘણી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અને એટલે જ કદાચ તેમના પ્રેમને કોઇકની નજર લાગી ગઇ હતી. એટલે જ તેના જિગરનો ટુકડો અનુપ તેને છોડીને ચાલ્યો ગયો હતો. આમ તો તે હોંશિયાર કારીગર હતો. પણ રીપેરીંગમાં આવેલી કોઇકની બાઇક લઇને તે તેનો ટેસ્ટ કરવા નીકળ્યો હતો, તેને ખબર નહોતી કે એ બાઇકની બ્રેક લાગતી નહોતી ! સામેથી આવતી ટ્રક સાથે એ બાઇક ધડાકાભેર અથડાઇ હતી. બાઇકના તો કુચ્ચે કુચ્ચા નીકળી ગયા હતા પણ સાથે સાથે તેના શરીરના પણ કુચ્ચા નીકળી ગયા હતા.આખો ચહેરો છુંદ
ાઇ ગયો હતો, ખોપરી ફાટી ગઇ હતી.
અનુપની લાશ ઘરમાં આવી. ઓળખાય એવી પણ એ લાશ નહોતી છતાં પણ ડાબા કાન પાસેના મસા ઉપરથી અને છાતી ઉપરના લાખા ઉપરથી જ તેણે એ લાશ ઓળખી. તે સાથેજ તેણે પડતું મૂક્યું. ઉભીને ઉભી જ તે ધરતી ઉપર પછડાઇ. આંખે અંધારાં આવી ગયાં. કોઇકે જાણે કે તેને ઊંડા કૂવામાં ધક્રેલી દીધી હતી. અંધારો કૂવો, ચીબરીની ચમચ, કૂતરાંના રડવાના અવાજો, ભુત જાણે કે રડે ભેંકાર ! તો પણ તે દોડતી હતી. આકાશમાંથી અગ્નિવર્ષા થતી હતી. જાણે કે ચારે બાજુ ફૂટી નીકળેલાં વૃક્ષો ઉપર વીંટળાયેલા સર્પો પોતાની જીભ લપલપાવતા તેના ઉપર પડતા હતા. પણ નિકીને તેનું કોઇ જ ભાન નહોતું, તે તો બસ દોડતીજ જતી હતી. અનુપ અનુપની બૂમો પાડતી હતી ! આગળ યમરાજા અનુપને લઇને, અનુપનો આત્મા લઇ દોડતા હતા. પાડા ઉપર જાણે કે ઉડતા હતા અને પાછળ નિકી ! બંને વચ્ચે જાણે કે રેસ લાગી હતી. નિકી બૂમો પાડતી હતી, પણ તેની બૂમો તો ત્યાંને ત્યાંજ ઘુમરાઇ તેના જ કાનમાં પડઘા પાડતી હતી. 'અનુપ ..અનુપ...' પણ તેનો અનુપ તેની બૂમો ક્યાં સાંભળતો હતો ? ન તો અનુપને લઇ જતા યમરાજા કે તેમનો પાડો કોઇ તેની બૂમો સાંભળતા હતા. અને ક્યાંથી સાંભળે ? તે ક્યાં સતી સાવિત્રી હતી કે જે યમરાજાને પણ પાછા વાળવા સક્ષમ હતી. પણ તેણે એક નિર્ધાર તો કરી જ લીધો હતો કે ગમે તે થાય. તે પોતાના અનુપ વિના જીવી શકવાની નથી ! તે અનુપની પાછળ પાછળ જ જવાની છે ગમે તે થાય. જ્યાં તેનો અનુપ ત્યાં જ તે –નિકી !
આખું એક ઝાડ કડડભુસ કરતું તેના ઉપર પડ્યું. તે સહેજ માટે બચી ગઇ. મનોમન તો એવું પણ થયું કે જો તે ઝાડ તેના ઉપરજ પડ્યું હોત તો સારૂં. તેનો આત્મા પણ તેનો દેહ છોડી દેત. તો કદાચ અનુપના આત્મા સાથે બહુ ઝડપથી મિલન થઇ જાત. બંનેના આત્મા એક થઇ જાત. પણ તેના નસીબમાં એવું સુખ ક્યાં લખાયું હતું ! ભૂતો, પિશાચો અને ખવીસો તેના માર્ગમાં આડાં ઉતરતાં હતાં. માથા વિનાના ખવીસો તો તેને ડરાવી પાછી વળી જવા મજબૂર કરતાં હતાં. આગળ અગ્નિકુંડ આવ્યો. અગ્નિકુંડના આ છેડે નિકી હતી અને સામા છેડે તેનો અનુપ. ઘડીભર તો તે ગભરાઇ ગઇ, હવે શું કરવું ? તેની મૂંઝવણ થવા માંડી. મન ગભરાવા લાગ્યું. પણ એમ હિંમત હારી જાય તો તો તે નિકી જ નહીં ! તેણે પણ પોતાના ઇષ્ટ દેવનું નામ લઇ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું.
આજુબાજુથી કોઇકના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. પણ તે મક્કમ રહી. તેને લાગ્યું કે તેનું સમગ્ર શરીર જાણે કે શેકાઇ રહ્યું છે, તેના નાકમાં બળતા માંસની વાસ પણ આવવા માંડી. પણ... તે અગ્નિકુંડમાં આગળ વધતી જ રહી. અગ્નિકુંડના સામે છેડે પહોંચીને તેણે જોયું તો તેના અનુપનું કે યમરાજાનું કોઇ અસ્તિત્વ જ નહોતું. ક્યાં સંતાઇ ગયા એ લોકો ? ક્યાં ગયો મારો અનુપ ? તે બૂમો પાડતી રહી પણ કોઇ પ્રત્યુતર મળતો નહોતો. ત્યાં તો તેણે જોયું કે હવે આગળ જવાય એમ જ નહોતું. તેની સામે ઉંડી. અંધારી ખાઇ હતી. જેમાંથી સાપ, અજગર, દેડકા, મગર, ના જાણે કેટકેટલા જીવો ડોકિયાં કરી તેને ખાઇ જવાનો પ્રયાસ કરતા હતા. જે થવાનું હોય તે થાય. આ બધા ઝેરી જીવો તેનો કોળિયો કરી નાખે તો પણ તેને ક્યાં વાંધો હતો ? તે તો મરવા માટે જ આવી હતી. ને અનુપની પાછળ પાછળ ! અનુપ વગરની જિંદગી કરતાં અનુપ સાથેનું મોત તેને વધારે વહાલું હતું. તેણે જે થવાનું હોય તે થાય એવું વિચારીને ખાઇમાં ઝંપલાવ્યું. નાગ અને વીંછી તેને ડંખ મારવા માંડ્યા. અજગર તેના શરીરનો ભરડો લેવા માંડ્યો ! તેને ગભરામણ થવા માંડી. તેનો શ્વાસ રૂંધાવા માંડ્યો પણ તે ખાઇમાં આગળ વધતી જ રહી. હવે તેને ન તો યમરાજા દેખાતા હતા કે ના તેનો અનુપ. તે અનુપ અનુપના નામની બૂમો પાડતી આગળ વધી રહી હતી. હવે ખાઇ વિશાળ લોહીના મહાસાગરમાં પરીવર્તિત થઇ ગયો હતો. ઉકળતું અને તેને દઝાડતું લોહી. તે ગભરાયા વગર દોડતી હતી, પડતી હતી, પછડાતી હતી પણ ફરીથી ઉભી થઇને દોડતી હતી. પણ તેનો અનુપ ક્યાં ? તે અનુપના નામની બૂમો પાડતી હતી. તેની બૂમોના પડઘા પડતા હતા. પણ તેને જવાબ મળતો નહોતો. કોઇક અટ્ટહાસ્ય કરતું હતું. સાથે સાથે બોલતું હતું. છોકરી પાછી વળી જા. તને મોત સિવાય કશું મળવાનું નથી, નાહકની શું કામ દોડ દોડ કરે છે ? પણ ના.. એમ હાર માની લે તો તે નિકી નહીં.
મારૂં જે થવાનું હોય તે થાય, પણ હું પાછી વળવાની નથી જ. હું મારા અનુપને પામ્યા સિવાય પાછી નહીં જ જાઉં. તેના જ અવાજના જાણે કે પડઘા પડતા હતા. હું અનુજને જીવતાં જીવ નહીં તો મરીને પણ પામ્યા વિના નહીં રહું. તેણે બૂમ પાડી,સામે કોઇના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. તેના પડઘા પડતા રહ્યા અને અચાનક એ પડઘા નાની બાળકીના અવાજમાં ફેરવાઇ ગયા. મમ્મા, મમ્મા, મને એકલી મૂકીને તું ક્યાં જાય છે ? પપ્પા તો જતા રહ્યા અને હવે તું પણ ! તે ધ્રૂજી ઉઠી અરે ! આ તો મારી રૂપાનો અવાજ. હું આવું છું બેટા, તને મૂકીને હું ક્યાંય નહીં જાવું. એ આવી ..!
નિકીએ ઉંહકારો કર્યો – 'મારી રૂપા ક્યાં ? અને તે બાઝી પડી ..!'