ખૂની

ખૂની

7 mins
793


 "પરીમલ પંડ્યા“ નામ વાંચીને જ નમિતા ઊભી થઇ ગઇ. આ પરીમલ એક નંબરનો ગુંડો, મવાલી, ખૂની ...! તેની આટલી હિંમત કે તે મારી ઓફિસમાં મને મળવા આવી ગયો ? નમિતા ગુસ્સાથી ધ્રૂજતી હતી. નમિતા એટલે કોણ ? ગામની મોટામાં મોટી બેંકની મેનેજર. હમણાં જ તેને પ્રમોશન મળ્યું હતું અને તે અમદાવાદથી બદલાઇને અહીં આવી હતી.સ્ટાફમાં અને મેનેજમેંટમાં તેની એક પ્રમાણિક ઓફિસર તરીકેની છાપ હતી. બધાં સાથે મળતાવડો સ્વભાવનો બોસીસમ ! તેના હાથે ક્યારેય ખોટું ના થાય ! ભ્રષ્ટાચાર વગરનું વ્યક્તિત્વ. ગમે તેટલી લોન મંજૂર કરવાની હોય તો પણ તેમાં તે કોઇ આશા રાખતી નહીં. બાકી બધા ઓફિસરો તો લોનની રકમના બે ટકાથી માંડી પાંચ ટકા સુધીની દક્ષિણાની માગણી કરતા હોય. લોન ઓફિસર પોતે પણ નમિતા મેડમના કારણે ઉપલી કમાણી કરી શકતો નહોતો. એવી આ નમિતા. અને તેને મળવા આવ્યો હતો –પરીમલ પંડ્યા. એક ખૂની, જેલમાં જઇ આવેલો !


હા, આજ પરીમલ હતો જેની સાથે નમિતાએ કોલેજકાળમાં “ઇલુ ઇલુ”ના ખેલ ખેલ્યા હતા. તેનો કોલેજ કાળનો પ્રેમી હતો. સાથે જીવવા મરવાના કોલ આપેલા હતા. પણ પછી પરીમલ તેના બનેવીના ખૂનમાં સપડાયો. સપડાયો શાનો ? તેણે તેમનો ખેલ ખતમ જ કરી નાખ્યો હતો. ઘરની વચ્ચો વચ્ચ છરી ઘાલી દીધી હતી તેના ગળામાં, રેડ હેન્ડેડ પકડાયો હતો. બધા પુરાવા તેની વિરૂધ્ધ હતા એટલે તેને ખૂનની કબૂલાત કર્યા વિના છૂટકો જ નહોતો. તેણે પોતે પોતાનો ગુનો કબૂલી લીધો અને તેને આજીવન કેદની સજા થઇ હતી. કદાચ તેની સારી ચાલચલગત અને વર્તાવના કારણે તેની સજા માફ થઇ હોય અને તે છૂટીને આવ્યો હોય એવું પણ બને. તે તેને મળવા ખાનપુર ગામથી અહીં સુધી આવ્યો હતો અને તે પણ બેંકમાં !


તે અને પરીમલ એક જ કોલેજમાં ભણતાં હતાં સાથે જ એક ક્લાસમાં ! બંને ભણવામાં હોંશિયાર હતાં, બંને વચ્ચે કાયમ પ્રથમ નંબર માટે હરીફાઇ થતી, ક્યારેક પરીમલનો પ્રથમ નંબર આવે તો ક્યારેક નમિતાનો ! પણ તેમની વચ્ચેની આ હરીફાઇ તો તંદુરસ્ત હરીફાઇ હતી, અને આ હરીફાઇના કારણે જ બંને એકબીજાની વધારે નજીક આવ્યાં હતાં. બંને વચ્ચે મિત્રતા થઇ હતી પણ એ મિત્રતા પરિણયમાં ક્યારે પરિવર્તિત થઇ ગઇ તેનું બેમાંથી એકેયને ભાન નહોતું. કોલેજ કેન્ટીનથી શરુ થયેલો ચાની ચુસ્કીઓનો એ દોર કયારે હોટલના દરવાજા સુધી પહોંચી ગયો અને ત્યાંથી આગળ વધી ગાર્ડનમાં ફરતો થઇ ગયો તેની  બેમાંથી એકેયને ખબર ના પડી. સાથે જીવવા મરવાના કોલ પણ અપાઇ ગયા. બંને જણે પોતપોતાના વડીલોની સંમતિથી જીવનસાથી બનવાનું પણ નક્કી કરી લીધું હતું પણ.


