Pallavi Gohel

Tragedy Inspirational Others

4  

Pallavi Gohel

Tragedy Inspirational Others

વિચારોનું દ્વંદ્વ યુદ્ધ

વિચારોનું દ્વંદ્વ યુદ્ધ

4 mins
405


લાચારી, ગરીબીથી ઘેરાયેલાં ચિરાગમાં હજું પણ પ્રામાણિકતા યથાવત હતી. પૈસાની ખેંચ હોવાં છતાં તેણે ક્યારેય કોઈ સામે હાથ નહોતો લંબાવ્યો કે ન તો તેણે કદી કોઈ ખોટાં માર્ગે વળવાનો વિચાર સુદ્ધાં પણ કર્યો. પત્ની અને બે બાળકોનાં જીવનને ખુશીથી ભરી દેવાં તે તનતોડ મહેનત કરતો હતો. જીવનનાં કેટકેટલાંય સંઘર્ષોને પાર પાડતો ચિરાગ આજે પત્નીની બિમારી સામે હારતો હોય એવું લાગતું હતું. પરિવારની બે સમયનાં ભોજન અને છોકરાઓનાં ભણતરનાં ખર્ચને સરભર કરતાં જ મહિનાનો પગાર પૂરો થઈ જતો હતો એવામાં બચત તો અશક્ય જ હતી. બચત નામે તેની પાસે કંઈજ હતું નહીં. બીજા દિવસે પહેલી તારીખ હતી તેથી પગાર આવવાનો હતો પણ એટલામાં પત્નીની સારવાર અને આખાં મહિનાનો ખર્ચ પૂરો થઈ શકે તેમ હતો જ નહીં, છતાં ઈશ્વરનું નામ લઈ તેણે પત્નીની બિમારીને પ્રાધાન્ય આપી તેને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. તેનું ગર્ભાશયમાં ઇન્ફેક્શન હોવાથી કોથળી કાઢવાંની હતી. ઓપરેશન તો સફળ રહ્યું, પણ ચિરાગ માટે ખરી મથામણ હવે જ તો શરૂ થઈ હતી. 

અડધાં ઉપર મહિનો પસાર થઈ ગયો હતો, નસીબ જોગે ચિરાગે પોતાનાં સાહેબને કરેલી એડવાન્સ સેલેરીની અરજી મંજૂર થઈ જતાં તે થોડો હળવો થઈ ગયો. તે એટીએમમાંથી પૈસા કાઢી નિકળ્યો તેવામાં એક અઢાર વર્ષનાં છોકરાએ તેનું પાકીટ ઝપટવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યો. ચિરાગે તેનો હાથ પકડી લીધો, તેને જોતાં તે સારાં ઘરનો લાગ્યો તેથી ચિરાગે તેને આમ ચોરી કરવાનું કારણ પૂછયું તો તેણે રડમસ થતાં કહ્યું, " તેનાં પિતા રહ્યા નહોતાં અને મા બિમાર છે તેની દવા લેવા તેની પાસે પૈસા નહોતાં તેને પ્રામાણિકતા સાથે ચાલવા પ્રયત્ન કર્યો પણ તેને ના છૂટકે ચોરીનો આ રસ્તો અપનાવો પડ્યો હતો." આ સાંભળી ચિરાગે તેને પોતાનાં પાકીટમાંથી થોડાં પૈસા આપી તેની મદદ કરતાં કહ્યું," પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય તો તેની સામે લડી લેવાની હામ રાખજે, આમ કોઈનાં પર હથિયારનાં બળે આસુરી વિચારને હાવી કરી બીજાને હાની ન પહોંચાડતો, સત્યનો રસ્તો કપરો બહું જ છે પણ અંતર આત્માને શાંતિ આ પથ પર ચાલીને જ મળશે". પેલાં છોકરાએ પોતાનાં હાથમાં રહેલા ચપ્પુને નીચે ઘા કરી દીધો અને ચિરાગનો આભાર વ્યક્ત કરતાં તે ત્યાથી જતો રહ્યો. ચિરાગ પણ પોતાનાં રસ્તે આગળ વધ્યો, થોડે દૂર જ ગયો હશે કે એક અન્ય યુવકે તેનાં ગળે ધારદાર ચપ્પુ અડાડતાં કહ્યું, " ચલ એય શાણા ચૂપચાપ પાકીટ આપી દે નહિ તો જીવથી જઈશ". ચિરાગ સામે પત્ની અને બાળકોનાં ચહેરા તરી આવ્યાં સાથે જ પાકીટમાં રહેલાં પૈસા સાથે તેનાં પરિવારનો આખા મહિનાનો ખર્ચ તે ગણવા લાગ્યો આ બધાનો વિચાર આવતાં તેણે હિંમત કરી તેનો વિરોધ કર્યો પણ તેની સાથે રહેલાં અન્ય બે સાથીઓ પણ હોવાથી તે હારી ગયો. પાકીટ તો ગયું પણ સાથે સાથે ચિરાગને એ ત્રણેય બદમાશોએ ઢોર માર પણ માર્યો.

ચિરાગ જેમ તેમ કરી ઊભો થયો, વિચારવાં લાગ્યો મારાં સારાપણાનું આવું વળતર ભગવાન ! હજું કેટલી પરીક્ષાઓ લઈશ તું ? આમતેમ ફંગોળાતો એ ફરી જમીન પર લથડીને પડી ગયો. એ પડ્યો તેની બાજુમાંજ પેલાનું ચપ્પુ પણ પડ્યું હતું, ચિરાગનાં મગજમાં પત્નીની દવાઓ, છોકરાઓની સ્કૂલની ફી, ઘર ખર્ચનાં વિચારો સતત ચાલી રહ્યાં હતાં. તેને કંઈજ સમજાતું નહોતું તે શું કરે ત્યારે અચાનક જ તેની નજર તેની બાજુમાં પડેલાં ચપ્પુ પર પડી. ખબર નહીં તેને શું વિચાર આવ્યો કે તેણે એ ચપ્પુ હાથમાં લઈ લીધું અને ચાલવા માંડ્યો. થોડું ચાલતાં આગળ એક એટીએમ દેખાયું, ત્યાં એક મોટી કાર આવી ઊભી રહી, તેમાંથી એક માણસ એટીએમમાં દાખલ થયો. આ જોઈ ચિરાગનાં માનસ પર બે વિચારોએ દ્વંદ્વ યુધ્ધ શરૂ કર્યું. આસુરી શક્તિ કહે, ચિરાગ દોટ મૂકી પેલાને ચપ્પુ બતાવી પૈસા પાડી લે અને તારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે. ત્યાં જ દૈવીય શક્તિએ તેને ઝકઝોળતાં કહ્યું, સતનો પથ અઘરો છે વિકટ છે પણ એ પથ પર ચાલીશ તો ઈશ્વર તને પરમ સુખની પ્રાપ્તિ કરાવશે. ચિરાગનાં મગજમાં ચાલી રહેલાં આ દ્વંદ્વ યુધ્ધે તેની હાલત સાવ કફોડી બની ગઈ હતી. તેણે આંખો બંધ કરી પોતાની અંતર આત્માને પૂછવાની કોશિશ કરી એજ સમયે એટીએમમાંથી પેલો માણસ બહાર આવતો દેખાયો, એજ સાથે ફરી આસુરી શક્તિ બોલી," દોડ અને પૈસા છીનવી લે". એજ સાથે દૈવીય શક્તિએ પણ તેને રોકતાં કહ્યું," આ પરેશાની ક્ષણિક છે, આ વિકટ સમય પણ પસાર થઈ જશે આવું ખોટું કામ કરી તું તારી જાતને પાપનો ભાગીદાર ન બનાવ". 

ચિરાગ આ દ્વંદ્વ યુધ્ધ સાથે લડતો લડતો એકદમથી દોડ્યો પેલાં માણસ તરફ, ચપ્પુ સાથે પોતાની તરફ દોડી આવતો માણસ જોઈ પેલો માણસ પણ એકદમ ગભરાઈ ગયો. ચિરાગ ચપ્પુની ધાને આગળ કરી પેલાં માણસ સુધી પહોંચી તેને ધકકો માર્યો અને તે માણસ પાછળ ઊભેલાં પાકીટ ચોર તરફ ચપ્પુ આગળ કર્યું એવો જ પેલો પાકીટ ચોર ત્યાંથી નાસી ગયો. એટીએમમાંથી બહાર નિકળેલાં અને પોતે ધકકો મારેલાં પેલાં માણસને ચિરાગે ઊભો કર્યો. ઊભાં થતાં જ તેણે ચિરાગને સહાયતા બદલ આભાર વ્યક્ત કરતાં પૂછ્યું," તમે સારા વ્યક્તિ લાગો છો તો પછી આ ચપ્પુ હાથમાં કેમ છે ?" ચિરાગે જવાબમાં પોતાની સઘળી વિગત કહી સંભળાવી. ચિરાગની હાલત અને સત્યનિષ્ઠાને જોઈ પેલાં માણસે ચિરાગને ઈનામ રૂપે થોડાં પૈસા આપ્યાં, પણ ચિરાગે એક વિનંતી કરતાં કહ્યું," તમે મદદ કરી શકો તો મને બે મહિના માટે મને પૈસા ઉધાર આપશો ? હું બે મહિનામાં આપનો આ કરજો ચૂકવી દઈશ." પેલો માણસ ખૂબ મોટી કંપનીનો માલિક હતો તે ચિરાગની પ્રામાણિકતાથી ખૂબ ખુશ થઈ ગયો તેણે ચિરાગને પોતાની કંપનીમાં ખૂબ સારી પોસ્ટ પર જોબ ઓફર કરી અને સાથે એડવાન્સ સેલેરી પણ આપવાની ઓફર આપી. આ સાંભળી ચિરાગની આંખોમાંથી હર્ષની અશ્રૃધાર વહેવાં લાગી. 

આસુરી શક્તિ પોતાની હાર થતાં જ હવા થઈ ગઈ અને દૈવીય શક્તિએ ચિરાગને કહ્યું," જોયુને મિત્ર પ્રામાણિકતા, અને સત્યનો પથ આગળ જતાં કેટલો સુંંવાળો થઈ જાય છે. ચિરાગનાં અંતરમનમાં શાંતિ વ્યાપી ગઈ અને તેની બધી જ સમસ્યાઓ પણ પળવારમાં હવા થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy