વિદાય ટાણે
વિદાય ટાણે
હું પિતાજીની સમીપ ગઈ ત્યારે તેઓ “સુખી રહે...” આટલું કહી ત્યાંથી નીકળી ગયા. પિતાજી સ્વભાવે બહુ કડક... અમે બધા તેમને હિટલર કહીને સંબોધીએ પરંતુ આજે તેમનું આ તાનાશાહી વર્તન મને જરાયે ગમ્યું નહીં. હું મારા પપ્પાને વળગીને ખૂબ રડવા માંગતી હતી. પંરતુ!!! તેમના એ વર્તનથી મને ખૂબ ગુસ્સો આવ્યો. “પિતાજી, તમે ક્યારેય સારા પિતા બની ન શક્યા.” આ કહી સંભળાવવા હું તેમની પાછળ દોડી ગઈ. આજે પહેલીવાર હું તેમની સામે બોલવા જઈ રહી હતી. આજે વર્ષોથી ધરબી રાખેલી નફરત મારી જીભ પર આવવા તલસી રહી હતી.
પિતાજી તેમના ઓરડામાં ગયા હતા. મેં ગુસ્સાથી એ તરફ પગ ઉપાડ્યા પરંતુ બારણા પાસે આવી હું અટકી ગઈ... મારો સઘળો રોષ ક્ષણમાં ઓસરી ગયો. હું દોડીને તેમને ભેટીને કહેવા માંગતી હતી કે, “મને માફ કરી દો પિતાજી.” પંરતુ મને આમ અચાનક સામે આવેલી જોઇ તેમને કેવું લાગશે એમ વિચારી હું બારણા પાસેથી ખસી ગઈ અને એકાંતમાં ધ્રુસકે ધ્રુસકે મારા પિતાને રડવા દીધા મારી વિદાયને ટાણે.