નમિતાના પપ્પા સરકારી નોકરી કરતા હતા અને અચાનક તેમની બદલી થઇ ગઇ દૂરના શહેરમાં. એ લોકો એક થાય તે પહેલાં તો છૂટા પડવાનો વારો આવ્યો. એક બીજાથી અલગ થઇ ગયાં. જો કે શરુઆતમાં તો ફોન કોલ્સ અને પત્ર વહેવાર ચાલુ હતો પણ સમયની થપાટો વાગતાં તેમાં ઓટ આવવા માંડી. પરીમલ ભણી રહ્યા પછી કોઇક કંપનીમાં સામાન્ય કલાર્કની નોકરીમાં જોડાઇ ગયો છે એવા સમાચાર નમિતાને મળ્યા હતા. નમિતાએ તો કોમ્પીટીટીવ પરીક્ષાઓ અને બેંકની પરીક્ષાઓ આપવા માંડી. તેને નોકરીની કોઇ તાત્કાલિક જરૂર નહોતી, તેના પપ્પા સરકારી ઓફિસર હતા અને તે દિકરીની કમાણી ખાવા ઇચ્છતા નહોતા. આથી નમિતા શાંતિથી જ ભણતી હતી. જો કે તેના પપ્પાને તેના હાથ પીળા કરવાની તો ઉતાવળ જ હતી પણ હજુ નમિતા પરીમલમાં જ રમતી હતી. પરીમલ સાથેનો સંપર્ક ઓછો થઇ ગયો હતો પણ વિસરાઇ ગયો નહોતો.


અઠવાડિયે દસ દિવસે તે અને પરીમલ ભેગાં થતાં હતાં, હોટલો, ક્લબો અને સિનેમામાં મોજ મસ્તી કરતાં હતાં. એકબીજાનાં જીવનસાથી બનવાનાં સપનાં જોતાં હતાં. નમિતા પરીમલમય અને પરીમલ નમિતામય બની ગયાં હતાં અને આથી જ નમિતા તેને જે છોકરો બતાવવામાં આવે તેને રીજેક્ટ કરતી હતી. પરીમલની બહેનના લગ્નમાં તો પરીમલ અને નમિતા બન્ને મન મૂકીને નાચ્યાં હતાં.લોકો પણ સમજી ગયાં હતાં કે આ લોકો જ લગ્ન કરવાનાં છે. પણ તે વખતે પણ નમિતાને લાગ્યું હતું કે પરીમલના બહેનના સાસરીવાળાં પૈસા અને દહેજનાં લાલચુ જ છે. સાસુની સાડીનો છેડો પકડવાની રસમ વખતે, જેમાં માંડ સો કે પાંચસો રુપિયા દાપું અપાય તેમાં પણ તેમણે રુપિયા પાંચ હજારની ડિમાંડ કરી હતી. જો કે ત્યારપછી એ લોકોએ કોઇપણ પ્રકારની આડાઇ કરી હોય તેવું સાંભળવામાં આવ્યું નહોતું. પછી જે સમાચાર મળ્યા હતા તે પ્રમાણે પરીમલની બહેનનો સંસાર સારી રીતે જ ચાલતો હતો. કોઇ વિઘ્ન નહોતું, સ્મુધ રનીંગ હતું.


પણ એકબીજાથી દૂર ગયા પછી તેમની વચ્ચેનો સંપર્કનો સેતુ તૂટી ગયો હતો. ફોન કોલ્સ અને મેસેજીસ ધીરે ધીરે ઓછા થવા માંડ્યા હતા. કયારેક ક્યારેક નમિતા પાસે પરીમલના કે પરીમલ પાસે નમિતાના સમાચાર આવતા રહેતા હતા એથી વિશેષ કાંઇ નહીં. દિવસો વીતતા રહેતા હતા. એક અઠવાડિયે પરીમલ ઉપર નમિતાનો ફોન આવ્યો કે આવતા રવિવારે તેના મમ્મી પપ્પા પરીમલને જોવા અને તેમના સબંધ વિશે વાત કરવા આવે છ. નમિતાએ તો કહી પણ દીધું હતું કે –જો તેમણે લગ્નના બંધનમાં જોડાવું હોય તો આ વખતે ફાઇનલ કરી નાખવાનું. નમિતા હવે વધારે રાહ જોવા તૈયાર નહોતી. પરીમલ પણ તેની વાત સાથે સમંત થઇ ગયો હતો.


પછીના રવિવારે પરીમલના મમ્મી પપ્પાની હાજરીમાં જ બાકીની બધી વિધિ પતાવી દેવાનો તેમણે નિર્ધાર કર્યો હતો અને ત્યાં જ વિઘ્ન આવી ગયું. રવિવાર આવે તે પહેલાં તો સમાચાર આવી ગયા કે પરીમલે તેના બનેવીનું ખૂન કરી નાખ્યું છે. નમિતાને પહેલાં તો આ સમાચાર સાચા જ ના લાગ્યા પણ પછી ખબર મળી કે પરીમલે ઉપરા ઉપરી છરીના ઘા મારી નિર્દય રીતે તેના બનેવીને રહેંશી નાખ્યો છે. માત્ર એટલું જ નહીં પણ તેણે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે. પોલિસ સમક્ષ સરંડર કરી લીધું છે. ત્યારે એ વાત સાચી માનવા સિવાય નમિતા પાસે બીજો કોઇ રસ્તો નહોતો. આમે ય પરીમલ પહેલેથી જ ઉત્પાતિયો હતો.


તેણે એફ.વાય.માં હતો ત્યારે પણ એક લેકચરરને ઉપરાઉપરી ત્રણ તમાચા મારી દીધા હતા. જેના કારણે તેને કોલેજમાંથી રસ્ટીગેટ કરવા સુધીની વાત આવી ગઇ હતી. પણ તેણે જે લેકચરરને તમાચા માર્યા હતા તે લેકચરર ઉપર તેની છાપ સારી હતી, તેમણે જ પરીમલને માફ કરી દીધો હતો. બાકી તેને કોલેજ છોડવાનો જ વારો આવત. આમેય તે ગરમ મિજાજનો હતો અને ગુસ્સાના આવેશમાં તે લાંબો ટૂંકો વિચાર કર્યા વિના જ કોઇપણ પગલું ભરી દેતો હતો. તેના ઘરમાં પણ બધાં તેના ગુસ્સાથી ડરતાં હતાં. તે ગુસ્સામાં હોય તો જે વસ્તુ હાથમાં આવે તે પછાડે, જે વસ્તુ હાથમાં આવે તેનો ઘા કરી દે. એટલે પરીમલે ગુસ્સાના આવેશમાં જ તેના પોતાના બનેવીનું ખૂન કરી નાખ્યું હશે – તેમાં કોઇ બે મત નથી જ.


પટાવાળો પરીમલ પંડ્યાના નામની ચિઠ્ઠી આપી નમિતા મેડમ સમક્ષ નતમસ્તકે ઊભો હતો. તેના આદેશની રાહ જોતો. પરીમલને પોતાની વાત રજૂ કરવાની એક તક તો આપવી જ જોઇએ. નમિતાને લાગતું હતું. તેણે પટાવાળાને પરીમલને મોકલવા કહ્યું. પરીમલ આવ્યો – હાય, હેલો કરી નમિતાની રજા લઇ સામેની ખુરસીમાં ગોઠવાયો. નમિતા તેના તરફ તાકી રહી હતી. ઉંડી ઉતરી ગયેલી આંખો,બેસી ગયેલા ગાલ, વધી ગયેલી દાઢી. પરીમલ એક બાવા જેવો દેખાતો હતો .

"જેલમાંથી છૂટીને આવ્યો કે જેલ તોડીને ભાગ્યો ?" નમિતાએ હસતાં હસતાં પૂછ્યું .

"તને હું જેલમાંથી ભાગીને આવ્યો હોય એવો લાગું છું ? જેલમાંથી ભાગીને તો અહીં અવાય પણ નહીં. તારી સામે આવું તો તું જ મને પોલિસના હવાલે કરી દે. હસતાં હસતાં પરીમલ બોલ્યો." હવે તો તેના હાસ્યમાં પણ પહેલાં જેવો ચાર્મ રહ્યો નહોતો.

"તેં તારા બનેવીનું ખૂન કર્યું હતું ? શા માટે ?"

"એટલા માટે તો તારી પાસે આવ્યો છું. દુનિયાની નજરે , કોર્ટની નજરે હું ભલે ગુનેગાર હોવ, પણ હું તારી નજરે ગુનેગાર રહેવા માગતો નથી. દુનિયા ભલે મને ધુત્કારે પણ મારી નમિતા ભલે મારી ના થાય પણ કમસે કમ મને ધિક્કારવી તો ના જ જોઇએ. તારી સમક્ષ મારી નિર્દોષતા ભલે સાબિત ના થાય પણ મારી રજૂઆત કરવા જ હું આવ્યો છું. દુનિયાએ ભલે મને દોષિત ઠરાવ્યો પણ નમિતા, તમે તારા પ્રેમ ઉપર તો વિશ્વાસ હોવો જોઇએ. હું તારી નજરે ખૂની ના લાગું એટલે જ અહીં આવ્યો  છું. બાકી હું જાણું છું કે તેં મારા પ્રેમને અંતરમાં દફનાવી દીધો છે. તારી સમક્ષ હવે હું એક ત્રાહિત જ છું. પછી એણે જે કહાણી કહી તેનાથી નમિતાની નજરમાં પરીમલનું સ્થાન અદકેરું બની ગયું.


પરીમલના બનેવીને સરકારી નોકરી હતી. સારો એવો પગાર હતો અને મોભાદાર નોકરી હતી. પણ નફફટ નોકરીના ન્યાયે તેને પણ નોકરી છોડીને ધંધો કરવાની ઇચ્છા થઇ આવી. તેણે કોઇને ય પૂછ્યા વિના જ નોકરી છોડી દીધી. કોઇનીય સલાહ લેવાનું તેને યોગ્ય ના લાગ્યું – ઇવન પોતાની પત્નીની પણ તેણે સલાહ લીધી નહોતી. નોકરી છોડ્યા પછી તેણે પરીમલની બહેનને કાઢી મૂકી, પિયર મોકલી દીધી રુપિયા પંદર લાખ લેવા.  તેને બોલાવ્યો અને બીજે નોકરી કરવા સમજાવ્યો. પોતાનાથી પૈસાની વ્યવસ્થા તો થાય તેમ નથી તેમ ચોખ્ખું જણાવી દીધું. તેમાંથી એ બે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો. તેનો બનેવી છેલ્લા પાટલે બેસી ગયો. "જો તારા ભાઇથી મારી માંગણી પૂરી ના થતી હોય તો તું પોતે ધંધો કર. ધંધો કરીને પણ મારી માંગણી પૂરી કર. એવું અલ્ટીમેટમ તેણે પરીમલની બહેનને આપી દીધું. ઝગડો વધી પડ્યો, તુ તુ, મેં મેં થયું. પરીમલનો બનેવી રસોડામાંથી છરી લઇ આવ્યો. એ વાતની ખબર પડે તે પહેલાં જ તેણે એ છરી પરીમલની બહેનના ગળા ઉપર મૂકી દીધી. ઝપાઝપી થઇ , તેમાં પરીમલની બહેનના હાથે જ પોતાના પતિનું ખૂન થઇ ગયું. તેના ગળામાં છરીના ઉપરાઉપરી ઘા થયા અને પરીમલે પોતાની બહેનને બચાવવા છરી પોતાના હાથમાં લઇ લીધી. પુરાવા ઉભા કર્યા અને પોતાની બહેનના બદલે તેણે પોતાની જાતને ખૂની સાબિત કરી દીધી.

પરીમલની વાત પૂરી થઇ ઓફિસમાં સન્નાટો છવાઇ ગયો અને નમિતા રડતી રડતી પરીમલને બાઝી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance